Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > 4 Days, 3 Nights - પ્લાનિંગનું પર્ફેક્ટ પૅકેજ (પ્રકરણ ૧)

4 Days, 3 Nights - પ્લાનિંગનું પર્ફેક્ટ પૅકેજ (પ્રકરણ ૧)

Published : 30 March, 2026 11:39 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

હેલ્પરે બંસીના હાથમાં વ્હીલચૅરનું હૅન્ડલ સોંપ્યું અને બંસી રાઘવજી પટેલની વ્હીલચૅરને ધક્કો મારતી આગળ વધી. રાઘવજીભાઈની આંખોમાં ગજબનાક શૂન્યાવકાશ હતો.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ ટૂ પર ફ્લાઇટ લૅન્ડ થઈ ત્યારે સવારના સાડાદસ વાગ્યા હતા. ઇન્ટરનૅશનલ ફ્લાઇટમાં આવેલા પૅસેન્જરો ઇમિગ્રેશનની ફૉર્માલિટી પૂરી કરીને ફટાફટ લગેજ-બેલ્ટ તરફ આગળ વધતા હતા. આવેલા એ પૅસેન્જરો સાથે બહાર આવીને બંસી એક તરફ ઊભી રહી ગઈ. હવે તેણે રાઘવજી પટેલ બહાર આવે એની રાહ જોવાની હતી.

સસરા રાઘવજી પટેલ સાથે તે ૪ દિવસ માટે જ મુંબઈ આવી હતી. હસબન્ડ પવનના મોત પછી પપ્પાની ઇચ્છા હતી કે તે એક વખત ભાડલા જઈને માતાજીનાં દર્શન કરે. ઑલ્ઝાઇમર્સને કારણે ક્ષણવારમાં પોતાની જ વાત ભૂલી જતા પપ્પા તો ઇચ્છા વ્યક્ત કરીને ક્યારના ભૂલી ગયા હતા, પણ બંસીના મનમાં વાત સ્ટોર થઈ ગઈ અને તે રવિવારની ટિકિટ કઢાવીને પપ્પા સાથે ઇન્ડિયા આવી.



‘એક્સક્યુઝ મી...’ વ્હીલચૅર બહાર આવી કે તરત બંસી સામે ગઈ, ‘હવે હું લઈ લઈશ...’


હેલ્પરે બંસીના હાથમાં વ્હીલચૅરનું હૅન્ડલ સોંપ્યું અને બંસી રાઘવજી પટેલની વ્હીલચૅરને ધક્કો મારતી આગળ વધી. રાઘવજીભાઈની આંખોમાં ગજબનાક શૂન્યાવકાશ હતો. આસપાસના દેકારા અને કોલાહલથી સાવ અજાણ હોય એમ તે નજર નીચી કરીને બેસી રહ્યા. તેમને મુંબઈ કે આજુબાજુમાં રહેલા લોકોને જોવામાં જાણે કોઈ દિલચસ્પી નહોતી.

lll


‘પપ્પા, પાંચ મિનિટ તમે બેસો...’

ઇમિગ્રેશનની ફૉર્માલિટી પૂરી કરવામાં બંસીને થોડી વધારે વાર લાગી હતી. ઑલ્ઝાઇમર્સના પેશન્ટને સાથે લઈને આવી હોવાથી ઇમિગ્રેશન ઑફિસરે રાઘવજીભાઈની મેડિકલ ફાઇલ ચેક કરવામાં વધારે સમય લઈ લીધો હતો.

‘હું લગેજ લઈને આવું પછી આપણે સીધા હોટેલ પર જઈએ.’

‘હોટેલ?’ રાઘવજીભાઈએ માથું ઊંચું કર્યું, ‘કઈ હોટેલ...’

‘પપ્પા, આપણે મુંબઈ આવ્યા છીએ. ભૂલી ગયા તમે...’ બંસીએ વહાલથી રાઘવજીભાઈની હડપચી પકડીને આજુબાજુનું દૃશ્ય દેખાડ્યું, ‘તમારે માતાજીનાં દર્શન કરવાં હતાંને, ભાડલામાં... સો નાઓ વી આર ઇન ઇન્ડિયા...’

‘હા, પણ હોટેલ... કેમ?’

‘આપણી રાજકોટની ફ્લાઇટ સાંજે છે.’ બંસીએ ટિકિટ દેખાડતાં કહ્યું, ‘વીસ કલાકથી તમે સતત બેઠા છો. તમારે રેસ્ટ થઈ જાય...’

‘હોટેલ...’

રાઘવજીભાઈની પિન એક જગ્યાએ ચોંટી ગઈ હતી.

‘ઍરપોર્ટ ઇન્ટરનૅશનલ હોટેલ... ત્યાંથી ટર્મિનલ વન નજીક પડશે એટલે એ હોટેલ કરી છે.’ બંસીએ લગેજ-બેલ્ટ તરફ નજર કરી, ‘તમે અહીં બેસજો, હું લગેજ લઈ આવું. પવન હોત તો તે જ જઈને લગેજ...’

બંસીનો અવાજ સહેજ ગળગળો થઈ ગયો અને તેણે તરત કન્ટ્રોલ કર્યો.

‘તમારે અહીંથી ક્યાંય જવાનું નથી. ઓકે?’

જવાબ આપવાને બદલે રાઘવજીભાઈ ફરી નીચું જોઈ ગયા. બંસીએ નોટિસ કર્યું કે દીકરાના નામ પછી પણ રાઘવજીભાઈના વર્તનમાં કોઈ ફરક નહોતો આવ્યો. સામાન્ય રીતે પવનનું નામ આવે કે તરત રાઘવજીભાઈ ઊભા થઈ જતા અને આજુબાજુમાં પવનને શોધવા માંડતા, પણ આજે...

અચાનક બંસીને લગેજ યાદ આવ્યું અને બંસીએ રાઘવજીભાઈ સામે જોયું.

‘પપ્પા, અહીં જ બેસજો. હું પેલી ટ્રૉલી લઈને હમણાં આવી. ક્યાંય જતા નહીં.’

બંસી લગેજ-બેલ્ટ તરફ આગળ વધી. બેલ્ટ પર ભીડ વધુ હતી. પોતાની અને પપ્પાની એમ બે સૂટકેસ ટ્રૉલીમાં ચડાવતાં તેને દસેક મિનિટ લાગી અને ૧૦ મિનિટ પછી જેવી તે પાછી ફરી, તેના હાથમાંથી ટ્રૉલીનું હૅન્ડલ છૂટી ગયું.

વ્હીલચૅર ખાલી હતી. રાઘવજીભાઈ ત્યાં નહોતા.

‘પપ્પા... પપ્પા...’

બંસીએ આસપાસ નજર દોડાવી. ટર્મિનલ ટૂનો એ બેલ્ટ-હૉલ હજારો લોકોથી ભરેલો હતો, પણ ત્યાં રાઘવજીભાઈ ક્યાંય દેખાતા નહોતા. બંસીના શ્વાસ ફૂલવા લાગ્યા. તેણે ફરી રાડ પાડી...

‘પપ્પા...’

‘એક્સક્યુઝ મી...’ એક યંગસ્ટર તેની પાસે આવ્યો, ‘મે આઇ હેલ્પ યુ?’

‘મારા ફાધર-ઇન-લૉ...’ બંસીની નજર આજુબાજુમાં ફરતી હતી, ‘ક્યાંક ચાલ્યા ગયા... તે... તે બીમાર છે.’

‘આટલામાં જ હશે... મે બી વૉશરૂમમાં...’

‘વૉશરૂમ ક્યાં છે?’

‘આ તરફ...’

પેલાએ એક દિશામાં હાથ કર્યો અને બંસી બધું ભૂલીને સીધી એ દિશામાં ભાગી.

બીજી મિનિટે બંસી વૉશરૂમમાં હતી અને અંદર સુસુ કરતા બધા પુરુષો બહાર.

બંસીની આ હરકતને લીધે દેકારો મચી ગયો અને થોડી જ વારમાં ઍરપોર્ટ પોલીસ બંસી પાસે હાજર થઈ ગઈ.

lll

‘મૅડમ, શાંત પડો. અમે CCTV કૅમેરાનું ફુટેજ ચેક કરીએ છીએ...’ ઇન્સ્પેક્ટર સાવંતે બંસીને પાણીનો ગ્લાસ આપતાં કહ્યું, ‘તમારા ફાધર ક્યાંય નહીં જાય.’

કન્ટ્રોલ-રૂમમાં સ્ક્રીન પર ફુટેજ દેખાવા લાગ્યાં. બંસીની આંખો સ્ક્રીન પર ચોંટી ગઈ. સાડાદસ વાગ્યે બંસી સામાન લેવા જાય છે. ૧૦ વાગી ને ૪૭ મિનિટે રાઘવજીભાઈ વ્હીલચૅર પરથી ઊભા થાય છે. તેમના ફેસ પર મૂંઝવણ છે. તે આજુબાજુમાં જુએ છે.

અચાનક ફ્રેમમાં એક માણસ એન્ટર થાય છે. તે માણસે બ્લૅક શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યાં છે. રાઘવજીભાઈની બાજુમાંથી પસાર થતી વખતે તે માણસના હોઠ ફફડે છે અને રાઘવજીભાઈ જાણે કે હિપ્નોટાઇઝ થયા હોય એમ ઊ  ભા થઈને તે માણસની પાછળ જવા લાગે છે.

‘એક મિનિટ, આ માણસ... આ માણસ કોણ છે?’

બંસીએ બૂમ પાડી કે તરત ઇન્સ્પેક્ટર સાવંતે વિડિયો પૉઝ કરીને એને ઝૂમ કર્યો.

પેલા માણસનો ચહેરો CCTV કૅમેરામાં સ્પષ્ટ દેખાતો નહોતો, પણ રાઘવજીભાઈ તેની પાછળ એટલી ઝડપથી જતા હતા જાણે તેઓ તેને ઓળખતા હોય. એક્ઝિટ ગેટ-નંબર ફોરથી તે બહારની તરફ નીકળે છે અને તરત એ બાજુના CCTV કૅમેરામાં રાઘવજીભાઈ બહાર નીકળતા દેખાય છે અને થોડી જ સેકન્ડમાં ઍરપોર્ટની બહાર પૅસેન્જર માટે લાંબી લાઇન કરીને ઊભી રહેતી રિક્ષાઓ પાસે તે ખોવાઈ જાય છે.

સાવંતના ચહેરા પર નિરાશા જન્મે છે.

‘આ કિડનૅપિંગ છે! મારા

ફાધર-ઇન-લૉને કોઈએ કિડનૅપ

કર્યા છે.’

બંસીની આંખમાં આંસુ આવી ગયાં.

‘મૅડમ, કિડનૅપ? પણ શું કામ?’ સાવંતની શંકા વાજબી હતી, ‘હમણાં તમે કહો છો કે તમારા ફાધર-ઇન-લૉ ઑલ્ઝાઇમર્સના પેશન્ટ છે તો એવા માણસને કોણ કિડનૅપ કરે?’

‘ધૅટ આઇ ડોન્ટ નો... તમે પ્લીઝ, પ્લીઝ... જલદી તમે મારા પપ્પાને શોધો.’ બંસીએ મહામહેનતે આંસુ રોક્યાં હતાં, ‘પપ્પાને સમયસર મેડિસિન નહીં મળે તો તેમની તબિયત વધારે બગડશે. પ્લીઝ, તમે કંઈક કરો...’

‘હું... હું કરું છું કંઈક... તમે ટેન્શન ન લો.’ સાવંતે મોબાઇલ હાથમાં લીધો, ‘મને ઇમિજિયેટ તમારા ફાધર-ઇન-લૉનો લેટેસ્ટ ફોટોગ્રાફ આપો...’

lll

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી ભાનુશાલી ડાયમન્ડ્સની ઑફિસમાં રાતે બે વાગ્યે પણ લાઇટો ચાલુ હતી. મુંબઈના જાણીતા ડાયમન્ડ મર્ચન્ટ કિશોર ભાનુશાલી પોતાની કૅબિનમાં એકલા બેઠા હતા. તેમની સામે ટેબલ પર પવન પટેલની ફાઇલ પડી હતી. તેમનું ધ્યાન મોબાઇલની વાતો પર હતું, પણ આંખો પેલી ફાઇલ પર હતી.

‘ચિંતા ન કર, પવનનો કિસ્સો પતી ગયો.’ મોઢામાં રજનીગંધા ઓરતા કિશોરભાઈએ કહ્યું, ‘અરે, તેની વાઇફ અને બાપ ઇન્ડિયા આવ્યાં હોય તો શું થઈ ગયું? તેમને કંઈ ખબર નથી પડવાની. બસ, છેલ્લા થોડા ડૉક્યુમેન્ટ્સ બાળી નાખું એટલે આપણો બ્લડ ડાયમન્ડનો રસ્તો ક્લિયર...’

કિશોરભાઈ આગળ કંઈ બોલે એ પહેલાં તેમની આંખ સામે અંધારપટ પ્રસરી ગયો અને અચાનક ઑફિસની લાઇટ્સ ઑફ થઈ ગઈ. કિશોરભાઈએ રાડ પાડી...

‘કોણ છે? વૉચમૅન...’ બહારનો સન્નાટો અકબંધ રહ્યો, ‘વૉચમૅન...’

બહારથી કોઈ જવાબ આવ્યો નહીં, પણ એને બદલે અંધારામાં કોઈના ચાલવાનો અવાજ કિશોરભાઈને સંભળાયો. હળવી, સહેજ લથડતી ચાલ અને એક પગ પર આવતું વધારે વજન. કિશોર ભાનુશાલીએ તરત ટેબલના ડ્રૉઅરમાંથી પિસ્તોલ કાઢવા હાથ લંબાવ્યો, પણ હાથ એ પિસ્તોલ સુધી પહોંચે એ પહેલાં પાછળથી કોઈએ તેના ગળામાં પાતળો વાયર ભીંસી દીધો. કિશોરે તરફડિયાં માર્યાં, તેના નખ ટેબલ પર ઘસ્યા; પણ પકડ મજબૂત હતી, એવી લોખંડી પકડ જાણે કે કોઈ ફોલાદી હાથમાં તે આવી ગયા હોય.

પાંચ મિનિટ પછી લાઇટ આવી ત્યારે કિશોર ભાનુશાલીના હાથ ખુરસી પર લટકતા હતા. તેમની આંખો બહાર આવી હતી. ઑફિસનો દરવાજો અંદરથી બંધ હતો અને  ટેબલ પર પડેલી પવન પટેલની ફાઇલ ગાયબ હતી.

lll

સવારના ૬ વાગ્યા હતા.

ઇન્સ્પેક્ટર સાવંત ઍરપોર્ટ પર જ હતા જ્યારે તેમને કિશોર ભાનુશાલીના મર્ડરના સમાચાર મળ્યા.

‘સાહેબ, વિચિત્ર કેસ છે...’ કૉન્સ્ટેબલ શિંદેએ કહ્યું, ‘તમે જુઓ તો ખરા, કિશોર ભાનુશાલીની ઑફિસ અંદરથી લૉક. કોઈ બારી તૂટી નથી. ACના વેન્ટ સિવાય અંદર આવવાનો કોઈ રસ્તો નથી અને એ વેન્ટ એટલી નાની છે કે એમાંથી કોઈ નાનું બાળક પણ નીકળી શકે નહીં. વિચારો, મારનારો કેવી રીતે અંદર ગયો હશે?’

સાવંતનું મગજ ચકરાવે ચડ્યું.

એક તરફ NRI રાઘવજી પટેલ ગુમ છે અને બીજી તરફ મુંબઈના પૉપ્યુલર ડાયમન્ડ મર્ચન્ટનું મર્ડર થયું છે.

શું આ બન્ને વચ્ચે કનેક્શન?

‘મૅડમ... મારે તમને એક વાત પૂછવી છે.’ બંસીને બોલાવીને ઇન્સ્પેક્ટર સાવંતે સીધો જ સવાલ કરી લીધો, ‘પવન પટેલ એટલે કે તમારા હસબન્ડ અને ડાયમન્ડ મર્ચન્ટ કિશોર ભાનુશાલી એકબીજાને ઓળખતા હતા?’

બંસીના ચહેરા પર કોઈ એક્સપ્રેશન નહોતાં.

‘હા, તે પવનના બિઝનેસ પાર્ટનર હતા. પવન છેલ્લે મુંબઈ આવ્યો ત્યારે તેમના જ ફાર્મમાં રોકાયો હતો. પવનના ડેથના ન્યુઝ પણ કિશોરભાઈએ જ મને આપ્યા હતા.’ બંસીએ સહજ રીતે પૂછ્યું, ‘કેમ, શું થયું?’

‘તેમનું મર્ડર થયું છે...’

‘વૉટ...? પહેલાં પવન અને હવે કિશોરભાઈ...’ બંસીની આંખો ફાટી ગઈ હતી, ‘સર પ્લીઝ... તમે મારા પપ્પાને શોધો. મને લાગે છે કે જેણે પવન સાથે કંઈક કર્યું છે તે જ પપ્પાને કિડનૅપ કરી ગયો છે. પ્લીઝ સર... તમે કંઈક કરો.’

lll

સફાઈ દરમ્યાન ઍરપોર્ટમાંથી એક સફાઈ-કામદારને નાનકડી ચિઠ્ઠી મળી. તે એ લઈને ઇન્સ્પેક્ટર સાવંત પાસે આવ્યો. સાવંતે એ ચિઠ્ઠી ખોલી. ચિઠ્ઠીમાં લખાયેલા શબ્દો કહેતા હતા કે એ ધ્રૂજતા હાથે લખાઈ છે.

‘મને માફ કરજે બંસી. મને પવન દેખાયો. તે મને બોલાવી રહ્યો છે. બ્લૅક શર્ટવાળા સાથે હું તેની પાસે જઉં છું.’

‘સાહેબ, આનો સીધો અર્થ એ કે રાઘવજીભાઈને આભાસ થાય છે. તેમને લાગે છે કે પવન જીવતો છે અને તેમને બોલાવે છે.’ કૉન્સ્ટેબલ શિંદેએ પોતાનો તર્ક લગાડ્યો, ‘આમાં જે બ્લૅક શર્ટવાળાનો ઉલ્લેખ છે તેને જ તો CCTV કૅમેરાના ફુટેજમાં જોયો.’

‘હા, પણ તે બ્લૅક શર્ટવાળો

હતો કોણ?’

‘રાઘવજીભાઈની બીમારીનો લાભ લઈને તે માણસે જ કદાચ કિડનૅપ કર્યું છે.’

વાતમાં તથ્ય હતું, પણ જ્યારે તથ્ય અધૂરું હોય ત્યારે માણસના મનમાં મૂંઝવણ જન્માવતું હોય છે. અત્યારે એકસાથે ૩ જગ્યાએ મૂંઝવણ ચાલતી હતી : ઇન્સ્પેક્ટર સાવંત, બંસી પટેલ અને રાઘવજી પટેલ. જોકે સાવંત અને બંસીને ખબર નહોતી કે રાઘવજી પટેલ મુંબઈની ગલીઓમાં એક ઓછાયો બનીને ફરી રહ્યા છે. એક એવો ઓછાયો જેને દુનિયા બીમાર સમજે છે, પણ એ બીમારની આડશમાં એક ભયાનક ભૂતકાળ અને ન લખાયેલો ભવિષ્યકાળ લખાવાનો છે.

 

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 11:39 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK