રેલવેએ મુસાફરોને કરી અપીલ : દાદર-હુબલી એક્સપ્રેસમાં એક પૅસેન્જરને નશીલા કાજુ ખવડાવીને બેભાન કર્યા બાદ ૩ લાખ રૂપિયાના દાગીના કાઢી લેવાયા
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલી-ઈસ્ટના નાંદિવલી વિસ્તારમાં રહેતા ૫૯ વર્ષના ચંદ્રશેખર પાટીલને નશીલા કાજુ ખવડાવીને બેભાન કર્યા બાદ ટ્રેનમાં તેમના ૩ લાખ રૂપિયાના દાગીના કાઢી લેવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે દાદર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ઘટનાની ફરિયાદ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. દાદરથી કર્ણાટક લગ્નમાં જતા નિવૃત્ત ચંદ્રશેખરને બે ઠગોએ પોતાની જાળમાં ફસાવીને કાજુ ખવડાવીને બેભાન કરી દીધા હતા અને તેમની સોનાની ચેઇન, વીંટીઓ તથા રોકડ રકમ સહિતની લૂંટ ચલાવી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ GRPએ રેલવે-પ્રવાસ દરમ્યાન અજાણ્યા લોકોએ આપેલી વસ્તુ ખાવાનું ટાળવાની અપીલ કરી છે.
ચંદ્રશેખર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે હું મારા વતન બેલગામ (કર્ણાટક) જવા માટે દાદર રેલવે-સ્ટેશનના ૧૩ નંબરના પ્લૅટફૉર્મ પરથી દાદર-હુબલી એક્સપ્રેસના જનરલ ડબ્બામાં ચડ્યો હતો. ટ્રેન શરૂ થતાં જ બાજુની સીટ પર બેઠેલા બે મુસાફરોએ મારી સાથે મીઠી-મીઠી વાતો શરૂ કરીને મારો વિશ્વાસ જીત્યો હતો. રાત્રે ૯.૩૦ વાગ્યે ટ્રેન પનવેલ સ્ટેશન પહોંચી ત્યારે હું જમવા બેઠો હતો. એ સમયે તક જોઈને તે લોકોએ મને ખાવા માટે કાજુ આપ્યા હતા. કાજુ ખાધાના થોડા જ સમયમાં નશીલા પદાર્થની અસરને કારણે મને ચક્કર આવવા લાગ્યાં એટલે હું સીટ પર જ સૂઈ ગયો હતો. બીજા દિવસે સવારે મારા પુત્રનો ફોન આવ્યો ત્યારે હું જાગ્યો હતો, પણ નશીલા પર્દાથની અસરને લીધે મારી જીભ કડક થઈ ગઈ હોવાથી હું બોલી શકતો નહોતો. બાજુના મુસાફરની મદદથી મારા પુત્રને જાણ કરી હતી. અંતે હું ધારવાડ સ્ટેશન પર ઊતરી ગયો હતો. ત્યાંથી મને સ્ટેશન-માસ્ટર દ્વારા સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. હૉસ્પિટલમાં સારવાર લીધા બાદ સાંજ સુધીમાં મારી તબિયત થોડી સુધરી ત્યારે મને અહેસાસ થયો કે મારા ગળામાંથી સોનાની ચેઇન, હાથની બે સોનાની વીંટીઓ અને પૅન્ટના ખિસ્સામાં રાખેલા ૫૦૦૦ રૂપિયા ગાયબ હતાં.’
ADVERTISEMENT
પોલીસ શું કહે છે?
દાદર GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીએ આપેલા નિવેદનમાં બન્ને ઠગોનું વિગતવાર વર્ણન આપ્યું છે. એમાં એક આરોપી આશરે ૪૫ વર્ષનો જ્યારે બીજો આરોપી આશરે ૫૦ વર્ષનો હોવાની માહિતી મળી છે. દાદરથી આગળનાં તમામ રેલવે-સ્ટેશનોના CCTV કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે રેલવે-પ્રવાસ દરમ્યાન કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો અને તેમના દ્વારા અપાતી કોઈ પણ ખાદ્ય સામગ્રી ખાવાનું ટાળવું.’
