ફક્ત નાનકડીને મોકલો ને નિશાળે, વિદ્યાથી થશે બુદ્ધિ વિશાળે, ૧૯મી સદીના મુંબઈમાં કન્યાકેળવણી, ગયા શનિવારે પ્રગટ થયેલું લખાણ વાંચીને એક મિત્રએ બહુ ધારદાર સવાલ પૂછ્યો : ટ્રેન, ટ્રામ, બસમાં સ્ત્રીઓને અલાયદી સગવડ મળી એ વાત તો સારી છે;
ઓગણીસમી સદીની પારસી કન્યાશાળા.
ગયા શનિવારે પ્રગટ થયેલું લખાણ વાંચીને એક મિત્રએ બહુ ધારદાર સવાલ પૂછ્યો : ટ્રેન, ટ્રામ, બસમાં સ્ત્રીઓને અલાયદી સગવડ મળી એ વાત તો સારી છે; પણ એ વખતની સ્કૂલો, કૉલેજો વગેરેમાં શું? એમાં છોકરીઓ માટે, સ્ત્રીઓ માટે કોઈ ખાસ વ્યવસ્થા હતી? એ વખતે સ્ત્રીઓના ભણતરનું પ્રમાણ કેટલું? એ વખતે તે મિત્રને કહ્યું કે જવાબ માટે તમારે એક અઠવાડિયાની રાહ જોવી પડશે.
આપણે ત્યાં એક એવી માન્યતા ઘર કરી ગઈ છે કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને ગુલામ જેવા કારકુનો પેદા કરવા માટે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ દાખલ કર્યું. એટલું જ નહીં, આપણે ત્યાં પરંપરાગત રીતે શિક્ષણ આપતી જે સ્કૂલો હતી એનો મૃત્યુઘંટ તેમણે વગાડ્યો. જોકે વાત આટલી સીધીસાદી નહોતી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું, લગભગ એ જ વખતે બૉમ્બે પ્રેસિડન્સીની સરકારે આખા ઇલાકામાંની પરંપરાગત રીતે શિક્ષણ આપતી સ્કૂલોની મોજણી કરાવી હતી. બૉમ્બે પ્રેસિડન્સીનાં બધાં શહેરો અને ગામડાંઓમાં કુલ ૧૭૦૫ સ્કૂલો હતી જેમાં કુલ ૩૫,૧૫૩ છોકરાઓ ભણતા હતા. એ વખતે બૉમ્બે પ્રેસિડન્સીની કુલ વસ્તી લગભગ ૪૭ લાખની હતી. એટલે કે દર ૧૩૩ વ્યક્તિમાંથી ફક્ત એક વ્યક્તિ ભણવા માટે સ્કૂલમાં જતી હતી. આ અહેવાલમાંની બીજી કેટલીક હકીકતો પણ નોંધપાત્ર છે : એક પણ સ્કૂલને પોતાનું અલાયદું મકાન નહોતું. સ્કૂલ કાં મહેતાજીના ઘરે કે પછી મંદિર અથવા ધરમશાળા જેવી કોઈ જાહેર જગ્યાએ બેસતી. એવી કોઈ સગવડ ન હોય તો ખુલ્લામાં ઝાડ નીચે પણ છોકરાઓ ભણતા. લગભગ બધા મહેતાજીઓ બ્રાહ્મણ હતા. અછૂત ગણાતી જાતિઓનો છોકરો ભણતો હોય એવો એક પણ દાખલો અહેવાલમાં ક્યાંય નોંધાયો નથી. એવી જ રીતે એક પણ સ્કૂલમાં છોકરી ભણતી હોય એવું નોંધાયું નથી. એટલે કે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ શરૂ થયું ત્યાં સુધી આપણે ત્યાં છોકરીઓને ભણાવવાનો ચાલ હતો જ નહીં.
૧૮૧૫ની ૨૯ જાન્યુઆરીએ મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં ‘ધ બૉમ્બે એજ્યુકેશન સોસાયટી’ની સ્થાપના કરી. અલબત્ત, એ વખતે એનો ઉદ્દેશ ગરીબ ખ્રિસ્તી છોકરાઓ માટે શિક્ષણની સગવડ ઊભી કરવાનો હતો. ૧૭૧૮થી મુંબઈમાં ચાલતી એક ધર્માદા સ્કૂલ સોસાયટીએ પોતાને હસ્તક લઈ લીધી અને ૧૮૧૫માં મુંબઈના કોટ વિસ્તારમાં એક ‘સેન્ટ્રલ સ્કૂલ’ શરૂ કરી. જોકે પહેલેથી જ એમ ઠરાવવામાં આવ્યું કે જે દેશી છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને પણ વાજબી ફી લઈને દાખલ કરવા. ૧૮૧૮ સુધીમાં સોસાયટીએ એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ એમાં એકેય ‘દેશી’ છોકરી ભણતી નહોતી. એ વિશે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિન્દુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી એટલે આ સ્કૂલમાં એક પણ ‘દેશી’ છોકરી ભણવા આવતી નથી.
