પોલીસ-કસ્ટડીમાં બાપ-દીકરાના જીવ લેનારા તામિલનાડુના ૯ પોલીસવાળાઓને ફાંસીની સજા સુધી પહોંચાડનારી મર્દાનીને ઓળખો
પોલીસોના કારનામાને ઉઘાડું પાડનાર લેડી કૉન્સ્ટેબલ રેવતી અને ફાંસીની સજા પામેલા નવ આરોપીઓ.
સ્ટાફમાં સૌથી જુનિયર હોવા છતાં કોઈનાથી ડર્યા વિના તામિલનાડુની કૉન્સ્ટેબલ આર. રેવતીએ થર્ડ ડિગ્રી વાપરનારા પોતાના સિનિયર્સ વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી, આ આરોપીઓની જાત-જાતની ધમકીઓ સામે અડગ રહીને સત્યનો સાથે આપ્યો. રેવતીની આ હિંમતે દેશભરના પોલીસો મનોમન ધ્રૂજી ઊઠ્યા તો અનેક પોલીસોમાં સત્ય સામે અવાજ ઉઠાવવાની હિંમત આવી ગઈ. મળો રેવતીને અને જાણો એ ઘટના વિશે
‘ઇન્ડા કલુદૈંગા અપડી નેરા પોગામાટ્ટાનુગા, પોલીસ સ્ટેશનુક્કુ તૂક્કુ. અંગા વેચુદાન ઇવનુગલા નેરા આક્કનુમ.’
ADVERTISEMENT
તામિલમાં બોલાયેલા આ શબ્દોનું સીધું ભાષાંતર છે, ‘આ ગધેડાઓ એમ સીધા નહીં ચાલે, ઉપાડ પોલીસ-સ્ટેશને. ત્યાં જ સીધા કરવા પડશે.’
૨૦૨૦ની ૧૯ જૂનની રાતે આ શબ્દો તામિલનાડુના થુનુકુડી જિલ્લાના સથાનકુલમ નામના નાના શહેરમાં બોલાયા હતા. કોવિડની મહામારીએ દેશ આખાને અડફેટે લીધો હતો અને કેન્દ્ર સરકારે લૉકડાઉનમાં રાહત આપીને ઑડ-ઈવન તારીખમાં વારાફરતી રોજ દુકાન ખોલવાની પરમિશન આપી હતી. ૮ વાગ્યે દુકાન બંધ કરી દેવાની અને એ પછી કરફ્યુ લાદી દેવામાં આવતો. સથાનકુલમની મેઇન માર્કેટમાં આવેલી APJ મોબાઇલ નામની નાનકડી દુકાન નિર્ધારિત સમય કરતાં ૧૦ મિનિટ વધારે ખુલ્લી રહી. મહિનાઓ પછી પહેલી વાર થોડો વેપાર થયો હતો એટલે દુકાનના માલિક પ૯ વર્ષના પી. જયરાજ અને તેમનો ૩૧ વર્ષનો પુત્ર જે. બેનિક્સ એ દિવસે ખુશ હતા. જોકે તેમની ખુશી લાંબી ટકી નહીં. તે લોકો દુકાન વધાવે અને ઘરે જવા માટે નીકળે એ પહેલાં જ બે કૉન્સ્ટેબલ દુકાનમાં એન્ટર થયા અને તેમણે નિયમ તોડવા બદલ દેકારો શરૂ કર્યો. થોડી વાર ભાઈસાબ-બાપા કર્યા પછી પણ દીકરા સામે ભદ્દી ગાળો બોલતા કૉન્સ્ટેબલ પર જયરાજ ગુસ્સે થયા અને કૉન્સ્ટેબલને ખાખીનો નશો દિમાગ પર ચડ્યો. તેણે જયરાજ પર હાથ ઉપાડવાની કોશિશ કરી, પણ જયરાજે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવાની વાત કરી અને કૉન્સ્ટેબલનો ઈગો હર્ટ થઈ ગયો.

પોલીસ-કસ્ટડીમાં થયેલા અત્યાચારથી મૃત્યુ પામેલા પિતા જયરાજ અને પુત્ર બેનિક્સ.
‘આ ગધેડાઓ એમ સીધા નહીં ચાલે, ઉપાડ પોલીસ-સ્ટેશને. ત્યાં જ સીધા કરવા પડશે.’
