બનારસમાં રાજની હત્યાની સજા ભોગવતો અમૃત વર્ષો પછી આનંદ બનીને જીવન જીવે છે. વડોદરાની સ્કૂલનો વિજ્ઞાનમેળો તેના ભૂતકાળને ફરી સામે લાવે છે. લાવણ્યાને આનંદની તસવીર જોઈને શંકા જાય છે કે તે ભાગેડુ કેદી છે.
ઇલસ્ટ્રેશન
સમય : ૧૯૯૯.
સ્થળ : બનારસ.
‘તારી આ મજાલ.’
દારૂના નશામાં રાજશેખરે વિના વાંકે અમૃતને ધિબેડી નાખ્યો. સુરીલીના જન્મને બે મહિના થયા હતા અને દીકરીના પગલે રાજની મતિ ભ્રષ્ટ થઈ હોય એમ હદ બહાર નશો કરતો, કારણ વિના મારઝૂડ કરતો.
આજે માર સાથે માસમાણી ગાળો પડતાં અમૃતે નક્કી કરી લીધું : હવે અહીંનાં અંજળપાણી પૂરાં થયાં; હવે નોકરી નહીં, આ શહેર જ છોડી દેવું છે!
બિસ્તરો બાંધ્યો ત્યારે સૂઝ્યું : સાવિત્રીબહેનને મળ્યા-પૂછ્યા વિના તો જવાય જ કેમ!
સાવિત્રીની રજા લેવા અમૃતે રાજના ઘર તરફ કદમ ઉપાડ્યાં ત્યારે આભમાં અંધારું જામ્યું હતું અને કુદરત જુદો જ ચક્રવ્યૂહ ઘડી રહી હતી.
lll
સાવિત્રીને ગૂંગળામણ થઈ, શ્વાસ રૂંધાતો લાગ્યો અને તેની ઊંઘ ઊડી ગઈ. આંખો ઊઘડી તો ફાટી જવાની હદે પહોળી થઈ : રા...જ! તમે આ શું કરો છો!
પત્નીની છાતી પર ચડીને તેના મોં પર તકિયો દબાવતા રાજના મગજ પર શયતાન સવાર હતો, ‘પહેલાં તને અને પછી તારી દીકરીને મારી જિંદગીમાંથી વિદા કરું છું...’ ગાળ દેતાં તેણે જોર વધાર્યું, ‘પથરો જણીને તેં મારો વંશવેલો અટકાવી દીધો, ફરી મા નહીં બની શકનારી તું મારા કોઈ કામની ન રહી! તમને મા-દીકરીને મારી ગંગાને હવાલે કરી દેવાનો. હું ફરી પરણીશ, મારો વંશવેલો...
સાવિત્રીનો જીવ ચૂંથાતો હતો. આંખે અંધારાં આવતાં હતાં. શ્વાસ ડૂબતો હતો. નહીં, મને મરવાનો વાંધો નથી, પણ મારી સુરીલી... મારી લાડલીએ તો દુનિયા હજી જોઈ નથી. નહીં, તેને આમ અકાળે તેના બાપના હાથે તો મરવા નહીં જ દઉં.
માતૃત્વે જોર કર્યું અને હાથ ફંફોસતી સાવિત્રીના હાથમાં પલંગની બાજુના ટેબલ પર પડેલી કાચની ફૂલદાની આવી. આંચકાભેર એને તોડીને સાવિત્રીએ ચીંધરા ગ્લાસનો ઘસરકો રાજની ગરદને કર્યો : ખચાક.
વળતા હુમલા માટે રાજ તૈયાર નહોતો. ખરેખર તો ઘા ધોરી નસ પર થતાં લોહીનો ફુવારો ઊડ્યો અને થોડી મિનિટોમાં બીજાને સ્વધામ
પહોંચાડવાનો ઇરાદો સેવનારાએ તરફડીને ડોક ઢાળી દીધી.
ખૂ...ન!