૧૮૩૫માં શરૂ થયેલી એલ્ફિન્સ્ટન કૉલેજના પહેલા બે અધ્યાપકો માત્ર અભ્યાસક્રમ પ્રમાણે ભણાવવાથી જ પોતાની ફરજ પૂરી થઈ એમ માનતા નહોતા. એ વખતે મુંબઈમાં અને પશ્ચિમ ભારતમાં જે નવજાગૃતિનો જુવાળ આવ્યો એને અનુરૂપ કામો સાથે તેઓ પોતાના વિદ્યાર્થીઓને સાંકળતા હતા. આ બે અધ્યાપકો તે એ. એમ. પેટન અને આર. ટી. રીડ. આ બન્નેએ પોતાના વિદ્યાર્થીઓને ‘સ્ટુડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટી’ની સ્થાપના કરવાની પ્રેરણા આપી. ૧૮૪૮ની ૧૩ જૂને આ સંસ્થાની સ્થાપના થઈ. શરૂઆતમાં આ સોસાયટીની મુખ્ય કામગીરી હિન્દુસ્તાનની સામાજિક સ્થિતિ વિશે લેખો લખવા, જાહેર ભાષણો કરવાં અને એના પર ચર્ચાઓ કરવી એટલી જ હતી. જોકે થોડા વખતમાં જ બન્ને પ્રોફેસરોને સમજાયું કે માત્ર લેખો કે ભાષણો વડે સમાજમાં પરિવર્તન લાવવાનું શક્ય નથી એટલે વિદ્યાર્થીઓને સામાજિક કાર્ય સાથે સક્રિય રીતે જોડવા જોઈએ. આ માટે તેમણે કન્યાકેળવણીનું ક્ષેત્ર પસંદ કર્યું. ૧૮૪૯ની ૨૧ ઑક્ટોબરથી બે સ્કૂલ મરાઠી છોકરીઓ માટેની તથા ૪ સ્કૂલ ગુજરાતી (જેમાં પારસીઓનો પણ સમાવેશ થતો હતો) શરૂ કરી. આ સ્કૂલો મુંબઈના કોટ, ધોબીતળાવ, બહાર કોટ અને માઝગાવના વિસ્તારોમાં શરૂ થઈ. આ સ્કૂલો માટે પગારદાર માસ્તરો રોકવાનું સોસાયટીનું ગજું નહોતું એટલે રોજ સવારે સાતથી ૧૦ વાગ્યા સુધી એલ્ફિન્સ્ટન કૉલેજના વિદ્યાર્થીઓ વગર પગારે આ સ્કૂલોમાં ભણાવવા જતા.
માનશો? આ સ્ટુડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટીએ ૧૮૮૪માં સ્થાપેલી છોકરીઓ માટેની મરાઠી માધ્યમની એક હાઈ સ્કૂલ હજી ગઈ કાલ સુધી જીવતી હતી. અગાઉ બીજે શરૂ થયેલી આ સ્કૂલ ઠાકુરદ્વાર પાસેના ૧૦૦ વર્ષ જૂના એક મકાનમાં આવેલી હતી. ૨૦૧૮-’૧૯ સુધી આ સ્કૂલમાં ૧૨૦૦+ છોકરીઓ ભણતી હતી. ૨૦૨૨માં આ સ્કૂલમાં છોકરાઓને પણ દાખલ કરવામાં આવ્યા. મરાઠી માધ્યમની આ સ્કૂલે વિદ્યાર્થીઓની સંખ્યા વધે એવા આશયથી અંગ્રેજી માધ્યમના વર્ગો પણ શરૂ કરવાની પરવાનગી માગી, પણ સરકારી જવાબ હતો કે તમારી સ્કૂલથી એક કિલોમીટરના વ્યાસમાં બીજી અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે એટલે તમને આવી પરવાનગી આપી શકાય એમ નથી. આ વર્ષ (૨૦૨૬)ની શરૂઆતમાં માત્ર ૬૮ વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા. ૨૦૧૪-’૧૫માં આ સ્કૂલમાં પચીસ શિક્ષકો હતા. છેલ્લે પ્રિન્સિપાલ સહિત માત્ર ૬ શિક્ષક રહ્યા હતા. આ શૈક્ષણિક વર્ષની શરૂઆતથી એના બધા વિદ્યાર્થીઓને આસપાસની બીજી સ્કૂલોમાં મોકલીને સરકારે આ સ્કૂલ બંધ કરી દીધી
૧૮૧૯માં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન મુંબઈના ગવર્નર થયા અને હોદ્દાની રૂએ બૉમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ થયા. ‘દેશી’ વિદ્યાર્થીઓને સ્કૂલનું શિક્ષણ તો તેમની માતૃભાષામાં જ આપવું જોઈએ એમ તેઓ દૃઢતાથી માનતા હતા. એટલે એ વખતે હિન્દુ ગુજરાતીઓ, પારસી ગુજરાતીઓ અને હિન્દુ મરાઠીઓ માટે અલગ-અલગ સ્કૂલોની તેમણે શરૂઆત કરેલી. શરૂઆતમાં ગુજરાતી પાઠ્યપુસ્તકો પણ ‘બનિયન’ (વાણિયા) ગુજરાતી અને પારસી ગુજરાતીમાં અલગ-અલગ છપાતાં.