સામાન્ય બોલાચાલીના બદલામાં વગર વાંકે પોલીસે જયરાજને ઢસડીને દુકાનની બહાર કાઢ્યા અને જીપમાં નાખીને પોલીસ-સ્ટેશન રવાના થઈ ગયા. આંખ સામે પપ્પાની આવી હાલત જોઈને બેનિક્સે તરત જ દુકાન બંધ કરી અને બાઇક પર તે પણ પોલીસ-સ્ટેશને પહોંચ્યો અને એ રાતે જે બન્યું અને એ પછી જે કંઈ બનતું રહ્યું એણે અત્યારે પોલીસ વરદીધારીઓમાં ધરતીકંપ લાવવાનું કામ કર્યું અને એ બધા માટે જો કોઈને જશ જતો હોય તો એ છે લેડી કૉન્સ્ટેબલ રેવતીને. એ સમયે ૩૬ વર્ષની રેવતીનું નામ માત્ર પડે તો આજે દેશભરની પોલીસને પરસેવો છૂટી જાય છે. રેવતીએ એવું તે શું કર્યું એ જાણતાં પહેલાં આપણે ૧૯ જૂનની એ રાતે જયરાજ અને બેનિક્સ સાથે શું બન્યું એ જાણવું જોઈએ.
આતંકના રૂપમાં પોલીસ
નિયમથી માત્ર ૧૦ મિનિટ દુકાન વધારે ખુલ્લી રાખવા બદલ પહેલાં જયરાજની અરેસ્ટ કરવામાં આવી અને એ પછી સરકારી કામમાં દખલ કરવાના ગુનાસર બેનિક્સની પોલીસ-સ્ટેશનમાં અરેસ્ટ કરવામાં આવી. કોવિડે કઈ હદે ખાખીધારીઓને માથાફરેલ બનાવી દીધા હતા એ તમે જુઓ.
એ આખી રાત બન્ને બાપ-દીકરા પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો. એ સ્તર પર હાલત કરવામાં આવી કે બન્નેના પગ ભાંગી ગયા. આટલું ઓછું હોય એમ બીજા દિવસે પણ તેમને સતત મારવામાં આવ્યો અને ત્યાર પછી એટલે કે ૨૧ જૂને બાપ-દીકરાને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હૉસ્પિટલમાં ઍડ્મિટ થયાના બીજા દિવસે બાવીસ જૂને બેનિક્સનું મોત થયું અને એના ૨૪ કલાક પછી એટલે કે ૨૩ જૂને પિતા જયરાજનું મોત થયું.
પોલીસ-કસ્ટડીમાં થયેલાં આ બાપ-દીકરાનાં મોતે એ સ્તર પર આક્રોશ ફેલાયો કે સથાનકુલમ પોલીસ ડિફેન્સમાં આવી ગઈ. એણે ભીનું સંકેલી લેવા માટે જાતજાતનાં કારસ્તાનો આદરી દીધાં, પણ લોકોમાં પ્રસરેલા રોષને શાંત કરવા તામિલનાડુ સરકાર અને મદ્રાસ હાઈ કોર્ટે દરમ્યાનગીરી કરવી પડી. પોલીસ-ડિપાર્ટમેન્ટે પોલીસની જ ઇન્ક્વાયરી કરવાની હતી એટલે હાઈ કોર્ટે ઑર્ડર કર્યો કે આ ઇન્ક્વાયરી કોર્ટ દ્વારા થશે અને ઇન્ક્વાયરીના બીજા જ દિવસે આખા તામિલનાડુમાં સન્નાટો પ્રસરી ગયો.
બન્યું એવું કે હાઈ કોર્ટના ઑર્ડરથી જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ એમ. એસ. ભારતીદાસન તપાસ માટે સથાનકુલમ પોલીસ-સ્ટેશન ગયા. ભારતીદાસને લખાવેલા સ્ટેટમેન્ટ મુજબ પહેલા જ દિવસે પોલીસ-સ્ટેશનનું વાતાવરણ એકદમ તંગ હતું અને કોઈ સાથ-સહકાર આપવા માટે રાજી નહોતું. ઊલટું કેટલાક પોલીસો ઇનડાયરેક્ટલી તેમને ડરાવવાનું કામ કરતા હતા. પહેલા દિવસે સ્ટેશનમાં હાજર રહેલા ૧૨ લોકોમાંથી છનાં સ્ટેટમેન્ટ લેવાયાં, પણ એ જ વખતે તેમના ધ્યાન પર આવ્યું કે આર. રેવતી મૂંઝાયેલી અને એકદમ ગુપચુપ હતી.

