T20 દરમ્યાન માત્ર બીજી વાર નવમા ક્રમે બૅટિંગ કરવા ઊતર્યો હતો ધોની, ગયા વર્ષે પંજાબ કિંગ્સ સામે પણ આ ક્રમે કરી હતી બૅટિંગ
મહેન્દ્ર સિંહ ધોની
શુક્રવારે ચેપૉકમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) સામે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી નવમા ક્રમે આવી અનુભવી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૬ બૉલમાં ૩૦ રનની ઇનિંગ્સ રમી હતી. ૪૬૯૯ રન બનાવી ધોની IPLમાં ચેન્નઈનો હાઇએસ્ટ રન-સ્કોરર પણ બની ગયો છે, પણ સામાન્ય રીતે પાંચમાથી સાતમા ક્રમે બૅટિંગ માટે આવતા ધોનીને નવમા ક્રમે રમતા જોઈ ક્રિકેટ-ફૅન્સ થોડા નિરાશ થયા હતા. નવમા ક્રમે ધોનીને મોકલવાની CSKની રણનીતિને ફૅન્સથી લઈને ભૂતપૂર્વ ક્રિકેટર્સે પણ વખોડી હતી.
૪૩ વર્ષનો ધોની બીજી વાર T20 કરીઅરમાં નવમા ક્રમે બૅટિંગ કરી રહ્યો હતો. આ પહેલાં તે ગયા વર્ષે ધરમશાલામાં પંજાબ કિંગ્સ સામે ઇન્જરીને કારણે નવમા ક્રમે બૅટિંગ કરવા ઊતર્યો હતો. તે રમવા આવ્યો ત્યારે ચેન્નઈને બૅન્ગલોર સામે જીતવા ૨૮ બૉલમાં લગભગ અશક્ય ૯૮ રનની જરૂર હતી. તે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને અણનમ રહ્યો હતો.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડના બાવન વર્ષના અમ્પાયર રિચર્ડ કેટલબરોએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘સ્વાર્થી, શિવમ દુબેના આઉટ થયા પછી ટીમને તેની જરૂર હતી ત્યારે ધોની દ્વારા નીચલા ક્રમમાં બૅટિંગ કરવાનો અને મૅચ હારી ગયા પછી થોડા છગ્ગા મારવાનો શું અર્થ?’ ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગે પણ કૉમેન્ટરી દરમ્યાન ‘ઘણા જલદી રમવા માટે આવ્યા’ એવો ટૉન્ટ માર્યો હતો. અનુભવી કૉમેન્ટેટર હર્ષા ભોગલે, ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર શેન વૉટ્સન, ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર ઇરફાન પઠાણ અને હરભજન સિંહે પણ ધોનીના નવામા ક્રમે બૅટિંગ કરવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો.
ધોનીનું નવમા નંબર પર આવવું બિલકુલ યોગ્ય નહોતું. તેના વહેલા બૅટિંગ માટે આવવાથી આ વર્ષે CSKના અભિયાનમાં નેટ રન-રેટને મદદ મળી શકી હોત. - CSKનો ભૂતપૂર્વ ક્રિકેટર રૉબિન ઉથપ્પા