જોકે એ વખતે પણ કેટલાક લોકો અંગ્રેજી માધ્યમની તરફેણમાં હતા. ‘દેશી’ વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી માધ્યમમાં ભણવાની તક મળવી જોઈએ એમ તેઓ માનતા હતા. સરકારે થોડી ઢીલ મૂકી. ‘દેશી’ ભાષાની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ સાતમા ધોરણ પછી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં દાખલ થઈ શકે, પણ એ માટે બે પરીક્ષા આપવી પડે. એક, તેમની પોતાની ‘દેશી’ ભાષા, એટલે કે ગુજરાતી, મરાઠી વગેરેની અને બીજી અંગ્રેજીની. વળી આ પરીક્ષા વિદ્યાર્થી જે સ્કૂલમાં ભણતો હોય એ સ્કૂલમાં નહીં આપવાની. અંગ્રેજી માધ્યમની જે સ્કૂલમાં દાખલ થવું હોય એ સ્કૂલ એ પરીક્ષા લે અને બન્ને ભાષામાં ૫૦ ટકા કે એથી વધુ માર્ક મળે તો જ તે વિદ્યાર્થીને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં પ્રવેશ મળે. અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદ તેમની આત્મકથા ‘મારી હકીકત’માં જણાવે છે કે તેમણે મુંબઈમાં અભ્યાસની શરૂઆત પાયધુની પર આવેલી બાલગોવિંદ મહેતાજીની સ્કૂલમાં કરી હતી. આઠમા ધોરણમાં દાખલ કરતાં પહેલાં તેમની અંગ્રેજી અને ગુજરાતીની પરીક્ષા એલ્ફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ જૉન હાર્કનેસે પોતે લીધી હતી અને એમાં પાસ થયા પછી નર્મદ અંગ્રેજી માધ્યમની એ સ્કૂલમાં દાખલ થયા હતા.
આ જૉન હાર્કનેસ તે એલ્ફિન્સ્ટન કૉલેજના પહેલા પ્રિન્સિપાલ. તેઓ ક્લાસિકલ અંગ્રેજી સાહિત્યના અધ્યાપક હતા. નેપિયન સી રોડથી રીજ રોડ સુધી જતા રસ્તાની સાથે તેમનું નામ જોડવામાં આવ્યું હતું, કારણ એ રોડ પરના એક બંગલામાં તેઓ વર્ષો સુધી રહ્યા હતા. આઝાદી પછી આ રોડને બે ભાગમાં વહેંચીને એક ભાગને જમનાદાસ મહેતા રોડ અને બીજા ભાગને નારાયણ દાભોલકર રોડ નામ આપવામાં આવ્યાં, પણ હજી આજેય લોકજીભે તો હાર્કનેસ રોડ નામ જ પહેલું આવે.
નામદાર જગન્નાથ શંકરશેટ એટલે ૧૯મી સદીના મુંબઈનું એક ખૂબ ઊજળું નામ. જન્મ ૧૮૦૩માં, અવસાન ૧૮૬૫માં. બૉમ્બે એજ્યુકેશન સોસાયટીની સ્થાપનાથી જ એની સાથે નાનાનો મનમેળ, પણ થોડા વખતમાં સમજી ગયા કે અહીંના લોકોને, ખાસ કરીને છોડીઓને શિક્ષણ આપવાનું કામ માત્ર આવી સંસ્થા કે સરકાર કરી શકે એમ નથી; લોકોએ પણ આગળ આવીને આ કામ ઉપાડી લેવું જોઈએ. એટલે તેમણે મરાઠી અને ગુજરાતી છોડીઓ માટે સ્કૂલ શરૂ કરી. પણ ક્યાં? ગિરગામ રોડ પર આવેલા પોતાના વિશાળ વાડા (‘બંગલા’ માટેનો મરાઠી શબ્દ)ની પાછળ આવેલા ગેસ્ટ હાઉસમાં. એ વખતે લોકો ‘છોડીઓની નિશાળ’ તરફ શંકાની નજરે જોતા એટલે લોકોને ધરપત આપવા નાનાએ પોતાના વિશાળ કુટુંબની છોકરીઓને એ સ્કૂલમાં ભણવા મૂકી.
છોકરા-છોકરી એક જ સ્કૂલમાં ભણે એ માટે અહીંનો સમાજ હજી તૈયાર નથી એ વાત ગવર્નર એલ્ફિન્સ્ટનને સમજાઈ ગઈ હતી એટલે તેમણે મરાઠી, ગુજરાતી જેવી ‘દેશી’ ભાષાઓમાં ‘છોડીઓ’ માટેની અલગ સ્કૂલો શરૂ કરી હતી; પણ એમાં જે કંઈ ભણાવાતું એ ‘દેશી’ સમાજ અને રહેણીકરણીને અનુકૂળ આવે એવું હતું. મિશનરી પાદરીઓએ પણ છોકરીઓ માટેની સ્કૂલ શરૂ કરી હતી; પણ માત્ર હિન્દુઓ જ નહીં, ‘સુધરેલા’ ગણાતા પારસીઓ પણ આવી સ્કૂલોમાં પોતાની છોકરીઓને ભણવા મોકલતાં અચકાતા કારણ તેમને છોકરીઓને ‘વટલાવવામાં’ આવશે એવી બીક લાગતી. એટલે ૧૯મી સદીના મુંબઈના એક અગ્રણી વેપારી અને સમાજસુધારક માણેકજી ખરશેદજીએ ૧૮૬૩માં ધી ઍલેક્ઝાન્ડ્રા ગર્લ્સ ઇંગ્લિશ સ્કૂલની શરૂઆત ભાયખલામાં આવેલા પોતાના વિલા ‘ભાયખલા’ નામના બંગલાના એક ભાગમાં કરી. પહેલા વર્ષે એમાં માત્ર ૧૩ છોકરીઓ દાખલ થઈ. એનું મુખ્ય કારણ હતું પારસી પંચાયતે કરેલો ઉગ્ર વિરોધ. પંચાયતનું માનવું હતું કે આવી સ્કૂલમાં ‘પરદેશી’ વિષયો ભણીને છોકરીઓ ‘વંઠી’ જશે. વખત જતાં આ સ્કૂલને કોટ વિસ્તારમાં આવેલા વુડબી રોડ (આજના હજારીમલ સોમાણી માર્ગ) ખાતે ખસેડવામાં આવી.
૧૮૭૫ના વર્ષમાં મુંબઈને છોકરીઓ માટેની અંગ્રેજી માધ્યમની બે સ્કૂલ મળી. બૉમ્બે ઇન્ડિયન ફીમેલ નૉર્મલ સ્કૂલ, જે ભાયખલામાં શરૂ થઈ. એનું આજનું નામ ક્વીન મૅરી સ્કૂલ. ૧૯૧૧માં બ્રિટિશ સમ્રાજ્ઞી ક્વીન મૅરી હિન્દુસ્તાન આવ્યાં ત્યારે તેમણે આ સ્કૂલની મુલાકાત લીધી હતી. એ વખતે સ્કૂલનું નામ બદલીને ક્વીન મૅરી સ્કૂલ રાખવામાં આવ્યું. બીજી સ્કૂલ પણ શરૂ થઈ ભાયખલાના ડિલાઇલ રોડ પર. ૧૮૫૨માં સ્થપાયેલી ઝનાના બાઇબલ ઍન્ડ મેડિકલ મિશન સાથે સંકળાયેલા હેરિયેટ બટ નામના મિશનરીએ એકલા હાથે હૉસ્ટેલની સગવડ સાથે એ સ્કૂલ શરૂ કરેલી.
ઓગણીસમી સદીમાં સ્ત્રીશિક્ષણનો મહિમા કરતી કવિ દલપતરામની પંક્તિઓને યાદ કરીએ:
નાનકડીને મોકલોને નિશાળે, વિદ્યાથી થશે બુદ્ધિ વિશાળે
બાળપણથી નિશાળે જો બેસે, પૂરા પંડમાં સદ્ગુણ પેસે.
પુત્રી હોય પોતાને જો પ્યારી, સારું શીખવીને કરો સારી
કથ્યાં કથન સ્વદેશીને કામે, રૂડી રીતથી દલપતરામે.
