Commonwealth Games 2026: શર્મિલા ધનકરે કોમનવેલ્થ ગેમ્સ 2026ની મહિલા શૉટ પુટ F57 ઇવેન્ટમાં ૯.૮૧ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે; પેરા એથ્લેટિક્સમાં ભારત માટે આ સૌપ્રથમ સુવર્ણ ચંદ્રક છે
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં સોમવારના રોજ 23મી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા શોટ પુટ F57 માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતની શર્મિલા ધનકર (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
ગ્લાસગો (Glassglow) ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ (Commonwealth Games 2026)માં ભારતની શર્મિલા ધનકર (Sharmila Dhankar)એ મહિલાઓની શૉટ પુટ F57 સ્પર્ધામાં ૯.૮૧ મીટરના થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. તે કોમનવેલ્થ ગેમ્સના પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય મહિલા એથ્લીટ બની છે. ફાઇનલ રાઉન્ડમાં કેનેડા (Canada), ઇંગ્લેન્ડ (England), વેલ્સ (Wales), ઘાના (Ghana) અને ઓસ્ટ્રેલિયા (Australia) જેવા દેશોના દિગ્ગજ ખેલાડીઓ સામે શાનદાર પ્રદર્શન કરીને તેણે આ સફળતા મેળવી છે.`
શર્મિલા ધનકરે રચ્યો ઇતિહાદ
ADVERTISEMENT
ભારતના શર્મિલા ધનકરે સોમવારે કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની પેરા શોટ પુટ F57 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેમણે 9.81 મીટરનો સિઝનનો શ્રેષ્ઠ થ્રો કરીને આ સિદ્ધિ હાંસલ કરી. આ વર્તમાન રમતોમાં ભારતનો બીજો ગોલ્ડ મેડલ છે. આ જ ઇવેન્ટમાં ભારતના શિલ્પા કે. શાયલા (Shilpa K. Shyla)એ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.
નોંધનીય છે કે, F57 કેટેગરીમાં એવા પેરા એથ્લેટ્સનો સમાવેશ થાય છે - જેમના નીચલા અંગો પ્રભાવિત હોય છે અથવા જેમની માંસપેશીઓની તાકાત ઓછી હોય છે.
કોણ છે શર્મિલા ધનકર?
શર્મિલા ધનકરનો (Sharmila Dhankar won gold at Commonwealth Games 2026) જન્મ ૧૫ ઓગસ્ટ ૧૯૮૬ના રોજ થયો હતો અને તેઓ હરિયાણાના રેવાડીના વતની છે. માત્ર બે વર્ષની ઉંમરે તીવ્ર તાવ આવ્યા બાદ તબીબી સુવિધાઓના અભાવે તેઓ પોલિયોનો શિકાર બન્યા હતા, જેના કારણે તેમનો ડાબો પગ કાયમ માટે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. હરિયાણાના ચિત્રૌલી ગામમાં જન્મેલા શર્મિલાનું ઉછેર તેમના દિવ્યાંગ માતા અને ખેડૂત પિતાએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં કર્યું હતું. પોતાના જીવનના પ્રારંભિક તબક્કામાં તેમણે પ્રથમ લગ્ન અને ઘરગથ્થુ મુશ્કેલીઓ સહિત અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પાછળથી પરિવારના મજબૂત ટેકાથી તેમણે પોતાનું જીવન ફરીથી સવાર્યું હતું.
પ્રથમ લગ્નમાં ઘરેલુ હિંસાનો ભોગ બન્યા
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ઈતિહાસ રચનાર અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા શર્મિલાને ૧૮ વર્ષની ઉંમરે પરણાવવામાં આવ્યા હતા. લગ્ન પછીના સાસરીમાં તેમને દહેજ માટે પ્રતાડિત કરવામાં આવ્યા હતા અને અનેક વર્ષો સુધી શારીરિક તથા માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હતો. ૨૬ વર્ષની ઉંમરે, જ્યારે તેમની બે પુત્રીઓ થઈ ચૂકી હતી, ત્યારે તેમના પ્રથમ પતિએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. આ કઠિન સમયમાં તેમણે પોતાના બંને બાળકો સાથે પિતાના ઘરે પરત ફરવું પડ્યું હતું.
તલાક મેળવ્યા બાદ, પરિવાર પર બોજ ન બનવા અને પોતાની દીકરીઓનું પાલન-પોષણ કરવા માટે શર્મિલાએ આયા તરીકે પણ કામ કર્યું હતું. ૨૮ વર્ષની ઉંમરે તેમણે બીજા લગ્ન કર્યા, જ્યાં તેમના પતિ અજીત સિંહે તેમને પૂરો સાથ આપ્યો અને પેરા-એથ્લેટિક્સ (Para Athletics)માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીને તેમના જીવનમાં નવો વળાંક આણ્યો.
બીજા લગ્ન બાદ બદલાયું જીવન
બીજા લગ્ન બાદ પતિ અજીત સિંઘના પ્રોત્સાહનથી તેમણે પેરા-એથ્લેટિક્સમાં કારકિર્દી બનાવવાની હિંમત દર્શાવી. તાલીમ માટે તેઓ રાવ તુલારામ સ્ટેડિયમ પહોંચ્યા, જ્યાં તેમના સગા અને પેરા-એથ્લીટ ટેકચંદે તેમના કોચ બનીને માર્ગદર્શન આપ્યું. જ્યારે તેમણે પ્રથમ વખત શૉટ પુટ ફેંકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ માત્ર ૫ મીટર સુધી જ ફેંકી શક્યા હતા, જ્યારે તે સમયે નેશનલ રેકોર્ડ ૬ મીટરનો હતો.
સખત મહેનતે રંગ લાવ્યો
માત્ર એક વર્ષની સખત તાલીમ બાદ, તેમણે નેશનલ ચેમ્પિયનશિપમાં ૭.૪૦ મીટરના થ્રો સાથે નવો નેશનલ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સંઘર્ષમય સફરમાં તેમના પતિ અને બે પુત્રીઓ તેમના સૌથી મોટા સહયોગી રહ્યા છે. માતાથી પ્રેરિત થઈને તેમની બંને પુત્રીઓએ પણ રમતગમતમાં ઝંપલાવ્યું છે.
સતત મહેનતથી મળેલી સફળતા
શર્મિલાએ બર્મિંગહામ ૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની F57 શૉટ પુટ ઇવેન્ટથી આંતરરાષ્ટ્રીય પદાર્પણ કર્યું હતું, જ્યાં તેઓ ૮.૪૩ મીટરના થ્રો સાથે નેશનલ રેકોર્ડ સુધારીને ચોથા ક્રમે રહ્યા હતા. ત્યારબાદ બેંગલુરુ ખાતે યોજાયેલી ૨૦૨૫ ઇન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમણે ૯.૭૭ મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન ૨૦૨૬માં પણ જળવાઈ રહ્યું, જ્યાં તેમણે દુબઈ ખાતે યોજાયેલી ફજ્જા ઇન્ટરનેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં F57 શૉટ પુટમાં ૮.૮૬ મીટરના થ્રો સાથે ગોલ્ડ અને F57 ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
