૧૯૫૦માં રેસ્ટોરાંમાં વૉલેટ ભૂલી જવાની એક ઘટનાએ ક્રેડિટ કાર્ડ સિસ્ટમને જન્મ આપ્યો. આજે આ સુવિધા કરોડો લોકો માટે ઉપયોગી છે, પરંતુ તેની સાથે વધતા ફ્રૉડ અને દેવાના જોખમો પણ ગંભીર ચિંતા બની રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
એક નાની ઘટના ઘણી વાર બહુ મોટા પરિણામ સુધી ખેંચી જાય એ વાત આ કિસ્સો કહેશે.
૧૯પ૦માં ફ્રૅન્ક મૅકનમારા નામનો અમેરિકન વેપારી તેના ગેસ્ટને એક સ્થાનિક રેસ્ટોરાંમાં ડિનર કરાવતો હતો. ડિનર પછી ખ્યાલ આવ્યો કે વૉલેટ તે ઘરે ભૂલી ગયો હતો અને બિલ ચૂકવવાના તેની પાસે પૈસા નહોતા. જોકે તે પ્રસિદ્ધ વ્યક્તિ કે રેસ્ટોરાંનો પરિચિત હોવાથી તેને તકલીફ ન પડી. તેણે પોતાના વિઝિટિંગ કાર્ડ પર પ્રૉમિસરી નોટ જેવું લખાણ લખી આપ્યું. કફોડી સ્થિતિમાં ફ્રૅન્કની આબરૂ અને ઓળખાણ કામ લાગી ગઈ.
આ ઘટના પરથી ફ્રૅન્કને વિચાર આવ્યો કે અન્ય કોઈ આવી હાલતમાં મુકાય ત્યારે બધા તોડ કરી ન શકે. એટલે કોઈ એવું કાર્ડ કે જે રેસ્ટોરાં દ્વારા પણ માન્યતાપ્રાપ્ત હોય એ ગ્રાહકોને આપી રાખ્યું હોય તો કેમ? આ વિચારના અમલરૂપે ફ્રૅન્કે ૧૯પ૦માં ડાઇનર્સ ક્લબની સ્થાપના કરી. એમાં અનેક સભ્યો જોડાયા. જોકે આ કાર્ડની પ્રથા પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પહેલાં શરૂ થઈ હતી, પણ મર્યાદા એ હતી કે એક કંપનીનું કાર્ડ અન્ય પેટ્રોલ-પમ્પવાળા સ્વીકારતા નહોતા. ગ્રાહકોને પકડી રાખવા માટે આ મોનોપૉલી આઇડિયા અમલમાં હતો. ફ્રૅન્કનું ડાઇનર્સ ક્લબ કાર્ડ અનેક રેસ્ટોરાંમાં સ્વીકૃત બન્યું. ક્લબ એ રેસ્ટોરાંને રકમ ચૂકવે અને દિવસો પછી કાર્ડહોલ્ડર ક્લબને બિલની રકમ અદા કરી દેતો. આ કાર્ડ શરૂ થવાના પ૦ વર્ષ બાદ દુનિયાના ૨૦૦ દેશોની ૮ લાખ રેસ્ટોરાં સાથે ડાઇનર્સ ક્લબનું ‘લિન્ક-અપ’ હતું. ત્યારે ફ્રૅન્ક હયાત નહોતો. છતાં તેની આ પ્રથાનો ચેપ બૅન્ક ઑફ અમેરિકા સહિત ઘણીખરી બૅન્કોને લાગી ગયો હતો. એ હતો ક્રેડિટ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ. પછી કોઈ પણ જાતની ખરીદી માટે વાપરી શકાતાં ક્રેડિટ કાર્ડ વ્યાપક બન્યાં.
સેન્ટ્રલ બૅન્કે પહેલું ભારતીય ક્રેડિટ કાર્ડ ૧૯૮૦માં ઇશ્યુ કર્યા પછી ૨૦૧૧ સુધીમાં ભારતમાં ૪ કરોડ જેટલા કાર્ડધારકો હતા, જે અત્યારે ૧૨ કરોડથી વધુ થયા છે.
સુવિધા માટે શરૂ થયેલી અને વ્યાપક બનેલી આ સિસ્ટમ આજે કંઈક ફ્રૉડ, બરબાદીનું કારણ છે. જોકે અમેરિકામાં પણ એ બનતું જ આવેલું. કેનેથ ટેવ્સ નામના એક અમેરિકને તો ક્રેડિટ કાર્ડના ક્ષેત્રે નાણાંની તફડંચીનો વર્લ્ડ રેકૉર્ડ નોંધાવીને ગિનેસ બુક રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આઇડેન્ટિટી થેફ્ટ, હૅકિંગ જેવાં તરકટો દ્વારા તેણે લાખો કાર્ડહોલ્ડર્સની ઓળખ તફડાવી લીધી. દરેક કાર્ડને લગતા તમામ ડેટા સાથેનું મોટું લિસ્ટ હસ્તગત કર્યું. છેલ્લે તેનો તફડંચીનો જુમલો ૩૮૦ લાખ ડૉલર સુધી પહોંચ્યો.
ભારતમાં પણ ફ્રૉડ વધી રહ્યા છે. મલ્ટિપલ કાર્ડધારક બનીને ડઝનબંધ કાર્ડ દ્વારા લાખોના ખાડામાં ઊતરી જનારા લોકોની સંખ્યા પણ નાની નથી. સુવિધાએ સલામતીને જોખમમાં મૂકી છે, બચત પર સીધો ઘા પડ્યો છે. શોખ પૂરા કરવાના કોડમાં જરૂરિયાતો માટે ટળવળવું પડે એવી હાલતમાં મુકાયેલો માણસ પોતે ઘર, દાગીના જેવી ચીજો નાછૂટકે છોડવા મજબૂર બને છે. લાલચ અને લાચારી વચ્ચે બહુ મોટું અંતર હોતું નથી. ફૂલપ્રૂફ સુવિધા મળવી મુશ્કેલ છે. લાલચને રોકવી અઘરી છે. કાર્ડ વાપરવા જતાં ક્રેડિટ ગુમાવવી ન પડે એનો સંયમ માણસે પોતે જ જાળવવાનો છે. ખિસ્સામાં રહીને ખિસ્સું કાતરી નાખતા ક્રેડિટ કાર્ડને પ્લાસ્ટિકની બ્લેડ સમજીને વાપરવું જોઈએ.
