CBSEએ ૨૦૨૬થી દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત પરીક્ષાનું આયોજન કરવા માટે ડ્રાફ્ટ જાહેર કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ૨૦૨૫-’૨૬ શૈક્ષણિક સત્ર માટે નવમા, દસમા, અગિયારમા અને બારમા ધોરણ માટે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નવો અભ્યાસક્રમ CBSEની સત્તાવાર વેબસાઇટ cbseacademic.nic.in પર જોઈ શકશે. CBSEએ સ્કૂલોને નવા અભ્યાસક્રમની માર્ગદર્શિકાઓનું પાલન કરવા અને વિદ્યાર્થીઓની જ્ઞાનાત્મક સમજ વધારવા માટે પ્રાયોગિક શિક્ષણ, કૌશલ્ય-આધારિત મૂલ્યાંકન અને આંતરશાખાકીય અભિગમને એકીકૃત કરવાનો નિર્દેશ આપ્યો છે. સ્કૂલોને રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) ૨૦૨૩ હેઠળ શિક્ષણની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે યોગ્ય શિક્ષણ પદ્ધતિઓ અપનાવવા તેમ જ પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ, તપાસ-સંચાલિત અભિગમ અને તકનીકી શિક્ષણના પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવ્યું છે.
CBSEએ ૨૦૨૬થી દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત પરીક્ષાનું આયોજન કરવા માટે ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. જો આ વ્યવસ્થા લાગુ થઈ જશે તો આ બાબત વર્તમાન શૈક્ષણિક સિસ્ટમમાં અનેક મહત્ત્વના ફેરફારનું કારણ બની શકે છે. નવી વ્યવસ્થા બાદ પાસ થયા બાદ પ્રમાણપત્ર આપવામાં નહીં આવે અને જો વિદ્યાર્થી બીજી પરીક્ષામાં ગેરહાજર ન રહે તો તે ડિગ્રી લૉકર્સના માધ્યમથી પ્રદર્શનના આધારે અગિયારમા ધોરણમાં પ્રવેશ લેવા માટે પ્રયાસ કરી શકશે. બીજી પરીક્ષા આપ્યા બાદ જ સર્ટિફિકેટ આપવામાં આવશે.