હાંફતા શ્વાસે સાવિત્રીએ ઘોડિયામાં સૂતી સુરીલીને ઊંચકી છાતીએ વળગાડી : મારા હાથે તારા પિતાનું છત્ર ગયું દીકરી, એની સજામાં મને ફાંસી થશે તો તારું શું થશે.
‘તમને ફાંસી નહીં થાય બહેન...’
ઉંબરેથી આવેલા અવાજે સાવિત્રીને હેબતાવી દીધી. જોયું તો અમૃત.
‘ભાઈ, તું નથી જાણતો...’
‘મેં બધું જોયું, સાંભળ્યું...’
સાવિત્રીએ ત્યારે જાણ્યું કે મારી રજા લેવા વરંડાના રસ્તે ઘરમાં ઘૂસેલો અમૃત રાજનું રાવણરૂપ જોઈને બઘવાયો, મદદે દોડી આવવાનો ઝબકારો તેને સચેત કરે ત્યાં તો પોતે કાચ હુલાવી દીધો...
‘તમને હું મોટાં બહેન માનું છું, તમે મને ભાઈ માનતાં હો તો મારી ફરજ આડે આવશો નહીં.’
ફરજ! તું કરવા શું માગે છે?
‘પોલીસને એટલું જ કહેવા માગું છું બહેન કે...’ અમૃતે હળવેથી સાવિત્રીએ ફેંકેલો કાચ ઉઠાવી લીધો, ‘રાજને તમે નહીં, મેં માર્યો છે.’
સાવિત્રી બહુ મથી : તારે આગળ-પાછળ કોઈ નથી એટલે ભરજુવાનીમાં ફાંસીએ ચડી જવાનું એવું ઓછું. અને કોને ખાતર? બહેન તરીકે મેં તારાં કયાં દુખડાં લીધાં કે તારો આ ઉપકાર માથે ચડાવું. તારે તારી આ બહેન માટે કંઈ કરવું જ હોય તો મારી દીકરીનાં રખોપાં કરવાનું વચન આપ એટલે હું હસતા મોંએ ફાંસીએ ચડી જાઉં.
પણ અમૃત ન માન્યો : તમે તો માલિકથી છાનાં મારાં ને મારી માનાં બહુ રખોપાં કર્યાં... હવે થોડું મને કરવા દો, તમને તમારી દીકરીના સમ!
પછી સાવિત્રી શું બોલે?
lll
ઘરનોકરે કરી માલિકની હત્યા!
બનારસનો કિસ્સો બહુ ગાજ્યો. ગુનાનું કારણ, ગુનેગારની કબૂલાત અને હત્યાના હથિયાર પર તેની ફિંગરપ્રિન્ટ્સના પુરાવાને કારણે ઓપન ઍન્ડ શટ કેસ હતો. કોર્ટે ચુકાદો પણ આપી દીધો : ફાંસીને બદલે આજીવન કારાવાસ.
ચુકાદો સાંભળીને કોર્ટમાં હાજર સાવિત્રી ધ્રુસકાભેર રડી પડેલી એમાં અમૃતના બલિદાનને પોંખવાનો ભાવ હતો એ અમૃત સિવાય કોઈને સમજાય એમ નહોતું.
lll
સમય : વર્તમાન.
સ્થળ : વડોદરા.
‘ઑલ ધ બેસ્ટ.’
૪ વિદ્યાર્થી, બે શિક્ષકો અને વિજ્ઞાનમેળાના સામાન સાથે વડોદરાની સ્કૂલમાંથી ટેમ્પો ટ્રાવેલર ઊપડી.
કારે હાઇવે પકડતાં માધુરી-જ્વલંત હળવેથી એકબીજા પાસે ગોઠવાઈ ગયાં એ જોઈને કોઈને નવાઈ લાગી ન હોત.
જ્વલંત ગણતરીબાજ હતો. પહેલાં તેને સાયન્સ ટીચર માધુરીમાં ફાયદો જણાયો : તેનાં ટ્યુશન પણ જોરમાં ચાલે છે, અમે બન્ને મળી ઘણું કમાઈશું.
પરિણામે તે માધુરી સાથે હળવા-ભળવાની તક શોધતો. માધુરીને પણ તે ગમવા લાગ્યો, પણ વાત ઘર સુધી પહોંચે એ પહેલાં લાવણ્યાનો પ્રવેશ થયો.
માધુરી કરતાં વધુ રૂપાળી, વધુ શ્રીમંત લાવણ્યા જ મારા માટે બેટર રહેને!
જ્વલંતનું સ્વાર્થ લોલક લાવણ્યા તરફ ઢળ્યું. માધુરીને એ પરખાતું, તે લાવણ્યા તરફ કતરાતી.
‘તું મને મૂકીને લાવણ્યા પાસે જઈ જ કેમ શકે?’ એક વાર જ્વલંતનો એકાંતમાં મળીને કૉલર પકડતાં તેણે નફ્ફટાઈથી કહી દીધેલું : તને મારાથી રૂપાળો, શ્રીમંત પુરુષ મળતો હોય તો તુંય ગોતી લેને; આપણી સગાઈ ક્યા થઈ છે?
બહુ વસમું લાગેલું. સ્ટાફની નજર ભોંકાતી॥ નોકરી છોડવાનું મન મનાવ્યું ત્યાં લાવણ્યાની માનું અવસાન થયું, તેણે નોકરી બદલી. લાવણ્યાના ગયા બાદ જ્વલંત પાછો તેને ભાવ આપતો થયો એટલે અહં સંતોષાયો : મારા સિવાય તને કોઈ સંઘરે એમ નથી એનું ભાન થયુંને!
તેનાં મહેણાં ગરજવશ જ્વલંતે ખમી ખાધાં. નવું સેટિંગ પાડવા કરતાં જૂનામાં જ નવેસરથી ગોઠવાઈ જવામાં મજા હતી.
‘પણ એ તો કહે કે લાવણ્યાએ તને છોડ્યો કેમ?’ માધુરીને આનું કુતૂહલ રહેતું.
લાવણ્યા કરોડોની વારસદાર નથી રહી એ જાણીને પોતે છેડો ફાડ્યો એવું કહેવામાં પોતે સ્વાર્થી ઠરી જાય એટલે જ્વલંત છાશિયું કરતો, ‘તે શું મને છોડતી હતી - મેં તેને હાલતી કરી. લફરેબાજ હતી, PhDના પરણેલા ગાઇડ સાથે તેનું લફરું હતું એ મને ખબર પડતાં જ તેને છોડીે હું તારી પાસે આવી ગયો.’
જ્વલંત શરણે આવતો હોય તો લાવણ્યાને લફરેબાજ માની લેવામાં પણ માધુરીને કોઈ વાંધો નહોતો.
આમાં હવે વિજ્ઞાનમેળા નિમિત્તે લાવણ્યાની જ સ્કૂલમાં જવાનું થશે એની બેઉને જાણ હતી. જ્વલંતને સાથે થવા માધુરીએ જ પિન મારી હતી. ખરેખર તો તેણે લાવણ્યાને બતાવી દેવું હતું - જો, જ્વલંત આખરે મારી પાસે જ આવ્યોને.
જવાનું નક્કી થયા પછી જ્વલંતમાં જુદું ઝનૂન વ્યાપ્યું હતું. લાવણ્યા સાથેની કમાટીબાગ સામેની છેલ્લી મુલાકાત સાંભરી જતી. લાવણ્યાના અસ્તિત્વની સચ્ચાઈ જાણ્યા પછી, તે કરોડોની વારસદાર નથી રહી એ સમજ્યા પછી પોતે ત્યાં જ કહી દીધેલું : તારામાં મને આકર્ષતાં તત્ત્વો જ ન રહ્યાં પછી પ્રેમ કેમ રહે!
લાવણ્યા હસેલી : મને ખાતરી હતી જ્વલંત કે તારો પ્રેમ મારા પૈસાના ટેકે ઊભો છે. ટેકો ખસ્યો કે તારો કહેવાતો પ્યાર કડડડભૂસ!
