Palghar Fire: ગુરુવારે સવારે ફોમ ઉત્પાદનો બનાવતી એક કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી એમ અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું. અત્યાર સુધી આ બનાવમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી આગ લાગવાનો હાદસો (Palghar Fire) સામે આવ્યો છે. આજે ગુરુવારે સવારે ફોમ ઉત્પાદનો બનાવતી એક કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી એમ અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું. અત્યાર સુધી આ બનાવમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે આ સમગ્ર ઘટના (Palghar Fire)નો ચિતાર આપતાં જણાવ્યું હતું કે પાલઘરના માહિમ વિસ્તારના ચિંતુપાડા ખાતે ભગવતી ફોમ લિમિટેડ નામની એક કંપનીના ગોડાઉનમાં સવારે નવ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આ કંપનીની વેબસાઇટ અનુસાર તે પોલીયુરેથીન ફોમ ઉત્પાદનો તૈયાર કરવાનું કામ કરે છે. ખાસ કરીને ગાદલા, ફર્નિચર, ઔદ્યોગિક ઉપયોગો માટે જે ફોમ વપરાય છે તે આ કંપની દ્વારા પૂરા પાડવામાં આવે છે. આ ઘટના અંગે કદમે જણાવ્યું હતું કે આગની માહિતી મળતાંની સાથે જ ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. અધિકારીએ રાહતના સમાચાર શેર કરતાં જણાવ્યું છે કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ADVERTISEMENT
ડોમ્બિવલીમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત
ડોમ્બિવલી પૂર્વમાં નવનીત નગર સંકુલમાં એલપીજી સિલિન્ડર લીક થવાના કારણે મોટો વિસ્ફોટ (Palghar Fire) થયો હતો. આ હાદસામાં પાંચ લોકો ઘાયલ થયા હતા, એમ એક સિવિક અધિકારીએ જણાવ્યું હતું. સોમવારે અડધી રાત્રે કેતન દેઢિયાના ઘરે ગેસ લીકને કારણે આ ઘટના બની હતી. મોડી રાત્રે જ્યારે ઘરે પરત ફરેલા કેતને ત્યારે લાઈટ ચાલુ કરી ત્યારે મોટો વિસ્ફોટ થયો હતો, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેમના ફ્લેટની બારીના કાચ અને ગ્રિલ્સ પણ ઊખડી ગયા હતા એટલી હદ સુધી ધડાકો થયો હતો. કેતનભાઈ લગભગ અડધા શરીરે દાઝી ગયા હતા અને તેમને મુંબઈની સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેમના પાડોશીઓને નાની ઈજાઓ થઈ હતી. નીચલા માળે રહેતા હરીશભાઈ અને તેમના સાત વર્ષના પુત્ર પાર્શ્વ જ્યારે બિલ્ડિંગ પરિસરમાં ફરવા જતા હતા ત્યારે બારીના કાચ અને ગ્રિલ તૂટી પડતાં તેઓ ઘાયલ થયા હતા.
મલાડમાં પ્રાઇવેટ બસ બળી ગઈ
મંગળવારે સવારે મુંબઈના મલાડ વિસ્તારમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આગ (Palghar Fire)માં એક ખાનગી બસ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે રૉડ પર ટ્રાફિકની અવરજવરને અસર થઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, એમ તેમણે જણાવ્યું હતું. બસના આગળના ભાગમાં આગ લાગી ત્યારે તેમાં મુસાફરો સવાર હતા અને તે બધાને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.


