સરળ ભાષામાં સોનું બહારથી ખરીદીએ ત્યારે દેશના ડૉલર બહાર જાય છે. એ જ પૈસા દેશમાં ઉદ્યોગ અને વિકાસમાં વપરાય તો ભારત વધુ ઝડપથી આગળ વધી શકે.
વારતહેવારે સોનું ખરીદવાની પરંપરા ધરાવતા ભારતીયોને નરેન્દ્ર મોદીએ એક વર્ષ માટે સંયમ રાખવાની અપીલ કરી છે.
યુદ્ધની અસમંજસભરી પરિસ્થિતિમાં દેશના વિકાસને સ્થિર રાખવા અને દેશને સમૃદ્ધ કરવા માટે નરેન્દ્ર મોદીએ જરૂરી ૭ પગલાં લેવાની વાત કરી એમાં સોનું ન ખરીદવાની વાત પણ હતી. ભારતીયો માટે સોનું એ સિક્યૉરિટી અને સ્થિરતાની નિશાની હોવા ઉપરાંત સાંસ્કૃતિક મહત્ત્વ પણ ખૂબ ધરાવે છે ત્યારે સોનું ન ખરીદવું એ સૌથી અઘરી બાબત છે. જોકે ઘરમાં પડેલું સોનું ભલે તમને સલામતીનો અહેસાસ કરાવતું હોય; પરંતુ સતત વધુ સોનું ખરીદવાની લાય ભારતને, ભારતના રૂપિયાને, ભારતના ફૉરેક્સ રિઝર્વને અને ભારતની વિકાસયાત્રાને કઈ રીતે પાછળ પાડી રહી છે એ સમજીશું તો એક વર્ષ સોનું ન ખરીદવાનો નિર્ણય જરાય આકરો નહીં લાગે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હમણાં આપણા જોગ એક સંદેશ પાઠવ્યો જેમાં ૭ મુખ્ય મુદ્દા સાથે તેમણે આપણને અપીલ કરી કે (૧) વર્ક ફ્રૉમ હોમ કલ્ચર અપનાવો અને એને પ્રાધાન્ય આપો, (૨) પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો ઉપયોગ બને એટલો ઘટાડો, (૩) વિદેશપ્રવાસ જ્યાં સુધી ટાળી શકાય ત્યાં સુધી ટાળો, (૪) સોના-ચાંદી જેવી કીમતી ધાતુઓની ખરીદી ટાળો, (૫) સ્વદેશી અપનાવો (વોકલ ફૉર લોકલ), (૬) કૂકિંગ ઑઇલનો ઉપયોગ બને એટલો ઘટાડો અને (૭) કુદરતી ખેતી પદ્ધતિ તરફ પાછા વળો.
ADVERTISEMENT
આ ૭ મુદ્દા તેમણે દેશની અને વૈશ્વિક વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સૂચવ્યા છે. વડા પ્રધાનની આ ૭ મુદ્દાની સલાહ મહત્ત્વની ૩ બાબતોને લઈને છે : એક, આપણા ઘરનું બજેટ ખોરવાય નહીં. બીજું, દેશનું બજેટ અને પરિસ્થિતિ ખોરવાય નહીં અને સ્થિર રહે અને ત્રીજું, વૈશ્વિક પરિસ્થિતિની માઠી અસર આપણા દેશ પર સૌથી ઓછી થાય. હવે આવી વાતો આવી એટલે મોટા ભાગના લોકો કહેવા માંડ્યા કે પેટ્રોલ-ડીઝલની વાત તો ચાલો જાણે સમજી શકાય, વર્ક ફ્રૉમ હોમવાળું પણ સારું જ છે, દેશને પ્રેમ કરીએ છીએ એટલે સ્વદેશી અપનાવવાનો વિચાર તો મહાન છે જ એમાં ના નહીં, કૂકિંગ ઑઇલ ઓછું વાપરીશું તો એ તો આપણા જ સ્વાસ્થ્ય માટે સારું છે, કૉલેસ્ટરોલની ઝંઝટ નહીં અને કુદરતી ખેતી ફરી અપનાવતા થઈએ તો-તો એથી રૂડું બીજું શું હોઈ શકે? પણ આ હારું સોનું પણ નહીં ખરીદવાનું? સોનું ખરીદવું તો ઊલટાનું સારું કહેવાયને. એ બહાને આપણી બચત પણ થાય અને દેશમાં સોનું પણ વધે. મોદીજીએ કહેલો આ મુદ્દો કંઈ સમજાયો નહીં.
મુદ્દો સમજાયો હોય કે ન સમજાયો હોય પણ એ અંગે વિગતે વાત કરવી રસપ્રદ જરૂર છે. તો ચાલો કરીએ સોના કરતાં પીળી સોનાની વાત! એ પહેલાં થોડી સામાન્ય બાબત ચર્ચી લઈએ. આપણે બધા જ જાણીએ છીએ કે કન્સેપ્ટની દૃષ્ટિએ જોઈએ તો એક ઘર ચલાવવું અને દેશ ચલાવવો એમાં ખાસ કોઈ મોટો ફરક નથી. ઘરમાં પણ એક મોભી હોય એમ દેશનો પણ એક મોભી હોય. આપણું ઘર કે દેશ ચલાવવા માટે મૂળભૂત પાયાની ૩ જરૂરિયાત છે : ૧. આત્મ સુરક્ષા, ૨. ખાદ્ય સુરક્ષા અને ૩. આર્થિક સુરક્ષા.
કોઈ પણ દેશ પોતાની આત્મ સુરક્ષા માટે મુખ્યત્વે બે ચીજો પર ભાર આપીને એને મજબૂત બનાવે છે : સૈન્યબળ અને શસ્ત્રસરંજામ. એ જ રીતે ખાદ્ય સુરક્ષા માટે પણ બે ચીજો પર ભાર આપીને મજબૂત બનાવે છે : દેશમાં ખેતપેદાશોની મહત્તમ અને ફાયદાકારક ઉપજ અને જરૂરિયાત અનુસાર ખાદ્યની આયાત. હવે બાકી રહી ત્રીજી એટલે કે આર્થિક સુરક્ષા તો એ માટે પણ સૌથી પહેલાં બે ચીજો પર ભાર આપીને એને મજબૂત બનાવવી પડે : પોતાના ચલણી નાણાંમાં મજબૂતાઈ સાથેની સ્થિરતા અને વૈકલ્પિક ચલણનો મહત્તમ જથ્થો. સીધી-સરળ ભાષામાં એમ સમજોને કે જે રીતે મજબૂત સૈન્યબળ અને અત્યાધુનિક શસ્ત્રસરંજામ આપણને જમીની સ્તરે મજબૂતી બક્ષે છે એ જ રીતે ભારતીય રૂપિયામાં મજબૂતી અને સોના-ચાંદી-ડૉલર વગેરે જેવાં વૈકલ્પિક ચલણોનો મહત્તમ જથ્થો આપણને આર્થિક મજબૂતી બક્ષે છે.
હવે આપણે આપણા મુખ્ય મુદ્દા સોનું ન ખરીદવાની નરેન્દ્ર મોદીની સલાહ પર આવીએ. તેમણે કહ્યું છે કે હમણાં કમસે કમ એક વર્ષ સોનું ખરીદવાનું ટાળો. શા માટે? ભારતીય અર્થતંત્રમાં સોનું એવું તો કેવુંક મહત્ત્વનું છે કે ખરીદી ન કરવાથી ફરક પડી શકે?

RBIના ગોલ્ડ વૉલ્ટમાં સંઘરાયેલું ગોલ્ડ રિઝર્વ.
આ ગણતરી આંખો ખોલી નાખશે
માત્ર ધારણા ખાતર વિચારો કે ભારત ઇન્વેસ્ટમેન્ટની દૃષ્ટિએ આ વર્ષે માત્ર ૧૦૦ ટન સોનું ઓછું ખરીદીને એ પૈસા કોઈ ઉદ્યોગ કે બીજા સંશોધનમાં રોકે તો (૧ ટન એટલે ૧૦૦૦ કિલો) આપણે એક તોલાનો ભાવ ૧૫,૦૦,૦૦૦ પણ ગણીએ તો ૧૦૦ ટન સોનાની કિંમત થઈ ૧.૫ ટ્રિલ્યન અર્થાત્ ૧ લાખ ૫૦ હજાર કરોડ. કોઈ ધારણા મૂકી શકો કે આટલાં નાણાં કોઈ એક સેક્ટર કે ધંધામાં રોકાયાં હોય તો કેટલા લોકોને રોજગાર પૂરો પાડી શકે? કેટલી વસ્તુઓનું ઉત્પાદન કરી શકે? અરે, એ બધું છોડો, કેટલાં સેક્ટરને ધમધમાવી શકે?
હવે મુદ્દાનો સવાલ એ કે ભારતમાં એક વર્ષમાં માત્ર ઇન્વેસ્ટમેન્ટ, ઘરેણાં કે શોખ ખાતર ખરીદાતું અને એ માટે ઇમ્પોર્ટ થતું સોનું કેટલું છે? તો જવાબ છે દર વર્ષે અંદાજે ૧૦૦૦ ટન સોનાની ભારતમાં ખપત છે જેમાંથી ૮૫૦ ટન જેટલું સોનું ઇમ્પોર્ટ થાય છે. આ ૧૦૦૦ ટન સોનામાંથી ૪૨ ટકા જેટલું સોનું ઘરેણાં બનાવવા માટે વપરાય છે, માત્ર ૮ ટકા વપરાય છે ઔદ્યોગિક વપરાશ હેતુ અને બાકીનું ૫૦ ટકા સોનું રોકાણના આશયથી ખરીદાય છે અને સીધેસીધું જાય છે લૉકર અથવા તિજોરીમાં. વિચાર કરો કે આપણે તો ઉદાહરણ ખાતર માત્ર ૧૦૦ ટન સોનાની વાત કરી હતી. અહીં તો મામલો ૧૦૦૦ ટનનો છે. એમાં માત્ર ને માત્ર ૮ જ ટકા એટલે કે ૮૦ ટન ઉદ્યોગોમાં વપરાય છે. બાકીનું બધું ડેડ ઇન્વેસ્ટમેન્ટ.
