પરેલના ગુજરાતી પરિવારને માથે આભ તૂટી પડ્યું: મદદે કોઈ ન આવ્યું, બન્નેએ ઘરમાં જ દમ તોડી દીધો
હાર્ટ-અટૅકમાં એકસાથે મૃત્યુ પામેલા બોરીચા પરિવારના પિતા-પુત્ર વસંતભાઈ અને ઉમેશભાઈ.
પરેલમાં એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના બની હતી. મૂળ ભાવનગરના વલ્લભીપુર ગામના વતની અને હાલ પરેલમાં સ્થાયી થયેલા બોરીચા પરિવાર પર બુધવારે રાતે જાણે આભ ફાટ્યું હતું. ગણતરીની મિનિટોમાં જ ૭૨ વર્ષના પિતા વસંત બોરીચા અને તેમના ૪૨ વર્ષના પુત્ર ઉમેશનું હાર્ટ-અટૅકથી મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરેલ વિલેજ માર્કેટ બિલ્ડિંગમાં રહેતા ઉમેશને બુધવારે રાતે અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો અને તે ઢળી પડ્યો હતો. પુત્રની હાલત જોઈને પિતા તેની મદદે દોડી ગયા, પરંતુ પુત્રને બચાવવાની મથામણમાં પિતા વસંતભાઈને પણ હાર્ટ-અટૅક આવી ગયો અને તેઓ પણ ત્યાં જ ઢળી પડ્યા હતા. ગઈ કાલે સાંજે બન્નેની અંતિમયાત્રા ઘરમાંથી એકસાથે નીકળતાં આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ દુર્ઘટના વખતે પરિવારની એક મહિલાની લાચારી અને આસપાસના લોકોની ઉદાસીનતાએ ઘટનાને વધુ કરુણ બનાવી દીધી હતી.
વસંતભાઈનાં બહેન કાંતા બોરીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે રાતે સાડાદસ વાગ્યે ઉમેશ બાથરૂમમાં હતો ત્યારે તેને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઊપડ્યો હતો. દુખાવો થઈ રહ્યો હોવાથી તેણે બાથરૂમમાંથી બૂમાબૂમ કરી મૂકી હતી. એ વખતે મારો મોટો ભાઈ બાથરૂમમાં દોડ્યો હતો, પરંતુ ઉમેશ જમીન પર ઢળી પડ્યો હોવાથી વસંતભાઈએ તેને બેઠો કરવાનો અને ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવાન દીકરાની હાલત જોઈને ભારે આઘાતમાં તેઓ પણ ત્યાં જ ઢળી પડ્યા હતા. એ વખતે મારાં હંસાભાભી ઘરે એકલાં જ હતાં. પિતા-પુત્ર બન્નેને ઢળી પડેલા જોઈને ગભરાઈ ગયેલાં હંસાભાભીએ બહાર દોડી જઈને મદદ માટે આસપાસના લોકોને વિનંતી કરી હતી, પરંતુ કમનસીબે કોઈ આગળ આવ્યું નહોતું. અંતે તેમણે ફોન કરીને અમારા સંબંધીને બોલાવ્યા હતા. એ પછી તેઓ પિતા-પુત્રને KEM હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ બન્નેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.’
ADVERTISEMENT
બન્નેની અંતિમયાત્રા સાથે નીકળી
કાંતા બોરીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વસંતભાઈની ૧૫ વર્ષ પહેલાં હાર્ટ-સર્જરી થઈ હતી અને તેઓ નિવૃત્ત હતા અને ઉમેશ દાદરમાં એક ટ્રાવેલ્સમાં નોકરી કરીને પરિવારની જવાબદારી સંભાળતો હતો. ઉમેશને ૧૪ વર્ષનો એક દીકરો છે જે આઠમા ધોરણમાં ભણે છે. ઉમેશ હટ્ટોકટો હતો અને તેને નખમાંય રોગ નહોતો. આ ઘટનાથી અમે ભારે આઘાતમાં છીએ. ગઈ કાલે સાંજે જ્યારે પરેલના ઘરેથી પિતા-પુત્રની અંતિમયાત્રા એકસાથે નીકળી ત્યારે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. બાપ-દીકરાની નનામી સાથે નીકળતી જોઈને હાજર સૌકોઈની આંખો ભીની થઈ ગઈ હતી. દાદરની શિવાજીપાર્ક સ્મશાનભૂમિમાં બન્નેના અંતિમ સંસ્કાર થયા હતા.’


