Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હેલ્પથી પણ થઈ શકે છે સેલ્ફ-ડેવલપમેન્ટ

હેલ્પથી પણ થઈ શકે છે સેલ્ફ-ડેવલપમેન્ટ

Published : 19 May, 2026 02:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજના યુવાનોમાં એક ગુણ છે જે ખરેખર મને ખૂબ ગમે છે. એક તો એ કે તેમને દંભ નથી ગમતો. ધારો કે તેમને સારું કોઈ કામ કરવું હોય તો તેઓ ખુલ્લા દિલે કરે છે અને નથી કરવું તો ના કહેતાં પણ ખચકાતા નથી.

વિપુલ દોશી

What’s On My Mind?

વિપુલ દોશી


આજના યુવાનોમાં એક ગુણ છે જે ખરેખર મને ખૂબ ગમે છે. એક તો એ કે તેમને દંભ નથી ગમતો. ધારો કે તેમને સારું કોઈ કામ કરવું હોય તો તેઓ ખુલ્લા દિલે કરે છે અને નથી કરવું તો ના કહેતાં પણ ખચકાતા નથી. આજના સમયમાં સેલ્ફ-હીલિંગ અને સેલ્ફ-ડેવલપમેન્ટની વાતો બહુ જ ચાલી રહી છે ત્યારે મારે એક વાત પર લોકોનું ધ્યાન દોરવું છે અને એમાં મારો પોતાનો અનુભવ છે જેના આધારે આ વાત કહી રહ્યો છું. 
તમે સેલ્ફ-ડેવલપમેન્ટનું વિચારતા હો તો સેલ્ફ-ડેવલપમેન્ટમાં સૌથી ઉપયોગી સાબિત થઈ શકે છે એ છે આજના યુથને હેલ્પની ટ્રેઇનિંગ આપો. જ્યારે તમે બીજાને મદદરૂપ થવાના પ્રયાસો કરો છો ત્યારે તમારું જે વ્યક્તિત્વ-ઘડતર થાય છે એનું વર્ણન ન કરી શકાય. છેલ્લાં ૪૧ વર્ષથી દર રવિવારે અમારું સર્વોદય પરિવાર નામનું ગ્રુપ જરૂરિયાતમંદોને ભોજન આપે છે. અઠવાડિયામાં માત્ર એક દિવસ અને એય રવિવાર અને એમાં ચારેક કલાક જેટલો સમય આપવાનો હોય. ગ્રુપમાં કોઈ પદ નથી. કેટલાક સેવાભાવી વડીલોએ કાર્ય શરૂ કર્યું અને ૩૫ વર્ષ પહેલાં હું પચ્ચીસ વર્ષનો હતો ત્યારે એમાં જોડાયો. ઈશ્વરની સાક્ષીએ કહું છું કે એ કાર્ય શરૂ કર્યું અને મેં મારામાં જુદા સ્તરનો બદલાવ જોયો છે. એ પછી ઘણા યુવાનો પણ અમારી સાથે જોડાયા. મારો દીકરો અને દીકરી, તેમના મિત્રો અને એ બધાનો એક અનુભવ છે કે જ્યારે તમે કોઈક જરૂરિયાતમંદના પડખે ઊભા રહો છો ત્યારે તમારા પોતાનામાં પણ અકલ્પનીય બદલાવો આવતા હોય છે. કેવા બદલાવો? સૌથી પહેલો બદલાવ એ કે તમે તમારી પાસે જે છે એની વૅલ્યુ કરતાં શીખી જાઓ. આજે આડેધડ થોડુંક ખાઈને ખાવાનું વેડફતા લોકો જ્યારે રોટલી અને શાક લેવા માટે લોકો તડકામાં ઊભા રહે છે એ જુએ છે ત્યારે તેમને ભોજનનો બગાડ શું કામ ન કરવો એ પ્રત્યક્ષ સમજાય છે. એવી જ રીતે કોઈકને આપવાનું સુખ, કોઈકને રાજી કરવાનો આનંદ ગજબનાક હૅપી હૉર્મોન્સ તમારા શરીરમાં જનરેટ કરે છે. આજના સમયમાં લોકો ખુશ થવા માટે જુદા-જુદા નશામાં પાગલ થઈ રહ્યા છે ત્યારે બીજાને મદદ કરવી એ જુદા સ્તરનો નશો છે અને એ નશો જેટલો કરો એટલો તમને વધુ સંતોષ આપતો હોય છે.
ભૂખની કિંમત સમજાય છે. કોઈક લાચાર વ્યક્તિની આંતરડી ઠારવામાં નિમિત્ત બન્યા પછી તમને પર્પઝ ઑફ લાઇફ મળે છે. જુઓ, હું એક વેપારી હતો અને હું અને મારો ‌પરિવાર જેટલી મારી સીમિત દુનિયા હતી, પરંતુ એક સારા કાર્યે મારા જીવનની અને વિચારવાની દિશા બદલી નાખી. આજના યુથ માટે એટલે જ કહીશ કે કોઈ એક સારા કાર્ય સાથે નિયમિતતા સાથે જોડાઓ. ભલે અઠવાડિયામાં એક વાર નહીં પણ મહિનામાં એક વાર એ કાર્યમાં તમારી હાજરી પુરાવો. બીજાને મદદ કરવાની તમારી એ યાત્રા તમને એટલા સૂક્ષ્મ સ્તરે મદદ કરી જશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમને પૈસાની, અન્નના દાણાની અને તમને મળેલી સુવિધાઓની કદર થશે જે ઓવરઑલ તમારા જીવનમાં પૉઝિટિવિટી વધારવાનું કામ કરશે. 


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK