Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આઇ લવ યુ ભગવાન - વાત એક અજાણ્યા સાથની (પ્રકરણ ૧)

આઇ લવ યુ ભગવાન - વાત એક અજાણ્યા સાથની (પ્રકરણ ૧)

Published : 22 June, 2026 04:09 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

વિલે પાર્લે-ઈસ્ટ. અહીંની હવામાં સવારે મરાઠી પૌંઆના વઘારની અને સાંજે ગુજરાતીઓના ફાફડા-જલેબીની સુગંધ રોજ એકસાથે ભળે છે અને એવી જ રીતે રોજબરોજના જીવનમાં પણ ગુજરાતીઓ અને મરાઠીઓ પણ એકબીજામાં ભળતા રહે છે.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


વિલે પાર્લે-ઈસ્ટ. અહીંની હવામાં સવારે મરાઠી પૌંઆના વઘારની અને સાંજે ગુજરાતીઓના ફાફડા-જલેબીની સુગંધ રોજ એકસાથે ભળે છે અને એવી જ રીતે રોજબરોજના જીવનમાં પણ ગુજરાતીઓ અને મરાઠીઓ પણ એકબીજામાં ભળતા રહે છે. અલબત્ત, આ વાત સ્ટેશન રોડ પર આવેલી આનંદ આશિષ સોસાયટીને લાગુ નહોતી પડતી. પ્રમાણમાં જૂની થઈ ગયેલી ૭ માળની આ ઇમારતના દરેક ફ્લોરના પાડોશીઓ એકબીજાના ઘરમાં વિના સંકોચ અવરજવર કરી શકતા, પણ છઠ્ઠા માળે ફ્લૅટ-નંબર ૬૦૧ અને ૬૦૨ની દુનિયા સાવ અલગ હતી. ફ્લૅટ-નંબર ૬૦૨ના દરવાજા પર નૉક કરવાનો સીધો અર્થ એક જ હતો - આ બૈલ મુઝે માર.
lll
આકાશમાં કાળાં ડિબાંગ વાદળાં ઘેરાયાં હતાં. વરસાદે સાંજના વાતાવરણને ઘટ્ટ બનાવી દીધું હતું. પસાર થતા લોકોના પગમાં ઝડપ ઉમેરાઈ ગઈ હતી તો રસ્તા પરથી નીકળતાં વાહનોની ચિચિયારી પણ આવનારા વરસાદના પડઘમની જેમ દેકારો કરવા માંડી હતી. આનંદ આશિષ સોસાયટીના દરવાજા પાસે એવા જ પડઘમ વગાડતી એક કૅબ આવીને ઊભી રહી અને કૅબનો દરવાજો ખૂલ્યો. પહેલાં એક પગ બહાર આવ્યો અને પછી એક ચહેરો. ચહેરા પર કુતૂહલ હતું, જેમાં જૂની ઇમારતે સહેજ મૂંઝવણ ઉમેરવાનું કામ કર્યું.
lll
‘આ બે બૅગ મોટી છે...’ ગાડીમાંથી બહાર આવીને પેલી છોકરીએ ડ્રાઇવર સામે જોયું, ‘મારે સિક્સ્થ ફ્લોર પર જવાનું છે... અને લિફ્ટ બંધ છે. તમારે લગેજ ઉપર પહોંચાડવું પડશે...’
‘એના એક્સ્ટ્રા ચાર્જ થશે...’
‘એ તો ચૂકવવાનો જ હોયને...’
મૈત્રીએ સ્માઇલ સાથે જવાબ આપ્યો અને તેણે પોતાની હૅન્ડ-બૅગ હાથમાં લીધી.
ઉંમર માંડ અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષની. ચહેરા પર ચમક હતી. જોકે એ ચમકમાં મૅચ્યોરિટી પણ દેખાતી હતી અને થાક પણ. મૈત્રીના ચહેરા પર પ્રસ્વેદબિંદુઓ બાઝી ગયાં હતાં. તેનો શ્વાસ ફુલાયેલો હતો. મૈત્રીની આંખોમાં એક જુદા જ પ્રકારની મક્કમતા હતી. મૈત્રીએ નાની ઉંમરે જ દુનિયાની વાસ્તવિકતાને બહુ નજીકથી જોઈ લીધી હતી અને હવે તેને કોઈના સપોર્ટની જરૂર નહોતી. મૈત્રીનો સપોર્ટ તેની સાથે તેના પેટમાં હતો.
ગાડીની બહાર આવતાં પહેલાં મૈત્રીએ હાથથી પેટને સહેજ સપોર્ટ આપ્યો, જે સપોર્ટ ડ્રાઇવર ઓળખી ગયો અને તેણે ગુટકા ચાવતાં-ચાવતાં મૈત્રીની આ સ્થિતિનો ગેરલાભ લેવાનું મનોમન નક્કી કરી લીધું.
 ‘મૅડમ, છઠ્ઠા માળા પર જવાનું છે એટલે અઢી હજાર રૂપિયા થશે...’ ડ્રાઇવરના ચહેરા પર નફટાઈ હતી, ‘બૅગમાં વજન બહુ છે...’
‘અઢી હજાર?’ મૈત્રીનાં નેણ ખેંચાયાં, ‘ભૈયા, મૈં બમ્બઈ કી હી હૂં, ઝુમરીતલૈયા સે નહીં આયી... કૅબ કરી ત્યારે જ તમને વાત કરી હતી. વાત પાંચસોની થઈ, લિફ્ટ બંધ છે તો હજાર લઈ લો...’ 
‘ના, તો જાતે જ લઈ જાઓ બૅગ...’
‘એ હેલો... ચૂપચાપ બૅગ ઉપાડો.’ મૈત્રીનો અવાજ સહેજ મોટો થયો, ‘નહીંતર હું અત્યારે જ પોલીસ કન્ટ્રોલ-રૂમમાં ફોન કરું છું કે ડ્રાઇવર એક પ્રેગ્નન્ટ લેડીને ખોટેખોટી વાતમાં ધમકાવે છે...’
મૈત્રીના અવાજમાં રહેલી દૃઢતા અને સ્વરમાં રહેલા આત્મવિશ્વાસે ડ્રાઇવરને સહેજ ધ્રુજાવી દીધો. આવી તેજ-તર્રાર છોકરી સાથે માથાકૂટ કરવી એ કુહાડી પર પગ મારવા બરાબર હતું. ડ્રાઇવરે બબડતાં-બબડતાં બૅગ હાથમાં લીધી.
‘પતા નહીં કહાં સે ધમકી દેનેવાલે આ જાતે હૈં...’
‘એય ખોટી લવારી કરતો નહીં...’
બબડતાં-બબડતાં સામાન ઉપાડીને દાદરા તરફ જતા ડ્રાઇવરની બોબડી બંધ થઈ ગઈ અને મૈત્રી એક હાથથી દીવાલ પકડીને, પોતાનું પેટ સાચવતી ધીમે-ધીમે પગથિયાં ચડવા લાગી. પહેલા માળ સુધી તો મૈત્રીને વાંધો ન આવ્યો, પણ પછીના દરેક ફ્લોર મૈત્રી માટે પહાડ સમાન હતા. જોકે મૈત્રીએ નક્કી કર્યું હતું કે હવે તે ક્યાંય કોઈ વાતમાં લાચારી નહીં દેખાડે અને આ એ નિર્ણયની શરૂઆત હતી.
lll
છઠ્ઠા માળના ૬૦૨ નંબરના ફ્લૅટની અંદરનું વાતાવરણ સાવ અલગ હતું.
