શિખામણની કોઈ કિંમત હોતી નથી, માત્ર આપવામાં આનંદ મળતો હોય છે. હકીકતમાં સલાહ માગતાં શીખવું જોઈએ, આપતાં નહીં.
પ્રતીકાત્મક તસવીર
હમણાં વિવિધ ક્ષેત્રના લોકોની મુલાકાત લેવાની પ્રથા ચાલુ થઈ છે. આ બધામાંથી મોટા ભાગના લોકો સાધનસંપન્ન-સુખી છે. કેટલાક બૌદ્ધિકો પણ આમાં આવી જાય. આવા લોકો પોતાના ક્ષેત્રમાં સરખી રીતે ગોઠવાયેલા હોય છે પણ આવા ઉપરથી સુખી લાગતા લોકો પણ કોઈક પ્રકારની મૂંઝવણ કે સમસ્યાથી પીડાતા હોય છે.
મનથી પીડાયેલા આવા લોકો પોતાની આંતરિક માંદગી છુપાવવા કેટલાક સભાન પ્રયત્નો કરતા હોય છે. દા. ત. આમાંના મોટા ભાગના લોકો બીજાને સલાહ આપવાનું કાર્ય સતત કરતા હોય છે. આવા લોકો પોતાની જાતને હોશિયાર સમજીને બીજાને સલાહસૂચનો કરતા રહે છે. ક્યારેક તેમનો અભિપ્રાય માગ્યો પણ ન હોય તો પણ અભિપ્રાય આપીને પોતે બુદ્ધિશાળી છે એવું દર્શાવવાની કોશિશ કરતા રહે છે કે તમારે આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ. આવા લોકો પોતે એકાદ ક્ષેત્રમાં નિષ્ફળ ગયા હોય છે પણ બીજાને સલાહ આપવામાં તેઓ નિષ્ણાત હોય છે.
ADVERTISEMENT
તેમણે આપેલી સલાહ પ્રમાણે તેઓ પોતે પણ જીવતા નથી હોતા પણ સલાહ તો બીજાને આપવા માટે જ હોયને, પોતાને માટે થોડી હોય છે?
શિખામણની કોઈ કિંમત હોતી નથી, માત્ર આપવામાં આનંદ મળતો હોય છે. હકીકતમાં સલાહ માગતાં શીખવું જોઈએ, આપતાં નહીં. મોટી કંપનીઓમાં ટીમવર્ક થતું હોય છે ત્યારે દરેક વ્યક્તિનો અભિપ્રાય પૂછવામાં આવે છે અને તેમનાં સૂચનો સારાં હોય તો સ્વીકારવામાં આવે છે. દુનિયાની મોટી કન્સલ્ટિંગ કંપનીઓ સલાહ આપવાની મોટી ફી લેતી હોય છે. આવા સમયમાં જો આપણને સાચી વ્યક્તિની સલાહ સમયસર માગતાં આવડી જાય તો સફળતાનાં દ્વાર ખૂલી જતાં હોય છે.
દરેક વ્યક્તિ પાસેથી કંઈક તો શીખવા જેવું હોય જ છે. અંગ્રેજીમાં એક વાક્ય કૉલેજના દિવસોમાં વાંચ્યું હતું એ આજે પણ યાદ છે. ‘Every man is my superior in some way or the other. In that I learn of him.’ પણ અત્યારે તો સમાજમાં વણમાગી સલાહ આપનારાઓ વધી રહ્યા છે. એક નોકરિયાત ભાઈ વેપારીને સલાહ આપતાં કહે છે, ‘તમને ધંધો કરતાં આવડતું નથી. ધંધો મીઠી જબાનથી જ થાય. તમે લોકો સાથે તરત ઝઘડી પડો છો. આવી રીતે ધંધો ન થાય.’ એના જવાબમાં પેલા ભાઈએ કહ્યું, ‘એક કામ કરો. તમે લોકોને ડાયાબિટીઝ થઈ જાય એટલી મીઠાશથી વાત કરી શકો છો તો તમે મારે ત્યાં પાર્ટટાઇમ કામ કરો.’ અમુક મહેનતાણું નક્કી કરી પેલા નોકરિયાત ભાઈ આ ધંધામાં જોડાયા. પંદરેક દિવસ બરાબર ચાલ્યું પછી કહે, ‘ફલાણી પાર્ટી સારી નથી. મારે તેમની સાથે ઝઘડો થઈ ગયો.’ વેપારીએ કહ્યું, ‘ઝઘડવા માટે તો હું છું જ. તમારે મીઠાશથી બધું પતાવવાનું છે. મને સલાહ આપતી વખતની મીઠાશથી કામ ન થયું?’ જરૂર પડે ત્યારે કડવી વાત પણ કહેવી પડતી હોય છે (આવેશમાં આવ્યા વિના).
એક બીજા ભાઈ વ્યક્તિત્વ (પર્સનાલિટી) વિશે પ્રવચન આપતા હતા, ‘તમારી પર્સનાલિટી બરાબર નથી. જુઓ હું કેવો એવરગ્રીન લાગું છું.’ પ્રવચન સાંભળ્યા બાદ એક શ્રોતાએ તેમને કહ્યું, ‘તમારી વાત સાચી છે પણ લોકોને મારી પાસે આવવું પડે છે જ્યારે તમારે લોકો પાસે જવું પડે છે. હવે તમારી પર્સનાલિટીને પૂછો, આવું કેમ થાય છે?’ કેટલાક લોકો પોતે જે ક્ષેત્ર કે વિષયનું જ્ઞાન પોતે ધરાવતા ન હોય એ ક્ષેત્ર માટેની સલાહ બીજાને આપતાં અચકાતા નથી. પણ કોઈ સલાહ આપે તેને છોભીલા ન પાડવા, કારણ કે આ એક જ વિષય એવો છે જેમાં એ વ્યક્તિ પૂરા ઉત્સાહથી તમારી સાથે વાત કરી શકે. સલાહ ન માનો એ વાત જુદી છે પણ મફતમાં સલાહ સાંભળવામાં શું જાય? સલાહ આપનારી વ્યક્તિને એ ક્ષણે કેટલો પાનો ચડ્યો હોય? તેને બોલતી અટકાવીને અથવા તમારા કરતાં હું વધુ જાણું છું એમ કહીને વ્યક્તિ સાથેનો સંવાદ બંધ કરીને તમે વિસંવાદ તરફ જાઓ છો. એક વાત યાદ રાખવા જેવી છે કે જે બહુ જાણે છે તે ઓછું બોલે છે.
સલાહ સાંભળતી વખતે આપણે તો જાણે કે કંઈ જાણતા જ નથી એવો ભાવ ધારણ કરીને સામેની વ્યક્તિને બોલવા દેવી. એ વ્યક્તિ તમારા પર ખુશ થશે. પછી તમારે જે કામ તેની પાસે કઢાવવું હશે એ સહેલાઈથી કઢાવી શકશો. તમારે કોઈ પણ વ્યક્તિ પાસે સફળતાથી કામ કઢાવી લેવું હોય તો તેને પૂછવું, ‘તમને આ ક્ષેત્રનો ઘણો અનુભવ છે. તમારી સલાહ મારે માટે કીમતી થઈ પડશે.’ પછી જુઓ પેલી વ્યક્તિનાં સલાહ-સૂચનો ચાલુ થઈ જશે. એ અડધો-પોણો કલાક તમારી જીભને આરામ મળશે. આ સમય દરમ્યાન તમારે એ વ્યક્તિ પાસે શું કામ કઢાવવું છે એ તમારે વિચારી લેવાનું. મારા અનુભવથી ખાતરી સાથે કહું છું કે તમે જો તેની અડધો-પોણો કલાકની સલાહ સાંભળશો તો તે તમારું કામ કર્યા વગર નહીં રહે. અહીં નાણાકીય મદદની વાત નથી. સલાહ આપવી એ ઘણા માણસોની નબળાઈ છે પણ સલાહ માગવાવાળો તો કોઈ વીરલો જ હોય છે. મેં ઘણાની સલાહ માગી છે ને અંતે મફતમાં મળેલી સલાહથી સફળતા મળી છે.
તમારે સફળ થવું છે? તો જુઓ મેં પણ તમને આ લેખ દ્વારા વણમાગી સલાહ આપી જ દીધીને?
- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)


