સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે ફ્લૅટનો કબજો સ્વીકારવાથી વિલંબથી ઉદ્ભવતા દાવાઓ આપમેળે સમાપ્ત થતા નથી
સુપ્રીમ કોર્ટ
ફ્લૅટના માલિકના અધિકારોના મુદ્દે સુપ્રીમ કોર્ટે એક અસાધારણ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે ફ્લૅટનો કબજો લીધા બાદ પણ ફ્લૅટ ખરીદનારો મોડી ડિલિવરી માટે વળતરનો દાવો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે ફ્લૅટનો કબજો સ્વીકારવાથી વિલંબથી ઉદ્ભવતા દાવાઓ આપમેળે સમાપ્ત થતા નથી. નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC)એ એક અરજી ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ફરિયાદી જ્યારે ફ્લૅટનો કબજો મેળવી લે છે પછી તે ગ્રાહક રહેતો નથી.
ફ્લૅટધારક કબજા પછી પણ ફ્લૅટની વિલંબિત ડિલિવરી માટે વળતર માગી શકે છે. બેન્ચે નોંધ્યું હતું કે શું ખરેખર વિલંબ થયો હતો, એના માટે કોણ જવાબદાર હતું અને વળતરની ખાતરી છે કે કેમ એ મુદ્દાઓ પર યોગ્યતાના આધારે નિર્ણય લેવાની જરૂર છે.
ADVERTISEMENT
આ ચુકાદો ટી.કે.એ. પદમનાભન વિરુદ્ધ અભિયાન કો-ઑપરેટિવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિમિટેડના કેસમાં આવ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ વી. મોહનની બનેલી બેન્ચે NCDRCના આદેશને પડકારતી અપીલની તપાસ કરી હતી અને પછી રિવિઝન અરજી ફગાવી દીધી હતી. NCDRCએ ચુકાદો આપ્યો હતો કે ફ્લૅટધારકે પહેલાં જ ફ્લૅટનો કબજો લઈ લીધો હોવાથી હવે તે ગ્રાહક તરીકે લાયક નથી. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે ફરિયાદનો હેતુ મિલકતનો કબજો મેળવવાનો નહોતો, પરંતુ એ સમયગાળા માટે વળતર મેળવવાનો હતો જે દરમ્યાન કબજો લેવામાં વિલંબ થયો હતો. કોર્ટે કહ્યું કે આવા દાવાઓ કબજો મળ્યા પછી પણ ટકી રહે છે.