હવે એક અમસ્તી જ ગણતરી માંડો કે ૧૦૦ ટન સોનાની ખરીદી માંડી વાળવાથી જો ઉદ્યોગો અને ગતિશીલ રોકાણને ૧.૫ ટ્રિલ્યન મળતા હોય તો (૧૦૦૦-૮૦) ૯૨૦ ટન સોનાની ખરીદી જો માંડી વાળીએ તો દેશને ગતિશીલ રોકાણ તરીકે કેટલું મોટું ભંડોળ મળે. એટલું જ નહીં, દેશની ફૉરેક્સની જે બચત થાય એ આંકડો તો કૅલ્ક્યુલેટરમાં પણ ન સમાય એટલો મોટો છે.
સોનું અને એનું મહત્ત્વ
ગરીબ, મિડલ ક્લાસ કે ધનવાન - ભારતમાં વસતા દરેક ભારતીય માટે સોનું માત્ર શોખ કે દાગીના માટે જ મહત્ત્વનું નથી. આપણે સોનાને એક સુરક્ષિત અને ભરોસાપાત્ર વૈકલ્પિક મિલકત પણ ગણીએ છીએ. એ જ રીતે ભારતના અર્થતંત્રમાં પણ એનું વિશેષ મહત્ત્વ અને સવિશેષ સ્થાન છે. જેમ કે સુરક્ષિત રોકાણ. ઘર હોય કે દેશ, સોનું વર્ષોવર્ષથી આર્થિક અનિશ્ચિતતા સામે સુરક્ષા આપનારી સૌથી શ્રેષ્ઠ ધાતુ છે. એનું મુખ્ય કારણ એ છે કે વિશ્વના તમામ દેશોએ આ ધાતુને કીમતી અને વ્યવહારમાં ઉપયોગમાં લેવા લાયક ધાતુનો દરજ્જો આપ્યો છે. બીજું, ઘરમાં કે દેશમાં જ્યારે આવકની તંગી જેવી પરિસ્થિતિ ઊભી થાય અને મોંઘવારીના ઊંચા દર જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સોનું એ અનિશ્ચિતતા સામે સદૈવ સુરક્ષા આપે છે. ત્રીજું, દેશમાં કે વિશ્વમાં ક્યાંય પણ જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સામાન્ય લોકો અને દેશ પણ સોનાને સૌથી સુરક્ષિત સંપત્તિ માને છે. આથી જ સોનાને એક સવિશેષ નામ મળ્યું છે - Safe Haven Asset.
શહેરો જ નહીં, ગ્રામડાંના લોકોમાં પણ સોનું આધારસ્તંભ : ભારતમાં માત્ર શહેરોમાં રહેતા કે શોખીન લોકો જ સોનું ખરીદે છે એવું નથી. ગામડાંમાં રહેતા મોટા ભાગના લોકો માટે સોનું બચત અને ઇમર્જન્સી માટેની હાથવગી સંપત્તિ તરીકે ગણવામાં આવે છે. વ્યક્તિગત હોય, ઘર હોય કે દેશ, જરૂર પડે ત્યારે સોનું ગિરવી મૂકીને સરળતાથી લોન મેળવી શકે છે એ સોનાનો એક સૌથી મોટો ગુણ છે.
અનઑફિશ્યલી ભારતમાં સૌથી વધુ સોનું છે
ભારત વૈશ્વિક સ્તરે નોંધપાત્ર સોનાના ભંડાર ધરાવતા દેશોમાં છે ખરું, પરંતુ અલગ રીતે. ભારત આશરે ૮૮૦ ટન સોનું ગોલ્ડ રિઝર્વ તરીકે ધરાવે છે. ટોચના ક્રમાંકિત દેશોની યાદીમાં આપણું સ્થાન મહત્ત્વનું છે ખરું અને આપણે એ જાળવી પણ રાખ્યું છે. એટલું જ નહીં, રિઝર્વ બૅન્ક સમયાંતરે એના વિદેશી વિનિમય ભંડારને મજબૂત બનાવવા માટે સોનાની ખરીદી પણ કરતી રહે છે.
જોકે આપણે ભારતીયો એટલા જબરદસ્ત હઠીલા અને બેજવાબદાર છીએ કે પોતાના શોખ અને સંગ્રહખોરીને કારણે ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બૅન્કને પણ પાછળ છોડી દઈએ છીએ. હવે પછી અમે જે આંકડા જણાવવા જઈ રહ્યા છીએ એ વાંચીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. ૮૮૦ ટન સોનાના રિઝર્વ સાથે ભારત વિશ્વમાં દસમા સ્થાને એટલે કે ઘણું પાછળ રહી ગયું છે, પણ એ જ ભારતમાં બિનસત્તાવાર આંકડો કહે છે કે વીસથી બાવીસ હજાર ટન જેટલું સોનું ભારતનાં ઘરોમાં પડ્યું છે. કોઈ કહી શકે કે ભારત સત્તાવાર રીતે નહીં પરંતુ ખાનગી સોનાના જથ્થાની દૃષ્ટિએ વિશ્વનો પ્રથમ અને સૌથી વધુ સોનું ધરાવતો દેશ છે. કેમ, શું કામ, કઈ રીતે? તો બિનસત્તાવાર માહિતી કહે છે કે ભારતીય લોકો, પરિવારો અને ધાર્મિક સ્થળો મળીને વિશ્વમાં સૌથી વધુ ખાનગી સોનાનો જથ્થો ભારતમાં છે. એક અંદાજ મુજબ આ આંકડો લગભગ ૨૫,૦૦૦ ટનથી પણ વધુ હોઈ શકે છે.
રોજગાર અને વેપાર : ભારતમાં સોનાના પ્યૉરિફિકેશનથી લઈને જ્વેલરી સુધીના અનેક ઉદ્યોગોને કારણે લાખો લોકોને રોજગાર મળે છે. સોનાની ખાણોમાંથી સોનાનું ખનન કરવું, કાચા સોનાનું પ્યૉરિફિકેશન કરવું, એનું ટ્રેડિંગ, જ્વલેરી ડિઝાઇનિંગ, કારીગરી અને નિકાસક્ષેત્ર જેવાં અનેક ક્ષેત્રોમાં લાખો લોકો કામ કરે છે જેના પર હજારો પરિવારોનું જીવન નિર્ભર હોય છે.
દેશની નાણાકીય વિશ્વસનીયતા : જે રીતે આપણે સામાન્ય માણસો જે વ્યક્તિ કે ઘરમાં સોનું વધુ હોય તેને ધનવાન અને આર્થિક દૃષ્ટિએ વિશ્વસનીય ગણીએ છીએ એ જ રીતે વિશ્વમાં જે દેશ પાસે સોનાનો સૌથી મોટો ભંડાર હોય તે દેશની આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય વિશ્વસનીયતા સૌથી વધુ હોય છે. એનું કારણ એ કે બીજા દેશોને ખાતરી હોય છે કે ગમે એવી ખરાબ પરિસ્થિતિ સામે આ દેશ લડી શકશે અને જીવિત રહી શકશે કારણ કે એની પાસે કોઈ કાગદી નાણું નહીં પરંતુ ભંડારમાં સોનું પડ્યું છે. આ જ કારણથી દેશની સરકાર અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) પણ ગોલ્ડ રિઝર્વને અત્યંત મહત્ત્વ આપતી હોય છે. આ વાતને થોડી આગળ વધારીએ તો વધુ સારી રીતે સમજાશે.
સોનું અને અર્થતંત્ર : ત્રિકોણના બે ખૂણા
તમે કહેશો કે ત્રિકોણના તો ૩ ખૂણા હોય. તો સોનાના આ ત્રિકોણનો ત્રીજો ખૂણો છે ‘રિઝર્વ’ જેના વિશે આપણે પછી વાત કરીશું. પહેલાં સોનું અને અર્થતંત્રનો સંબંધ તો જાણી લઈએ. એટલું તો આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે દેશ રોજિંદા વ્યવહાર માટે પોતાની ચલણી નોટો છાપે છે ત્યારે સામાન્ય રીતે એ ચલણી નોટોની સામે એટલી જ કિંમતનું સોનું પોતાના ભંડારમાં સુરક્ષિત કરે છે જેથી છપાયેલી ચલણી નોટોની શાખ અને સુરક્ષા જળવાઈ રહે. નોટ પર લખ્યું હોય છે, ‘ભારત સરકાર આ નોટના ધારકને ૧૦ રૂપિયા ચૂકવવાની બાંયધરી આપે છે.’ આ જે બાંયધરી મળે છે એ દેશની સરકારે રાખેલી રિઝર્વને કારણે મળે છે જેમાં સોનું, પેટ્રોલ-ડીઝલ જેવાં ફ્યુઅલ અને ડૉલર્સ જેવી વૈશ્વિક માન્યતા ધરાવતા ચલણનો સમાવેશ થાય છે.
આ સિવાય જ્યારે પણ ભારત કોઈ બીજા દેશ સાથે દ્વિપક્ષી વેપાર કરે ત્યારે લેણદેણમાં ખરીદાતી કે વેચાતી વસ્તુ સામે સોનું અથવા ડૉલર ચૂકવાય અને સ્વીકારાય છે. આની પાછળનું લૉજિક શું છે? તો વિશ્વ આખાના મોટા ભાગના દેશોએ અમેરિકાના ચલણ ડૉલરને વૈશ્વિક વેપાર માટે માન્ય કરન્સી તરીકે સ્વીકાર્યું છે. મતલબ કે ભારતે જો દુબઈ પાસેથી ઑઇલ ખરીદવું હશે તો એ ઑઇલની ખરીદી સામે ભારત ડૉલર ચૂકવશે. એ જ રીતે ભારત પાસેથી ઑસ્ટ્રેલિયાને ઘઉં જોઈતા હશે તો ઘઉંના બદલામાં ઑસ્ટ્રેલિયા ભારતને ચુકવણી પણ ડૉલરમાં જ કરશે. આ થઈ વૈશ્વિક કરન્સી. બીજો એક વિકલ્પ છે કીમતી ધાતુ. તો વિશ્વ આખાના દેશોએ સોનાને વિશ્વની સૌથી કીમતી ધાતુ તરીકે સ્વીકારી છે. આથી જો હું જપાન પાસે કશુંક ખરીદું અને કહું કે કરન્સી તરીકે હું ડૉલર નહીં પણ એટલી જ કિંમતનું સોનું આપીશ તો જપાન એ હોંશે-હોંશે સ્વીકારી લેશે. અદ્દલ એ જ રીતે જે રીતે આપણે પૈસા તો બચાવીએ છીએ જ, પણ સાથે સંકટ સમયની પૂંજી તરીકે સોનું પણ ખરીદીને બચાવીએ છીએ. આ રીતે વૈશ્વિક વ્યવહારોમાં સોનું આર્થિક સુરક્ષા પૂરી પાડનારું એક સૌથી મહત્ત્વનું આયામ છે.
