Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આપકી સૂરત મેરે દિલ મેં ઐસે બસ ગયી હૈ જૈસે છોટે સે દરવાજે મેં ભૈંસ ફંસ ગયી હૈ!

આપકી સૂરત મેરે દિલ મેં ઐસે બસ ગયી હૈ જૈસે છોટે સે દરવાજે મેં ભૈંસ ફંસ ગયી હૈ!

20 October, 2021 06:46 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

આઠે પહોર ઊઠતા અને જાગતા તેના મનમાં નિરંતર એમ જ થયા કરે છે કે હું કંઈક લખું, હું કંઈક લખું અને લખવા જાય છે ત્યારે એકેય અક્ષર લખી શકતો નથી.

આપકી સૂરત મેરે દિલ મેં ઐસે બસ ગયી હૈ જૈસે છોટે સે દરવાજે મેં ભૈંસ ફંસ ગયી હૈ!

આપકી સૂરત મેરે દિલ મેં ઐસે બસ ગયી હૈ જૈસે છોટે સે દરવાજે મેં ભૈંસ ફંસ ગયી હૈ!


રોજ-રોજ વૉટ્સઍપ પર આવી વાહિયાત શાયરીઓ, સૉરી લાયરીઓ વાંચવા મળે અને સવાર બગડે છે. કોરોનાકાળ પછી ગલી-ગલીમાં શાયરો અને લેખકો હતા એના કરતાં ચારગણા વધી ગયા છે. લેખકોનો લીલો દુકાળ પડ્યો છે. આજના જમાનામાં આ માટે વૉટ્સઍપ વગોવાયું છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં પણ લખ-વાનો રોગ ખૂબ જ ફૂલ્યોફાલ્યો હતો. એટલી હદે કે સાક્ષર નવલરામ લ. પંડ્યાએ એક ખાસ ચર્ચાપત્ર લખવું પડ્યું હતું, જેનો ટૂંકસાર તેમના જ શબ્દોમાં અત્રે આપું છું. શીર્ષક પણ અનોખું હતું - ‘ઓથારિયો હડકવા’. ઓથારિયો એટલે ઑથર, લેખક. લેખક બનવાનો હડકવા. નવલરામ લખે છે...
‘આપણામાં હાલ જે નવો ભયંકર રોગ ચોતરફ ફાટી નીકળ્યો છે એ જોઈને સઘળે ત્રાહે-ત્રાહે થઈ રહ્યું છે. જેમ શીળીનો ઉપદ્રવ બહુધા બાળકોને જ થાય છે એમ આ રોગમાં કિશોરાવસ્થાવાળા સપડાઈ પડે છે. આ રોગનું પૂર્વરૂપ બહુ જ ભૂલથાપ ખવડાવનારું છે. પ્રથમ તો બુદ્ધિ અને શરીરમાં ઘણી જ ચંચળતા દેખાય છે. કિંચિત્ જ્વર નાડીમાં તથા માથા પર રહે છે. તે કોઈના કહ્યામાં આવતો નથી. અંતકરણમાં કોહવાણ શરૂ થાય છે. તે તો કોઈના દીઠામાં શી રીતે આવે? વાલીઓ ચેતીને ઠાવકા ઉપાયો કામે લગાડતા નથી. તો પછી આ રોગ પોતાનું ભયંકર રૂપ એકાએક પ્રગટ કરે છે. 
એકાએક દરદીની આંખો જતી રહે છે અથવા યથાર્થતાથી બોલીએ તો એક એવો નેત્રવિકાર થાય છે કે સૂક્ષ્મદર્શક અને દૂરબીનના વિરુદ્ધ ગુણો જ એની આંખમાં આવીને વસે છે. હવે તેને માબાપ, ગુરુ વગેરે પ્રાણીમાત્ર માખી જેવડાં જ લાગે છે એ તો ઠીક, પણ પોતાને હાથી કરતાં પણ મોટો દેખે છે. હવેથી એ મદોન્મત્ત હાથી જેવો જ જગતમાં નિરંકુશ ફરે છે. કેટલાક ધારે છે કે આ નેત્રવિકાર નથી પણ ભેજાનો ભરમ છે. એમ પણ હોય, પણ આ તો હજી એ રોગની પાશેરામાં પહેલી પૂણી છે. હજી તો આ રોગને બહુ-બહુ તો સનેપાત જ કહી શકાય, પણ થોડા વખતમાં એ હડકવાનું ત્રાસદાયક રૂપ ધારણ કરે છે. 
 હવે એ દરદીનું ડાચું ફાટેલું જ રહે છે અને એમાંથી ઝેરી મહાગંધાતી લાળ નિરંતર વહ્યા કરે છે. તેની વાણી એવી બદલાઈ જાય છે કે તેનું બોલ્યું કોઈ પણ સમજતું જ નથી. જેમ કૂતરાને હડકવા હાલ્યો હોય છે અને જેમ પાણીનું પ્યાલું જોતાં મહાઆક્રંદે ચડે છે તેમ આ અભાગિયાની નજરે શાહીનો ખડિયો પડતાં જ તેનો જીવ ઊથલપાથલ થઈ જાય છે.
 જેમ હડકાયું કૂતરું પાણીના શોષથી વ્યાકુળ ચોતરફ દોડ્યા જ કરે છે, પણ ગળે એક પણ ટીપું ઊતરી શકતું નથી અને તેથી તે છેક બાવરું, ગભરુ અને ગાંડું બની જાય છે એવી જ આ બાપડા દરદીની અવસ્થા છે. આઠે પહોર ઊઠતા અને જાગતા તેના મનમાં નિરંતર એમ જ થયા કરે છે કે હું કંઈક લખું, હું કંઈક લખું અને લખવા જાય છે ત્યારે એકેય અક્ષર લખી શકતો નથી. આ સામે એનો જે પરિતાપ, એના જે ધમપછાડા અને એની જે વેદનાને તમે જોઈ હોય તો નિશ્ચય એમ જ કહો કે તેના કરતાં હડકાયેલા કૂતરાની અવસ્થા સો દરજ્જે સારી છે. 
અધિપતિ સાહેબ, આપ એક ચર્ચાપત્રને આપો એ કરતાં તો વધારે જગ્યા રોકાઈ ગઈ અને કહેવાનું તો હજી પાર વિનાનું છે. તમે એમ ધારશો કે મને પણ આ ઓથારિયો રોગ થયો હશે! પણ કેમે કરીને મારાં આંગળાંમાંથી છૂટતી જ નથી. બે-ચાર બોલ વધુ લખવા દો. 
 આ રોગનું નામ ‘ઓથારિયો હડકવા’ કેમ પડ્યું એ તો તમારે આ અંકમાં જણાવવું જ જોઈએ. ઠીક, ત્યારે સાંભળો. આ રોગની આખર અવસ્થામાં દરદી ‘હું ઓથાર, હું ઓથાર’ એમ બરાડતો આખા ગામમાં ફરે છે. તે ઉપરથી જ આ નામ નીકળ્યું છે એમાં જરાય સંદેહ નથી, પણ ગામની ડોશિયું ‘ઓથાર’નો અર્થ બીજો કરે છે. અંગ્રેજી ભણેલાનું કહેવું છે કે ઓથાર શબ્દનો અર્થ ગ્રથકર્તા થાય છે. 
પણ આ છોકરાઓ એમ સમજીને બોલતા હોય એવું મને જરાય સંભવિત નથી લાગતું, કારણ કે એમાંના ઘણા તો બાપજનમે અંગ્રેજી ભણ્યા નથી એ હું ખાતરીથી જાણું છું. સાધારણ લોકો તો ‘હું ઓથાર... હું ઓથાર’ એવા તેમના બોલ સાંભળીને એટલું જ કહે છે, ‘હા બાપુ, ખરું કહો છો. તમારા જેવા બીજા ઓથાર જગતમાં શોધ્યા ક્યાં જડવાના?’ આ જવાબ બેશક મશ્કરીનો છે, પણ પાંચ ત્યાં પરમેશ્વર એ ન્યાયે મને તો એ જ કારણ ખરું ભાસે છે. ગાંડાઈની પરિસીમા એ જ ગાંડાઈનું અભિમાન કરીને ફુલાવું. એ વાત ખરી છે કે ગાંડાને ગાંડો કહેતાં મહા દુઃખ લાગે છે, પણ આ રોગનું એ જ વિશેષ છે અને એ માટે જ આ ઓથારિયો હડકવા સઘળી ગાંડાઈમાં પરમ ગાંડાઈ ગણાય છે. 
 બસ... લો... આ કલમ ફેંકી દીધી. મરજી હશે તો બાકીનું હવે પછી ને નહીં તો રામ-રામ...
લિ. વૈદ નિર્દંભરકર આનંદ ઘરના યથાયોગ્ય વાંચવા. 

સમાપન: 
૧૯૮૯માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં શ્રી જયંત પાઠકે ‘આપણી કવિતા’ વિશે આપેલા પ્રવચનનો એક અંશ. ‘આપણી કવિતા ક્યાંક આવીને ઊભી રહી ગઈ છે ને પોતાને ઘૂંટી રહી લાગે છે. સ્વાતંત્ર્ય પછીના તરતના ગાળાના આપણા કવિઓ જાણે પોતાનું જે કંઈ સત્ત્વશીલ છે એ આપી ચૂક્યા હોય એમ જણાય છે અને હવે એ જ પ્રકારમાં અગાઉનાં કાવ્યોથી ગુણમાં ઊણાં એવાં કાવ્યો રચી રહ્યા છે. કંકુના થાપા, બારસાખના  તોરણ, સિંદૂરના પાળિયા, કમખાના મોર એવાં-એવાં એક કાળે નવાં-નવાં લાગતાં કલ્પનો, પ્રતીકોની પડેલી ઘરેડમાં ગીતો ચાલી રહ્યાં છે. આજે અનેક કલમોએ જે કંઈ નવું હતું એને રૂઢ કરી નાખ્યું છે.’ 
જાતે જ જાતને ઘસવી પડે કોઈ આવીને ચમકાવશે નહીં (સૌજન્ય).
તા. ક. : આ વખતે જૂની સાક્ષરી ભાષાનો મિજાજ રજૂ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2021 06:46 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK