Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અધિક માસ - અંતર વચ્ચેનું અંતર (પ્રકરણ ૨)

અધિક માસ - અંતર વચ્ચેનું અંતર (પ્રકરણ ૨)

Published : 19 May, 2026 02:25 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

માથેરાનની નાનકડી ટેકરી પર આવેલું બેઠા ઘાટનું મકાન. ભરબપોરે વરસાદની પધરામણી થતાં આંગણામાં સૂકવવા મૂકેલાં કપડાં સમેટવા તે દોડતી આવે છે. કપડાં સમેટીને પાછા વળતાં સુધીમાં તે ભીની થઈ જાય છે.

ઈલસ્ટ્રેશન

ઈલસ્ટ્રેશન


માથેરાનની નાનકડી ટેકરી પર આવેલું બેઠા ઘાટનું મકાન. ભરબપોરે વરસાદની પધરામણી થતાં આંગણામાં સૂકવવા મૂકેલાં કપડાં સમેટવા તે દોડતી આવે છે. કપડાં સમેટીને પાછા વળતાં સુધીમાં તે ભીની થઈ જાય છે. કપડાંનો ઢગલો અંદર ફેંકીને તે ઓસરીમાં આવી કેશ ખુલ્લા કરીને જળબિંદુઓ ખંખેરે છે. પછી ઝાટકો આપી વાળ પાછળ લઈ સહેજ વાંકી વળી સાડીનો છેડો ઉતારી પાલવ ​નિચોવે છે અને એથી તંગ થતા કંચુકીબંધથી જાણે સ્વર્ગલોકની કોઈ અપ્સરા અમૃતકુંભ છલકાવતી હોય એવા દૃશ્યે સુષુપ્ત જ્વાળામુખી એકાએક આગ ઓકતો થઈ જાય એવો પ્રચંડ વિસ્ફોટ આઉટહાઉસની બારીએ ઊભા આશ્રયની રગોમાં ઊભર્યો અને ભીતર પલપતી રહેલી કાપુરુષપણા તરફ દોરતી ભાવના સ્વાહા થઈ ગઈ.
- અત્યારે પણ આઠ-દસ મહિના અગાઉની એ પળોની યાદે આશ્રયે બદનમાં સળવળાટ અનુભવ્યો. 
માથેરાનનું રોકાણ મને ફળ્યું. રુદ્ર સાથે આત્મીયતાની ડોર બંધાઈ. અગાઉ ક્યારેય ત્રણ-ચાર વરસના બાળકના સાંનિધ્યમાં રહેવાનું બન્યું નહોતું અને રુદ્ર હતો જ એવો ગઠિયો કે તેને રમાડવાનું, તેની સાથે રમવાનું મન થાય. સવારે આઉટહાઉસનો દરવાજો તે જ ખખડાવે : બડી, ઓપન ધ ડોર! પછી આખો દિવસ અમે સાથે ને સાથે. હું ચિત્રકામે વળગ્યો હોઉં તો તે પોતાની ગેમ્સમાં બિઝી રહે, પણ રહે તો મારી સાથે જ! અને એને કારણે તેની માતા સાથે વાતવહેવારના પ્રસંગ સર્જાતા. અમને ધમાલમસ્તી કરતા જોઈને તે મલકતી. ક્યારેક કહેતી : તમારા આવ્યા પછી રુદ્ર બદલાયો છે. મા તરીકે હું તેને પિતાના ભાગનું વહાલ આપી શકું, પણ પુત્ર પિતાની કંપની પણ ઝંખતો હોય છે એ હવે સમજાય છે... 