અહીં ૬૨ વર્ષનો નિવૃત્ત, કડક અને શિસ્તબદ્ધ મરાઠી રહેતો હતો. તેનું ઘર એટલું ચોખ્ખું હતું કે બહારથી આવતી રજકણને પણ ચોખ્ખીચણક જમીન જોઈને પડવાનું મન નહોતું થતું. ઘરની એકેએક ચીજવસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. સવારે આવેલું ન્યુઝપેપર બરાબર ટેબલની વચ્ચે પડ્યું હતું તો સોફા પર રહેલા તકિયા પણ જાણે કે ડિસિપ્લિનમાં માનતા હોય એમ બરાબર ગોઠવાયેલા હતા. બારીના કર્ટનને દોરી બાંધેલી હતી અને બંધાયેલી એ દોરીનું બનેલું ફૂલ પણ શિસ્તબદ્ધ હતું. અરે, દીવાલ પર લટકતી ઘડિયાળનો સેકન્ડ કાંટો પણ જાણે ઘરના માલિકના હુકમથી ચાલતો હોય એમ અવાજ કર્યા વિના સરકતો હતો.
ઘરના રૂમનો દરવાજો ખૂલ્યો અને રૂમમાંથી મરાઠી માણૂસ બહાર આવ્યો. લાગતું હતું કે તે હજી હમણાં જ નાહીને ફ્રેશ થયો છે. તેના વાળ એકદમ ચુસ્ત રીતે ઓળાયેલા હતા તો તેણે કાંજી કરેલો સફેદ ઝભ્ભો અને પાયજામો પહેર્યા હતા. તેના ચહેરા પર કરચલી હતી, આંખોમાં ઊંડી ખીણ જેવો ખાલીપો અને હોઠ એકદમ ભીડેલા  - જાણે કે ફેવિક્વિકથી હજી હમણાં જ ચોંટાડ્યા હોય. તેણે આવીને દીવાલ પર રહેલા ફોટો તરફ જોયું. 
‘રુક્મિણી...’ તેના હોઠ ફફડ્યા અને આંખોમાં સહેજ ભીનાશ પથરાઈ, ‘આજે એક વર્ષ અને પંચાવનમો દિવસ પૂરો થશે તારા વિનાનો... તું કહેતી હતી કે સમય બધું ભુલાવી દેશે, પણ તું ખોટી હતી. તારા વિનાનો આ સમય તો પસાર થતો જાય છે અને તારી ગેરહાજરીને વધારે ને વધારે કોતરતો જાય છે. તેં કાયમ નિયમોમાં રહેતાં શીખવાડ્યું. સવારે ૬ વાગ્યે ઊઠવાનું, સાડાછએ ચા પીવાની, ૮ વાગ્યે સોસાયટીની કચરાપેટીનું ઇન્સ્પેક્શન કરવાનું... બધું, બધેબધું; પણ તેં એ તો શીખવાડ્યું જ નહીં કે તારા વગર દિવસ કેવી રીતે પસાર કરવાનો? તારા વિનાના આ ઘરમાં, આ ખાલી ઘરમાં શ્વાસ લેવો એ સજા છે... ને મને સજા ક્યારેય ગમતી નથી. જીવન તો નિયમ મુજબનું હોવું જોઈએ, એવું જેવું તેં મને જીવતાં શીખવ્યું... બધું ટાઇમસર થવું જોઈએ, બધું પર્ફેક્ટ થવું જોઈએ... પણ જોને... જો તું...’
મરાઠીએ આખા ઘરમાં નજર કરી અને પછી ફરી નજર ફોટોમાં રહેલી રુક્મિણી પર સ્થિર કરી.
‘જો તું, આ ઘરમાં કંઈ એવું નથી જે મને જીવવા માટે પ્રેરણા આપે... તો પછી શું કામ જીવવાનું...’
તે માણસે ઊંડો શ્વાસ લીધો અને પછી ફ્લૅટના લિવિંગરૂમની ડાબી બાજુએ જોયું. હૉલની બરાબર વચ્ચે લાકડાનું ટેબલ હતું. ટેબલ પર એક નાનકડું સ્ટૂલ અને એની બરાબર ઉપર છતમાં રહેલા પંખા સાથે એક જાડી પ્લાસ્ટિકની કપડાં ધોવાની દોરી બાંધી હતી. દોરીના છેડે એક મજબૂત ગાળિયો બનીને તૈયાર હતો.
હા, તેણે નક્કી કરી લીધું હતું કે આજે જીવનનો અંત લાવવો અને એ માટેની બધી તૈયારી પણ કરી લીધી હતી. પોતાના સેવિંગ્સ અકાઉન્ટની પાસબુકથી માંડીને વિલ, બધાં બિલ એકદમ વ્યવસ્થિત રીતે ટેબલ પર ગોઠવી દીધાં હતાં અને સુસાઇડ-નોટ પણ તરત જ નજરે પડે એ રીતે મૂકી દીધી હતી.
‘મારા સુસાઇડ પાછળ કોઈ જવાબદાર નથી, મને કોઈએ માનસિક ત્રાસ આપ્યો નથી, મારે કોઈ સાથે દુશ્મની નથી એટલે મારા મર્યા પછી કોઈને ખોટી રીતે હેરાન કરવા નહીં. મારી લાશ મળ્યા પછી છાજિયાં લેવાની પણ જરૂર નથી, કારણ કે હું સ્વેચ્છાએ જઉં છું. મારી લાશ મળે એટલે સીધી પોલીસને જાણ કરવી અને પોલીસને કહી દેવું કે KEM હૉસ્પિટલ પાસે જે નરોત્તમ પલાણ છે, જે લાવારિસ લાશનો નિકાલ કરે છે તે નિકાલ કરી નાખે. મારી લાશનો નિકાલ કરવા માટે તેને ૨૦૦૦ રૂપિયા આપવા, જે આ સુસાઇડ-નોટ સાથે મૂક્યા છે. મારી પાછળ કોઈએ આવજો કહેવું નહીં, કારણ કે મારે પાછા આવવું નથી અને હું કોઈને આવજો કહીશ નહીં તો પણ તમે લોકો ત્યાં ઉપર આવવાના જ છો એટલે તમને લોકોને આવજો કહેવાનો નથી.’
જીવનનો અંત લાવતાં પહેલાં લખાયેલી આ સુસાઇડ-નોટમાં પણ તે માણસની ખડૂસ અને નિયમબદ્ધ પ્રકૃતિ છલકાતી હતી અને તેને એનાથી ફરક પડતો નહોતો.
રુક્મિણીના ફોટો પાસેથી તે માણસ ખસ્યો અને ધીમેકથી ટેબલ પર ચડ્યો. ત્યાંથી સ્ટૂલ પર પગ મૂક્યો. તેના હાથ ધ્રૂજતા નહોતા. તેના મનમાં કોઈ ડર નહોતો. માત્ર થાક હતો, જીવવાનો થાક. તેણે પોતાના બન્ને હાથ ઊંચા કર્યા અને ગાળિયાને પકડીને પોતાના માથા પરથી નીચે ઉતારીને ગરદન પર લીધો. દોરડું તેના ગળાની ચામડીને સ્પર્શ્યું. તેણે આંખો બંધ કરી અને રુક્મિણીનો હસતો ચહેરો યાદ કર્યો. 
બસ, હવે માત્ર એક લાત મારવાની હતી અને સ્ટૂલને નીચે પાડવાનું હતું.
એક... બે... અને...
‘ધડામમમમ!’
મનમાંથી ૩ નીકળે એ પહેલાં જ ફ્લૅટની બહાર પૅસેજમાં કોઈ સામાન જમીન પર પછડાયો. બૅગ પછડાવાનો અવાજ એટલો પ્રચંડ હતો કે ફ્લૅટ-નંબર ૬૦૨માં રહેલી વ્યક્તિની આંખો ખૂલી ગઈ અને તેના કાનમાં બહારથી ડાયલૉગ આવ્યો.
‘અરે સાચવીને મૂકો! એમાં કાચનો સામાન છે, તમારા બાપનો નથી!’ 
અવાજ કોઈ છોકરીનો હતો, જેમાં ગુસ્સો ઉમેરાયેલો હતો.
પેલા માણસના ગળામાં ગળાફાંસો હતો. તેની આંખોમાં ગુસ્સો ઊતરી આવ્યો.
‘કાય નૉનસેન્સ ચાલલાય હે!’ તેનો બબડાટ બહાર આવી ગયો, ‘સાલ્લાઓ, શાંતિથી મરવા પણ દેતા નથી...’
‘મૅડમ, તમે બોલવામાં ધ્યાન રાખો...’ હવે તેના કાનમાં બીજો અવાજ આવ્યો, ‘ખોટી દાદાગીરી ન કરો...’
‘દાદાગીરી નહીં, દાદીગીરી...’ ફરી છોકરીનો અવાજ આવ્યો, ‘પહેલેથી કહ્યું હતું કે સામાન જાળવીને લઈ જા અને તો પણ તું...’
‘માયલા...’
રૂમમાં પેલા બુઢ્ઢાએ ગળામાંથી ફાંસો કાઢ્યો. અત્યારે મરવા કરતાં બહાર જે પણ મૂર્ખ મોટા અવાજે વાતો કરતા હતા તેમને બે લાફા મારવાનું તેને વધારે ઉચિત લાગ્યું. તે ધૂંઆપૂંઆ થતો સ્ટૂલ પરથી નીચે ઊતર્યો અને ઝાટકા સાથે ફ્લૅટનો દરવાજો ખોલ્યો. પૉર્ચનું દૃશ્ય જોઈને તે બુઢ્ઢો એક સેકન્ડ માટે થંભી ગયો.
૬૦૧ નંબરના ફ્લૅટનો દરવાજો ખુલ્લો હતો. જમીન પર સામાન મૂકીને એક માણસ હાંફતો હતો અને તેની સામે, કમર પર હાથ રાખીને મૈત્રી ઊભી હતી.
‘તમને ખબર નથી પડતી, એક વાર કીધું કે ધીમે મૂકો. આ બધું ડૅમેજ થશે તો હું એક રૂપિયો નહીં આપું!’ 
મૈત્રી રીતસર બરાડતી હતી. 
પેલા બુઢ્ઢાનો ચહેરો તંગ થયો અને તેણે મૈત્રીની સામે જોયું.
‘એય છોકરી! આ રેસિડેન્શિયલ સોસાયટી છે. અહીં ઊંચા અવાજે વાત કરવાની મનાઈ છે...’ બુઢ્ઢાએ મૈત્રીના સામાન તરફ જોયું, ‘આ બધું શું પડ્યું છે?’
સામાન્ય રીતે કોઈ પણ નવી આવેલી વ્યક્તિ આવા ખડૂસ પાડોશીને જોઈને ડરી જાય અને માફી માગી લે, પણ મૈત્રીના ફેસ પર એવો કોઈ ભાવ આવ્યો નહોતો. ઊલટું તેની આંખોમાં ચમકારો આવી ગયો હતો. તે બુઢ્ઢા તરફ ફરી. 
‘સારું થયું તમે આવી ગયા!’ મૈત્રીના અવાજમાં નરમાશ હતી, ‘આ જુઓ, આ માણસ છોકરીને એકલી જોઈને કેવો હેરાન કરે છે? મારા પર ગુસ્સો કરવાને બદલે તમે તેને આડે હાથ લો. સમજાવો કે આમ કોઈ છોકરી સાથે ન કરાય...’
બુઢ્ઢો પહેલાં તો અવાક થઈ ગયો. એક અજાણી છોકરીએ તેને બાઉન્સર બનાવી દીધો. જોકે એ સમયે તો બુઢ્ઢાનો પિત્તો પેલા ડ્રાઇવર પર છટક્યો.
‘કાય રે!’ બુઢ્ઢાએ ડ્રાઇવર સામે જોયું, ‘સમઝતો કા નાહી? એક બાઈ માણસલા અસા તરાસ દેતા? સામાન અંદર ઠેવ, આણિ ચાલતા વ્હા ઇથુન...’
વાત આગળ વધે એ પહેલાં ડ્રાઇવર મૈત્રીનો સામાન અંદર મૂકવામાં લાગી ગયો અને મૈત્રીના ફેસ પર સ્માઇલ આવી ગયું.
‘થૅન્ક યુ...’
મૈત્રી પાછળ ફરીને મનમાં આવેલા આ શબ્દો કહે એ પહેલાં તો તેના ફેસ પર દરવાજો અથડાયો.
ધડામ...
 
(ક્રમશ:)


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 04:09 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK