તું ફરી જીતી ગઈ. ડૉક્ટરે ત્રણ મહિનાની લાઇફ કહી ને તારી નજરમાંથી ઊતરતાં-ઊતરતાં નવ મહિના થઈ ગયા. યમરાજ પણ સાલ્લો દરવાજે ઊભો રહીને થાકી ગયો કે ભાઈ તારું આ કામ ક્યારે પૂરું થશે?
ઇલસ્ટ્રેશન
તાતા હૉસ્પિટલના ICU કૉરિડોરમાં પ્રસરેલી સફેદ લાઇટ અને ફિનાઇલની ગંધ એન્જલને ગૂંગળાવી રહી હતી. તેના ધ્રૂજતા હાથમાં પકડેલો મેડિકલ રિપોર્ટ જાણે કે હજારો કિલોનો હોય એવો ભારે તેને લાગતો હતો. એ રિપોર્ટમાં લખેલા ‘Acute Myeloid Leukemia’ અને ‘Stage IV’ એન્જલની સમજની બહાર હતા પણ ડૉ. કીર્તિ પટેલની આંખોમાં છવાયેલી લાચારી ઘણુંબધું કહી જતી હતી.
હોટેલમાં સોનિયા મળી અને તેણે જે કહ્યું એમાં ખેદ વધારે હતો, જે પારખીને એન્જલ સીધી જ નીકળીને તમારા ઘરે પહોંચી હતી. રસ્તામાં આર્યનનો ફોન આવ્યો ત્યારે તેણે માફી પણ માગી લીધી.
ADVERTISEMENT
lll
‘આઇ ઍમ સૉરી આર્યન... બટ, આઇ હૅવ ટુ લીવ.’ એન્જલ આંસુ સંતાડતી હતી, ‘તેને, તેને મારી જરૂર હોય એવું મને લાગે છે.’
‘તું અત્યારે ક્યાં જાય છે?’ આર્યનના અવાજમાં હમદર્દી હતી, ‘ઘરે કે...’
‘મીન્સ?’ એન્જલને વધુ એક ઝાટકો લાગ્યો, ‘ઘરે કે મીન્સ શું?’
‘તું તેને મળવા જાય છેને એટલે પૂછું છું...’ આર્યને પૂરેપૂરી ખેલદિલી સાથે કહ્યું, ‘અત્યારે તે ઘરે નથી, સો બેટર તું ઘરે નહીં જા...’
‘ક્યાં છે તે?’
એન્જલનો અવાજ ફાટી ગયો હતો.
‘તાતા હૉસ્પિટલ, લોઅર પરેલ...’
‘મીન્સ...’ એન્જલનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું, ‘ત્યાં શું કામ?’
‘સાંભળ એન્જલ, તું ત્યાં જા. હું પણ ત્યાં જ આવું છું.’ આર્યન ડાઇનિંગ ટેબલ પરથી ઊભો થયો, ‘આપણે પહેલાં બહાર મળીએ. હું તને બધી વાત કરું.’
lll
જોકે એન્જલ બહાર રાહ જોઈ શકી નહોતી. તેને ખબર પણ નહોતી કે હૉસ્પિટલમાં તે તમને ક્યાં શોધશે. હૉસ્પિટલમાં એન્ટર થતાં જ તેણે તમને ફોન કર્યો. રોજ ફોન કરવાની ઇચ્છા થતી હતી પણ એ ઇચ્છા તેણે કન્ટ્રોલ કરી હતી પણ આજનો માહોલ જુદો હતો. મનમાં સતત એક પ્રાર્થના ચાલતી હતી કે કાશ, તમને કશું ન થયું હોય. તમારા નજીકના કોઈને કંઈ થયું હશે તો સાથે મળીને ફરી લડી લેશું પણ તમને... તમને કંઈ થવું ન જોઈએ. મનોમન તમે તમારા ઇષ્ટદેવને પચાસ વાર વિનંતી પણ કરી લીધી.
‘પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ... તેને કંઈ ન થવું જોઈએ. તમારે જે જોઈતું હોય એ બધું મારી પાસેથી લઈ લો પણ તેને... પ્લીઝ ભગવાન, તેને હેમખેમ રાખજો.’
કેટલીક વખત ભગવાન પણ લાચાર હોય છે.
મનોમન થતી એ પ્રાર્થના સમયે તમે પણ ક્યાં જાણતા હતા કે આવનારી ક્ષણોના ગર્ભમાં શું છે.
lll
‘એન્જલ, તેના મનમાં એક જ વાત હતી કે તને કંઈ ખબર ન પડે.’ ડૉક્ટર કીર્તિ પટેલે કહ્યું, ‘તેની તો ઇચ્છા હતી કે તે મુંબઈ છોડીને બીજે જતો રહે, પણ... શરીરે સાથ ન આપ્યો અને...’
‘મારે તેને મળવું છે.’ ડૉક્ટર કંઈ કહે એ પહેલાં એન્જલે હાથ જોડ્યા, ‘પ્લીઝ, પ્લીઝ... એક વાર... તમે જો-જો, તેને કંઈ નહીં થાય. હું, હું તમને ગૅરન્ટી સાથે કહું છું. તે મને મળશે પછી ફરી હતો એવો થઈ જશે. તમે તેને ઓળખતા નથી. તે મોટો નૌટંકીબાજ છે, સ્ટોરી લખી-લખીને હવે સ્ટોરી જેવું બિહૅવ પણ કરે છે. મને એક વાર મળવા દેશો, પ્લીઝ?’
‘એન્જલ, કદાચ તેની આજની રાત છેલ્લી રાત છે.’ ડૉક્ટરે હાથના ઇશારે કહ્યું, ‘બહાર નીકળીને સેકન્ડ લાસ્ટ ICU રૂમ. પણ કૉન્શિયસ હશે.’
આ છેલ્લા શબ્દો સાંભળવા પણ એન્જલ ઊભી નહોતી રહી.
lll
ICUની કાચની વિન્ડોમાંથી એન્જલે અંદર નજર કરી અને તે થીજી ગઈ.
બેડ પર તમે સૂતા હતા.
બન્ને હાથમાં સલાઇન હતા તો એક સલાઇન પગની વેઇનમાં આપવામાં આવ્યો હતો. તમારી છાતીની બરાબર વચ્ચે પણ મોટું મશીન મૂક્યું હતું તો તમારા નાક પર વેન્ટિલેટરનો માસ્ક હતો. બેડની બરાબર પાછળના ભાગમાં ત્રણ-ચાર મૉનિટર હતાં જેમાં ગ્રીન કલરની રેખાઓ ડાબી બાજુથી જમણી બાજુ તરફ ભાગાભાગી કરતી હતી.
‘એન્જલ...’
પીઠ પાછળથી અવાજ આવ્યો પણ તમારી આંખો તો હજી પણ ICUની એ કાચની વિન્ડો પર જ હતી.
‘પ્લીઝ એન્જલ...’
એન્જલે પાછળ જોયું. પીઠ પાછળ આર્યન ઊભો હતો. તેના હાથમાં ડાયરી હતી.
એન્જલે ડાયરીનું પાનું ફેરવ્યું.
તમારા અક્ષરો તે તરત ઓળખી ગઈ. તમારી નજર એ અક્ષરો પર ફરતી હતી ત્યારે આર્યનના શબ્દો તમારા કાનમાં જતા હતા, ‘તમારી એન્ગેજમન્ટ તેણે તોડી ત્યારથી તે રોજ તારા માટે આમાં એક લેટર લખતો. તારાથી દૂર રહી શકાતું નહોતું એટલે તે આ રીતે તારી સાથે કમ્યુનિકેટ કરતો. અત્યારે આ બધું વાંચવાની જરૂર નથી. તેણે મને કહ્યું હતું કે સિચુએશન બગડે ત્યારે એન્જલને આજની ડેટનું પેજ વંચાવી દેજે.’
‘તું કેટલા સમયથી તેને ઓળખે છે?’ પેજ વાંચવાને બદલે એન્જલે સવાલ કર્યો, ‘આ બધો ડ્રામા હતોને?’
‘હા. અમે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ છીએ. હું લંડન સેટલ થયો છું પણ અમારી દોસ્તી હજી પણ એટલી જ ક્લોઝ... તેના પપ્પાને લીધે જ હું ભણી શક્યો એવું કહું તો ચાલે. મારાં મમ્મી તેના ઘરે કામ કરતાં.’ આર્યનની આંખો ભીની થવા માંડી હતી, ‘તેણે મને ફોન કરીને બોલાવ્યો ને મને આ બધું કરવાનું કહ્યું. બધો પ્લાન તેનો જ હતો. ઈ-રિક્ષા કરતાં લિથિયમ બૅટરીનો પ્રોજેક્ટ શાહ ગ્રુપ માટે સારો રહેશે એવું તેને પહેલેથી લાગતું હતું પણ તારા પપ્પાએ કહ્યું કે એમાં મોટું ફન્ડ જોઈએ એટલે તેણે એવું દેખાડીને જુમાની ગ્રુપને પ્રોજેક્ટ વેચી દીધો જાણે કે તે તારી પાસેથી ચોરી આવ્યો હોય. એ જે ફન્ડ આવ્યું એ તેણે મારા અકાઉન્ટમાં જમા કરાવ્યું અને મારે, મારે એ ફન્ડ તારા પપ્પાની કંપનીમાં જમા કરાવવાનું હતું, મેં એ કર્યું.’
‘દિલ્હીના કનેક્શન પણ બધાં એનાં જ છેને?’
હા પાડતાં આર્યને સ્પષ્ટતા કરી.
‘તે કોઈ હિસાબે તું દુખી થા એવું નહોતો ઇચ્છતો અને એટલે જ તેણે મારી પાસેથી પ્રૉમિસ લીધું કે હું તારી સાથે એન્ગેજમેન્ટ કરું.’
એન્જલને હવે સમજાયું કે આર્યન હંમેશાં તેનાથી નજર કેમ છુપાવતો?
‘મેં જે કર્યું એ બધું મારા બ્રધરની અંતિમ ઇચ્છા સમજીને કર્યું... આઇ ઍમ સો સૉરી પણ...’ આર્યને આંખો સાફ કરી, ‘પ્લીઝ, તું ડાયરીનું આજનું પેજ વાંચી લે.’
lll
પ્રિય જિંદગી,
તું ફરી જીતી ગઈ. ડૉક્ટરે ત્રણ મહિનાની લાઇફ કહી ને તારી નજરમાંથી ઊતરતાં-ઊતરતાં નવ મહિના થઈ ગયા. યમરાજ પણ સાલ્લો દરવાજે ઊભો રહીને થાકી ગયો કે ભાઈ તારું આ કામ ક્યારે પૂરું થશે?
તું જ કહેતીને કે તને લાંબો સમય દુખી રહેતાં નથી આવડતું તો હવે તારે એ પાળવાનું છે. લાંબો સમય દુખી નથી રહેવાનું. મેં જે કર્યું એ આપણા માટે કર્યું છે. તું હોત તો તેં પણ આ જ કર્યું હોત. આર્યન બહુ સારો છે. તે તને ક્યારેય દુખી નહીં થવા દે.
જ્યારે તું આ વાંચતી હોઈશ ત્યારે હું કદાચ તારી સામે નહીં હોઉં. પણ હા, એક વાતની ચોખવટ કરવી છે. ‘આઇ લવ યુ’માં માત્ર વર્તમાનકાળ નથી, એમાં અનંતકાળ છે અને એટલે જ એ વાક્યને, એ લાગણીને ભૂતકાળ કે ભવિષ્યકાળમાં કન્વર્ટ નથી કરી શકાતી. એન્જલ, આપણી આ લવસ્ટોરી તો અહીં અધૂરી રહી ગઈ. હવે આપણે એ...
એન્જલની આંખોમાં ઝાકળ બાઝી ગઈ.
હવે પછીના શબ્દો તેને વંચાતા નહોતા અને ખાલીપાને તીવ્ર બનાવતું ગીત કાનમાં વાગવાનું શરૂ થઈ ગયું હતું.
મૈં રહૂં યા ના રહૂં
તુમ મુઝ મેં કહીં બાકી રહના,
મુઝે નીંદ આએ જો આખરી
તુમ ખ્વાબોં મેં આ કર રહના...
બસ, ઇતના હૈ તુમસે કહના...
ડાયરી બંધ કરીને એન્જલ સીધી ICU રૂમમાં દાખલ થઈ.
બેડની બાજુમાં બેઠેલી નર્સ તરત ઊભી થઈ પણ તે કંઈ કહે એ પહેલાં એન્જલે તેને હાથના ઇશારે જ ચૂપ કરી દીધી.
કિસી રોઝ બારિશ જો આએ
સમઝ લેના બુંદોં મેં મૈં હૂં...
સુબહ ધુપ તુમકો સતાએ
સમઝ લેના કિરણોં મેં મૈં હૂં
કુછ કહૂં યા ના કહૂં...
તુમ મુઝકો સદા સુનતે રહના
બસ, ઇતના હૈ તુમસે કહના...
‘યાદ છેને પ્રૉમિસ... આપણે વાત થઈ છે.’ એન્જલનો અવાજ મોટો હતો પણ એમાં દર્દ ભયાનક હતું, ‘તું મને મૂકીને એકલો નહીં જાય... ને જવું હોય તો મારા પછી જઈશ. થઈ છેને આપણી વાત?’
તમારા બેડની પાછળ રહેલા મૉનિટરમાં દેખાતી ગ્રીન લાઇન્સની ગતિમાં વધારો થવો શરૂ થયો.
‘હું, હું બીજા કોઈ પ્રૉમિસની વાત નથી કરતી, પણ આ એક પ્રૉમિસ તો પાળ બાબુ. આ એક જ પ્રૉમિસ. મને મૂકીને નહીં જા. હું, હું નહીં રહી શકું. તું, તું જે હંમેશાં કહે છેને, એન્જલ પ્રૉમિસ. એન્જલ પ્રૉમિસ, હું નહીં રહી શકું.’ એન્જલની આંખોમાંથી આંસુ સરવા માંડ્યાં હતાં, ‘આવું હતું તો મને પહેલાં કહેવાયને... સાથે જીવવાનો પ્લાન કર્યો હતો એમ જ સાથે મરવાનો પણ પ્લાન બનાવી લેત. એક વાર મને કહેવાય તો ખરુંને...’
તમારી આંખો ખૂલી, સહેજ. દૃષ્ટિ ધૂંધળી હતી પણ સામે જે ઑરા હતી એ તમારો શ્વાસ હતી. તમે સલાઇન સાથેનો હાથ ધીમેકથી ઊંચો કરવાની કોશિશ કરી. હાથ વધારે ઊંચો તો ન થઈ શક્યો પણ એન્જલ નજીક આવી ગઈ.
‘તું જ કહે, તેં પ્રોમિસ કર્યું છેને, હું પહેલાં જઈશ.’ એન્જલ કન્ટ્રોલ કરતી હતી, ‘નેક્સ્ટ બર્થની આપણી ડીલ છે. હું તું બનીશ ને તું હું બનીશ... તેં મારા મૂડ સ્વિંગ્સ સહન કર્યાને? નેકસ્ટ બર્થમાં તારે મને એ રીતે ટૉર્ચર કરવી છેને? યાદ છેને, તું જ કહેતો હતો...’
તમારા હોઠ સહેજ ફરક્યા. એ સ્માઇલ કરવા માગતા હતા.
‘કંઈ નહીં બોલ, ચાલશે. બસ, મને આપેલું પ્રૉમિસ તું પાળીશ.’ એન્જલે તમારા વાળમાં હાથ ફેરવ્યો, ‘વાળ કેટલા ઓછા થઈ ગયા. આપણે સાથે ટકલુ કરાવ્યું હોતને યાર... તું, તું છેને, એક વાર અહીંથી ઊભો થા, પછી જો હું તારી કેવી હાલત કરું છું.’
‘નહીં થવાય, ઊભા હવે...’ તમે મહામહેનતે જવાબ આપ્યો, ‘જવાનો ટાઇમ આવી ગયો.’
‘જો, મારી પહેલાં મર્યો છો તો યાદ રાખજે, મારી નાખીશ તને...’ એન્જલનું નાક લાલચોળ થઈ ગયું હતું, ‘એક હગ... તું એકદમ સાજો થઈ જઈશ.’
તમે હકારમાં સહેજ માથું નમાવ્યું અને એન્જલે તમારા નાક પરથી માસ્ક હટાવ્યો.
હવે તેણે ધીમેકથી એ નાક પર પોતાનું નાક ઘસ્યું. ડિટ્ટો તમારી જેમ જ અને પછી ચહેરો સાવ નજીક રાખીને તેણે ધીમેકથી પૂછ્યું, ‘વાઇલ્ડ કિસ, લાસ્ટવાળી.’
‘નેક્સ્ટ બર્થના ફર્સ્ટવાળી...’
એન્જલે ધીમેકથી હોઠ તમારા હોઠ પર મૂક્યા, ઝનૂન તો એ જ વાપરવું હતું જે તમે વાપરતા પણ અત્યારે તેનામાં એ ક્ષમતા નહોતી રહી. તમને પ્રાઇવસી આપવી હોય એમ ICU ઇન્ચાર્જ નર્સ પણ અવળી ફરી ગઈ અને તમે, તમે એન્જલમાં ઊતરવા લાગ્યા. એન્જલનો શ્વાસ અત્યારે તમારા માટે વેન્ટિલેટરનું કામ કરતો હતો અને એન્જલ...
ધીમેકથી એન્જલની હોઠ પરની પકડ ઓસરી અને પછી તેની ગરદન તમારા ડાબા ખભા પર ઢળી ગઈ.
મોતને નજીકથી જોઈ રહેલા તમે સમજી ગયા કે એન્જલે તમારી પાસે પ્રૉમિસ પૂરું કરાવ્યું. તમે હાથ લંબાવીને બેલ વગાડી અને સિસ્ટર ઝાટકા સાથે તમારી તરફ ફરી.
તેની અનુભવી નજર એન્જલની ખૂલી રહી ગયેલી આંખોને પારખી ગઈ હતી.
એન્જલે તમારી પાસે પ્રૉમિસ પળાવ્યું હતું. ના, એન્જલે પોતાનું પ્રૉમિસ પાળ્યું હતું. એન્જલે તમારી પહેલાં એક્ઝિટ લઈ લીધી હતી.
તમે તમારા હાથે વેન્ટિલેટરની સ્વિચ ઑફ કરી છેલ્લો શ્વાસ લીધો.
‘આઇ લવ યુ ટૂ...’
(સંપૂર્ણ)