તેનામાં ગરવાઈ હતી. નાની વયે વિધવા બનેલી તે મોટા ભાગે સફેદ, ક્રીમ કે વાદળી જેવા આછા રંગની સાડી પહેરતી. એક છોકરાની મા છે એવું લાગે નહીં. તેનો સહવાસ ગમતો અને છતાં કશુંક હતું જે મને સંકોચના દાયરામાં રાખતું... જસ્મિનના પ્રતાપે વરસોથી મને બાંધી રાખનારી હીણપતની એ લાગણી વરસાદની એ બપોરે અનાયાસ નાબૂદ થઈ. મારામાં જીન્સી આવેગની અનુભૂતિ ઊછળતી થઈ, મારાં ચિત્રોમાં સ્ત્રીનું લાવણ્ય પાછું ફર્યું એ કોઈને કહેવાયું નહીં અને દરેક બાબત કહેવી જરૂરી પણ ક્યાં હોય છે! 
માથેરાનમાં કૅલેન્ડરવાળું કામ તો ત્રણ-ચાર મહિનાનું હતું, પણ પોતે બીજા-ત્રીજા કામના બહાને ત્યાં સ્ટે લંબાવી રહ્યો છે એ કેવળ રુદ્રને કારણે નહીં... એ બપોર પછી આરતીને નિહાળવાની મારી દૃષ્ટિ બદલાઈ. તે મારા હૈયે ઊતરતી ગઈ. હું તેને ચાહવા લાગ્યો છું એ સત્ય જોકે હજી આરતીને કહેવાયું નથી, પણ તેની સાથેના મારા વાણી-વર્તણૂકમાં આવેલા બદલાવથી વિના કહ્યે તે સમજી નહીં હોય? 
મારા આંગણામાં સુહાગ જોડામાં તે તુલસીક્યારે દીવો મૂકતી હોય છે એ સમણું સાકાર થશે ખરું? 
આનો જવાબ તો સમય જ આપી શકે! 
lll
‘એક વાત કહું?’
બીજી સવારે મેડીનાં પગથિયાં ઊતરતો આશ્રય રસોડામાં મા-પિતાજીના સંવાદે અડધે અટકી ગયો. 
‘આશ્રય એકત્રીસનો થયો. લગ્ન માટે તો હજીયે તૈયાર થાય એવું લાગતું નથી... પણ તે જો રુદ્રને દત્તક લઈ લે તો આપણે પોતરાનું સુખ તો પામીએ!’ 
‘આ વિચાર મને પણ આવ્યો સ્વાતિ... છોકરો આસુનો હેવાયો છે. માને તો યાદ સુધ્ધાં નથી કરતો.’ નરહરિભાઈએ હડપચી પસવારી, ‘પણ મા એમ પોતાના એકના એક આધારને શું કામ છોડે?’ 
સ્વાતિબહેને ડોક ધુણાવી : એ પણ ખરું. છોકરાની મા આરતી પાછી વિધવા છે, દીકરો તો તેનો શ્વાસપ્રાણ હશે. હાસ્તો, વિધવાબાઈ શું કામ દીકરાને દત્તક આપે?
આશ્રયે હોઠ કરડ્યો. મા-બાપુ રુદ્રને અપનાવવા તૈયાર છે, પણ ભેગી તેની વિધવા માને વહુ તરીકે અપનાવી શકશે? 
આરતી સમક્ષ હૈયું ખોલતાં પહેલાં મમ્મી-પપ્પાનું મન ટટોલી લીધું હોય તો! 
lll
હેં! 
નરહરિભાઈ ચોંકી ગયા. 
બપોરે રુદ્રને ઊંઘાડીને આશ્રય ખેતરે આવી ચડ્યો એ ગમ્યું હતું. દીકરો તેના કામ માટે બહાર ગમે ત્યાં રહે, પંદર-વીસ દહાડે બે-ચાર દિવસ ગામ આવી જાય એટલે માબાપને સંતોષ. જુવાન વયે એકલો રહેવા છતાં દીકરામાં કોઈ એબ નથી એનું અભિમાન પણ હતું. વહેલોમોડો તે લગ્ન માટે હામી ભરશે એવી શ્રદ્ધા પણ હતી. 
આવામાં તેણે માથેરાન જવાનું બન્યું... ત્યાં ૩ વરસના રુદ્ર જોડે તેને માયા બંધાણી એ તો અમે જાણીએ છીએ. રુદ્ર અગાઉ બે-ચાર વખત તેની સાથે ગામ આવ્યો છે અને અમને પણ તેની માયા વળગી એ બધું સાચું, પણ બપોરની વેળા ખેતરની ઓરડીએ બેસીને જુવાન દીકરો ભારે સંકોચભેર વિધવા બાઈ સાથેનો પ્રણય કબૂલે ત્યારે શું પ્રતિક્રિયા આપવી એ નરહરિભાઈને સમજાયું નહીં. પાછું આરતીને તેણે કહ્યું નથી, આરતી તેને ચાહે છે કે નહીં એ પણ જાણતો નથી! 
નહીં, આવામાં હા-નાની ઉતાવળ કરવાને બદલે શાણપણથી રસ્તો કાઢવાનો હોય... અને તેમની ઠાવકાઈ બોલી ઊઠી: 
‘આસુ, આવતા અઠવાડિયે અધિક માસ બેસે છે... એ નિમિત્તે વલસાડમાં મહાઉત્સવનું આયોજન થવાનું છે. સૌરાષ્ટ્રથી ગિરિધારીબાપુ ભાગવત કથા કરવા આવવાના છે. ૭ દિવસની સપ્તાહમાં એક દિવસનો ચડાવો, મહાપ્રસાદ આપણા તરફથી પણ છે... શા માટે આરતીને કથામાં નથી બોલાવતો!’
પિતાનો પ્રસ્તાવ આશ્રયને અડધા હકાર જેવો જ લાગ્યો! 
lll
આશ્રય! 
ઘરના ઓટલે બેઠેલી આરતીની નજર આઉટહાઉસ પર પડી. ત્યાં આશ્રયને મલકાતો ભાળીને કીકીમાં મુગ્ધતા ઘૂંટાઈ ને બીજી પળે તેણે ખુદને ચૂંટી ખણી : જો, જાગ, આશ્રય અહીં ક્યાંથી હોય! આ કેવું ઘેલાપણું? 
ના, આ કેવળ ઘેલાપણું નથી... આવું તો પ્રેમીજનોમાં થાય! શું આશ્રય પણ મને ચાહતો નથી? 
‘તારાં એવાં તકદીર? બૂંદિયાળ ક્યાંની!’ દૂરના ભૂતકાળમાંથી શારદામામી તાડૂકતાં લાગ્યાં : જન્મતા જ માને ભરખી ગઈ ને વરસદહાડાની થાય એ પહેલાં બાપ ડમ્પરિયાની અડફેટમાં સ્વર્ગે સિધાવ્યો એમાં ભાણીબા મામાના માથે પડ્યાં! 
મામીના કર્કશ સાદે ઝંખવાતી આરતી સમક્ષ ગતખંડ તરવરી રહ્યો: 
શું બાળપણ કે શું જવાની, સુખની ઊણપ મારા માટે દુકાળમાં અધિક માસ જેવી જ રહી. લોકલાજે મામા-મામીએ અનાથ ભાણીનો હવાલો લેવો પડ્યો, પણ તેને પોતાના સંસારની સીમામાં ક્યારેય પ્રવેશવા જ ન દીધી. મોટી થતી આરતીને મામીએ વગર પગારની કામવાળી બનાવી દીધી, મફત શિક્ષણ આપતી સ્કૂલ-કૉલેજમાં ભણવા મોકલી એટલો પાડ. 
‘કહું છું, લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે એમ જ માનો! બિહારી શેઠ ૧૦ લાખ રોકડા આપે છે. એમાંથી ભાયખલાની આ ચાલીમાં બીજી રૂમ લઈ લો એટલે આપણા બે દીકરાની બે રૂમ થઈ જાય કે તેમને પરણાવીને આપણે ગામ ભેગા થઈ જઈએ!’
દબાતા સાદે થતી મામા-મામીની વાતચીત ઘરકામ કરતી આરતીના કાને પડતી રહેતી. કોઈ બિહારી નામનો શેઠ મામાને આટલા બધા રૂપિયા શું કામ ધીરવાનો હશે? 
‘તારા મામા પાસે એક સ્વર્ગની અપ્સરા છેને, તેના બદલામાં!’ 
છેવટે મામીએ કાલા થઈને ફોડ પાડ્યો હતો : તારાં તેની હારે લગન લીધાં છે, લાડો! બિહારી બીજવર છે, ઉંમરમાં થોડો મોટો લાગે; પણ શ્રીમંત છે. માથેરાનમાં મોટી કોઠી છે. સંસારમાં તે એકલો. તું રાજરાણીની જેમ મહાલીશ ત્યારે ગરીબ મામા-મામીને યાદ રાખજે બેન! કહીને સાચાંખોટાં આંસુ પણ સાર્યાં હતાં. 
આરતી પાસે ના પાડવાનો પરવાનો આમ પણ ક્યાં હતો? પણ લગ્નના દહાડે પાંચ જણની જાન લઈને માંડવે આવેલો મુરતિયો લાકડીના ટેકે ચાલતો હતો એ જોઈને આરતીની જુવાન છાતીમાં હાયકારો ઊઠેલો. આ લગ્ન નહોતાં, ખરેખર તો ૧૦ લાખ લઈને મામા-મામીએ ભાણીને ઘરડા ઉમરાવને વેચી નાખી હતી! 
‘આ મારાં ત્રીજાં લગ્ન છે...’ 
માથેરાનના ઘરે એકલાં પડતાં બિહારીએ ગળાનો હાર ઉતારતાં નવયુવાન પત્ની સાથે સંવાદ માંડ્યો : મુંબઈમાં મારો ધિરાણનો કારોબાર હતો. બબ્બે વાર પરણવા છતાં સંતાનસુખ નસીબ ન થયું. બીજી પત્નીના નિધન પછી બધું સમેટીને દસેક વરસથી અહીં વસ્યો છું. આમ તો વ્યાજની ખમતીધર આવક છે, છતાં આઉટહાઉસ ટૂરિસ્ટ્સને ભાડે આપતો રહું છું જેથી વસ્તી લાગે... જોકે ઑફ સીઝનમાં વળી એ જ એકલતા. એટલે વળી ઘોડે ચડ્યો. મને આશા છે કે તારા પગલે જરૂર સંતાનની કિલકારી ગુંજવાની! 
અત્યારે આરતીના હોઠ વંકાયા : કેવી મિથ્યા આશ હતી એ! તલમાં તેલ જ નહોતું. બિહારીબાબુ બિચારા હવાતિયાં મારીને ઢેર થઈ જતા. પોતે પરણીને પણ કુંવારી જ રહી! સિત્તેર વરસના પતિ માટે ભાવ જાગવો સંભવ નહોતો. છતાં મોસાળ કરતાં અહીં આરતીને સુખ અનુભવાતું. 
ફરવાની સીઝનમાં દિવસ ઝડપથી વહી જતો. ભાત-ભાતના મહેમાનો આવતા. તેમની સરભરા માટે બે-ત્રણ જણનો સ્ટાફ હતો એટલે આરતીએ કશું કરવાનું રહેતું નહીં. પોતે ઉતારુઓના મહિલાવૃંદમાં ભળે એ પણ બિહારીને ગમતું નહીં એટલે તે પોતાનામાં મગ્ન રહેતી. મામા-મામીને તો તેણે આઘેરાં જ રાખ્યાં.
જિંદગી આમ જ વહેતી રહેશે એમ માનેલું પણ... 
બિહારીને સંતાનસુખનો મોહ ઓસર્યો નહોતો. વંશના વારસની ઇચ્છા ન હોત તો ત્રીજાં લગ્ન જ શું કામ કરત? પણ લાંબી તપાસના અંતે ડૉક્ટરોએ IVFથી પણ બાળક શક્ય નથી એવું કન્ફર્મ કરતાં તે નિરાશ બન્યો. દારૂ પીવાનું વધી ગયું... 
‘બિહારી કોઈ રીતે પિતા બની શકે એમ નહોતો તો પછી રુદ્ર?’ અચાનક હવામાં પ્રગટ થઈને આશ્રય આક્રોશભેર પૂછી રહ્યો છે : આનો અર્થ તો એ જ થયોને આરતી કે તમે કોઈ પરપુરુષનું પડખું સેવ્યું, રુદ્ર તમારી એ બેવફાઈનું પરિણામ છે જેને તમે પતિના નામે ચડાવી દીધું!’ 
આરતી આંખો મીંચી ગઈ, કાને હાથ દાબી દીધા. 
પળ પછી આંખો ખોલી ત્યારે આશ્રય ત્યાં નહોતો. સપનું! આરતીએ રાહતનો શ્વાસ લેતાં દમ ભીડ્યો : રુદ્રના જન્મની હકીકત આશ્રયને મારે કહી દેવાની હોય... બને એટલી જલદી! 
અને તેણે ગતખંડનું અનુસંધાન મેળવી લીધું : વરસાદની એ મેઘલી રાત... 
lll
ઠક... ઠક... 
દરવાજો ઠોકાવાના અવાજે આરતી ઝબકી ગઈ. માથેરાનમાં પાછલા ૪ દિવસથી મેહુલો ગાંડોતૂર વરસી રહ્યો છે. આ સીઝનમાં રડ્યાખડ્યા ટૂરિસ્ટ્સ આવતા હોય. એમાં આઉટહાઉસમાં ગયા અઠવાડિયે આવેલો ઉતારુ બિચારો વરસાદને કારણે માથેરાનથી નીકળી પણ નથી શકતો. માટી ધસવાથી નીચેથી સ્ટાફ ઉપર આવી નથી શકતો એટલે ઉતારુની સરભરા મારે જ કરવાની થાય છે. અગાઉ હું ઉતારુના ગ્રુપ જોડે વાત કરું એમાં છેડાઈ જતા બિહારી હવે સામેથી એકલપંડા જુવાન ઉતારુને ભાણું પીરસવા મને મોકલે છે! 
મને તો તે જુવાનનાં લક્ષણ પણ ઠીક નથી લાગતાં... હટ્ટોકટ્ટો જુવાન નશેડી લાગે છે. તેની રૂમમાં દારૂની બૉટલો વેરાયેલી હોય છે. બિહારી પાછા તેને કંપની આપતા હોય છે. હું ચાખણું લઈને જાઉં એમાં અહીંથી ત્યાં જવામાં ભીની થઈ જાઉં ને શેખર કેવી લોલુપ નજરે મને નિહાળતો રહે! એક-બે વાર તો અભદ્ર ઇશારા પણ કર્યા ને ગઈ કાલે બિહારીની હાજરીમાં કશીક અશ્લીલ ટિપ્પણી પણ કરી... બેઉ પુરુષો કેવું હસ્યા’તા! 
રાતે સૂતી વખતે પોતે આ અંગે નારાજગી જતાવી ત્યારે બિહારીએ ચીડ દાખવેલી : એવું સતી સાવિત્રીપણું રાખવાની કોઈ જરૂર નથી! 
-બિહારી. 
પડખે હાથ ફેરવતાં ભાન થયું કે પતિ નથી એવી જ આરતીની આંખો ઊઘડી ગઈ : બારીઓ તો બંધ છે. તો આ ખખડાટ...
-અને દરવાજે જતી તેની નજર ચોંકી ગઈ : બારણું ખુલ્લું હતું અને અડધો ઉઘાડો શેખર કડું ઠોકીને ગંદું હસી રહ્યો છે! 
એ યાદે અત્યારે પણ હાંફી રહી આરતી! 

(ક્રમશ:)


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 02:25 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK