ભારતને એ સમયે એવા જાસૂસોની તાતી જરૂર હતી જેઓ ભણેલા-ગણેલા હોય અને ટેક્નિકલ બાબતો પર વધારે ફોકસ કરી શકે. મોહનલાલ ભાસ્કરને એ કૅટેગરીમાં જ પસંદ કરવામાં આવ્યા હતા.
૧૯૬૦ના દાયકામાં મોહન ભાસ્કરે પાકિસ્તાનમાં અનેક વાર ખૂફિયા એન્ટ્રી કરી હતી.
સાઠના દશકમાં પાકિસ્તાનને મદદ કરનારા હરામખોરોનો આપણે ત્યાં તોટો નહોતો, પણ ત્યાંના સ્થાનિક હિન્દુઓમાંથી આપણને કોઈ સપોર્ટ નહોતો મળતો. એવા સમયે ભારતને તાતી જરૂર હતી એવો જાસૂસ તૈયાર કરવાની જેનામાં માત્ર વીરતા જ નહીં, સહનશીલતા અને બૌદ્ધિકતા પણ અપરંપાર હોય અને એવી વ્યક્તિ નામે મોહનલાલ ભાસ્કર મળ્યા જેણે દુશ્મનોના ઘરમાં જઈને માહિતીઓનો ઢગલો કરી દીધો
ભણવાની ઉંમરે પેપર નાખવા જવાનું કામ સંભાળી લીધું હોય તે જ છોકરો પોતાના હિન્દી અને ઉર્દૂના પ્રભુત્વને લીધે એક તબક્કે હિન્દી સાહિત્યકાર અને પત્રકાર બને અને એ પછી એ જ યંગસ્ટર દેશની ઇન્ટેલિજન્સ બ્યુરો પર સ્ટોરી કરતાં-કરતાં નક્કી કરે કે પોતે જાસૂસી કરશે અને પોતે લીધેલો એ નિર્ણય પાર પણ પાડે. પાર પાડે અને દેશ વતી ઑલમોસ્ટ ૪ વર્ષ દુશ્મનના દેશમાં જઈને જાસૂસી કરે. જાસૂસી કરતાં-કરતાં તે ડબલ ક્રૉસ કરનારા એજન્ટને કારણે પકડાઈ જાય અને પછી જિંદગી અંધકારમય બની જાય અને એ પછી પણ એક હરફ ન ઉચ્ચારે. આવું કૅરૅક્ટર કાં તો તમને નૉવેલમાં વાંચવા મળે અને કાં તો ફિલ્મોમાં જોવા મળે. પણ ના, હકીકતમાં પણ આવું કૅરૅક્ટર તમને જોવા મળે જો તમે ભારતીય જાસૂસની રિયલ લાઇફમાં ડોકિયું કરવાની મહેનત કરો. શરૂઆતમાં જે વાત કરી એ બધી વાત ભારતના એ રિયલ ધુરંધરની છે જેણે પાકિસ્તાને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. નામ તેનું મોહનલાલ ભાસ્કર.
ADVERTISEMENT
કહે છે કે માટી અને પાણીનો પણ પોતાનો સ્વભાવ હોય છે. આ જ કારણે મુંબઈના હલવો કે રાજકોટના પેંડા જેવો સ્વાદ બીજા કોઈ પેંડા કે હલવામાં નથી આવતો. આવું જ રાજસ્થાનના શ્રીગંગાનગરનું છે. શ્રીગંગાનગરે દેશને ત્રીસેક એવા ચબરાક જાસૂસ આપ્યા જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું. જાસૂસ રવીન્દ્ર કૌશિકની વાત ગયા રવિવારે તમે ‘મિડ-ડે’માં વાંચી હતી. તે પણ આ જ શ્રીગંગાનગરનો અને મોહનલાલ ભાસ્કર પણ અહીંના જ. અફકોર્સ, મોહનલાલ ભાસ્કર રવીન્દ્ર પહેલાં પાકિસ્તાન ગયા હતા.
૧૯૩૭ની ૩૦ ડિસેમ્બરે શ્રીગંગાનગરમાં જન્મેલા મોહનલાલના પપ્પા રામચંદ્ર ભાસ્કર મૂળ પંજાબના ફાઝિલ્કા જિલ્લાના અબોહરના વતની. આર્થિક તંગી વચ્ચે વણઝારા બનીને ફરતા રામચંદ્ર સ્થાયી થયા શ્રીગંગાનગરમાં અને ત્યાં જ દીકરાનો જન્મ થયો. દીકરાના જન્મ સમયે સ્થાનિક મારવાડી પંડિતે કહ્યું હતું કે દીકરો એવું કામ કરશે જેને લીધે તમને ગર્વ થશે અને સાથોસાથ તેની ચિંતા પણ અઢળક થશે. મોહનલાલ ભાસ્કરે પુસ્તક ‘મૈં પાકિસ્તાન મેં ભારત કા જાસૂસ થા’માં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે અને સાથોસાથ એ પણ લખ્યું છે કે ‘મારી કરીઅર જે રીતે આગળ વધતી હતી એ જોતાં મને લાગતું નહોતું કે તે પંડિત સાચો પડે, પણ મારા જીવનમાં એક ઘટના એવી ઘટી જેણે તે પંડિતને સાચા પડવાની અને મને સાચું જીવવાની તક આપી દીધી.’
વાત પહેલા તબક્કાની
મોહનલાલનું નાનપણ આર્થિક તંગી વચ્ચે પસાર થયું. તેમની પાસે ભણવા માટે પણ પૂરતા પૈસા નહોતા એટલે તે સ્વબળે વાંચી-વાંચીને શીખી શકાય એટલું શીખતા અને ઘરમાં આર્થિક ઉપાર્જન માટે મદદ કરતા. સવારે ન્યુઝપેપરનો ફેરિયો બનીને પેપર નાખવા જવું અને ૧૦ વાગ્યા પછી ખેતરે જઈને મજૂરી કરવી જેવાં કામો તેમણે કર્યાં અને સાથોસાથ ભણતા પણ રહ્યા. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ હકીકત છે. મોહનલાલે BA પૂરું કરતાં સુધીમાં ૪ વખત બ્રેક લીધો અને એ દરેક બ્રેક સમયે કારણ પૈસા જ હતું.
લખાણ પર હથરોટી સારી એટલે એ સમયના જાણીતા ન્યુઝપેપર ‘ગાંડિવ’માં મોહનલાલ ભાસ્કર વાર્તાઓ મોકલતા. તેમની વાર્તાઓ વાસ્તવિકતાની ખાસ્સી નજીક હતી એટલે એક વખત તંત્રીએ તેમને મળવા બોલાવ્યા અને પત્રકાર બનવા માટે પ્રેરણા આપી. મોહનલાલ ભાસ્કરનો પહેલો સવાલ હતો, ‘પૈસા મળશે?’
શરૂઆત ‘ગાંડિવ’થી કરી, પણ એ પછી મોહનલાલ ભાસ્કરે અનેક ન્યુઝપેપરો અને અઠવાડિકો માટે રિપોર્ટિંગ કર્યું. એ રિપોર્ટિંગ દરમ્યાન જ તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોના સંપર્કમાં આવ્યા. એ સ્ટોરી હતી રાજસ્થાન સરહદે ચાલતી ઘૂસણખોરી વિશે. મોહનલાલને મળનારા બ્યુરોના કેટલાક અધિકારીઓએ પારખી લીધું કે આ માણસમાં દેશભક્તિ ભારોભાર છે. મોહનલાલે પોતાના પુસ્તકમાં લખ્યું છે, ‘તેમને લાગ્યું કે જો હું સામાન્ય કહેવાય એવા સમાચાર માટે પણ રિસ્ક લઈ શકતો હોઉં, જો હું દેશવિરોધી પ્રવૃત્તિ સામે ડર્યા વિના લખી શકતો હોઉં તો દેશ માટે જ કામ કરવાનું આવે તો પાછો નહીં પડું.’

આ વાત છે સાઠના દશકની.
૧૯૬૧-’૬૨ના અરસામાં ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી ચરમસીમા પર હતી અને ઇન્ટેલિજન્સ બ્યુરોને એવા માણસોની જરૂર હતી જે પૂરેપૂરી તૈયારી સાથે નાપાક પાકિસ્તાનમાં દાખલ થાય અને એવી રીતે ગુમ થઈ જાય જેવી રીતે પાણીમાં નારિયેળપાણી ગુમ થઈ જાય. મોહનલાલ ભાસ્કર આર્મી-બૅકગ્રાઉન્ડ નહોતા ધરાવતા, પણ તેમના પપ્પા અને દાદાની જે શાખ હતી એ અને મોહનલાલ ભાસ્કરનો ટ્રૅક-રેકૉર્ડ જોઈને ઇન્ટેલિજન્સ બ્યુરો તેમના પર રિસ્ક લેવા તૈયાર થયો. મોહનલાલ સામે વાત મૂકવામાં આવી અને મોહનલાલે માત્ર એક જ વાત કહી : જો મારી મા માટે હું ભૂખ્યો-તરસ્યો રહી શકતો હોઉં તો ભારતમા માટે તો મારાથી એ કામ થાય જ થાય, પણ હું એટલું ઇચ્છીશ કે મારી ગેરહાજરીમાં મારા ઘરની આર્થિક પરિસ્થિતિ ફરીથી ડામાડોળ ન થાય. બ્યુરોએ એ વાતનો સ્વીકાર કર્યો.
ઘણુંબધું પહેલી વાર
આ એ તબક્કાની વાત છે જે તબક્કામાં ભારત તરફથી જાસૂસી નેટવર્ક ઊભું થતું હતું. એ દુનિયામાં પાકિસ્તાનનો હાથ આપણાથી ઉપર હતો. દેશમાં અને કાશ્મીરમાં રહેલા મુસ્લિમો માટે પાકિસ્તાન માયબાપ હતું. પાકિસ્તાન પાંચિયું પણ હાથમાં દેતું નહીં અને એ પછી પણ એ મુસ્લિમો પાકિસ્તાની આકાઓની વાછૂટને ગુલાબની સુગંધ સાથે સરખાવવામાં રત રહેતા. સામે ચાલીને તેઓ ભારતની પોતાની નજીક રહેલી સીમાની એકેએક હિલચાલ પહોંચાડતા અને મનોમન ખુશ થતા. આપણા પક્ષે વાતાવરણ સાવ વિપરીત હતું. પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓને એ સ્તર પર દબાવી દેવામાં આવ્યા હતા કે ગભરુ હિન્દુઓ હિન્દુસ્તાનમાં રહેલાં પોતાનાં સગાંસંબંધીઓને પણ ફોન કરતા ડરતા અને ધારો કે તેમનો ફોન આવે તો પણ તેમને ફોન કરવાની ના પાડતા.
ભારતને એ સમયે એવા જાસૂસોની તાતી જરૂર હતી જેઓ ભણેલા-ગણેલા હોય અને ટેક્નિકલ બાબતો પર વધારે ફોકસ કરી શકે. મોહનલાલ ભાસ્કરને એ કૅટેગરીમાં જ પસંદ કરવામાં આવ્યા હતા.
મોહનલાલ શરૂઆતના એ જાસૂસોમાંના એક જેમને ઑફિશ્યલી ભારત સરકારે માસિક વેતન બાંધી આપ્યું, જે તેમના ઘરે પહોંચાડવામાં આવતું. મોહનલાલ ભાસ્કરની પસંદગી થઈ એ પછી મોહનલાલે ફૅમિલીમાં એવું કહ્યું હતું કે પોતે રિપોર્ટિંગ માટે થોડો સમય બહાર જાય છે. એવું પણ તેમણે કહ્યું નહોતું કે પોતે વિદેશ જાય છે.
મોહનલાલની ટ્રેઇનિંગ શરૂ થઈ અને એ ટ્રેઇનિંગના પિરિયડમાં જ તેમનાં મૅરેજ પ્રભા ભાસ્કર સાથે થયાં. ૧૯૬૪ની આ વાત છે. મોહનલાલે મૅરેજ ટાળવાની બહુ કોશિશ કરી હતી, કારણ કે તેમને ખબર હતી કે પોતે શાની તૈયારી કરે છે; પણ માબાપના પ્રેશર સામે તે ટકી શક્યા નહીં અને તેમણે મૅરેજ કરી લીધાં. આ મૅરેજ પછી ફરી એકાદ મહિનામાં મોહનલાલ દિલ્હી પહોંચી ગયા અને ટ્રેઇનિંગના નવા અધ્યાયમાં દાખલ થયા.
પાકિસ્તાનના હાથમાં પોતે આવી જાય તો કેવી-કેવી યાતના તેમણે સહન કરવી પડે અને એ યાતના સામે ટકી રહેવા માટે પોતાને શું-શું કરવું પડે એની ટ્રેઇનિંગ લેવાની સાથોસાથ મોહનલાલ ભાસ્કરે ઇસ્લામ ધર્મ, ઉર્દૂ ભાષા શીખ્યાં અને એ લહેકા પર પકડ જમાવી તો સાથોસાથ પાકિસ્તાની રીતરિવાજોનું પણ તેમને ઊંડું જ્ઞાન આપવામાં આવ્યું. પાકિસ્તાનમાં તેમની ઓળખ છુપાવવા માટે મોહનલાલ ભાસ્કરને મોહમ્મદ અસલમ નામ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આઝાદી દરમ્યાન હિન્દુઓને શોધવા માટે મુસ્લિમો જે રસ્તો અપનાવતા હતા એ ખતના એટલે કે સુન્નત ચેક કરવાનો રસ્તો તેમની સામે આવે તો પણ વાંધો ન આવે એ માટે મોહનલાલે ખતના પણ કરાવ્યું. મોહનલાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મારા જીવનની એ સૌથી કપરી ક્ષણ હતી. એક ચુસ્ત બ્રાહ્મણ હોવા છતાં હું આ કામ કરાવતો હતો, પણ એ સમયે મારી આંખ સામે માત્ર મારો દેશ અને દેશવાસીઓની સુરક્ષા હતી.’
દુશ્મનની છાવણીમાં
દુશ્મન દેશમાં જઈને મોહનલાલે મસ્ત બિઝનેસ પસંદ કર્યો, અગરબત્તીનો. થોડો સમય તેમણે મીઠાઈનો પણ બિઝનેસ કર્યો, પરંતુ એ માત્ર દેખાડો હતો. એક વાત યાદ રાખજો, જાસૂસીનો પહેલો નિયમ છે કે એવું કામ કરવું જેમાં તમે બટરફ્લાય બનીને અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં ઊડાઊડ કરી શકો. તમે ગામ કે શહેર બદલી નાખો તો પણ કોઈને એવી શંકા ન જવી જોઈએ કે તમે કેમ રીલોકેટ થયા.
મીઠાઈના બિઝનેસ પછી મોહનલાલે અગરબત્તીનો બિઝનેસ શરૂ કર્યો અને તેમણે રખડપટ્ટી ચાલુ કરી દીધી. મોહનલાલ મોટા ભાગે ઘરે-ઘરે જઈને અગરબત્તી અને ધૂપ વેચતા, જેને લીધે તેઓ ઘરોબો કેળવવામાં સફળ રહ્યા. તેમણે એ પ્રયાસ પણ કર્યા કે મોટા ભાગે સેનાના અધિકારીઓ કે જવાનો રહેતા હોય એવા એરિયામાં જઈને આ માલસામાન વેચવો, જેથી પોતાને જોઈતું ટાર્ગેટ ઑડિયન્સ મળી રહે.
૧૯૬પમાં મોહનલાલ ભાસ્કર પાકિસ્તાનમાં દાખલ થયા અને એ જ વર્ષના અંત સુધીમાં તેમણે પોતાનું કામ શરૂ કરી દીધું. મોહનલાલ ભાસ્કર પહેલી વ્યક્તિ હતા જેમણે ભારત સરકારને માહિતી આપી કે પાકિસ્તાન પોતાના કહુટા અને રણથાંબી નામના એરિયામાં ન્યુક્લિયર સેન્ટર બનાવી શકે છે તો મોહનલાલ ભાસ્કરે પાકિસ્તાની સેનાની ટુકડીઓ ક્યાં તહેનાત છે, તેમની પાસે કેવાં-કેવાં હથિયારો છે અને તેમની યુદ્ધની વ્યૂહરચના શું હોઈ શકે એનો સચોટ નકશો અને વિગતો ભારતને મોકલ્યાં.
એક જાસૂસ તરીકે તેમણે પાકિસ્તાનના સરકારી વિભાગોમાં અગરબત્તી વેચવાના બહાને એવા કૉન્ટૅક્ટ બનાવ્યા જેના દ્વારા તેઓ અંદરની ફાઇલો અને મહત્ત્વના નિર્ણયોની જાણકારી મેળવી લેતા. અરે, તમને જાણીને અચરજ થશે કે મોહનલાલ ભાસ્કર પોતે ઇન્ટેલિજન્સ બ્યુરોના પ્યાદા હતા, પણ તેમણે પાકિસ્તાનમાં એવા હિન્દુઓનું નેટવર્ક ઊભું કર્યું જેઓ તેમના માટે પ્યાદું બનીને કામ કરતા. આ જ નેટવર્ક દ્વારા તેમણે સૌથી અગત્યની માહિતી એ આપી હતી કે પાકિસ્તાન ભારતીય ઍરબેઝ અને રડાર સિસ્ટમની ઇન્ફર્મેશન એકઠી કરે છે. આ માહિતીનો સાક્ષાત્કાર ત્યારે થયો જ્યારે ૧૯૭૧નું યુદ્ધ થયું અને પાકિસ્તાને ભારતના ઍરપોર્ટના તમામ રનવે ખતમ કરી નાખ્યા.
એન્ટર ઇનટુ હેલ
૩ વર્ષ એટલે કે ૧૯૬પથી ૧૯૬૮ સુધી મોહનલાલ ભાસ્કર પાકિસ્તાનમાં સક્રિય રહ્યા અને એક દિવસ ડબલ એજન્ટની ગદ્દારીના કારણે તેઓ પાકિસ્તાની એજન્સીના હાથે ઝડપાયા. મોહનલાલ ભાસ્કરે પોતાની બુકમાં લખ્યું છે, ‘જાસૂસ જ્યારે પકડાય ત્યારે તેની સામે સૌથી મોટી લૉલીપૉપ એ આવે કે હવે તું અમારા માટે કામ કર. આપણા દેશના પકડાયેલા એક જાસૂસને આ જ ઑફર આપવામાં આવી અને તેણે એ ઑફર સ્વીકારી લીધી. સ્વીકારી એટલું જ નહીં, પાકિસ્તાનને વધારે વહાલા થવા માટે તેણે અમારા જેવા જાસૂસોની માહિતી આપવાનું પણ શરૂ કરી દીધું. તે માણસના સંપર્કમાં અમે ૩ લોકો આવ્યા હતા. બે કમનસીબ કે ભાગી ગયા અને હું નસીબદાર કે મને ભારતના ઇતિહાસમાં મારું નામ લખાવવાની તક મળી.’
તેમને પાકિસ્તાની જેલમાં અમાનવીય યાતનાઓ આપવામાં આવી. પાકિસ્તાની સેનાએ તેમને પૂછ્યું કે તેઓ કોણ છે? જોકે તેમણે ક્યારેય પોતાનું અસલી નામ કે મિશન જાહેર ન કર્યું. જોકે મોહનલાલ ભાસ્કરની પાસેથી પાકિસ્તાનના કેટલાક અગત્યના મૅપ મળી આવતાં તેમની પોલ ખૂલી ગઈ. પાકિસ્તાન સરકાર ઇચ્છતી હતી કે ભારતનો આ જાસૂસ જિંદગીભર અત્યાચાર ભોગવતો રહે અને એટલે તેમને સઝા-એ-મૌતને બદલે ૧૪ વર્ષની સજા આપવામાં આવી. મોહનલાલને સવારે નાસ્તામાં ગડદાપાટું, બપોરે જમવામાં ઇલેક્ટ્રિક શૉક અને રાતના ડિનરમાં લાઠીનો માર મળતાં. દિવસો સુધી મોહનલાલ બેભાન રહે, પણ પાકિસ્તાની જેલકર્મીઓ એ બેભાન મોહનલાલ પર પણ અત્યાચાર ગુજાર્યા કરે.
ઑલમોસ્ટ ૬ વર્ષની સજા પૂરી થઈ હશે અને આવ્યું વર્ષ ૧૯૭૪નું. ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર થયા અને એ કરાર મુજબ બન્ને દેશોએ કેદીઓની અદલાબદલી કરી. ભારતે કેદીઓ પાછા મેળવવાનું જે લિસ્ટ આપ્યું હતું એમાં પહેલું નામ મોહનલાલ ભાસ્કરનું હતું. હા, આ સાચું છે.
નરેન્દ્ર મોદીના ચાહકોને ગમશે નહીં, પણ વાત જ્યારે ઇન્દિરા ગાંધીની આવે ત્યારે કહેવું પડે કે હિંમતમાં તો તે લેડી કોઈના બાપની સાડીબારી રાખે એવાં નહોતાં.
એ સમયનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ સત્તાવાર રીતે મોહનલાલ ભાસ્કરની માગણી કરી અને પાકિસ્તાને શિમલા કરાર મુજબ કેદીઓની આપ-લેમાં મોહનલાલને છોડ્યા અને ભાસ્કર માનભેર ઇન્ડિયા પાછા આવ્યા.

પાકિસ્તાની જેલમાં પીડાદાયક દિવસો ગુજાર્યા પછી તેમણે આ અનુભવો પર પુસ્તક લખ્યું હતું, ‘મૈં પાકિસ્તાન મેં ભારત કા જાસૂસ થા’
સાચા અર્થમાં અર્ધાંગિની
મૅરેજને એક જ વર્ષ થયું હતું અને ખરા અર્થમાં તો પતિ સાથે એક જ મહિનો રહેવા મળ્યું હતું ત્યાં મોહનલાલ ઘર છોડીને નીકળી ગયા અને પછી બિલકુલ લાપતા થઈ ગયા. જોકે ઘરે પૈસા પહોંચતા હતા એટલે માનસિક એ રાહત હતી કે તે ક્યાંક હયાત છે. આમ છતાં પતિનો ક્યાંય પત્તો નહીં. ફોટો તો દૂરની વાત છે, અવાજ સુધ્ધાં સાંભળવા ન મળ્યો હોય અને દશકો આખો કોઈ પત્ની કાઢી નાખે એ વાત આજના સમયમાં તો કોઈના ગળે ન ઊતરે, પણ પ્રભા ભાસ્કરે એ કરી દેખાડ્યું હતું. ૧૯૭૪માં મોહનલાલ પાકિસ્તાનથી પાછા આવ્યા ત્યારે પ્રભાબહેનને ખબર પડી કે પતિ કેવું જાજરમાન કામ કરીને આવ્યા છે. મોહનલાલના પાછા આવ્યા પછી જ તેમનો જીવનસંસાર શરૂ થયો અને એ પછી જ તેમને ત્યાં દીકરા ગૌરવનો જન્મ થયો. કહે છે કે જાસૂસીનું કામ આસાન નથી, પણ પ્રભાબહેન જેવી અનેક મહિલાઓનું જીવન જોયા પછી કહેવું પડે કે જાસૂસની પત્ની બનીને સંસાર અખંડ રાખવાનું કામ આસાન નથી.
ઘરવાપસીની વાતો
ભારત પાછા આવીને મોહનલાલ ભાસ્કરે બેસી રહેવાને બદલે નવેસરથી પોતાનું કામ શરૂ કર્યું અને નવેસરથી ભણવા પણ બેઠા. તેમણે આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું અને BEdની ડિગ્રી પણ મેળવી. ત્યાર પછી તે શિક્ષણક્ષેત્રે જોડાયા અને સિક્કિમ સરકારે શરૂ કરેલી ટીચર્સ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વાઇસ પ્રિન્સિપાલના પદ સુધી પહોંચ્યા.
મૂળ લેખક-પત્રકારનો જીવ એટલે આંગળાં પણ ચટાકા તો માગે જ.
મોહનલાલ ભાસ્કરે લેખનકાર્ય પણ શરૂ કર્યું અને સૌથી પહેલાં તેમણે પાકિસ્તાનમાં પસાર કરેલા દિવસો અને પાકિસ્તાન દરમ્યાનનો પોતાનો જેલવાસ વર્ણવતું પુસ્તક ‘મૈં પાકિસ્તાન મેં ભારત કા જાસૂસ થા’ લખ્યું. આ ઉપરાંત તેમણે અનેક ન્યુઝપેપરો અને સામયિકોમાં કૉલમો લખી અને લેખો પણ લખ્યા. ભાસ્કર કહેતા, ‘જો તમે દેશની સેવા નથી કરી તો તમને તમારી ઓળખમાં ભારતીય લખવાનો કોઈ હક નથી.’
મોહનલાલ ભાસ્કરનો ૨૦૦૪માં દેહાંત થયો. તેમનો દીકરો ગૌરવ ભાસ્કર શ્રીગંગાનગરમાં જ રહે છે. ઇન્ડસ્ટ્રિયલિસ્ટ એવા ગૌરવ ભાસ્કર બિઝનેસની સાથોસાથ પોતાના પપ્પાની યાદમાં મોહનલાલ ભાસ્કર આર્ટ ઍન્ડ લિટરરી ફેસ્ટિવલનું આયોજન પણ કરે છે. એના દ્વારા સાહિત્ય, કલા અને ખાસ તો દેશભક્તિના વિચારોને નવી જનરેશન સુધી પહોંચાડવામાં આવે છે.
મોહનલાલ ભાસ્કરે બુકના અંતિમ અધ્યાયમાં લખ્યું છે, ‘જે દેશ માટે યાતનાઓ સહન કરી એ દેશમાં ફરીથી શ્વાસ લેવા મળવો એનાથી મોટું બીજું કોઈ ઇનામ નથી હોતું. મને એ ઇનામ પ્રાપ્ત થયું છે.’