છઠ્ઠી એપ્રિલે મદુરાઈ કોર્ટે મોતની સજા સંભળાવી એ સમયે કોર્ટમાં આવેલા ૯ આરોપીઓ.
બીજા દિવસે મૅજિસ્ટ્રેટે રેવતીને પૂછવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બોલતી વખતે રેવતીના ચહેરા પર સ્પષ્ટ ડર દેખાતો હતો, કારણ કે તેની સામે પોતાના સિનિયર અધિકારીઓ હાજર હતા. મૅજિસ્ટ્રેટને અંદેશો આવ્યો અને તેમણે રેવતીને અલગ લઈ જઈને વિશ્વાસમાં લીધી અને રેવતી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. રેવતીએ એક પણ વાત બાકી રાખી નહીં અને તેણે બધેબધું સાચું કહી દીધું. એટલું જ નહીં, ૧૯ જૂનની રાતે શું થયું હતું એ બધાનો આંખેદેખ્યો અહેવાલ પણ કહ્યો અને પોતાની પાસે અનાયાસ રહી ગયેલા પુરાવાઓ પણ આપ્યા. એ રાતે જયપાલ અને બેનિક્સને એટલા મારવામાં આવ્યા હતા કે લાકડીઓ તૂટી ગઈ હતી. એ લાકડીઓ પોલીસ-સ્ટેશનના પાછળના ભાગમાં ફેંકી દેવામાં આવી હતી. રેવતીએ એ તૂટેલી લાકડીઓ પણ શોધી આપી જેના પર બાપ-દીકરાના લોહીનાં નિશાનો પણ હતાં. રેવતીએ એ પણ કબૂલ્યું કે તે બન્નેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા પછી ટેક્નિશ્યનને બોલાવીને CCTV કૅમેરાનાં ફુટેજ સાથે પણ ચેડાં કરવામાં આવ્યાં છે અને CCTVના બૅકઅપમાંથી અમુક કલાકોનાં દૃશ્યો ડિલીટ કરવામાં આવ્યાં છે. જયરાજ અને બેનિક્સને નગ્ન કરીને ટેબલ પર સુવડાવીને માર્યા હતા. એ ટેબલ પણ રેવતીએ મૅજિસ્ટ્રેટને દેખાડી દીધું. બીજા દિવસના આ સ્ટેટમેન્ટ પછી જ્યારે રેવતીને સ્ટેટમેન્ટ પર સહી કરવાનું કહેવામાં આવ્યું ત્યારે રેવતીના મનમાં આવનારા સમયની તકલીફો હતી, પણ તેના દિલમાં સત્યને સાથ આપવાની ભાવના પણ હતી.
રેવતીએ સ્ટેટમેન્ટ પર સહી કરી આપી અને આ જ સ્ટેટમેન્ટ આખા કેસનો આધાર બન્યું, કારણ કે તે આ ઘટનાની એકમાત્ર ‘આઇ-વિટનેસ’ હતી. રેવતીના સ્ટેટમેન્ટ પછી એ જ રાતે મૅજિસ્ટ્રેટે હાઈ કોર્ટને રિપોર્ટ આપ્યો કે પોલીસ-સ્ટેશનમાં તપાસમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે.
મૅજિસ્ટ્રેટના રિપોર્ટ અને રેવતીના સ્ટેટમેન્ટના આધારે ગણતરીના દિવસોમાં જ CBIએ તપાસ સંભાળી અને તમામ દોષી પોલીસોની અરેસ્ટ કરવામાં આવી.
જિંદગી બની દોઝખ
તમને અને મને એવું લાગી શકે કે હવે વાત પૂરી થઈ; પણ ના, એવું નહોતું. અહીંથી તો વાત શરૂ થતી હતી. રેવતીના સ્ટેટમેન્ટ પછી CBIની ઇન્ક્વાયરી શરૂ થઈ અને CBIએ કોઈની સાડીબારી રાખ્યા વિના તપાસ શરૂ કરી દીધી. જોકે આ તપાસ કોઈ સામાન્ય ગુનેગારો સામે નહોતી. આ તપાસ સ્ટેટ પોલીસ સામે હતી એટલે સીધી કોઈની અરેસ્ટ શક્ય નહોતી. ઇન્ક્વાયરીમાં પૂરતા પુરાવા અને એ પુરાવાની ખરાઈ કરવાની હતી.
CBI એ બધા પર કામ કરતી હતી એ દરમ્યાન કોર્ટમાં રેવતીનું સ્ટેટમેન્ટ મૂકવામાં આવ્યું. રેવતી જે પોલીસ-સ્ટેશનમાં ડ્યુટી પર હતી એ જ પોલીસ-સ્ટેશનના ૯ પોલીસોનાં નામ તેણે લખાવ્યાં હતાં એટલે સ્વાભાવિક રીતે હવે તે એ બધાની દુશ્મન હતી. હવે બધા રેવતીને દુશ્મનની નજરે જોવા લાગ્યા હતા, જેની શરૂઆત અબોલાથી થઈ તો એ આગળ વધી ધાકધમકીના રૂપે. રેવતીને જાતજાતની રીતે ટૉર્ચર કરવાનું શરૂ કરવામાં આવ્યું. અરે, એક વખત તો રેવતીને પોલીસ-સ્ટેશનમાં પૂરીને સ્ટાફ નીકળી ગયો અને બે દિવસે તેને અંદરથી બહાર કાઢી. આ વાત ખુદ રેવતી પોતે એક ઇન્ટરવ્યુમાં કહી ચૂકી છે. રેવતી એક યુવતી છે એ પણ ભૂલતા નહીં. પોલીસ-સ્ટેશનમાં રહેલા બાથરૂમના દરવાજાને સ્ટાફે કાઢી નાખ્યો. આવી સિચુએશનમાં તો પુરુષ આરામથી સુસુ કરવા જઈ શકે, પણ એક લેડી કૉન્સ્ટેબલ કેવી રીતે ખુલ્લામાં જઈ શકે. આવી સિચુએશનનો સામનો કરવા માટે રેવતીએ દિવસો સુધી પાણી પીવાનું છોડી દીધું હતું. રેવતી કહે છે, ‘તે લોકો પોતાનો બચાવ કરવા માટે આ બધું કરી શકે, કારણ કે તેમણે જાતને બચાવવાની હતી. હા, મને એ લોકો શું-શું કરી શકે એની કલ્પના નહોતી.’
આ ઘટના જ્યારે ઘટી ત્યારે રેવતીનાં મૅરેજ થઈ ગયાં હતાં. રેવતીનાં બન્ને બાળકો હજી નાનાં હતાં. પોલીસસ્ટાફ વતી તેમના મળતિયાઓએ રેવતીના પતિને બોલાવીને પૈસાની ઑફર કરી, પણ જ્યારે રેવતી અને તેના પતિએ પૈસા લેવાની ના પાડી દીધી ત્યારે પોલીસ-અધિકારીઓના મળતિયાઓએ રેવતીના વરને ધમકી આપવાની શરૂ કરી કે જો જીવતા રહેવું હોય તો તારી પત્નીને કહે કે તે સ્ટેટમેન્ટ પાછું લઈ લે, કોર્ટમાં હૉસ્ટાઇલ થઈ જાય જેથી આ કેસ અહીં જ અટકી જાય. રેવતીએ કહ્યું હતું કે ‘અમારાં બાળકોને મારવા સુધીની ધમકી અમને મળતી અને આખેઆખી રાત હું અને મારા હસબન્ડ પ્રશાંત બન્ને બાળકોની અને ઘરની ચોકીદારી કરતાં બેસી રહેતાં.’
રેવતી સહેજ પણ મચક નહોતી આપતી એટલે હરામખોર પોલીસોના મળતિયાઓએ રેવતીનાં માબાપ અને તેની બહેનોને પણ ધમકાવવાનું શરૂ કર્યું. કેટલીક ઘટનાઓ તો એવી પણ ઘટી જેને સીધેસીધા હુમલા સાથે સરખાવી શકાય, પણ રેવતી એવું મનમાં લેવા તૈયાર નથી. એક વખત રેવતીના પતિ પ્રશાંતકુમાર બાઇક પર આવતા હતા ત્યારે તેમને એક ટેમ્પો ટ્રાવેલરે અડફેટે લીધા, જેમાં પ્રશાંતકુમારનો પગ ભાંગ્યો. આટલું ઓછું હોય એમ પતિના ઑપરેશન અને ઑપરેશન પછીની કૅર માટે રેવતીએ ડિપાર્ટમેન્ટ પાસે રજા માગી તો સ્ટાફ ઓછો હોવાના નામે એ રજા કૅન્સલ કરી નાખવામાં આવી. આ રેવતી પરનું માનસિક ટૉર્ચર હતું, કારણ કે રેવતી તેના જ સાથી કર્મચારીઓએ કરેલા ફિઝિકલ ટૉર્ચરની આઇ-વિટનેસ બની હતી.
રેવતી જ તે વ્યક્તિ હતી જેને કારણે CBIએ પકડ્યા હતા એ ૯ પોલીસોના જામીન પણ કૅન્સલ થતા હતા. મળતી ધમકીઓથી રેવતી કંટાળે, થાકે એટલે તે કોર્ટમાં એ વિશે ફરિયાદ કરે અને ફરિયાદ આવે એટલે પોલીસોના જામીન રદ થાય. છેવટે એક તબક્કો એવો આવી ગયો કે હાઈ કોર્ટે આદેશ આપ્યો કે રેવતી અને તેના તમામ ફૅમિલી-મેમ્બરોને તાત્કાલિક પોલીસ-પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે. હવે તમે વિચાર કરો કે વાડામાં રહેલી બકરીની સુરક્ષાની તપાસ કોને સોંપવામાં આવી તો કહે કે સિંહને.
આ એ જ પોલીસ હતી જે પોલીસ તામિલનાડુની હતી અને તામિલનાડુ પોલીસ પોતે જ ઇચ્છતી હતી કે રેવતી આ કેસ પાછો ખેંચે. મળેલા પોલીસ-પ્રોટેક્શનમાં આવતા કર્મચારીઓ પણ રેવતીનાં માબાપ, રેવતીની બહેનો અને રેવતીના પતિને સમજાવવાનું કામ કરતા કે રેવતી ખોટી માથાકૂટ કરે છે, જો તે કેસ પાછો નહીં ખેંચે તો તેની કરીઅર ચોપટ થઈ જશે. એ સમયે રેવતીની મનોદશા કેવી હશે એનો તમે વિચાર કરો. ચોવીસે કલાક અને સાતેય દિવસ એક જ વાત કે તું કેસ પાછો ખેંચી લે. અરે, રેવતી પોલીસ-સ્ટેશન જાય તો ત્યાં પણ એ જ વાત. રેવતીની સાથે તેના પ્રોટેક્શનમાં રહેલા અધિકારીઓની પણ એ જ વાત અને એ જ વાત રેવતીના પરિવારની સાથે. જ્યાં જુઓ ત્યાં એક જ વાત અને એ વાત પણ એવી રીતે કહેવામાં આવે કે રેવતીનું બ્લડપ્રેશર સીધું શૂટઅપ થાય. રેવતીનો પરિવાર હિંમત હારવા માંડ્યો હતો, પણ એ પરિવાર અને રેવતીની હિંમત બનવાનું કામ આમ આદમીએ કર્યું.
મળ્યો લોકોનો સાથ
સથાનકુલમમાં રેવતી એ હદે પૉપ્યુલર થઈ ગઈ હતી જેની કલ્પના પણ ન થઈ શકે. રેવતીને જોઈને લોકો તેની સાથે સેલ્ફી પડાવવા આવે તો કેટલાક લોકો તો રેવતીને પગે પણ લાગતા. જયરાજ અને બેનિક્સની ફૅમિલી માટે તો રેવતી દેવદૂતથી સહેજ પણ ઓછી નહોતી. જયરાજનાં પત્ની સેલ્વારાણી તો નિયમિત રેવતીને મળવા જતાં તો બેનિક્સની બહેનો પર્સિસ અને બેઝી પણ નિયમિત રેવતીના ઘરે જતી. સેલ્વારાણીએ તો અનેક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે રેવતીએ જો હિંમત ન દાખવી હોત તો અમને ક્યારેય સત્ય ખબર ન પડી હોત. સેલ્વારાણી કહે છે, ‘પોતાનો અને પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકીને, પોતાની કરીઅરનો વિચાર સુધ્ધાં કર્યા વિના રેવતીએ જે કર્યું છે એ માટે અમે જિંદગીભર તેના આભારી રહીશું.’
બેનિક્સનું મોત થયું એના થોડા સમય પહેલાં જ તેની સગાઈ થઈ હતી. કોવિડનો પિરિયડ હતો એટલે મૅરેજ બાકી રાખવામાં આવ્યાં હતાં. બેનિક્સની ફિયૉન્સે પણ રેવતીની હિંમતનું કારણ બની. તેણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય લીધો, જે વાત રેવતી માટે બહુ મહત્ત્વની બની ગઈ. રેવતી કહે છે, ‘જો એક છોકરી આ રીતે પોતાનું જીવન સમર્પિત કરી દે તો મેં તો અડધું જીવન જોઈ લીધું, માતૃત્વ પણ મેળવી લીધું અને સત્યના રસ્તે ચાલવાની તક પણ ઝડપી લીધી. હવે હું પાછી ફરું તો મારે મરી જવું પડે. આ જ વાત મને સતત હિંમત આપતી રહેતી.’
રેવતીએ આ બધી વાતની કોઈ ફરિયાદ ક્યારેય હાઈ કોર્ટને કરી નહીં, પણ હાઈ કોર્ટને આ બધી વાત ખબર પડી મીડિયા મારફત અને હાઈ કોર્ટે રેવતીની પૂછપરછ કરી ત્યારે રેવતીએ બધું સ્વીકાર્યું અને કહ્યું પણ ખરું કે એ લોકો પોતાનું કામ કરે છે, હું મારું કામ કરું છું; આમાં ફરિયાદ શાની કરવાની. રેવતીના આ સ્ટેટમેન્ટને હાઈ કોર્ટે ખેલદિલી ગણી અને એણે આદેશ આપ્યો કે જ્યાં સુધી આ કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી રાજ્ય સરકાર રેવતીને ચાલુ પગારે રજા આપે, જેથી તે કથિત આરોપીઓના દબાણથી દૂર રહી શકે. હાઈ કોર્ટે જ ઑર્ડર કર્યો કે રેવતી જે સમયે ફરીથી જૉબ પર જૉઇન થવા ઇચ્છતી હોય એ સમયે તેની પોલીસ-સ્ટેશનમાં નહીં પણ જિલ્લા-કલેક્ટરની કચેરીમાં ટ્રાન્સફર કરવામાં આવે અને ત્યાં ડ્યુટી આપવામાં આવે. જોકે જિલ્લા-કલેક્ટરની કચેરીમાં પણ રેવતી સાથે અન્ય પોલીસોએ ઉપેક્ષાભર્યું વર્તન કર્યું એટલે કોર્ટે જ ઑર્ડર કરીને રેવતીની તુતીકોરિન જિલ્લામાં ટ્રાન્સફર કરી.
અફસોસની વાત એ છે કે રેવતીને આ સમયગાળામાં એક પણ પ્રકારનું પ્રમોશન મળ્યું નહીં. તે કૉન્સ્ટેબલ હતી અને કૉન્સ્ટેબલના પદ પર જ તેને રાખવામાં આવી. જોકે રેવતીને એનો પણ અફસોસ નહોતો. રેવતીએ કહ્યું હતું કે ‘હું તો નોકરી છોડી દેવા તૈયાર હતી, પણ આપણા ન્યાયાલયના સપોર્ટથી હું નોકરી પર ચાલુ રહી એ જ વાત મારા માટે આશીર્વાદ સમાન છે.’
ક્ષણ સત્યની જીતની
એકધારા ચાલતા આ સંઘર્ષનો અંત આવ્યો ગયા મંગળવારે ૭ એપ્રિલે.
૨૦૨૦ના સપ્ટેમ્બર મહિનામાં તમામ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી. જયપાલ અને બેનિક્સનાં થયેલાં કસ્ટોડિયલ ડેથ માટે ૧૦ પોલીસોને દોષી જાહેર કરવામાં આવ્યા અને મદુરાઈ કોર્ટમાં કેસ શરૂ થયો જેનો ચુકાદો મંગળવારે આવ્યો અને કોર્ટે આ કેસને ‘રૅરેસ્ટ ઑફ ધ રૅર’ ગણાવીને તમામ પોલીસોને ફાંસીની સજા ફરમાવી. આવું આ અગાઉ આપણા દેશમાં ક્યારેય બન્યું નથી જેમાં આટલા પોલીસોને ફાંસીની સજા ફટકારવામાં આવી હોય.
કુલ ૧૦ આરોપીઓ હતા, પણ કેસ ચાલતો હતો એ દરમ્યાન પોલદુરાઈ નામના કૉન્સ્ટેબલને કોરોનાની સેકન્ડ વેવમાં કોરોના થયો અને તેનું મોત થયું. હવે બાકી વધેલા ૯ આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ માત્ર સજા નહોતી પણ લોકશાહી પર લાગનારા કલંકને ધોવાનો પ્રયાસ પણ હતો અને સાથોસાથ એક યુવતીએ દેખાડેલી હિંમતની સરાહના પણ હતી. મદુરાઈ કોર્ટે જજમેન્ટ આપતાં પહેલાં સત્તાવારપણે રેવતીનો આભાર માન્યો અને કહ્યું કે જ્યાં સુધી રેવતી જેવા લોકો આપણે ત્યાં હયાત છે ત્યાં સુધી આપણા દેશમાં ‘સત્યમેવ જયતે’ અકબંધ રહેશે.
રેવતી આખા પોલીસ-સ્ટેશનમાં સૌથી જુનિયર હતી, તેના પર અનેક પ્રકારનાં માનસિક દબાણો હતાં અને એ પછી પણ તેણે સત્યનો માર્ગ છોડ્યો નહીં. સાચું બોલ્યા પછી તેના પર જે પ્રકારના માનસિક અત્યાચારો કરવામાં આવ્યા એના થકી તે તૂટી પણ હારી નહીં. માનસિક અત્યાચારોએ રેવતીની આંખોમાં આંસુ લાવવાનું કામ કર્યું, પણ એ આંસુઓએ દૂર-દૂર સુધી તેને ગઠબંધન કરવાનો ભાવ આપ્યો નહીં. રેવતી આક્ષેપબાજીમાં પડવા નથી માગતી, પણ તેણે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર કર્યો હતો કે આરોપી પોલીસોએ તેને કરોડો રૂપિયાની ઑફર સુધ્ધાં કરી હતી, પણ રેવતી ક્યાંય પણ સહેજે ડગી નહીં કે તેના મનમાં લાલચ જાગી નહીં. રેવતી કહે છે, ‘લાલચ જીવનને સમૃદ્ધ કરે, પણ મનની સમૃદ્ધિ તો સત્ય દ્વારા જ આવે.’
ફાંસીની સજા ફટકારવા ઉપરાંત મદુરાઈ કોર્ટે તમામ પોલીસોને ૧.૪ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ રકમ જયરાજની ફૅમિલીને આપવાની રહેશે.
ઇસ રાત કી સુબહ નહીં

છેલ્લાં ૨૧ વર્ષથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહેલી રેવતીને એ રાત આજે પણ આંખ સામે છે. રેવતી કહે છે... મેં ક્યારેય આવી ક્રૂરતા જોઈ નથી. બેનિક્સ કૉન્સ્ટેબલ એમ. મુથુરાજને તેના પપ્પાને મારતાં રોકવા ગયો ત્યારે ઝપાઝપી થઈ જેમાં કૉન્સ્ટેબલના શર્ટનું બટન તૂટી ગયું અને અહીંથી ઈગોની શરૂઆત થઈ. એ પછી પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એસ. શ્રીધરે બધાને ઉશ્કેર્યા કે તમારે તો બંગડી પહેરી લેવી જોઈએ, એક છોકરો તમારાં કપડાં ફાડે છે. પોલીસનો અત્યાચાર શરૂ થયો. થોડી વારમાં આ બધું અટકશે એવું ધારીને હું ચૂપ રહી, પણ ૧૫ મિનિટ પછી ટૉર્ચરના નવા-નવા રસ્તાઓ વિશે એ લોકો વાત કરવા માંડ્યા એટલે મેં મારા સિનિયર સ્ટાફને તે લોકોને માર મારતા રોકવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ માન્યા નહીં. એક તબક્કે હું એ રૂમની બહાર નીકળી ગઈ, કારણ કે મારાથી એ નિર્દયતા અને પીડિતોની ચીસો સહન થતાં નહોતાં. ટૉર્ચરના ૨૪ કલાક પછી બેનિક્સ એક સ્ટેપ પણ ચાલી શકતો નહોતો, છતાં એક સબ-ઇન્સ્પેક્ટરે તેને લોહીવાળી લાદી પોતાની જ ગંજીથી સાફ કરવા કહ્યું. ટૉર્ચરની ચરમસીમા ત્યાં હતી કે થાકેલા પોલીસોએ બન્ને બાપ-દીકરા પાસે એકબીજાને માર મરાવ્યો હતો. બેનિક્સ માન્યો નહીં એટલે તેને સિગારેટના ડામ આપ્યા જે જોઈને તેના પપ્પા પોતે લાકડી લઈને જાતને મારવા માંડ્યા હતા. એ સમયે મારી આંખો સામે મારો જ પરિવાર હતો. મને મનમાં સતત એમ થતું હતું કે જો આવું મારી ફૅમિલી સાથે થાય તો... એ રાત ક્યારેય મારી આંખ સામેથી જશે નહીં. આજે પણ હું એ રાત યાદ કરીને ધ્રૂજી જઉં છું. આજે પણ મારે રાતે સૂવા માટે ઊંઘની ગોળી લેવી પડે છે. એક તરફ મને અફસોસ છે કે હું એ રાતે ત્યાં હાજર હતી અને એક તરફ મને શાંતિ થાય છે કે એ રાતે હું ત્યાં હાજર હતી એટલે ન્યાય અપાવવામાં સાથ આપી શકી.
ભારતનો જ્યૉર્જ ફ્લૉઇડ કેસ

૬ વર્ષ સુધી પતિ અને દીકરાની હત્યાનો ન્યાય મેળવવા કોર્ટમાં આવેલી સેલ્વારાણી.
જયરાજ-બેનિક્સના આ કેસને ભારતના જ્યૉર્જ ફ્લૉઇડ કેસ તરીકે ઓળખવામાં આવે છે. એવું શું કામ એ માટે જ્યૉર્જ ફ્લૉઇડ કેસને એક વાર જાણી લેવો જોઈએ. ૨૦૨૦ના મે મહિનામાં અમેરિકામાં પોલીસ-અધિકારી ડેરેક ચૉવિને જ્યૉર્જ ફ્લૉઇડ નામના આફ્રિકનની ગરદન પર ઘૂંટણનું દબાણ આપીને તેની હત્યા કરી હતી. એ ઘટના પછી અમેરિકા અને વિશ્વમાં દેકારો મચી ગયો હતો. જ્યૉર્જ પર પોલીસે જે અત્યાચાર કર્યા એવા જ અત્યાચાર જયરાજ અને તેના દીકરા સાથે થયા અને તેમને મારી નાખવામાં આવ્યા. જ્યૉર્જનો ગુનો એટલો હતો કે તેની પાસેથી ૨૦ ડૉલરની નકલી નોટ મળી હતી. જયરાજ-બેનિક્સનો ગુનો એટલો હતો કે તેમણે ૧૦ મિનિટ દુકાન વધારે ખુલી રાખી હતી. બન્ને ગુનાઓ પ્રમાણમાં સામાન્ય હતા, પણ એ ગુના સામે જે પગલાં લેવામાં આવ્યાં હતાં એ અત્યંત ખરાબ હતાં. જ્યૉર્જનો કેસ બન્યો એના એક જ મહિના પછી તરત તામિલનાડુમાં આ કેસ બન્યો અને લોકો ન્યાય માટે રસ્તા પર ઊતરી આવ્યા. જ્યૉર્જના કેસમાં અમેરિકન પોલીસની કામગીરી અને ભેદભાવ સામે સવાલો ઊઠ્યા તો સથાનકુલમ કેસમાં ભારતીય પોલીસતંત્રમાં રહેલી ખામીઓ અને કસ્ટોડિયલ ટૉર્ચરની પ્રથા સામે ભારે વિરોધ થયો. બન્ને કેસમાં સાબિત થતું હતું કે પોલીસ જ્યારે રક્ષકને બદલે ભક્ષક બને છે ત્યારે લોકશાહી માટે કેટલું જોખમ ઊભું થઈ શકે છે અને નિર્દોષ માટે જીવવું કેટલું બદતર બની શકે છે.
