૧૯૯૦માં અમેરિકાએ તેમના ઇમિગ્રેશનના કાયદામાં જે ચાર એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરીઓ હતી
ડોનલ્ડ ટ્રમ્પ
૧૯૯૦માં અમેરિકાએ તેમના ઇમિગ્રેશનના કાયદામાં જે ચાર એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરીઓ હતી એમાં પાંચમી EB-5 પ્રોગ્રામ કૅટેગરીનો ઉમેરો કર્યો. ત્યાર બાદ ૧૯૯૩માં EB-5 પ્રોગ્રામનો વિસ્તાર કર્યો. રીજનલ સેન્ટર તરીકે ઓળખાતો આ ૧૯૯૩નો કાયદો જણાવે છે કે જો કોઈ પરદેશી અમેરિકાના ઇમિગ્રેશન ખાતાએ રેકગ્નાઇઝ કરેલા રીજનલ સેન્ટરમાં દસ લાખ પચાસ હજાર યા તો આઠ લાખ ડૉલરનું રોકાણ કરે તો એ રોકાણકારને અને એની સાથે-સાથે એની પત્ની/પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને બે વર્ષની મુદતનું ગ્રીન કાર્ડ આપવામાં આવે. બે વર્ષ બાદ અરજી કરીને દેખાડી આપતાં કે તેમણે રોકાણ પાછું ખેંચી નથી લીધું અને રીજનલ સેન્ટરે તેમના વતીથી દસ અમેરિકનોને સીધી યા આડકતરી રીતે નોકરીમાં રાખ્યા છે એટલે એ ગ્રીન કાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે.
છેલ્લાં બે વર્ષથી ભારતીયોએ આ EB-5 રીજનલ સેન્ટર પ્રોગ્રામમાં પુષ્કળ રસ દેખાડ્યો છે. અનેકોએ રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવ્યાં છે, અનેકોએ રોકાણ કર્યું છે અને ગ્રીન કાર્ડ મળે એની વાટ જોઈ રહ્યા છે. અનેકો રોકાણ કરવાની વેતરણમાં પડ્યા છે. આવામાં ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર બહાર પાડીને આ સર્વેની છાતીનાં પાટિયાં અધ્ધર કરી નાખ્યાં છે.
ADVERTISEMENT
ટ્રમ્પે એવી જાહેરાત કરી છે કે EB-5 પ્રોગ્રામ બંધ કરી દેવો. એની જગ્યાએ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ દાખલ કરવો. એમાં લગભગ ૪૫ કરોડ રૂપિયા અમેરિકાની સરકારને આપી દેવાના રહે છે. આટલી મોટી રકમ ઇન્વેસ્ટમેન્ટ તરીકે નહીં, પણ આપી દેવાથી એ પરદેશીને અમેરિકાનું ગ્રીન કાર્ડ આપવામાં આવશે. જ્યારથી ગોલ્ડ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી EB-5 પ્રોગ્રામ હેઠળ જેમણે રોકાણ કર્યું છે તેમને ચિંતા થવા લાગી છે.
EB-5 પ્રોગ્રામ કાયદા દ્વારા ઘડવામાં આવ્યો છે. ગોલ્ડ કાર્ડનો પ્રોગ્રામ તેમ જ EB-5 પ્રોગ્રામને રદ કરતો પ્રોગ્રામ પ્રેસિડન્ટ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઑર્ડર દ્વારા જાહેર કર્યો છે. કાયદા દ્વારા જે દાખલ કરવામાં આવ્યું હોય એને અમેરિકાના પ્રેસિડન્ટ તેમના એક્ઝિક્યુટિવ ઑર્ડર દ્વારા કાઢી નાખી ન શકે.
રીજનલ સેન્ટરો તેમ જ ઇન્વેસ્ટરો ટ્રમ્પના આ એક્ઝિક્યુટિવ ઑર્ડરને જરૂરથી પડકારશે, પણ જ્યાં સુધી કોર્ટ ફેંસલો નહીં સુણાવે ત્યાં સુધી જેમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જેઓ ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઇચ્છા ધરાવે છે એ સઘળા ભારતીયોની મૂંઝવણનો પાર નહીં રહે.