શબ્દોથી જાણે તેણે પોતાનું વસ્ત્રહરણ કર્યું હોય એવું વસમું લાગેલું. આની ભનક માધુરીને તો અપાય નહીં, પણ નંદીગ્રામમાં તક મળી તો લાવણ્યાને તમાચો મારવા જેવું કંઈક કરી દેખાડવું છે.
આખરે તેના ભૂતકાળનો એક ખંડ મારા સિવાય ત્યાં તો કોણ જાણતું હશે.
અને જ્વલંતના ચહેરા પર ખંધાઈ ફરી વળી.
lll
‘ભલે પધારો. આપ સર્વનું સ્વાગત છે.’
મંગળની સાંજથી મેળામાં ભાગ લેનારી સ્કૂલોના પ્રતિનિધિઓ પધારી રહ્યા છે. સૌને વેલકમ કરીને રૂમમાં થાળે પાડવાની જવાબદારી લાવણ્યાના શિરે છે. અનુરાગે રસોડાની ડ્યુટી સંભાળી છે. આનંદ-વસુધા મેળા માટેના મંડપનું નિરિક્ષણ કરી રહ્યાં છે.
અને વડોદરાની બસમાંથી
જ્વલંત-માધુરીને ઊતરતાં જોઈને લાવણ્યાની રેખા ફરકી નહીં. જે-તે સ્કૂલ તરફથી મહેમાનોની વિગત આગોતરી આવી ગયેલી એટલે તેમના આગમનની જાણ હતી જ. જ્વલંતે માધુરીને ફરી પટાવી લીધી હશે એ ધારણા પણ સાચી પડતી લાગી.
લાવણ્યા જાણે ઓળખતી ન હોય એમ વર્તી એ જ્વલંત-માધુરીને ચચર્યું પણ ખરું.
‘અહીં કોઈના બળવાની ગંધ નથી આવતી?’
ડિનર વખતે માધુરીથી રહેવાયું નહીં. કાઉન્ટર પર ઊભેલી લાવણ્યાને જોઈને હોઠ વંકાવ્યા, ‘કોઈ આપણને જોઈને જલી રહ્યું છે જ્વલંત.’
લાવણ્યાએ જ્વલંત-માધુરીથી અલિપ્ત રહેવાનું વિચારેલું, પણ તેમને મારા મોંની સાંભળવી જ છે તો ભલે.
લાવણ્યાએ નજીક ઊભેલા અનુરાગ તરફ જોયું, ‘કેટલાક નાદાનોને હસવા-જલવાનો ભેદ જ માલૂમ નથી હોતો અને આવાના નસીબમાં પણ કાંચિડો જ લખાયો હોય છે.’
અનુરાગથી કશું છૂપું નહોતું. તેનાથી હસી જવાયું. માધુરી સમસમી ગઈ, જ્વલંતે દાંત પીસ્યા : લાવણ્યા અહીં આવીને જૂનાં દુખ ભૂલી ગઈ હોય એવું લાગે છે. આ અનુરાગ જોડે પ્રણયબદ્ધ હોય એ તો બેઉની કેમિસ્ટ્રી જોઈને કોઈ પણ કહી શકે. અમારા આગમન છતાં લાવણ્યા આટલી કૉન્ફિડન્ટ છે એનો અર્થ એ કે પોતાનાં સત્યો તેણે અનુરાગને કહ્યાં જ હોય.
પોતાના ભાથામાંથી મહામૂલું તીર છીનવાયું હોય એવો વસવસો થયો, પણ એથી હાર માને એ બીજા. અહીં ૩ દિવસનું રોકાણ છે, એમાં લાવણ્યાને પરાસ્ત કરવાનો કોઈ મોકો તો હું
ઝડપી લેવાનો.
lll
આનંદ રૂમના ઝરૂખેથી આભમાં તારાની બિછાત નિહાળી રહ્યો.
‘ઊંઘ નથી આવતી?’ વસુધા પતિના પડખે ઊભી રહી, ‘મેળાનું ઉદ્ઘાટન પાર પડ્યું, બે દિવસ વહી ગયા. હવે કાલનો સમાપન સમારંભ પણ સુખેથી જ પાર પડવાનો... ચિંતા શું કામ કરો છો.’
‘મને એની ચિંતા નથી વસુ...’ આનંદે સાદ ખંખેર્યો, ‘વરસોથી ભીતર દબાવેલું કંઈક સપાટી પર આવવા મથે છે એનો મૂંઝારો છે.’
વસુધાએ હળવેથી પતિનો ખભો પસવાર્યો, ‘જાણું છું. એ સત્ય તમે સીધું લાવણ્યાને જ કહી કેમ નથી દેતા?’
હેં! આનંદ આંચકો છુપાવી ન શક્યો : વસુ, તું જાણે છે! તું જાણે છે કે હું ખૂનની સજામાં જન્મટીપ પામેલો ભાગેડુ કેદી છું?’
‘હું સત્ય જાણું છું આનંદ.’ વસુધાના રણકા ભેગો તેમનો ચાંદલો ઝળહળી ઊઠ્યો.
આનંદ પત્નીના અદ્ભુત રૂપને નિહાળી રહ્યો.
lll
ત્યારે સ્કૂલના પ્રાંગણમાં હજી ચહલપહલ છે. સૂવાનું કોઈને મન ન હોય એમ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ પોતપોતાના ગ્રુપમાં ટોળટપ્પા કરી રહ્યા છે.
‘વાઉ અનુરાગ, જુઓ તો. ૧૯૮૦ના સમયવનમાં તમે એકદમ હીમૅન ધર્મેન્દ્ર જેવા હૅન્ડસમ દેખાઓ છો.’
આજકાલ AIની મદદથી ૧૯૮૦ની સ્ટાઇલમાં ફોટો લેવાનો ક્રેઝ પિક પર છે. છોકરાઓ ભેગાં અનુરાગ-લાવણ્યા આની મઝા માણતાં હતાં કે લાવણ્યાને સૂઝ્યું : આપણે આનંદમામા- વસુમામીને તેમનો આવો એક ફોટો ગિફ્ટ કરીએ તો?
બન્નેના રીસન્ટ ફોટો તો મોબાઇલમાં હતા જ.
થોડી મિનિટોમાં આનું પરિણામ પણ આવી ગયું.
ના, કોઈ હીરો-હિરોઇન જેવાં તો નહીં, પણ...
‘આનંદમામાને તો મેં ક્યાંક બહુ જોયા છે... આ જ આંખ... આવાં જડબાં...’
અને લાવણ્યા સટાક કરતી ઊભી થઈ ગઈ, અનુરાગનો હાથ પકડીને ખેંચ્યો : જરા આવો તો!
તે અનુરાગને સ્કૂલના મકાન ભણી તાણી ગઈ ત્યારે ધ્યાન બહાર રહ્યું કે તેમના પર નજર નાખનારો જ્વલંત પણ દબાતે પગલે પાછળ આવી રહ્યો છે!
lll
‘શું થયું લાવણ્યા?’
‘આ ફોટો... અનુરાગ... આનંદસર! આનંદમામા!’ લાવણ્યા હાંફી રહી, ‘તમને પેલું ન્યુઝ-કટિંગ યાદ છે - પરોલ પરથી છટકેલા કેદીનું? મેળો પતે એટલે આપણે તેની શોધ માંડવાનાં હતાં? ઝેરોક્સમાં કદાચ ફોટો સ્પષ્ટ નહોતો, પણ ઓરિજિનલમાં ક્લિયર હતો - અને એ આનંદસરની આ છબિને એકદમ મળતો આવે છે!
હેં! અનુરાગ ચોંક્યો. એટલો જ રૂમની બહાર ઊભેલો જ્વલંત ચમક્યો : અહીંનો પ્રિન્સિપાલ ભાગેડુ કેદી?
નાઓ ધિસ ઇઝ સમથિંગ.
(ક્રમશઃ)
