પંચાવન કિલોની એન્જલ કેવી રીતે એંસી કિલોનું કસાયેલું શરીર ખેંચી શકવાની હતી? એન્જલે તમારી સામે જોયું અને ચહેરો નમાયો કર્યો.
ઇલસ્ટ્રેશન
મુંબઈના સી-લિન્ક પર પૂરપાટ ઝડપે દોડતી કારની બારીમાંથી બહાર જોતાં એન્જલને લાગતું હતું કે રસ્તા પરની લાઇટો નહીં પણ તેની જિંદગી પસાર થઈ રહી છે. બાજુમાં આર્યન બેઠો હતો. સફળ, સંસ્કારી અને ઉમદા આર્યન. એન્ગેજમેન્ટ પછીની આ પહેલી ઑફિશ્યલ ડિનર-ડેટ હતી અને એ પછી પણ આર્યનની વાતોમાં ક્યાંય રોમૅન્સ નહોતો. તે વાતો કરતો હતો પણ તેની વાતોમાં ક્યાંય પર્સનલ ચર્ચા નહોતી. એકધારું તે બિઝનેસ વિશે, નવા પ્રોજેક્ટ વિશે કહેતો જતો હતો.
સામાન્ય રીતે આ એ સમય હોય છે જેમાં વુડ-બી કપલ બન્ને પોતાના ભવિષ્યની વાત કરે પણ ના, આર્યનના હોઠ પર હજી સુધી એક વખત પણ એ પ્રકારની વાત નહોતી આવી. એન્જલના કાન આર્યનની વાત પર હતા પણ તેના મનમાં હજી પણ તમે જ પ્રસરેલા હતા. મુંબઈની સડક પર ફરી એક વાર વરસાદે આગમન કર્યું અને એ આગમન સાથે જ તમે ઑલમોસ્ટ ઉત્સાહ સાથે કહી દીધું.
ADVERTISEMENT
‘ગાડી રોક આર્યન...’
‘અરે આપણે સી-લિન્ક પર છીએ એન્જલ...’
‘અરે વરસાદ જતો રહેશે.’
આર્યને કોઈ પણ જાતની દલીલ વિના સીધું જ કહી દીધું.
‘બસ એક મિનિટ... હમણાં ઊભી રખાવું...’
સી-લિન્ક પૂરો થયો કે તરત જ આર્યનને ડ્રાઇવરને ઇશારાથી ગાડી રોકવા માટે કહ્યું અને ગાડી સાઇડ પર પાર્ક થઈ.
ઉત્સાહ સાથે એન્જલ કારની બહાર નીકળી.
વરસતા વરસાદે તેને ભીંજવવાનું શરૂ કરી દીધું.
‘દેડકી...’
અવાજની દિશામાં અચાનક જ એન્જલનું ધ્યાન ગયું, પણ નિરાશા. અવાજ તમારો હતો, પણ તેની સામે આર્યન હતો. આર્યનના ફેસ પર સ્માઇલ હતું.
lll
‘આવ ને...’
પાંચ વર્ષ પહેલાંની એ સાંજ હતી.
વરસાદ આવવાનો શરૂ થયો કે તરત તમે દોડતા પારસી ડેરીની નીચે ઊભા રહી ગયા અને એનાથી વિપરીત, એન્જલ ભાગતી વરસાદ નીચે પહોંચી ગઈ હતી.
‘આવ, મજા આવશે.’
તમે દૂરથી જ તેને ના પાડી અને વરસાદમાં પલળતી એન્જલ દોડતી તમારી પાસે આવી.
‘આવ, આપણને સાથે ભીંજાવાનો મોકો ક્યારે મળશે?’ એન્જલે તમારો હાથ ખેંચ્યો, ‘આવ.’
તમારો નકાર અકબંધ હતો.
‘વાઓ...’ એન્જલની આંખો પહોળી થઈ હતી, ‘તેં લખી?’
‘તેં રમેશ પારેખનું નામ સાંભળ્યું છે?’ નીચેનો હોઠ બહાર કાઢતાં એન્જલને ના પાડી અને તમે કહ્યું, ‘તો મેં લખી છે.’
એન્જલ મજાક પારખી ગઈ.
‘આવી મસ્તી કરવાની... હવે તો તારે શાવર લેવા આવવું પડશે... કમ ફાસ્ટ.’
એન્જલે તમને ખેંચ્યા પણ તમે રતીભાર પણ આગળ વધ્યા નહીં.
પંચાવન કિલોની એન્જલ કેવી રીતે એંસી કિલોનું કસાયેલું શરીર ખેંચી શકવાની હતી? એન્જલે તમારી સામે જોયું અને ચહેરો નમાયો કર્યો.
‘પ્લીઝ, મારા માટે...’ એન્જલના ચહેરા પર વરસાદનાં પાણીનાં ટીપાં હવે પ્રસરી ગયાં હતાં, ‘આજે તો નાહી લે...’
‘એન્જલ.’
તમારો અવાજ મોટો થયો અને એ જ સમયે વીજળીનો કડાકો આકાશને ધ્રુજાવી ગયો. ડરીને એન્જલ તમને વળગી પડી.
‘તારો સ્પર્શ મારો બધી અશુદ્ધિ શોષી લેશે.’
‘સાચે?’
‘હા, એટલે જ તો મેં નક્કી કર્યું છે.’ તમે એન્જલનો ચહેરો તમારી તરફ કર્યો, ‘આપણે સાથે હોઈએ પછી નો શાવર, સેવ ધ વૉટર.’
‘મીન્સ, રોજ મને હગ કરીને ઑફિસ જતો રહીશ, શાવર નહીં લે?’
‘ના, સાથે શાવર લેશું...’
એન્જલ સહેજ શરમાઈ. શરમના એ વાતાવરણમાં રોમૅન્સ ભરવાનું કામ એ સમયે પસાર થયેલી ટૅક્સીમાં વાગતા ‘સંગ રહિયો...’ ગીતના શબ્દોએ કર્યું.
બાવરે કુછ ખયાલોં મેં,
બચકાને સે સવાલોં મેં
સંગ રહિયો, સંગ રહિયો...
સમઝે ના દુનિયા,
તૂ તો મુઝકો સમઝિયો...
દિલ નાસમઝ હૈ,
દિલ કો કુછ ના કહિયો...
lll
આ સૉન્ગ તમે લખ્યું હતું. લખાયેલું સૉન્ગ તમે સૌથી પહેલાં એન્જલને મોકલ્યું અને તેનો રિવ્યુ માગ્યો.
‘હેય, વાંચીને જલદી કહે... કેવું લખાયું છે?’
‘મને આમાં શું ખબર પડે?’ એન્જલનો રિપ્લાય હતો, ‘તેં લખ્યું તો સારું જ છે.’
‘પ્લીઝ, નીડ યૉર ઓપિનિયન.’
‘તું સંભળાવી શકીશ?’ એન્જલનો ફરી જવાબ આવ્યો, ‘શું છે ફીલ સાથે સાંભળીશ તો સાચો ઓપિનિયન મળશે.’
‘તું ઘરે છે.’
‘નો ઇશ્યુ. હું કંઈ બોલીશ નહીં.’ વૉટ્સઍપ પરથી ગુમ થતાં પહેલાં એન્જલે કહ્યું, ‘કૉલ નાઓ, બાય.’
તમે બીજી જ સેકન્ડે તેને ફોન કર્યો હતો.
lll
એન્જલની આંખમાં આંસુ આવી ગયાં. થૅન્ક ગૉડ, વરસતા વરસાદે આંખમાં નીકળેલાં એ આંસુને સાચવી રાખવાનું કામ કરી લીધું. એન્જલ ફરીથી કારમાં ગોઠવાઈ ગઈ પણ તેના કાનમાં અત્યારે પણ એ શબ્દો ગુંજતા હતા.
નૈનોં મેં પૈગામ જિસ તરહ
મસ્જિદ મેં અજાન જિસ તરહ
સુબહ આને તક જલ રહે,
પલકોં મેં અરમાન જિસ તરહ
સંગ રહિયો, સંગ રહિયો
સમઝે ના દુનિયા,
તૂ તો મુઝકો સમઝિયો...
દિલ ના સમઝ હૈ,
દિલ કો કુછ ના કહિયો...
lll
‘આપશ્રી સૉન્ગ્સમાં જે ફીલિંગ્સ લાવ્યા છો એ કોના માટે છે?’
‘સાચું કહીશ તો તને ગમશે નહીં.’ તમે જવાબ આપ્યો હતો, ‘આપણો મહારાજ છેને, રાધે એને. શું છે તે વાતે-વાતે
જૉબ છોડીને જવાનું કહ્યા કરે છે ને
મને ડર છે કે તે છોડી દેશે તો હું હેરાન થઈ જઈશ.’
‘મહારાજને બદલે તું ધારે તો મહારાણી પણ રાખી શકે.’
‘આઇડિયા ખોટો નથી.’
તમે એન્જલની સામે જોયું, એન્જલ તમારા ચેસ્ટ-હેરથી રમતી હતી.
‘મહારાજને તો સૅલેરી પણ આપવાની. મહારાણી તો એ પણ
ન માગે...’
‘હા... એ બિચારી તો બીજો બેડ પણ નહીં માગે. આ જ બેડ પર.’ બેડ પર એક વેંત કરીને એન્જલે જગ્યા દેખાડી, ‘આટલી જ જગ્યામાં પડી રહેશે.’
‘હંમ... રાઇટ. પણ મારી એ ક્વીનનો એક પ્રૉબ્લેમ છે.’ તમે એન્જલનો ફેસ તમારી તરફ કર્યો, ‘તે મૅગ્નેટ છે. જેવો મને જુએ એવી તરત ચીપકી જાય છે.’
‘ઇડિયટ, હું નહીં ચીપકું તો બીજું કોણ ચીપકે?’ એન્જલે તકિયો ફેંક્યો, ‘તારે કોને ચીપકવા જવું છે?’
તમે ખડખડાટ હસી પડ્યા અને એ જ બન્યું.
ઊછળીને એન્જલ તમને ચીપકી ગઈ.
‘જોયું, છેને મૅગ્નેટ?’
‘ના... ગરોળી છું. તારી આખી બૉડી પર...’ આંગળી ફેરવતાં એન્જલે કહ્યું, ‘અહીં, અહીં, અહીં... બધે ફરીશ ને તું મને ઉખાડી પણ નહીં શકે.’
lll
તમે તેને ઉખાડી દીધી હતી.
તમારી લાઇફમાંથી, પણ એન્જલ એ નહોતી કરી શકી.
મુંબઈની એકેક જગ્યાએ તમારી અને એન્જલની યાદ હતી, જે સતત એન્જલમાં તમારું હોવાપણું અકબંધ રાખીને બેઠી હતી.
ગાડીનો દરવાજો ખૂલ્યો અને આર્યને કહ્યું, ‘એન્જલ...’
એન્જલ વિચારોમાંથી બહાર આવી. હોટેલ લીલા આવી ગઈ હતી.
‘તું વરસાદમાં પલળી છો તો આમ... ભીનાં કપડે...’
‘મને વાંધો નથી, જો તને શરમ ન આવતી હોય તો...’
‘અફકોર્સ નહીં... પ્લીઝ આવ...’
તમે કારની બહાર પગ મૂક્યો. તમને ખબર નહોતી કે જે ડિનર-ડેટ પર તે આવી છે એ ડિનર-ડેટ કેટલી મોટી સરપ્રાઇઝ સાથે તમારી રાહ જુએ છે.
lll
‘હાય...’
એન્જલ એક ટેબલ પાસે જઈને ઊભી રહી. વીસ મિનિટથી તેને અહીં આવવાનું મન હતું પણ આર્યનની હાજરીમાં તે આવવા નહોતી માગતી અને આર્યન ફ્રેશ થવા ગયો કે તરત એન્જલ એ ટેબલ પાસે આવી ગઈ.
‘આજે એકલી... તમારા સ્ટાર રાઇટર નથી આવ્યા?’
‘એ આવે છે.’ સોનિયાએ જવાબ આપ્યો, ‘ઑન ધ વે છે.’
‘ઍટ લીસ્ટ એવી અપેક્ષા રાખજે કે આજે ટ્રાફિક વચ્ચે તે મોડો આવે. ટુ-બી-ક્લિયર, હું અહીં હોઉં ત્યાં સુધી તે ન આવે. બાકી આજે તેને મારા હાથનો એક લાફો પડવાનો છે. અહીં, બધાની હાજરીમાં...’
‘એન્જલ, તું...’
‘ઓહ, તને મારું નામ પણ ખબર છે.’ એન્જલે દાંત ભીંસ્યા, ‘નૅચરલી, તેણે એકાદ સ્ટોરી કુક કરી લીધી હશે. હરામી. આજે મને અફસોસ છે કે
મને ગાળ નથી આવડતી, નહીં તો હું તેને ગાળ...’
‘એન્જલ...’
સોનિયા ટેબલ પરથી ઊભી
થઈ ગઈ, હવે તેનો ચહેરો પણ
લાલઘૂમ હતો.
‘ન ખબર હોય તો નહીં બોલ... પણ ઍટ લીસ્ટ યશને ગાળ નહીં દે.’
‘આપીશ, તું શું કરી લઈશ?’
‘હું પણ કંઈ નહીં કરી શકું ને એ પણ...’ સોનિયાની આંખો સહેજ ભીની થઈ, ‘લીવ ઇટ... બસ, એક રિક્વેસ્ટ કરું છું તને. તેને ખોટો નહીં સમજ અને હા, ક્લૅરિફાઇ પણ કરી દઉં, અમે બન્ને સાથે નથી.’
‘ઓહ ગૉડ! બહુ શૉર્ટ ટાઇમમાં તેણે તને છોડી દીધી.’ એન્જલ બોલી, ‘કાં તો હું સ્ટુપિડ હતી કે તેની સાથે આટલો લાંબો ટાઇમ રહી ને કાં તો એ ચુ...’
‘એન્જલ, તેણે તને છોડી નથી... પ્લીઝ ફૉર ગૉડ્સ સેક. મન ફાવે એમ નહીં બોલ.’
સોનિયાને ડર લાગ્યો કે તે વધારે બોલી જશે એટલે તે રેસ્ટોરાં છોડીને બહારની તરફ ચાલવા માંડી.
એન્જલ માટે તેનું આ રીઍક્શન, તેણે કહેલા શબ્દો નવાઈ આપનારા હતા પણ તમને કશું સમજાયું નહોતું.
તે ફરી ટેબલ પાસે આવી અને એ જ વખતે આર્યન પણ ફ્રેશ થઈને
પાછો આવ્યો.
‘ઑર્ડર કરીએ?’
‘તું કર. હું હમણાં આવું.’
એન્જલ બહારની તરફ ભાગી.
lll
‘સોનિયા, સોનિયા...’
‘મારે કોઈ વાત નથી કરવી.’
‘સોનિયા, બસ, મને એટલું કહે.’ એન્જલની આંખમાં આંસુ આવી ગયાં, ‘તે, તે મને હજી પ્રેમ કરે છે?’
‘ઇન્ફિનિટ પ્લસ વન જેટલો...’
‘ક્યાં છે તે?’ એન્જલના ચહેરા પર પહેલી વાર સ્માઇલ આવ્યું હતું, ‘મને નથી ખબર... મોસ્ટ્લી ઘરે હશે.’
સોનિયાની ગાડી આવી ગઈ અને સોનિયા કારમાં બેઠી. પછી તેણે વિન્ડોનો ગ્લાસ ઉતાર્યો અને એન્જલની સામે જોયું.
‘ટ્રાય, અગર એક વાર મળી
શકાય તો...’
lll
આગે રહિયો ના પીછે રહિયો
મેરા રહિયો યાર બસ મેરા રહિયો...
મનાને કે હિસાબોં મેં
ગલતીવાલે જવાબોં મેં
સંગ રહિયો, સંગ રહિયો
તમારા બન્ને હાથમાં સલાઇન ચાલુ હતી. તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં અગાઉ પણ તમે આવ્યા હતા પણ એ સમયે તમારી સાથે એન્જલ હતી. તે તમારો
બર્થ-ડે હૉસ્પિટલમાં કૅન્સર સામે લડતાં બચ્ચાંઓ સાથે સેલિબ્રેટ કરવા માગતી હતી ત્યારે. એ સમયે તમે કલ્પના નહોતી કરી કે તમે અહીં, આ જ હૉસ્પિટલમાં આવશો. પેશન્ટ તરીકે.
(ક્રમશ:)


