Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બચુભાઈ બમ્બાટ Returns અલ્ટિમેટ ઍક્શન (પ્રકરણ ૫)

બચુભાઈ બમ્બાટ Returns અલ્ટિમેટ ઍક્શન (પ્રકરણ ૫)

Published : 12 June, 2026 12:22 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સિંઘાનિયાને નહોતી ખબર કે ફિલ્મના સેટ પર ત્રણ દસકા પરસેવો પાડનારા ફાઇટ માસ્ટર બચુભાઈ ક્યારેય સ્ટ્રૅટેજી વિના મેદાનમાં ઊતરતા નહીં. બધાને એમ હતું કે બચુભાઈ અને પાયલ પચાસ ફ્લોર ચડીને આવશે

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


નરીમાન પૉઇન્ટના સિંઘાનિયા ટાવર્સ પર આકાશમાંથી કાળી રાત અને અનરાધાર વરસાદ તૂટી પડ્યાં હતાં. કાચના એ બિલ્ડિંગની બહાર વાવાઝોડાનો અવાજ ગુંજતો હતો, પણ અંદર સન્નાટો હતો. પચાસમા માળે વિક્રમ સિંઘાનિયા વ્હિસ્કીનો ગ્લાસ હાથમાં પકડીને ઊભો હતો. તેના ચહેરા પર ગુસ્સો અને અકળામણ સ્પષ્ટ દેખાતાં હતાં. સેક્રેટરીએ કન્ટ્રોલરૂમમાંથી વૉકી-ટૉકી પર મેસેજ આપી દીધો હતો અને ત્યાંથી સંદેશો પણ આવી ગયો હતો...

‘સર, પાર્કિંગ અને લૉબીમાં સિક્યૉરિટી ટાઇટ છે. ગાર્ડ્‌સને અલર્ટ કરી દીધા છે. તે બન્ને સીડીથી ઉપર આવે છે; પણ સર પચાસ ફ્લોર ચડતાં સુધીમાં તો તે બુઢ્ઢાનો જીવ નીકળી જશે...’



‘આ બુઢ્ઢો એટલે પેલો જ... જેની દીકરીએ ચંદુને મેડિકલ સ્ટોરમાં...’


‘રાઇટ સર, તે જ...’ મલ્હોત્રાએ કહ્યું, ‘બચુભાઈ બમ્બાટ. ફિલ્મમાં એક સમયે ઍક્શન ડિરેક્ટર હતા તે...’

‘ફિલ્મોમાં ઍક્શન ડિરેક્ટ કરનારો બચુ ભૂલી ગયો કે રિયલ લાઇફમાં રીટેક નથી હોતા. મલ્હોત્રા, એ ૧૦૦ની નોટ માટે હું બચુ તો શું, તેની દીકરીને પણ જીવતી નહીં મૂકું...’


સિંઘાનિયાને નહોતી ખબર કે ફિલ્મના સેટ પર ત્રણ દસકા પરસેવો પાડનારા ફાઇટ માસ્ટર બચુભાઈ ક્યારેય સ્ટ્રૅટેજી વિના મેદાનમાં ઊતરતા નહીં. બધાને એમ હતું કે બચુભાઈ અને પાયલ પચાસ ફ્લોર ચડીને આવશે; પણ ના, એવું નહોતું. ૨૦ ફ્લોર સુધી દાદરા ચડીને આવ્યા પછી બન્નેએ સર્વિસ લિફ્ટ અને ડક્ટ એરિયાનો રસ્તો લઈ લીધો અને આઠ મિનિટ પછી પચાસમા માળની મેઇન લૉબીનો ફાયર-એક્ઝિટ દરવાજો ધીમેથી ખૂલ્યો. લૉબીમાં ૪ કસાયેલા સિક્યૉરિટી ગાર્ડ્સ હાથમાં ગન સાથે ઊભા હતા જેમની નજર લિફ્ટના લાલ ડિજિટલ નંબર પર હતી, જે પચીસમા ફ્લોરથી ઉપર આવતી હતી.

‘તમારી નજર ખોટી જગ્યાએ છે ફ્રેન્ડ્સ...’

અંધારા ખૂણામાંથી બચુભાઈનો ઘેરો અને પહાડી અવાજ ગુંજ્યો કે તરત પાયલ ચિત્તાની ઝડપે હવામાં ઊછળી.

‘જ્યારે દુશ્મનની આંખો ટાર્ગેટ પર હોય ત્યારે તેના પગનું બૅલૅન્સ સૌથી નબળું હોય છે.’

હવામાં ઊછળીને પાયલે પોતાના હાથમાં રહેલા લોખંડના ભારે વજનિયાથી પહેલાં ગાર્ડના ઘૂંટણ પર વાર કર્યો. ચીસ પાડીને ગાર્ડ નીચે બેઠો કે તરત પાયલે ગન છીનવી લીધી.

બીજા ગાર્ડે પાયલ તરફ બંદૂક તાકી, પણ ત્યાં સુધીમાં બચુભાઈએ તેમની પાસે રહેલી લોખંડની પાઇપ હવામાં વીંઝી. પાઇપ સીધી ગાર્ડના કાંડા પર વાગી અને બીજી જ મિનિટે બચુભાઈએ તેને કૉલરથી પકડીને દીવાલ સાથે એવો અફળાવ્યો કે તે બેભાન થઈ ગયો. બાકીના બે ગાર્ડ્સે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું, પણ પાયલે સોફાની આડશ લઈને જમીન પર ડાઇવ મારી અને બન્ને ગાર્ડ્સના પગ પર પ્રહાર કર્યો.

માત્ર ત્રણ મિનિટમાં લૉબી ક્લીન થઈ ગઈ. ચારેય ગાર્ડ્સ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા. બચુભાઈનો સહેજ શ્વાસ ચડી ગયો હતો. તેણે પાયલ સામે જોયું. પાયલે ઇશારો કર્યો અને બચુભાઈ આગળ વધ્યા.

lll

ધાડ...

લાત મારીને બચુભાઈએ સિંઘાનિયાની આલીશાન કૅબિનનો દરવાજો તોડ્યો કે કાચના ટુકડા જમીન પર વેરવિખેર થઈ ગયા. કૅબિનમાં વિક્રમ સિંઘાનિયા એકલો ઊભો હતો, મલ્હોત્રા બાથરૂમમાં ભરાઈ ગયો હતો. સિંઘાનિયા પાસે ટેબલ પર તેની ગન હતી અને ચહેરા પર ક્રૂર સ્માઇલ હતું.

‘માની ગયો બચુભાઈ, ફાઇટ માસ્ટરની રિયલ લાઇફની ઍક્શન જોઈને હું ઇમ્પ્રેસ થયો... વાહ... પણ...’

‘સિંઘાનિયા, ગેમ પૂરી.’ પાયલે પેલી ૧૦૦ની નોટ કાઢીને હવામાં લહેરાવી, ‘આ નોટ તને ક્યારેય નહીં મળે. સાવંતસાહેબની ફૅમિલી સેફ છે, ઍન્થની અમારા કબજામાં છે, પૈસા પણ અમારી પાસે. કાલે સવારે બધી વાત મીડિયામાં...’

હાહાહા...

અટ્ટહાસ્ય કરતાં સિંઘાનિયાએ દીવાલ પર રહેલી LED તરફ ઇશારો કર્યો.

સ્ક્રીન પર રસિકભાઈના ઘરનો દરવાજો દેખાતો હતો, જ્યાં જ્યોતિબહેનને રાખવામાં આવ્યાં હતાં. દરવાજાની બહાર બે શૂટર્સ ઊભા હતા.

‘બચુભાઈ, તમે ઍક્શન માસ્ટર તો હું સ્ક્રિપ્ટરાઇટર...’ સિંઘાનિયાએ ફોન હાથમાં લીધો, ‘જો તારી છોકરી ૧૦૦ની નોટ મને નહીં આપે, જો તમે બન્ને જાતે અહીંથી કૂદીને આત્મહત્યા નહીં કરો... તો જ્યોતિ સીધી ઉપર...’

કૅબિનમાં સન્નાટો પ્રસરી ગયો. સિંઘાનિયાના ફેસ પર કનિંગ સ્માઇલ હતું. બચુભાઈએ પાયલ સામે જોયું અને પછી તેમણે ઊંડો શ્વાસ લીધો.

‘સિંઘાનિયા, હવે જો...’

સિંઘાનિયાએ LED પર નજર કરી અને એ જ વખતે સ્ક્રીન પર દેખાતા લાઇવ વિડિયોમાં ધડાકો થયો અને ઇન્સ્પેક્ટર સાવંત પોલીસફોર્સ સાથે એન્ટર થયા. સિંઘાનિયાના બન્ને શૂટર્સ જમીનદોસ્ત થઈ ગયા હતા.

સિંઘાનિયાની આંખો ફાટી ગઈ. તેણે બચુભાઈ સામે જોયું કે તરત બચુભાઈ બોલ્યા : ‘જોતો રહે સિંઘાનિયા...  જ્યોતિનો વાળ પણ વાંકો નથી થવાનો, અંદર પણ ટાસ્ક ફોર્સ ગોઠવાયેલી છે.’

સિંઘાનિયાની આંખોમાં ગભરાટ હતો તો બચુભાઈની આંખોમાં સિંહ જેવી ક્રૂરતા હતી.

‘સિંઘાનિયા, ફિલ્મમાં જે દેખાય એ સાચું નથી હોતું અને રિયલ લાઇફમાં જે દેખાતું નથી હોતું એનું પણ અસ્તિત્વ હોય છે. પાયલ...’ પાયલ આગળ આવી કે તરત બચુભાઈએ કહ્યું, ‘હવે વાર્તાને ‘ધી એન્ડ’ આપીએ...’

પાયલ કંઈ કરે એ પહેલાં સિંઘાનિયાએ ટેબલ પરથી રિવૉલ્વર ઉઠાવીને પાયલ તરફ તાકી અને બીજી જ સેકન્ડે પાયલે હાથમાં રહેલું પાંચ કિલોનું વજનિયું પૂરી તાકાતથી સિંઘાનિયાના હાથ તરફ ફેંક્યું. વજનિયું સિંઘાનિયાના કાંડા પર વાગ્યું અને રિવૉલ્વર હવામાં ઊછળીને દૂર પડી. જોકે સિંઘાનિયા પણ ગાંજ્યો જાય એવો નહોતો. તેણે તરત પોતાની કમરમાંથી આર્મીમાં વપરાતી સ્વિસ નાઇફ કાઢી અને બચુભાઈ તરફ હવામાં વીંઝી, જે બચુભાઈના જમણા ખભાને ચીરીને નીકળી ગઈ. લોહીની ધાર વહેવા લાગી, પણ બચુભાઈના મોઢામાંથી હરફસુધ્ધાં ન નીકળ્યો. બચુભાઈએ લોહીનીતરતા હાથે સિંઘાનિયાની ગરદન પકડી અને તેનું માથું ઇટાલિયન માર્બલના ટેબલ પર પછાડ્યું. ટેબલ પર પડેલા નકશાઓ લોહીથી રંગાઈ ગયા.

પાયલે સિંઘાનિયાને પાછળથી પકડવાનો પ્રયત્ન કર્યો, પણ સિંઘાનિયાએ તેને જોરદાર લાત મારીને દૂર ફેંકી દીધી. પાયલ કાચના ટુકડાઓ પર પડી અને તેના કપાળના ભાગમાં કાચ ઘૂસી ગયા.

‘પાયલ...’

બચુભાઈની અંદરનો બાપ જાગી ગયો. પોતાની આખી જિંદગીના અનુભવ અને શરીરની બધી તાકાત હાથમાં ભેગી કરીને બચુભાઈએ સિંઘાનિયાના ગળા પર પોતાની બન્ને હથેળીઓથી એવો વાર કર્યો કે સિંઘાનિયાનો શ્વાસ રૂંધાઈ ગયો. બચુભાઈએ તેનો નાઇફ પકડેલો હાથ મરડી નાખ્યો અને પછી સીધો સિંઘાનિયાને બારી તરફ ઑલમોસ્ટ ફેંક્યો.

ધડામ...

સિંઘાનિયા ટાવર્સના પચાસમા ફ્લોરની આદમકદ બારીનો કાચ તૂટ્યો અને સિંઘાનિયા અડધો બિલ્ડિંગની બહાર લટકી ગયો. નીચે હજારો ફુટ ઊંડો નરીમાન પૉઇન્ટનો રસ્તો અને અરબી સમુદ્ર અકબંધ હતા. બહાર ફેલાઈ ચૂકેલા વાવાઝોડાનો પવન ઘૂઘવાટા મારતો કૅબિનમાં દાખલ થતો હતો.

સિંઘાનિયા લોહીલુહાણ હતો. તેણે એક હાથે બારસાખ પકડી હતી તો તેનો જમણો હાથ બચુભાઈએ પકડી રાખ્યો હતો. થોડી વાર પહેલાં સિંઘાનિયાની આંખોમાં અહંકાર હતો, પણ હવે એની જગ્યાએ મોતનો ભય સ્પષ્ટ દેખાવા માંડ્યો હતો.

‘બચુભાઈ... પ્લીઝ, મને બચાવી લો...’ સિંઘાનિયાનો અવાજ ધ્રૂજતો હતો, ‘હું... હું તમે માગો એ આપીશ. આ... આ હજાર કરોડ પણ તમારા... મારો માઇનિંગ પ્રોજેક્ટ બંધ કરી દઈશ... માથેરાનમાં હું કંઈ નહીં કરું... પ્લીઝ, મને બચાવી લો...’

પાયલ લંગડાતા પગે ઊભી થઈને બચુભાઈની નજીક આવી. તેના હાથમાં હજી પણ એ ૧૦૦ની નોટ હતી. તેણે સિંઘાનિયા સામે જોયું.

‘સિંઘાનિયા, જીવન આપવાનું કામ મારું નહીં, એ તો ઉપરવાળાનું કામ...’

બચુભાઈની આંખોમાં કોઈ વેર નહોતું, માત્ર શાંતિ હતી.

‘ફિલ્મમાં વિલન જ્યારે હીરોનો હાથ પકડીને ભીખ માગે ત્યારે હીરો તેને બચાવી લે, પણ આ રિયલ લાઇફ છે અને રિયલ લાઇફમાં એક જ જવાબ હોય...’ બચુભાઈએ પાયલની સામે જોયું, ‘તારા કારણે તારા ગુંડાઓએ મારી દીકરી પર હાથ ઉપાડ્યો. જો મારી દીકરીને કંઈ થાય તો હું... હું તને કોઈ હેલ્પ ન કરું. સૉરી... અને... ગુડ બાય...’

બચુભાઈએ ધીમેથી પોતાનો હાથ છોડી દીધો.

‘નાઆઆઆ...’

સિંઘાનિયાની લાંબી ચીસ વાવાઝોડાના અવાજમાં વિલીન થઈ ગઈ. તે પચાસમા ફ્લોરથી સીધો નીચે ખાબક્યો. તેનો અહંકાર, ૭૦૦૦ કરોડનો પ્રોજેક્ટ અને તેનું પાપી સપનું એક ક્ષણમાં પૂરાં થઈ ગયાં.

lll

બચુભાઈના ફ્લૅટના ડાઇનિંગ ટેબલ પર ગરમ ચા અને થેપલાં પડ્યાં હતાં. બચુભાઈના જમણા ખભા પર સફેદ પાટો હતો અને ચહેરા પર હળવું સ્મિત.

‘બચુભાઈ, આ ગુંદ પાક ખાઓ, ઘા જલદી ભરાશે...’

જ્યોતિબહેન કિચનમાંથી ગરમાગરમ ગુંદપાકની થાળી લઈને બહાર આવ્યાં અને ટેબલ પર થાળી મૂકી.

‘બેટા, તું પણ થોડું ખાઈ લે... જલદી રાહત થશે.’ લૅપટૉપ પર કામ કરતી પાયલ પાસે આવતાં જ્યોતિબહેને કહ્યું, ‘મારી દીકરીના મોઢા પર જ કાચ વાગ્યા... ભગવાન કરે એનો ડાઘ રહી ન જાય...’

‘અરે ભાભી... તમે ડાઘની શું ચિંતા કરો છો?’ સોફા પર પેપર વાંચતા રસિકભાઈએ પેપર ટિપાઈ પર મૂક્યું, ‘હવે તો દુબઈ જવાનું છે. ત્યાં જઈને તમે કહો એવી ટ્રીટમેન્ટ કરાવી દઈશું. કહેશો તો પાયલની પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી લઈશું... હેંને પાયલ.’

‘ના કાકા...’ પાયલે લૅપટૉપ બંધ કર્યું, ‘એ પૈસા હરામના છે અને હરામની કમાણી આ ઘરમાં લાવવાની મનાઈ છે. બરાબરને બચુભાઈ?’

બચુભાઈના ફેસ પર સ્માઇલ આવ્યું.

‘પાયલ, આ પૈસા વડા પ્રધાન રાહત ફન્ડમાં જમા કરાવવા જોઈએ.’ ગુંદપાકનું નાનું ચોસલું મોંમાં ઓરતાં બચુભાઈએ કહ્યું, ‘દેશ માટે કામ લાગશે અને ગરીબોને મદદ મળશે.’

‘હું તો કહીશ કે તમારે આ ફન્ડનો ઉપયોગ માથેરાનને ડેવલપ કરવામાં જ કરવો જોઈએ...’ ઘરમાં દાખલ થતાં ઇન્સ્પેક્ટર સાવંતે કહ્યું, ‘એ આદિવાસીઓના જીવનમાં નવો પ્રકાશ આવે, એ લોકોનું જીવન સુધરે અને એ લોકોને ન્યાય મળે એનો આ બેસ્ટ રસ્તો છે.’

બચુભાઈ ઊભા થઈને ઇન્સ્પેક્ટર સાવંત પાસે આવ્યા.

‘સારા વિચારને સ્વીકારવો જોઈએ...’ બચુભાઈએ શર્ટના ઉપરના ખિસ્સામાંથી ૧૦૦ની નોટ કાઢીને સાવંતના ખિસ્સામાં મૂકી, ‘વિચાર તમારો તો મૂડી પણ તમારી. હવે આગળ કેવી રીતે આખી વાતને અમલમાં મૂકવી એ તમે નક્કી કરજો.’

lll

‘બચુભાઈ, એ પૈસામાંથી આપણે એક કાર ન લઈ શકીએ?’

બચુભાઈ અને પાયલના ચહેરા પર ફરી સ્માઇલ આવી ગયું. આ એક જ વાત છેલ્લા અડધા કલાકમાં જ્યોતિએ ત્રીજી વાર કહી હતી. બાપ-દીકરી પોતાની ખિલ્લી ઉડાડે છે એ પારખી ગયા પછી જ્યોતિથી કહેવાઈ ગયું...

‘પાર્થ વખતે તમારી પેલી ફીઆટ ગઈ એટલે મને થયું કે દીકરો ગાડી લઈને ઉપર ગયો તો દીકરી તમને ગાડી તો લઈ આપે...’ જ્યોતિની આંખમાં આંસુ હતાં, ‘એટલે મારાથી કહેવાઈ ગયું...’

‘મમ્મી, તું ટેન્શન ન કર... બચુભાઈ અને તને ગાડીમાં બેસાડવાની જવાબદારી મારી.’ પાયલ મમ્મીની નજીક આવી, ‘પહેલાં મને એ કહે કે તું અને બચુભાઈ એકબીજાને ‘તમે’ કેમ કહો છો? તમારી લવસ્ટોરી તમે ક્યારેય નથી કહી. આજે મને કહે...’

‘ફરી ક્યારેક પાયલ...’

બચુભાઈ અને જ્યોતિ બન્ને ઊભાં થઈ ગયાં અને રૂમમાંથી બહાર જઈ રહેલાં બન્નેને પાયલ જોતી રહી.

 

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2026 12:22 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK