ગણરાયાના આગમનની તૈયારીઓ સત્તાવાર રીતે થઈ ગઈ શરૂ : મુંબઈચા રાજા, લાલબાગચા રાજા, ચિંતામણિ ગણપતિ, તેજુકાયા ગણપતિ, પરળચા રાજા સહિતનાં ગણેશમંડળોએ પારંપરિક રીતે તૈયારીઓ અને વિધિઓ શરૂ કરી
‘પરળચા રાજા’ના પાદ્યપૂજન સમારંભ દરમ્યાનની એક ઝલક.
૧૪ સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે શહેરનાં બધાં જ પ્રસિદ્ધ ગણેશમંડળો દ્વારા ગણેશજીના આગમનની પારંપરિક રીતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાદ્યપૂજન, ગણેશમંડપ બાંધવા સહિત અન્ય પૂજાવિધિ પણ શરૂ કરી દેવામાં આવી છે. મુંબઈચા રાજા, લાલબાગચા રાજા, ચિંતામણિ ગણપતિ, તેજુકાયા ગણપતિ, પરળચા રાજા આ બધાં જ પ્રસિદ્ધ ગણેશમંડળો દ્વારા ગણેશમૂર્તિના આગમન માટે જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પરળચા રાજા દ્વારા રવિવારે જ પાદ્યપૂજન કરવામાં આવ્યું હતું, જ્યારે મુંબઈચા રાજાનું પાદ્યપૂજન ૨૯ જુલાઈએ ગુરુપૂર્ણિમાના દિવસે યોજાશે. મુંબઈચા રાજા દ્વારા સતત ૯૮મા વર્ષે પાદ્યપૂજન કરવામાં આવશે, જ્યારે શનિવારે ચિંતામણિ ગણપતિનું ૧૦૭મા વર્ષનું પાદ્યપૂજન કરવામાં આવ્યું હતું. એ જ રીતે તેજુકાયા અને લાલબાગચા રાજાના ગણપતિના આગમન માટે પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લાલબાગચા રાજા આ વર્ષે તેમણે ગણેશોત્સવ ઊજવવાનું શરૂ કર્યું એનાં ૯૩ વર્ષ પૂરાં કરશે.
