ભારતીય પોર્ટફોલિયો વધવા છતાં ડૉલરમાં મૂલ્ય ગણીએ તો એ પોર્ટફોલિયો નબળો પડેલો હોય છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
વીતેલા એક વર્ષમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય અમેરિકન ડૉલર સામે ઘણું ઘટ્યું છે. તમારી સંપત્તિ પર એની ઊંડી અસર પડે છે. ધારો કે તમે ભારતમાં એક કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જો તમે આ રકમને ડૉલર કે દિરહામ (જેનું મૂલ્ય ડૉલર સાથે સંકળાયેલું છે)માં રૂપાંતરિત કરવા માગતા હો તો તમારી વૈશ્વિક ખરીદશક્તિમાં ઘટાડો થયો કહેવાય. ડૉલરમાં મૂલ્ય ગણીએ તો આજની તારીખે તમારા એક કરોડ રૂપિયાનું વાસ્તવિક મૂલ્ય માત્ર ૯૩ લાખ રૂપિયા જેટલું જ થાય છે. તમારી સંપત્તિમાં આ ઘટાડો રોકાણની ખરાબ કામગીરી કારણે નથી થયો, પરંતુ રૂપિયો નબળા પડવાના એકમાત્ર કારણસર થયો છે. આને કરન્સી રિસ્ક અથવા ચલણનું જોખમ કહેવાય છે, જે સંપત્તિના લાંબા ગાળાના આયોજનમાં અવારનવાર અવગણવામાં આવે છે.
મોટા ભાગના રોકાણકારોના મનમાં જોખમનો અર્થ એટલે માત્ર બજારની અસ્થિરતા (વૉલેટિલિટી). વાસ્તવમાં ચલણના મૂલ્યમાં થતો ઘટાડો એ એક મોટું અને તરત નજરે ન ચડતું જોખમ છે. જ્યારે તમારી તમામ સંપત્તિ માત્ર ભારતીય રૂપિયામાં ગણાતી હોય ત્યારે...
ADVERTISEMENT
સમય જતાં તમારી વૈશ્વિક ખરીદશક્તિ ઘટે છે.
વિદેશી ખર્ચ જેવા કે શિક્ષણ, પ્રવાસ, આરોગ્યસેવા અને વિદેશમાં નિવૃત્તિ સંબંધે વધુ મોંઘા બને છે.
ભારતીય પોર્ટફોલિયો વધવા છતાં ડૉલરમાં મૂલ્ય ગણીએ તો એ પોર્ટફોલિયો નબળો પડેલો હોય છે.
મારા મતે નાણાકીય સફરની શરૂઆત આંતરરાષ્ટ્રીય રોકાણથી કરવાની હોતી નથી. સંપત્તિનિર્માણનું પ્રથમ સ્તર હંમેશાં સુરક્ષિત અને મજબૂત પાયો હોવું જોઈએ. જો તમે ભારતમાં રહો છો તો તમારી પાસે ઇમર્જન્સી ફન્ડ, બાળકોના શિક્ષણ માટેનું ભંડોળ, નિવૃત્તિકાળ માટેનું આયોજન, પૂરતો વીમો એ બધું હોવું અનિવાર્ય છે. એક વાર આ પાયો મજબૂત થઈ જાય અને તમારી પાસે પૂરતી મૂડી એકઠી થાય ત્યાર પછી જ અન્ય દેશોમાં કરાતા રોકાણ અને ડૉલર આધારિત અસ્કયામતો તરફ જોવું સમજદારીભર્યું છે. આંતરરાષ્ટ્રીય રોકાણનો અર્થ ભારતને મૂકીને બહાર રોકાણ કરવું એવો નથી. એનો અર્થ છે ભારતની બહાર વિસ્તરણ કરવું.
અમેરિકા હજી પણ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. નવસર્જન, મૂડીબજારનો વ્યાપ અને વૈશ્વિક વેપારમાં મોટો હિસ્સો એ બધામાં એનું પ્રભુત્વ છે. ડૉલર આધારિત સંપત્તિમાં રોકાણ કરવાથી રોકાણકારોને વૈશ્વિક અર્થતંત્રમાં સહભાગી થવાની તક મળે છે અને રૂપિયો નબળો પડવાના જોખમ સામે થોડું રક્ષણ મળે છે. જોકે અત્યારે વૈશ્વિક સ્તરે ડી-ડૉલરાઇઝેશન અને બદલાતા ભૂરાજકીય સંબંધોની ચર્ચાઓ પણ ચાલી રહી છે. તેથી કોઈ એક જ જગ્યાએ આંખ મીંચીને રોકાણ કરવાને બદલે વૈવિધ્યકરણ અત્યંત જરૂરી છે.
આજના આધુનિક રોકાણકાર માટે ૧૦૦ ટકા રોકાણ માત્ર ભારતીય રૂપિયામાં ગણાતી ઍસેટ્સમાં રાખવું જોખમી છે. સંતુલિત પોર્ટફોલિયોમાં આંતરરાષ્ટ્રીય ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફન્ડ અને ડૉલર કે દિરહામ આધારિત રોકાણોનો સમાવેશ થવો જોઈએ. રૂપિયા સિવાયના ચલણમાં જેનું મૂલ્ય ગણાતું હોય એવું રોકાણ કરવું હવે લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા માટે જરૂરી છે.
