જૅકલના મૃત્યુ બાદ, નૅચરલિસ્ટ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મહેશ યાદવે જણાવ્યું હતું કે વારંવાર થતાં આવાં મૃત્યુ સૂચવે છે કે આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કે પગલાં લેવાની જરૂર છે.
ગોલ્ડન જૅકલનું અકસ્માતમાં મોત
ઐરોલી-મુલુંડ લિન્ક રોડ પર રોડ-ઍક્સિડન્ટમાં ગોલ્ડન જૅકલનું મૃત્યુ થયું હોવાની ઘટના બની છે. શુક્રવારે બનેલી આ ઘટનાએ ફરી એક વાર એવાં પ્રાણીઓની સુરક્ષા વિશે ચિંતા જગાવી છે જેમને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન હેઠળ રક્ષણ આપવામાં આવ્યું છે. જૅકલના મૃત્યુ બાદ, નૅચરલિસ્ટ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મહેશ યાદવે જણાવ્યું હતું કે વારંવાર થતાં આવાં મૃત્યુ સૂચવે છે કે આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કે પગલાં લેવાની જરૂર છે.
વન્યજીવપ્રેમી મનીષ કલમકરે આ ટ્રાફિકવાળા રોડ પર મૃત અવસ્થામાં પડેલા ગોલ્ડન જૅકલની તસવીર લીધી હતી. એ પછી તેણે જણાવ્યું હતું કે ‘શરમાળ સ્વભાવ ધરાવતાં અને વિવિધ વાતાવરણમાં અનુકૂળ થઈ શકતાં આ પ્રાણીઓ ઐરોલી-ભાંડુપ વેટલૅન્ડનું એન્વાયર્નમેન્ટ બૅલૅન્સ જાળવી રાખવામાં મદદ કરે છે, એથી એમનું જતન અને સંરક્ષણ કરવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે.’
આ પ્રાણીઓ મુંબઈ, નવી મુંબઈ અને થાણે જેવાં મોટાં શહેરોનાં મૅન્ગ્રોવ્ઝમાં ખૂબ જ ગુપ્ત રીતે રહે છે. આ સમગ્ર વિસ્તારમાં આવેલા મુખ્ય વેટલૅન્ડ વિસ્તારોમાં થાણે ક્રીક ફ્લૅમિંગો સૅન્ક્ચ્યુઅરી, ભાંડુપ પમ્પિંગ સ્ટેશન, ચારકોપ, વર્સોવા, વસઈ, મીરા-ભાઈંદર અને ઘોડબંદર રોડના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.આ પહેલાં ઑક્ટોબર મહિનામાં પણ એક ગોલ્ડન જૅકલ વાહનની અડફેટે આવવાથી મૃત્યુ પામ્યું હતું. એ પ્રાણી મુલુંડ-ઐરોલી રોડ પર, થાણે ક્રીક ફ્લૅમિંગો સૅન્ક્ચ્યુઅરી નજીક મુંબઈ તરફ જતી લેનમાં મૃત હાલતમાં મળી આવ્યું હતું.
