Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મૅરથૉન અને રોકાણ વચ્ચે સામ્ય?

મૅરથૉન અને રોકાણ વચ્ચે સામ્ય?

Published : 22 February, 2026 04:07 PM | IST | Mumbai
Foram Shah | feedbackgmd@mid-day.com

મૅરથૉનમાં ખૂબ જ ઝડપથી દોડવાનું નથી હોતું. એમાં તો વચ્ચે-વચ્ચે થોડું ચાલવાનું, ઝડપથી દોડવાનું, ધીમેથી દોડવાનું એમ ગતિ બદલતા રહીને લક્ષ્ય સુધી પહોંચવાનું હોય છે. આવું જ રોકાણમાં કરવાનું હોય છે. લક્ષ્ય સામે રાખીને નિયમિત રોકાણ કરવાનું હોય છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


શિયાળાની મોસમમાં શહેરોમાં મૅરથૉનની મોસમ શરૂ થઈ જતી હોય છે. મેં પણ અમારા સમાજ દ્વારા યોજાયેલી મૅરથૉનમાં ભાગ લેવાનું નક્કી કર્યું. પહેલી વખત જવાની હોવાથી મેં પાંચ કિલોમીટરની દોડમાં જોડાવાનું નક્કી કર્યું. નામ નોંધાવ્યા બાદ દોડવા સુધી દોઢેક મહિના જેટલો સમય હતો. હું થોડી પ્રૅક્ટિસ કરીને પાંચ કિલોમીટર સહેલાઈથી દોડી શકીશ એવો મને વિશ્વાસ હતો. પ્રૅક્ટિસ માટે મેં અમુક લોકો પાસે માર્ગદર્શન લીધું. આરંભે શૂરાની જેમ મેં પ્રથમ ત્રણ-ચાર દિવસ તો નિયમિત પ્રૅક્ટિસ કરી, પરંતુ પછીથી એમાં બ્રેક આવી ગયો.

પરિણામ એ આવ્યું કે મૅરથૉનના દિવસે થાક લાગી ગયો. મેં જેમતેમ દોડ તો પૂરી કરી, પરંતુ થાકીને લોથપોથ થઈ ગઈ. એ વખતે આદતવશ મને રોકાણજગત યાદ આવ્યું. હું મૅરથૉન અને રોકાણની દુનિયા વચ્ચેની સમાનતા વિશે વિચાર કરવા લાગી ગઈ. મૅરથૉનની જેમ રોકાણમાં પણ શિસ્ત, શક્તિ અને ધીરજની જરૂર પડે છે.



મૅરથૉનમાં ખૂબ જ ઝડપથી દોડવાનું નથી હોતું. એમાં તો વચ્ચે-વચ્ચે થોડું ચાલવાનું, ઝડપથી દોડવાનું, ધીમેથી દોડવાનું એમ ગતિ બદલતા રહીને લક્ષ્ય સુધી પહોંચવાનું હોય છે. આવું જ રોકાણમાં કરવાનું હોય છે. લક્ષ્ય સામે રાખીને નિયમિત રોકાણ કરવાનું હોય છે. એમાં ઝડપ કરતાં સાતત્યનું મહત્ત્વ વધારે હોય છે.


મૅરથૉનમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે આયોજન અને તાલીમ બન્નેની જરૂર પડે છે. એ જ રીતે રોકાણમાં પણ આયોજન કરવાનું હોય છે અને એના વિશેનું જ્ઞાન ભેગું કરીને અલગ-અલગ ઍસેટ ક્લાસમાં રોકાણ કરવાનું હોય છે. મૅરથૉનની તાલીમમાં દોડવા પર ધ્યાન આપવા ઉપરાંત ખાણી-પીણીનું પણ મહત્ત્વ હોય છે. શરીરને દોડવા માટે તૈયાર કરવાની દૃષ્ટિએ કોઈકના માર્ગદર્શન મુજબ પ્રૅક્ટિસ કરવાની હોય છે. રોકાણમાં પણ પ્રશિક્ષક કે સલાહકારની જરૂર પડતી હોય છે.   

મેં જ્યારે પ્રૅક્ટિસ શરૂ કરી ત્યારે એક તબક્કે મને લાગ્યું કે હું જાતે બધું કરી શકીશ. પછીથી મને સમજાયું કે પ્રશિક્ષક રાખ્યા હોત તો તેઓ દોડવાનું છોડવાને બદલે ચાલુ રખાવવા માટે પ્રોત્સાહિત કરી શક્યા હોત અને જરૂર પડ્યે યોગ્ય માર્ગદર્શન આપી શક્યા હોત. એ જ રીતે રોકાણમાં પણ જાતે બધું કરવાને બદલે કોઈકના માર્ગદર્શન મુજબ ચાલ્યા હોઈએ તો વચ્ચે જ્યારે પણ કોઈ પ્રશ્ન ઊભો થાય અથવા રોકાણની સફળતા બાબતે શંકા ઊભી થાય ત્યારે યોગ્ય સલાહ મળી શકે છે.


મૅરથૉન હોય કે રોકાણ હોય, વચ્ચે-વચ્ચે અવરોધ આવ્યા કરતો હોય છે. થોડું દોડ્યા પછી થાક લાગે ત્યારે દોડ અટકાવી દેવાનું મન થઈ જાય. ઘણા દોડવીરો દોડમાંથી અધવચ્ચે જ ખસી જતા હોય છે. રોકાણજગતમાં પણ માર્કેટની વૉલેટિલિટી રોકાણકારની ધીરજ અને સહનશક્તિની કસોટી કરતી હોય છે.

છેલ્લે એટલું જ કહેવાનું કે મૅરથૉન હોય કે રોકાણ, ભલે સૌપ્રથમ આવીએ નહીં, પણ આખરે દોડ સફળતાપૂર્વક પૂરી કરવાનું મહત્ત્વ હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 04:07 PM IST | Mumbai | Foram Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK