ભાવનગરમાં કમ્પ્યુટર ક્લાસમાં બે એવા જીવોની મુલાકાત થઈ જેમણે એકબીજાની કમીને પૂરી કરી દીધી. બોટાદનાં વિજય અને મમતા ચૌહાણની અથાગ સંઘર્ષ, અડીખમ મનોબળ અને અવિરત આશાથી ભરેલી કહાની તમારા જીવનને પ્રેરણાથી ભરી દેશે
છોકરા પાસે હાથ નથી અને છોકરી પાસે પગ, બન્નેએ સાથે મળીને રચ્યો સુંદર સંસાર
ભાવનગરમાં કમ્પ્યુટર ક્લાસમાં બે એવા જીવોની મુલાકાત થઈ જેમણે એકબીજાની કમીને પૂરી કરી દીધી. બોટાદનાં વિજય અને મમતા ચૌહાણની અથાગ સંઘર્ષ, અડીખમ મનોબળ અને અવિરત આશાથી ભરેલી કહાની તમારા જીવનને પ્રેરણાથી ભરી દેશે
અમારા જેવા ઘણા લોકો હશે જેમણે જીવનથી થાકીને હાર માની લીધી હશે. અમારું જીવન કોઈને જીવવા માટે પ્રેરણા આપે તો અમે બન્ને બહુ રાજી થઈશું. અમારા જીવનની મુશ્કેલીઓ અને કઠિનતા જોઈને ઘણા લોકોના ફોન આવ્યા છે. તેઓ અમારી પાસે જીવનની સલાહ માગતા હોય છે. અમે એક જ વાત કહીએ છીએ કે જ્યાં સુધી શરીરમાં જરા પણ તાકાત છે ત્યાં સુધી કોઈના પર આધાર રાખ્યા વિના જીવો. લોકોની મદદ મળે તો ઠીક, ન મળે તો પણ ઠીક.
ADVERTISEMENT
સંજીવકુમાર અને જયા ભાદુરીની ૧૯૭૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કોશિશ’ જોઈ છે? મનીષા કોઇરાલાની ૧૯૯૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખામોશી’ જોઈ છે? આ બે ફિલ્મો ન જોઈ હોય તો શાહરુખ ખાનની ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’ તો જોઈ જ હશે. શા માટે આ ફિલ્મોની વાત કરી રહ્યા છીએ? એટલા માટે કે આ ફિલ્મોની વાર્તામાં એક વાત બહુ સામાન્ય છે કે હીરો અને હિરોઇનની શારીરિક કમીઓને કારણે તેમની મુશ્કેલીઓ સામાન્ય લોકોની મુશ્કેલીઓ કરતાં અલગ છે. બન્ને સાથે મળીને એકબીજાની કમી પૂરી કરે છે અને જીવનની મુશ્કેલીઓનો સામનો કરે છે. આ ફિલ્મની વાર્તાઓ ભલે કાલ્પનિક લખવામાં આવે છે, પરંતુ સમાજની વાસ્તવિકતાના આધાર પર આ ફિલ્મની વાર્તાઓ લખાઈ છે. બોટાદમાં રહેતાં મમતા અને વિજય ચૌહાણની જીવનસફર કરુણ જરૂર છે, પરંતુ આશા અને પ્રેરણાથી ભરપૂર છે. મળીએ આ કપલને જે જીવનમાં આજે પણ સંઘર્ષ કરી રહ્યું છે તો પણ કોઈના પર આધાર નથી રાખતું.
મમતાનો પગ ૪ વખત કપાવવો પડ્યો
પાલિતાણામાં જન્મેલી અને મોટી થયેલી ૩૦ વર્ષની મમતા ગોહિલ ચૌહાણ કહે છે, ‘૪ ભાઈ-બહેનોમાં હું ત્રીજા નંબરની છું. હું પાંચ વર્ષની હતી ત્યારે મને આંચકી આવેલી. ડૉક્ટર પાસે ગયા તો તેમણે કહ્યું કે મોટી થશે એટલે સારું થઈ જશે. પછી ધીરે-ધીરે પગમાં પ્રૉબ્લેમ આવવા લાગ્યો અને સારું જ નહોતું થતું. લોકો જ્યાં કહેતા ત્યાં અમે ડૉક્ટરને બતાવવા જતા. અત્યારે મારો એક પગ નથી અને બીજા પગમાં પોલિયો છે. મારો જે પગ નથી એ પગ મારે ધીરે-ધીરે કરીને ૪ વખત કપાવવો પડ્યો છે. શરૂઆત અંગૂઠાથી થઈ હતી. હું બારમા ધોરણમાં હતી ત્યારે મારો મોટા ભાગનો પગ કપાઈ ગયો હતો. પગના ટાંકા હજી તાજા હતા અને ત્યારે બોર્ડની પરીક્ષા ચાલતી હતી. હું એ પરિસ્થિતિમાં બેસીને પેપર આપવા ગઈ હતી. મારા પપ્પા મને તેડીને ક્લાસ સુધી લઈ જતા હતા. આ પરિસ્થિતિમાં આપેલી પરીક્ષામાં હું નાપાસ થઈ અને પછી મેં ભણવાનું છોડી દીધું. હું બહુ જ ખરાબ મનસામાં હતી. લોકો જ્યારે સામાન્ય રીતે મારી સામે ચાલીને જતા હોય ત્યારે મારાથી રડાઈ જતું. મને ગરબા રમવાનો બહુ જ શોખ છે, પણ હું રમી નથી શકતી. ક્યારેય-ક્યારેક એ જ અફસોસથી આજે પણ આંખ ભરાઈ આવે છે. અમારા ગામમાં વિકલાંગો માટેની એક સંસ્થા છે. તેમણે કહ્યું કે સરકાર તરફથી ભાવનગરમાં વિકલાંગોને કમ્પ્યુટર કોર્સ કરાવવામાં આવે છે. સાથે ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. ૨૦૧૭માં હું ભાવનગર કોર્સ કરવા પહોંચી.’
વિજય મદદ કરવા જતાં મુશ્કેલીમાં પડ્યો
બોટાદ જિલ્લાના પાળિયાદ ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો અને મોટો થયેલો ૨૬ વર્ષનો વિજય ચૌહાણ કહે છે, ‘અમે બે ભાઈઓ અને એક બહેન છીએ. હું દસમું ધોરણ ભણીને કામ પર લાગી ગયો હતો. હું કન્સ્ટ્રક્શનમાં કામ કરતો હતો. ત્યારે એવું થયું કે ત્યાં એક બહેનને ઇલેક્ટ્રિકનો શૉક લાગ્યો. હું તેમને છોડાવવા માટે મદદે ગયો તો મને પણ આંચકો લાગી ગયો. એમાં મારો હાથ કપાઈ ગયો. હું ૪ મહિના ઘરમાંથી બહાર નહોતો નીકળ્યો. હું બહાર જાઉં તો લોકો મને જોયા જ કરે. લોકોના ડરથી મારામાં હિંમત જ નહોતી આવતી. પરિવારના સભ્યોએ મને ધીરે-ધીરે હિંમત આપી અને હું બહાર નીકળતો થયો. મેં પેપરમાં ભાવનગરમાં કમ્પ્યુટર કોર્સની જાહેરાત વાંચી જેમાં વિકલાંગો માટે રહેવાનું પણ ફ્રીમાં હતું. આવી રીતે હું ૨૦૧૭માં ભાવનગર પહોંચ્યો.’
કમ્પ્યુટર ક્લાસમાં બની જોડી
ભાવનગરમાં કમ્પ્યુટર શીખતાં-શીખતાં બન્નેએ સાથે સંઘર્ષ શરૂ કર્યો. સમજદાર થયા પછી પોતે જ પોતાને સહાય કરવી પડતી હોય છે એમ માનતો વિજય કહે છે, ‘ભાવનગરમાં બે વર્ષના કોર્સ દરમ્યાન હું અને મમતા એકબીજાને સમજતાં થઈ ગયાં હતાં. અમે સાથે જીવન જીવવાનાં સપનાં જોતાં હતાં. કોર્સ બાદ અમારે રાજકોટ બધા ઓરિજિનલ ડૉક્યુમેન્ટ્સ લઈને પ્રોસ્થેટિક હાથ અને પગના માપ માટે જવાનું હતું. અમે ત્યાં વહેલી સવારે પહોંચ્યા એટલે અંધારું હતું. અમારા સામાન સાથે અમે ડેપો પર જ સૂઈ ગયા. આંખ ખૂલી ત્યારે અમારો સામાન ગાયબ હતો. સામાનમાં બધા જ ઓરિજિનલ ડૉક્યુમેન્ટ્સ, થોડા પૈસા અને મોબાઇલ હતા. અમને બહુ મોટો આઘાત લાગ્યો. ડૉક્યુમેન્ટ્સ વગર અમે કોઈ નોકરી માટે પણ અરજી ન કરી શક્યા. ૨૦૨૦માં અમે રજિસ્ટર મૅરેજ કર્યાં. વિકલાંગો લગ્ન કરે તો તેમને સરકાર તરફથી દોઢ લાખ રૂપિયાની સહાય મળતી હોય છે. એ પૈસાની મદદથી મેં ગામમાં મારું ઘર બાંધ્યું એટલે અમારી પાસે રહેવા માટે આશરો છે.’
આજીવિકા માટે ઘુઘવાટ
લગ્ન બાદ મમતા અને વિજયે બોટાદમાં પરિવાર શરૂ કર્યો. વિજય કહે છે, ‘મારી મોટી દીકરી કાવ્યા પાંચ વર્ષની છે અને નાની દીકરી તન્વી ૧૧ મહિનાની છે. મારો અને મમતાનો પરિવાર અમને સપોર્ટ કરે છે, પરંતુ તમે સમાજમાં રહેતા હો એટલે સમજદાર થઈ જાઓ. જો તમારા શરીરમાં જરા પણ તાકાત હોય તો કોઈની પાસે હાથ નહીં ફેલાવવાનો. હું બ્રાહ્મણ છું એટલે ભિક્ષાથી મારું અને પરિવારનું ગુજરાન ચલાવું છું. ઇન્સ્ટાગ્રામ પર તમે અમારું અકાઉન્ટ જોયું હશે તો જ્યારે કોઈ જાહેરાત માટે સંપર્ક કરે ત્યારે એમાંથી થોડુંઘણું મળી જાય છે. આટલી બધી સમસ્યાઓ છતાં અમે બન્ને થોડામાં જીવન જીવીને ખુશ છીએ. અમારો વિડિયો જોઈને કેટલાય લોકોના ફોન આવે છે કે તેમને અમારી લાઇફ જોઈને પ્રેરણા મળે છે. ક્યારેય અમને એવો અફસોસ નથી થતો કે લોકો પાસે કેટલું સારું જીવન છે અને અમારી પાસે નથી. એક વાતનો સંતોષ હોય છે કે લોકોને સડક પર સૂવું પડે છે અને અમારા માથા પર છત છે. અમે બન્ને જીવનમાં સકારાત્મક અભિગમ ધરાવીએ છીએ.’