ઓછું ખરીદવાની સલાહ કેમ?
ભારતમાં સોનાનું સ્થાન માત્ર એક કીમતી ધાતુ તરીકેનું નથી. આપણા દેશમાં સોનું વિશ્વાસ, પરંપરા, સુરક્ષા અને સૌથી વિશેષ સંપત્તિના પ્રતીક તરીકે ગણાય છે. આપણે વર્ષોથી સોનાને વિશેષ માન આપતા રહ્યા છીએ. કાચા ચાંલ્લા હોય, લગ્ન હોય, બાળકના જન્મનો પ્રસંગ હોય કે જનોઈ કે બીજો કોઈ પણ શુભ પ્રસંગ કે તહેવાર - વ્યવહારથી લઈને બચત સુધીનાં તમામ કારણોમાં એક જ નામ આવે અને એ છે સોનું. લગભગ દરેક ઘર અને એ ઘરની દરેક વ્યક્તિની લાગણી સોના સાથે જોડાયેલી હોય છે. એ જ રીતે સોનું ભારતની અર્થવ્યવસ્થામાં પણ ખૂબ ઊંડે સુધીનું જોડાણ ધરાવે છે.
કહેવાય છે કે સંગ્રહ કરવામાં, ઘરેણાં તરીકે ઉપયોગ કરવામાં અને સામાજિક વ્યવહારોમાં સોના જેવી કીમતી ધાતુનો આખા વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ કરનારો દેશ ભારત છે. જોકે મુશ્કેલી એ છે કે ભારતમાં દર વર્ષે સોનાની જેટલી ડિમાન્ડ હોય છે એટલું બધું જ સોનું ભારતની ખાણોમાંથી મળતું નથી. આથી સામાન્ય માણસોની સોનાની ડિમાન્ડને પહોંચી વળવા માટે દર વર્ષે સોનાની વિદેશથી આયાત કરવી પડે છે. હવે આ આયાત ઓછી હોય તો ખાસ વાંધો નહીં આવે, પહોંચી વળી શકાય; પરંતુ આપણે ભારતીયો દર વર્ષે એટલું અધધધ સોનું ખરીદતા હોઈએ છીએ કે કુલ ડિમાન્ડના ૯૦ ટકા કરતાં વધુ સોનું આપણે વિદેશથી આયાત કરવું પડે છે.
ફૉરેક્સ ઘટે : સ્વાભાવિક છે કે સોનું આયાત કરીએ એટલે એની સામે નાણાં તરીકે ડૉલર ચૂકવવા પડે. ડૉલર ચૂકવવા પડે તો એ ડૉલર અમેરિકાથી મફતમાં તો કોઈ લાવ્યું નહીં હોય, દેશમાં ક્રૉસ કરન્સી તરીકે જ ઉપલબ્ધ થયા હશે. તો સોનાની ખરીદી સામે ડૉલર ચૂકવવા પડે એનો સીધો અર્થ છે તમારી પાસે જે ડૉલર પડ્યા છે એમાં ઘટાડો. હવે ડૉલરમાં ઘટાડો અર્થાત્ દેશમાં જે ફૉરેન કરન્સી રિઝર્વ તરીકે રાખી હોય એમાં ઘટાડો અર્થાત્ ફૉરેક્સમાં ઘટાડો. ટૂંકમાં, સોનાની આયાત માટે ભારતમાંથી ડૉલર બહાર જાય છે. ડૉલર બહાર જાય એટલે ફૉરેક્સ ઘટે અને ફૉરેક્સ ઘટે એટલે રૂપિયાની વિશ્વનીયતા ઘટે. એને કારણે રૂપિયાની સ્થિરતા જોખમાય અને એ વધુ ને વધુ નીચે ગગડવા માંડે. હવે જો આપણે સોનું ખરીદવાનું જ ઓછું કરીએ તો સ્વાભાવિક છે કે ડિમાન્ડ ઘટવાને કારણે સોનાની એટલી આયાત પણ ઓછી થશે અને આયાત ઓછી થશે એટલે સ્વાભાવિક રીતે જ ડૉલરનો ખર્ચ ઓછો થશે અને ડૉલરનો ઓછો ખર્ચ અર્થાત્? એક્ઝૅક્ટ્લી, ફૉરેક્સમાં ઓછો ઘટાડો.
ટ્રેડ ડેફિસિટ ઘટે : આપણે બધા જાણીએ છીએ કે ભારત એક નેટ ઇમ્પોર્ટર દેશ છે. એટલે કે દર વર્ષે આપણા દેશની વસ્તુઓ જેટલી વિદેશમાં એક્સપોર્ટ થાય છે એની સામે વિદેશથી આપણા દેશમાં ઇમ્પોર્ટ થતી વસ્તુઓ વધુ છે. અર્થાત્ આપણે જો ૬૦ રૂપિયાની વસ્તુઓ એક્સપોર્ટ કરતા હોઈશું તો એની સામે ૧૦૦ રૂપિયાની વસ્તુઓ ઇમ્પોર્ટ કરીએ છીએ. આગળ વાંચ્યું એટલે હવે આપણે જાણીએ છીએ કે ઇમ્પોર્ટ સામે એક્સપોર્ટનો આ જે ખાડો છે એ પૂરવા માટે આપણે ફૉરેક્સમાંથી પૈસા ચૂકવવા પડે.
ભારતમાં દર વર્ષે સૌથી વધુ ઇમ્પોર્ટ ક્રૂડ ઑઇલની થાય છે એ કદાચ ખબર જ હશે, પણ ક્રૂડ ઑઇલ પછી સૌથી વધુ ઇમ્પોર્ટનો ખર્ચ કઈ વસ્તુ પર થાય છે ખબર છે? એ છે સોનું. ક્રૂડ ઑઇલ પછી સોનું બીજી એવી વસ્તુ છે જેની આયાત પાછળ ભારત સૌથી વધુ ખર્ચ કરે છે. હવે વડા પ્રધાને કહ્યું કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડો અને સોનાની ખરીદી ઘટાડો. એનો સીધો અર્થ શું થયો? જો આપણે ઉપયોગ અને ખરીદી ઘટાડીશું તો ક્રૂડ અને સોનાની આયાત ઓછી થઈ જશે. આ બે સૌથી મોટા ખર્ચની આયાત ઓછી થઈ એનો અર્થ એ થયો કે દેશનું ઇમ્પોર્ટ-બિલ ઘટ્યું અને ઇમ્પોર્ટ-બિલ ઘટ્યું એનો અર્થ શું થાય? એક્સપોર્ટ સામે વધુ ઇમ્પોર્ટનો જે ખાડો હતો એ ઓછો થઈ જાય. અર્થાત્, દેશે પોતાના રોજિંદા ખર્ચમાં જે વધારાનો ખર્ચ કરવો પડતો એ જ ઘટી જાય જેને કહેવાય અકાઉન્ટ ડેફિસિટનું ઘટવું. આને તમે એમ કહી શકો કે એક કાંકરે ૩ પક્ષી વીંધાય! એક તરફ ક્રૂડ અને સોનાની ખરીદી ઘટે એટલે ટ્રેડ ડેફિસિટ (ઇમ્પોર્ટ સામે એક્સપોર્ટનો ગૅપ) ઘટે, ટ્રેડ ડેફિસિટ ઘટે એટલે ફૉરેક્સનો ઘટાડો ઓછો થાય અને આ બન્નેના ઘટાડાને કારણે અકાઉન્ટ ડેફિસિટ ઓછી થાય. આયાત ઓછી થાય એટલે દેશમાં ડૉલરનો ખર્ચ બચી જાય, જેને કારણે ભારતની ફૉરેક્સ રિઝર્વની પરિસ્થિતિ મજબૂત થાય અને પરિણામે? ભારતીય રૂપિયો વધુ મજબૂત અને વધુ સ્થિર રહી શકે. અર્થાત્ દેશની આર્થિક પરિસ્થિતિ, સ્થિરતા અને ભારતીય રૂપિયાની મજબૂતાઈ માટે વિન વિન સિચુએશન.

૧૯૮૦માં જ્યારે ભારત ક્રાઇસિસમાં હતું ત્યારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૪૭,૦૦૦ કિલો સોનું ઇંગ્લૅન્ડમાં મૂકીને એ વખતે ૪૦૫ મિલ્યન ડૉલર ઇમર્જન્સી લોન મેળવી હતી.
પૈસો ઉત્પાદન અને વિકાસમાં વાપરો
આપણે બધા જાણીએ છીએ અને અનેક વાર કહેતા પણ હોઈએ છીએ કે ગોલ્ડ ઇઝ ડેડ ઇન્વેસ્ટમેન્ટ! ખરું કે નહીં? આ વિધાન પાછળનું કારણ શું માત્ર સોનામાં મળતું ઓછું વળતર છે? ના, આ માટે એથી પણ મોટું કારણ છે સોનું નામની મિલકતનો સ્વભાવ. ભારતમાં સોનું ખરીદનાર કે સોનામાં પૈસા રોકનાર ૯૭થી ૯૮ ટકા લોકોનું એ ઇન્વેસ્ટમેન્ટ સામાન્યતઃ લૉકર કે તિજોરીમાં પડી રહે છે. અર્થાત્, એ મિલકત કે રોકાણ કોઈ પણ દૃષ્ટિએ નવું ઉત્પાદન કે નવી રોજગારીની તકોનું સર્જન કરતું નથી. આ એક સૌથી મોટું કારણ છે સોનાને ડેડ ઇન્વેસ્ટમેન્ટ ગણાવવા પાછળનું.
એની જગ્યાએ ધારો કે ભારતીય લોકો એ જ નાણાં કોઈ ઉદ્યોગ, શૅરબજાર, સ્ટાર્ટઅપ્સ, મૅન્યુફૅક્ચરિંગ યુનિટ, ગૃહઉદ્યોગ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકે તો દેશમાં નવા ઉત્પાદનને વેગ મળે જ મળે. એની સાથે ઘણી બધી રોજગારીની નવી તકો પણ સર્જાય. એટલું જ નહીં, ઓવરઑલ દેશના અર્થતંત્રને જબરદસ્ત ગતિ મળે.
રૂપિયા પરનું દબાણ ઘટાડી શકાય
સોનાની આયાત માટે સૌથી વધુ જરૂર પડે છે ડૉલરની અને ડૉલરની ડિમાન્ડ વધે એટલે એનું સીધું દબાણ અને સીધી અસર પડે રૂપિયા પર. એક સાવ સરળ ઉદાહરણ દ્વારા આ વાત સમજીએ. ધારો કે તમારો કોઈ મિત્ર અમેરિકાથી આવી રહ્યો છે અને તે કહે કે હું તારા માટે આઇફોન લેતો આવીશ. તમે કહો કે ખૂબ સરસ, તું અહીં આવે એટલે હું તને ડૉલરનું રૂપિયામાં કન્વર્ઝન આપી દઈશ જે એક ડૉલર બરાબર ૯૬ રૂપિયા છે! પેલો મિત્ર કહે કે ના, હું તો એક ડૉલર બરાબર ૯૮ રૂપિયા લઈશ. હવે તમને અમેરિકાથી આવી રહેલો આઇફોન જોઈએ છે એટલે તમે કહો કે હા, સારું ભાઈ લઈ લેજે!
પણ આ બાંધછોડ દરમ્યાન આપણે એ ભૂલી ગયા કે એક સામાન્ય આઇફોન પર્સનલ ઇમ્પોર્ટ કરવામાં આપણે ભારતીય રૂપિયાને ડૉલર સામે બે રૂપિયા નબળો કરી નાખ્યો. બરાબર આવું જ સોના સાથે છે. સરકાર સોનું ખરીદવા નથી માગતી. સરકારને આટલા બધા સોનાની જરૂર પણ નથી; પરંતુ લોકો સોનું એટલું બધું ખરીદે છે કે સરકારે જખ મારીને ઇમ્પોર્ટ કરવું પડે છે જેને કારણે અલ્ટિમેટલી દબાણ રૂપિયા પર આવે છે.
હવે જો સોનાની આયાત જ ઘટી જાય તો ટ્રેડ ડેફિસિટની સાથે-સાથે ડૉલરની ડિમાન્ડ પણ ઘટી જાય. ડૉલરની ડિમાન્ડ ઘટી જાય એટલે સ્વાભાવિક છે કે ફૉરેક્સ પરનો બોજો ઘટી જાય અને ફૉરેક્સમાં ઘટાડો બંધ થાય એટલે મજબૂત ફૉરેક્સ ભારતીય રૂપિયાને સ્થિરતા અને મજબૂતાઈ બક્ષે. ટૂંકમાં, સોનાની આયાત વધે તો ડૉલરની ડિમાન્ડ વધે. ડૉલરની વધારે ડિમાન્ડથી રૂપિયા પર પણ દબાણ વધે અને સરવાળે રૂપિયો વધુ નબળો થાય. આથી જો સોનાની આયાત ઘટે તો રૂપિયાને આપણે ઝડપથી વધુ મજબૂત કરી શકીએ.
સોનાની નકારાત્મક બાજુ
આગળની ચર્ચામાં ભાગ લેવા પહેલાં જ કહી દઈએ કે સોના પ્રત્યે આપણને કોઈ દ્વેષભાવ નથી. બસ, જે વાસ્તવિકતા છે એ સમજવી જરૂરી છે. જ્યારે-જ્યારે લોકો સોનામાં જરૂર કરતાં વધુ પ્રમાણમાં બચત કે રોકાણ કરે છે ત્યારે એટલા પૈસા અર્થતંત્રના ઉત્પાદક ક્ષેત્રમાં જતા અટકી જાય છે. આથી જ તો સરકાર વારંવાર Gold Bond અને Gold Monetisation જેવી યોજનાઓ લાવતી હોય છે જેથી સોનું પણ અર્થતંત્રમાં ઉપયોગી બની શકે.
બાકી આપણા દરેકના ઘરનો અનુભવ છે એટલે કહેવાની જરૂર નથી કે એક વાર ખરીદાયેલું બિસ્કિટ કે ઘરેણું ઘરની તિજોરીમાં કે લૉકરમાં પુરાયું એ પુરાયું. પછી એ વર્ષો સુધી બહાર નીકળતું નથી. અરે, ઘણી વાર તો એવું બને કે ક્યારેય બહાર નીકળતું જ નથી.
સોનું અને રિઝર્વ
ભલે સોનું ડેડ ઇન્વેસ્ટમેન્ટ હોય કે માત્ર સંકટ સમયની સાંકળ હોય, પરંતુ ભારતની સાથે-સાથે વિશ્વ આખું એને મોસ્ટ રિલાયેબલ ઍસેટ માને છે એમાં કોઈ શક નથી. એટલે જ વિશ્વના લગભગ તમામ દેશો એને વૈકલ્પિક ચલણ તરીકે અને મુખ્ય રિઝર્વ તરીકે પણ ગણે છે. તો પછી હવે એ કહો કે વિશ્વમાં કયો દેશ ‘ગોલ્ડ કિંગ’ તરીકે ટોચના સ્થાને છે? અને આટલા શોખ, આટલા ઇમ્પોર્ટ છતાં ભારત કયા સ્થાને છે?
સાચું કહીએ? એક દૃષ્ટિએ જોવા જઈએ તો આ વિશ્વ અને એના દેશોનું પણ બરાબર ઘર અને સમાજ જેવું જ છે. જે રીતે સૌથી વધુ સોનું ધરાવતા માણસને આપણે તાલેવાન ગણીએ છીએ એ જ રીતે આ વિશ્વ પણ જે-તે દેશ પાસે રહેલા સોનાના ભંડારને એની આર્થિક શક્તિના પુરાવા તરીકે ગણે છે. અમેરિકાથી લઈને ભારત સુધી બધા દેશો ગોલ્ડ રિઝર્વ રાખે જ છે એમાં કોઈ બે મત નથી.
દરેક દેશ માટે ગોલ્ડ રિઝર્વ આર્થિક સુરક્ષા માટેનો એક મજબૂત પાયો છે એમ કહીએ તો ખોટું નથી. અલબત્ત, આર્થિક સુરક્ષાનું બૅરોમીટર ગોલ્ડ રિઝર્વ છે એમ કહેવામાં કોઈ ઝિઝક ન થવી જોઈએ. જ્યારે વૈશ્વિક મોંઘવારી વધે છે, ચલણ નબળું પડે છે અથવા ભૂમિ કે રાજકીય તનાવ જેવી પરિસ્થિતિ ઊભી થાય, અરે, યુદ્ધ જેવી પરિસ્થિતિ કે યુદ્ધનું પણ નિર્માણ થાય ત્યારે એકમાત્ર સોનું સલામત રોકાણ તરીકે કામ આપે છે. આ જ કારણ છે કે રિઝર્વ બૅન્ક એના વિદેશી વ્યવહાર-વિનિમય અને હોલ્ડિંગ્સની સાથે જ કોઈ પણ આર્થિક કટોકટી દરમ્યાન રાષ્ટ્રની નાણાકીય સ્થિરતા અકબંધ રહે એની ખાતરી થાય એટલો સોનાનો ભંડાર અકબંધ જાળવી રાખે છે.
રિઝર્વ ઍન્ડ રૅન્કિંગ
વૈશ્વિક ઍસેટ ગણાતું સોનું : વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર અમેરિકા પાસે છે. અંદાજિત આંકડા સાથે પણ વાત કરીએ તો અમેરિકા પાસે આશરે ૮૧૩૩ ટન જેટલું સોનું છે. આટલો મોટો ભંડાર વિશ્વના બીજા કોઈ દેશ પાસે નથી. અમેરિકા પછી આ યાદીમાં બીજા ક્રમાંકે આવે છે જર્મની. એની પાસે આશરે ૩૩૫૦ ટન જેટલું સોનું છે. જર્મની આખા યુરોપમાં સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતો દેશ છે. ત્યાર બાદ યુરોપની જ આંગળી પકડી રાખીએ તો ઇટલી અને ફ્રાન્સ પણ મોખરાની યાદીમાં આવે ખરાં.
સોનાના ભંડારની દૃષ્ટિએ ઇટલી પાસે આશરે ૨૪૫૨ ટન સોનું છે, જ્યારે ફ્રાન્સ પાસે છે લગભગ ૨૪૩૭ ટન. આ બન્ને દેશોએ ઘણા લાંબા સમયથી એમની રિઝર્વ સાચવી રાખી છે અને એમાં ઘટાડો ન થવા દઈને યુરોપિયન ઇકૉનૉમીમાં ડૉમિનેટિંગ રોલ ભજવે છે. પાંચમા ક્રમે ચીન પાસે આશરે ૨૩૩૦ ટન સોનું છે. જોકે વૈશ્વિક પૉલિટિક્સમાં રસ ધરાવતા લોકોએ એ જાણવું જોઈએ કે ચીન ખૂબ ઝડપથી એનું ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યું છે. સતત સોનું ખરીદીને એની આર્થિક વ્યૂહરચના મજબૂત બનાવવી એ વિશ્વ પર ડૉમિનેશન બનાવવા તરફની સફરમાં લેવાયેલું ચીનનું મહત્ત્વનું પગલું છે.
સોનું ભારત માટે માત્ર ધાતુ નથી; એ એક સંસ્કૃતિ, વિશ્વાસ અને સુરક્ષાનું પ્રતીક છે. જોકે અતિશય સોનું દેશની આયાત, ડૉલર અને અર્થતંત્ર પર ભારરૂપ સાબિત થાય છે એ હકીકત છે. જો લોકો (આપણે) સમજદારીપૂર્વક સોનામાં મર્યાદિત રોકાણની આદત પાડે અને બાકીના પૈસા વિકાસકારક ક્ષેત્રોમાં મૂકે તો ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂતી મળી શકે. એક રીતે કહીએ તો ‘સોનું સુરક્ષા ભલે આપે છે, પરંતુ વિકાસ માટે પૈસા ઉત્પાદન અને ઉદ્યોગમાં વહેવા જરૂરી છે.’
