Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હારી ગયા, જે નીકળ્યા’તા લાગણી લઈને

હારી ગયા, જે નીકળ્યા’તા લાગણી લઈને

Published : 29 November, 2026 07:52 AM | IST | Mumbai
Hiten Anandpara

આપણે પ્રવાસે જઈએ છીએ ત્યારે ઘણુંબધું લઈને નીકળીએ છીએ. એમાં મહત્ત્વ સામાનનું હોય છે, ફરવા જેવાં લોકપ્રિય સ્થળોનું લિસ્ટિંગ પણ હોય છે. છતાં બે વસ્તુ ચૂકી જવાય છે.

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હે

પ્રતીકાત્મક તસવીર


આપણે પ્રવાસે જઈએ છીએ ત્યારે ઘણુંબધું લઈને નીકળીએ છીએ. એમાં મહત્ત્વ સામાનનું હોય છે, ફરવા જેવાં લોકપ્રિય સ્થળોનું લિસ્ટિંગ પણ હોય છે. છતાં બે વસ્તુ ચૂકી જવાય છે. એક, ઑફબીટ સ્થળો અને બીજું, કુદરતના સાંનિધ્યમાં સોનેરી સમય પસાર કરવાનું પ્લાનિંગ. આપણે માર્કેટની નજીક હોટેલ શોધનારા પ્રવાસીઓ છીએ. ટૂંકમાં, ફરવાના આપણા માપદંડોમાં જ કોઈ કેમિકલ લોચો હોય છે. ડૉ. મનોજ જોશી ‘મન’ જીવવાની રીત શીખવાડે છે...

સમય બાથમાં લઈ ક્ષણેક્ષણ જીવી લે
જીવી લે! કહું છું હજુ પણ જીવી લે



બધાં સ્વપ્નનું શ્રાદ્ધ કરજે વિધિવત્
કરી લાગણીઓનું તર્પણ જીવી લે


જીવવા માટેનો બધાનો દૃષ્ટિકોણ અલગ હોવાનો. કોઈને પ્રાપ્તિમાં સાર્થકતા દેખાય છે તો કોઈને તૃપ્તિમાં. કોઈને સંપત્તિસર્જનમાં જીવનનું લક્ષ્ય દેખાય છે તો કોઈને સેવાકાર્યમાં. કોઈને પાર્ટીકલ્ચરમાં રસ પડે છે તો કોઈને એકાંત વધારે સોહે છે. આપણી અંદરનો અવાજ જે કહે એ સાંભળવું જોઈએ. આદિલ મન્સૂરી હવા અને ખુશ્બૂને સાંકળી લે છે...

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી
ફૂલો દબાઈ જાય ના ખુશ્બૂના ભારથી


થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં
ફુરસદ મને મળે જો તમારા વિચારથી

પોતાના વિશે વિચાર કરવો એમાં સ્વાર્થ નથી. બીજાને નુકસાન પહોંચાડીને, હર્ટ કરીને પોતાન ફાયદા વિશે વિચારવું સ્વાર્થ છે. જાતને અવગણીએ એ પણ ખોટું છે. સાંપ્રત જીવનશૈલીમાં તમે જો તમારું ધ્યાન નહીં રાખો તો બીજું કોઈ રાખવાનું નથી. બધાને પોતપોતાનાં કામ હોય છે. અરે, સગાં સંતાનો પણ નોકરીધંધો છોડીને માબાપની દેખરેખ માટે પૂરતો સમય ફાળવી નથી શકતાં. વૃદ્ધાશ્રમો વધવાનાં આ અને આવાં અનેક કારણો હાજરાહજૂર છે. રાઝ નવસારવી આયુષ્યના અંતિમ પડાવ પર અનુભવાતી એકલતાને આકારે છે...

એક દુઃખદ અવસર લઈને ઉંબરે બેઠા છીએ
આશાઓ જર્જર લઈને ઉંબરે બેઠા છીએ

હૈયાધરપત આપ દો છો પણ ખબર છે એટલી
જિંદગી નશ્વર લઈને ઉંબરે બેઠા છીએ

નરસિંહ મહેતાએ ગાયું... ઘડપણ કેણે મોકલ્યું. ઘૂંટણ જવાબ દેવા માંડે ત્યારે પગથિયાં સાચવી-સાચવીને ઊતરવાં પડે. હાડકાં કોમળ બનતાં જાય અને સ્નાયુ ક્ષીણ બનતા જાય ત્યારે ચાનો કપ પણ હાથમાં અસલામતી અનુભવે. એક સમયે કોઈને ટેકો આપતી વ્યક્તિ સવારે કોઈના ટેકા વગર ઊભી ન થઈ શકે. વિવિધ જાતની એટલી બધી દવાઓ લેવાની થાય કે નાની ટીકડીઓ જેમ રમાડે એમ આપણે રમવું પડે. રમેશ પારેખની પંક્તિઓમાં પીડા વંચાશે... 

હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે

મરણગતિએ મળી લઈએ એકબીજાને
એક ઘરમાં બે ખંડની જુદાઈ ખટકે છે

દામ્પત્યજીવનમાં ખરી જરૂર ઉત્તરાવસ્થામાં જ પડતી હોય છે. આજકાલના જમાનામાં મુશ્કેલી એ છે કે ત્યાં સુધી ટકી જવાની કોઈ બાંયધરી હોતી નથી. સુખમાં જે સાથે ન હોય એ દુઃખમાં સાથે કઈ રીતે રહેશે? મારું-તારું જ્યાં સુધી આપણું નથી બનતું ત્યાં સુધી સંબંધ વિશ્વસનીયતા પ્રાપ્ત કરી શકતો નથી. સંવેદનોમાં આવતી ભરતી-ઓટ સતત આપણી પરીક્ષા કરતી રહે. હેમેન શાહ એનું કારણ દર્શાવે છે...

કેટલી ચીજો સમય લઈ જાય છે
પણ ખબર કોને અને ક્યારે પડે?

આજે ટહુકા, કાલે ખુશ્બૂ બંધ છે
બહાર ફતવા વાર-તહેવારે પડે

એકવીસમાં સદીમાં પણ ફતવાઓનું પ્રમાણ ઓછું થયું નથી. ઈરાનની ગાયિકા પરસ્તૂ અહમદી અને તેના સાથીઓને ૭૪ કોરડાની સજા ફરમાવવામાં આવી. ગુનો શું હતો? ગાયિકાએ હિજાબ પહેર્યા વગર એક લાઇવ કૉન્સર્ટમાં સ્લીવલેસ ડ્રેસ પહેરીને પુરુષ સંગીતકારો સાથે ગીતો ગાયાં હતાં. વાહ ઈરાન! ગૌરાંગ ઠાકર કહે છે એમ બેમોઢાળી દુનિયાને સમજવી અઘરી છે...

પવન તો બાગથી ખુશ્બૂ લઈને જઈ રહ્યો છે
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી

તમે આ આંસુ વગરનાં નયન લઈ ક્યાં જશો?
બધાથી ડૂમાનો અનુવાદ થાય એવું નથી

લાસ્ટ લાઇન

આ પુસ્તકોમાંથી જરા મંત્રો ભણી લઈને

પંડિત બનારસથી પધાર્યા ઢાંકણી લઈને

              જે શસ્ત્ર લઈને નીકળ્યા’તા, એ બધા જીત્યા

              હારી ગયા, જે નીકળ્યા’તા લાગણી લઈને

આગળ જતાં સંખ્યા અગર ઘટશે તો જોઈશું

હમણાં તો માંડી છે સફર માથાં ગણી લઈને

              લાંબીલચક આખી કથામાં રસ નથી પડતો

              કહી દો ગઝલ ટૂંકાણમાં, કિસ્સા વણી લઈને

વરસાદ, ખેતર, પાક, લણણી એ બધું ‘નીરવ’

સમજે નહીં, જે નીકળ્યા આકારણી લઈને

- નીરવ વ્યાસ

કાવ્યસંગ્રહ : ખડિયાની આરપાર

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 07:52 AM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK