આપણે આપણી સગવડ મુજબ બાથરૂમમાં અનેક ચીજો ગોઠવી દઈએ છીએ, પણ શું તમે જાણો છો કે બાથરૂમમાં રહેલા ભેજ અને બૅક્ટેરિયા જ્યારે એના પર લાગે છે ત્યારે એ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે? એવી કેટલીક ચીજો છે જેને ભૂલથી પણ બાથરૂમમાં ન રાખવી જોઈએ
પ્રતીકાત્મક તસવીર
બાથરૂમ માત્ર નહાવાની જ જગ્યા નથી, આપણે ત્યાં અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરીએ છીએ. ઘણી વાર જગ્યાના અભાવે અથવા સગવડ ખાતર આપણે સ્કિન-કૅર પ્રોડક્ટ્સ, દવા અને પર્સનલ કૅરની ચીજો બાથરૂમમાં રાખતા હોઈએ છીએ પણ શું તમે જાણો છો બાથરૂમમાં રહેલા ભેજ અને બૅક્ટેરિયાને કારણે તમારી ચીજોને નુકસાન પહોંચાડે છે? ઘરમાં સૌથી ભેજવાળો ભાગ બાથરૂમ હોય છે. ગરમ પાણીના ઉપયોગથી થતી વરાળ અને સતત રહેતો ભેજ ફૂગ અને બૅક્ટેરિયાના ઉછેર માટે સ્વર્ગ સમાન છે. આ વાતાવરણમાં રાખેલી વસ્તુઓ ચેપનું કારણ બને છે.
આ ચીજો ભૂલથી પણ બાથરૂમમાં ન રાખવી
ADVERTISEMENT
ટૂથબ્રશ : ૯૯ ટકા લોકો ટૂથબ્રશ બાથરૂમમાં જ રાખે છે. જેમનું બાથરૂમ અટૅચ્ડ હોય અને જ્યારે તમે ફ્લશ કરો ત્યારે હવામાં એના સૂક્ષ્મ કણો ઊડે છે જે બ્રશને ચોંટી શકે છે. ખાલી બાથરૂમ હોય તો પણ ભેજને કારણે બ્રશનાં બ્રિસલ્સમાં બૅક્ટેરિયા જલદી પેદા થાય છે. બ્રશને હંમેશાં બાથરૂમની બહાર અથવા ઢાંકીને રાખવું હિતાવહ છે.
દવા : ઘણા લોકો બાથરૂમમાં મેડિસિન કૅબિનેટ બનાવે છે, પણ ગરમી અને ભેજને કારણે દવાની અસરકારકતા ઓછી થઈ જાય છે અને એની એક્સપાયરી ડેટ પહેલાં જ ખરાબ થઈ શકે છે. તેથી કોઈ પણ પ્રકારની દવા બાથરૂમમાં રાખવી નહીં.
મેકઅપ પ્રોડક્ટ્સ : લિપસ્ટિક, ફાઉન્ડેશન કે પાઉડર જેવા કૉસ્મેટિક્સ ભેજવાળા વાતાવરણમાં જલદી ઓગળે છે અથવા એમાં બૅક્ટેરિયા પેદા થાય છે જે ચામડી પર ઇન્ફેક્શન કરી શકે છે.
પરફ્યુમ : સુગંધિત અત્તર કે પરફ્યુમની બૉટલ બાથરૂમમાં રાખવાથી તાપમાનના ફેરફારને કારણે એની મૂળ સુગંધ બદલાઈ જાય છે અને એ જલદી ઑક્સિડાઇઝ થઈ જાય છે.
રેઝર અને બ્લેડ : હવામાં રહેલા ભેજને કારણે રેઝરની બ્લેડ પર જલદી કાટ લાગવાની શક્યતા રહે છે. કાટવાળું રેઝર વાપરવાથી ચામડીના રોગ કે ટેટનસનું જોખમ રહે છે.
દાગીના : જો તમે નહાતી વખતે સોના-ચાંદી કે આર્ટિફિશ્યલ દાગીના બાથરૂમમાં ઉતારીને મૂકો છો તો સાવધાન! ભેજને કારણે ધાતુ કાળી પડી જાય છે અને એની ચમક જતી રહે છે.
ફોન કે સ્પીકર : બાથરૂમમાં ફોન લઈ જવાની આદત મોંઘી પડી શકે છે. વરાળ ફોનના અંદરના ભાગમાં જઈને એને શૉર્ટ-સર્કિટ કરી શકે છે અથવા એને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.
વધારાના ટુવાલ : ભીનાશવાળા વાતાવરણમાં રાખેલા કોરા ટુવાલ પણ ભેજ શોષી લે છે, જેથી એમાંથી વાસ આવવા લાગે છે અને એમાં ફૂગ જામી શકે છે.
બાથરૂમને હાઇજિનિક રાખવાની સ્માર્ટ ટિપ્સ
નહાયા પછી ઓછામાં ઓછી ૧૦થી ૧૫ મિનિટ સુધી એક્ઝૉસ્ટ ફૅન ચાલુ રાખો જેથી અંદરનો ભેજ અને વરાળ બહાર નીકળી જાય અને બૅક્ટેરિયા જમા થવાના ચાન્સ ઓછા થઈ જાય.
જ્યારે પણ ટૉઇલેટ ફ્લશ કરો ત્યારે હંમેશાં એનું ઢાંકણું બંધ રાખો. આમ કરવાથી હવામાં ફેલાતા બૅક્ટેરિયા તમારા ટૂથબ્રશ કે ટુવાલ સુધી પહોંચશે નહીં.
બ્રશ કર્યા પછી એને બરાબર સાફ કરી, ખંખેરીને કોરું કરવાનો પ્રયાસ કરો. બ્રશને ક્યારેય બીજાના બ્રશ સાથે અડે એમ ન રાખો અને દર ૩ મહિને બદલી નાખો.
ઉપયોગ કર્યા પછી ભીના ટુવાલને બાથરૂમની અંદર લટકાવી રાખવાને બદલે બહાર તડકામાં અથવા હવા-ઉજાસવાળી જગ્યાએ સૂકવો.
જ્યારે બાથરૂમનો વપરાશ ન હોય ત્યારે એનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ જેથી તાજી હવા અંદર જઈ શકે અને ભેજ જમા ન થાય.