યુટ્યુબ ચૅનલે આપી અનોખી ઓળખ, બન્યા ૩ લાખ સબસ્ક્રાઇબર્સ
લોકો અમારી શારીરિક કમીને ધારી-ધારીને જોયા કરતા હોય છે. એ કમી સાથે જીવન કેવી રીતે જીવાય એ લોકો સુધી પહોંચાડવું હતું. વિજય કહે છે, ‘ગયા વર્ષે અમે 1_Kavya_ Paliyad યુટ્યુબ ચૅનલ શરૂ કરી. મારી દીકરી અને ગામ પાળિયાદના નામથી આ ચૅનલનું નામ રાખ્યું. આ જ નામનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે. એમાં અમે અમારા રોજીંદા જીવનને કૅપ્ચર કર્યું છે. મારી પાસે કોઈ હાઇ-ફાઇ કૅમેરા નથી કે કોઈ મદદગાર નથી. તમે જોશો તો શરૂઆતના વિડિયો બહુ જ ઝાંખા છે, કારણ કે મારી પાસે સારો ફોન નહોતો. પછી એક ભાઈએ મને સારો ફોન અપાવ્યો. અમે બન્ને જણે મળીને વિડિયો બનાવ્યા છે. ખુરસી પર ફોન મૂકીને વિડિયો શૂટ કરીએ અને પછી મોબાઇલમાં જ એડિટ કરીને મૂકીએ છીએ. જેવું આવડે એવું રેકૉર્ડ કરીને અપલોડ કર્યું છે જેથી લોકોને વિશ્વાસ આવે. આજે મારી ચૅનલના અંદાજે ૩ લાખ સબસ્ક્રાઇબર્સ પહોંચવા આવ્યા છે. આમ તો ગયા વર્ષે જ મારા એક લાખ સબસ્ક્રાઇબર્સ થઈ ગયા હતા અને યુટ્યુબ તરફથી પ્લેટ મળવાની હતી, પરંતુ મને આવડતું નહોતું કે કેવી રીતે અપ્લાય કરવાનું એટલે થોડો સમય લાગી ગયો. ગયા મહિને જ મારી પાસે યુટ્યુબ તરફથી આ ભેટ આવી છે. અત્યાર સુધીમાં મેં મારી ચૅનલ પર ૧૦૦૦ જેટલા વિડિયો અપલોડ કર્યા છે. હું લોકોને અવારનવાર સપોર્ટ માટે વિનંતી કરતો હોઉં છું અને લોકો સપોર્ટ કરતા પણ હોય છે.’
દીકરી પૂછે છે કે તમારા પગ કોણ લઈ ગયું?
મમતા અને વિજયની પાંચ વર્ષની દીકરી કાવ્યા હવે સમજતી થઈ ગઈ છે અને ગામની સ્કૂલમાં બાળમંદિરમાં જાય છે. વિજય કહે છે, ‘મારી દીકરી બાકીના લોકોને અને પોતાને જુએ ત્યારે અમને જોઈને સવાલ પૂછે છે કે પપ્પા, તમારો પગ કોણ લઈ ગયું? ત્યારે હું જવાબ આપું કે ડૉક્ટર લઈ ગયા. ત્યારે કાવ્યા પોતાની કાલીઘેલી ભાષામાં મને કહે કે હું મોટી થઈને ડૉક્ટરને મારીશ અને તમારો પગ લઈ આવીશ. હું સાંજે ઘરે આવું ત્યારે શાકભાજી લઈને આવું છું. હું અને મમતા એકબીજાનું કામ શૅર કરી લઈએ છીએ. તેનાથી જેટલું થાય એટલું તે કરે છે અને બાકીનું હું કરું છું. કપડાં-વાસણ ધોવાના કામમાં મને કોઈ ક્ષોભ નથી થતો. હવે તો કાવ્યા પણ તેની મમ્મીને સ્ટ્રગલ કરતી જુએ એટલે મદદ કરતી થઈ ગઈ છે. અમારા જીવનમાં ઘણીબધી કમીઓ છે અને હજી પણ ઘણા સંઘર્ષ જોવાના બાકી છે, પણ હું અને મમતા અમારી દીકરીઓને ભણાવી-ગણાવીને પગભર જરૂર કરીશું. અત્યારે અમારી દીકરીઓ અમારી સૌથી મોટી પ્રેરણા છે અને જીવનનું ધ્યેય છે.’

