સોસાયટીના ગેટ પાસે બ્લૅક કલરની આઉડી આવીને ઊભી રહી અને કારમાંથી બે માણસો બહાર આવ્યા. એક હતો રાહુલનો મોટો ભાઈ કેતન અને બીજો હતો ઍડ્વોકેટ. કેતનને મેટ્રન પાસેથી મૈત્રીનું ઍડ્રેસ મળ્યું હતું.
ઇલસ્ટ્રેશન
‘મને એક પણ જાતનું નાટક જોઈતું નથી છોકરી, સીધી વાત. જવાબ આપ... આ બધું છે શું? તું છે કોણ? અહીં શું કામ આવી છે?’
સવારે ફાફડા અને જલેબી આપવા આવેલી મૈત્રીનો હાથ પકડીને ભગવાનરાવે ઘરમાં બેસાડી દીધી હતી. ભગવાનરાવના અવાજમાં વજન હતું અને તેમના ફેસ પર ગુસ્સો પણ હતો.
ADVERTISEMENT
‘અહીંથી તને ત્યાં સુધી જવા નહીં મળે જ્યાં સુધી તું બધેબધું સાચું નહીં બોલે. કોણ છે તું?’
‘હું શું કહું? એવું કંઈ છે જ નહીં કે મારે છુપાવવું પડે.’
‘આ રાહુલ કોણ છે?’ ભગવાનરાવનો અવાજ મોટો થયો, ‘પેલી નર્સ શું બોલતી હતી, એ રાતનું...’
‘તમે લિમિટ ક્રૉસ કરો છો સર... મારે તમારી સાથે વાત નથી કરવી.’ મૈત્રી ઊભી થવા ગઈ, ‘હું જાઉં છું. તમારે ખાવું હોય તો ખાજો, ફેંકવું હોય તો ફેંકજો... ને...’
‘ને મરવું હોય તો મરજો...’ મૈત્રીએ ઝાટકા સાથે ભગવાનરાવ સામે જોયું, ‘બોલી નાખ, મનમાં એ જ હતુંને? બોલ... છૂટ છે.’
‘હા, એવું રાખો. તમને તમારી મરજીથી બધું કરવા મળશે.’
‘કરીશ, પણ પહેલાં મને કહે કે પેલા રાહુલનું શું છે?’ ભગવાનરાવે મૈત્રીનો હાથ પકડ્યો, ‘જવાબ દે...’
મૈત્રીની આંખો ભીની થઈ અને ભગવાનરાવ ઢીલા પડી ગયા.
‘તું બેસ... પાણી પી. પછી મને વાત કર... બધું કહે...’
ભગવાનરાવ પાણીનો ગ્લાસ ભરી આવ્યા. મૈત્રીએ પાણીનો એક ઘૂંટડો પીધો, ઊંડો શ્વાસ લીધો અને પોતાના ભૂતકાળના એ બંધ દરવાજા ખોલવાનું શરૂ કર્યું, જે તેણે આજ સુધી બંધ રાખ્યા હતા.
lll
‘રાહુલ ડૉક્ટર હતો. અમે મૅરેજ નહોતાં કર્યાં, પણ સાથે રહેતાં હતાં. મારી ફૅમિલીને અમારા રિલેશન મંજૂર નહોતા, કારણ કે રાહુલ દલિત હતો. પણ હા, રાહુલની ફૅમિલી બહુ શ્રીમંત હતી. જોકે મારી ફૅમિલીને કાસ્ટની સામે પ્રૉબ્લેમ હતો. એક દિવસ મેં ઘર છોડી દીધું અને રાહુલે પણ ઘર છોડી દીધું. અમને મૅરેજનાં કોઈ સર્ટિફિકેટની જરૂર નહોતી એટલે અમે હસબન્ડ-વાઇફની જેમ સાથે રહેવા લાગ્યાં અને એ દિવસોમાં જ હું પ્રેગ્નન્ટ થઈ, પણ...’ મૈત્રીના અવાજમાં આંસુ ઉમેરાયાં, ‘એ જ મહિનાથી અમારા પ્રૉબ્લેમ શરૂ થયા. રાહુલની હેલ્થ અચાનક જ બગડી. રિપોર્ટ્સ કરાવ્યા તો ખબર પડી... રાહુલને ઍડ્વાન્સ સ્ટેજનું પૅન્ક્રિએટિક કૅન્સર છે. રાહુલ પાસે એકાદ વર્ષ માંડ હતું.’
મૈત્રીની આંખોમાંથી ક્યારે આંસુ નીકળવા માંડ્યાં એની પણ તેને ખબર નહોતી.
‘રાહુલ સર્જ્યન હતો. તેને ખબર હતી કે તેની સાથે હવે શું થવાનું છે. તે જોતો કે હું આખો દિવસ ઑફિસનું કામ કરું અને એ બધા વચ્ચે બનતી બધી હેલ્પ તેને કરું. પૈસા પાણીની જેમ જતા. કીમોથેરપીનાં સેશન્સમાં અમારું બધું સેવિંગ્સ ખર્ચાઈ ગયું. રાહુલથી મારી હાલત જોવાતી નહોતી. તે એક જ વાત કરતો કે હું તારા પર બોજ છું, મારા પછી તારું અને બાળકના ફ્યુચરનું શું?’
‘બધા પોતપોતાનું ભવિષ્ય લખાવીને આવે જ છે...’ ભગવાનરાવથી બોલી જવાયું,
પણ પછી તરત તેમણે પૂછ્યું, ‘પછી શું થયું?’
‘હું... હું ટ્રાય કરું કે રાહુલ એ દિશામાં વિચાર ન કરે... પણ મનમાં શું ચાલે છે એ કેવી રીતે ખબર પડવાની?’ મૈત્રીએ ખાલી નજરે દીવાલ તરફ જોયું, ‘એક રાતે હું થાકીને સૂઈ ગઈ અને રાહુલે... રાહુલે પોતાની મેડિકલ કિટમાંથી ઍનેસ્થેસિયા અને મૉર્ફિનનાં હેવી ડોઝનાં ઇન્જેક્શન લઈ લીધાં
અને... સવારે હું જાગી ત્યારે તે નીકળી ગયો હતો, ઉપર... હાથમાં એક ચિઠ્ઠી હતી.’
lll
મૈત્રી,
મારા કારણે તારી અને આવનારા બાળકની જિંદગી ખરાબ થાય એવું હું નથી ઇચ્છતો એટલે હું જાઉં છું. હવે આપણાં સપનાંની જવાબદારી તારી. મારી ઇન્શ્યૉરન્સ પૉલિસીની જે રકમ આવે એનાથી તું આપણા બાળકને મોટું કરજે અને...
અને મને માફ કરજે.
અધૂરા સાથ માટે અને આપેલી આ જવાબદારી માટે સૉરી.
lll
મૈત્રીના મોઢે ચિઠ્ઠી સાંભળીને ભગવાનરાવ થીજી ગયા.
એક પતિએ પોતાની પત્નીને, બાળકને આર્થિક અને માનસિક દર્દમાંથી બચાવવા પોતાના જ હાથે પોતાનો જીવ લઈ લીધો.
‘વાત ત્યાં જ પૂરી નહોતી થઈ...’ મૈત્રીએ કડવાશથી કહ્યું, ‘રાહુલના ડેથ પછી તેના ભાઈ કેતને પોલીસમાં ફરિયાદ કરી કે મારા ખરાબ કૅરૅક્ટરને લીધે રાહુલે સુસાઇડ કર્યું. એ લોકોએ રાહુલના અંતિમ સંસ્કારમાં પણ જવા ન દીધી. મારી ફૅમિલીએ પણ એવું કહીને મને કાઢી મૂકી કે તારે લીધે સમાજમાં અમારે નીચું જોવાનું થયું. પહેલાં તો મન થયું કે હું પણ રાહુલ જેવો જ રસ્તો લઉં, પણ...’
મૈત્રીએ પેટ પર હાથ મૂક્યો.
‘આને લીધે હું અટકી ગઈ અને પછી અહીં, આ સોસાયટીમાં રહેવા આવી ગઈ.’ મૈત્રીથી હવે આંસુ રોકાતાં નહોતાં, ‘હું... હું બહુ ડરપોક છું. બસ, ખાલી ઉપરથી દેખાડું કે હું ફાઇટર છું, પણ રિયલમાં તો હું... બસ, આ ફાઇટ મારી આ બાળક પૂરતી જ છે.’
‘ના, તું ડરપોક નથી... તું કાયર નથી.’ ભગવાનરાવની આંખો પણ ભીની થઈ ગઈ હતી, ‘રુક્મિણી તો કુદરતી રીતે મરી અને તો પણ હું તેની પાછળ મરવા નીકળ્યો અને તું... તું તો છોકરી બહાદુર છે. દુનિયા સામે લડે છે અને એ પણ પેટમાં જીવ લઈને... તું... તું... તું તો બહાદુર બચ્ચો છે...’
ભગવાનરાવે મૈત્રીને હાથ જોડી દીધા, અનાયાસ જ.
‘હવે તારે હારવાનું નથી, કોઈથી ડરવાનું નથી અને આમ સંતાઈને પણ રહેવાનું નથી. આજથી આ મરાઠી તારો બાપ. જોઉં છું કયો કૂતરો તારી સામે આંગળી ચીંધે છે. બસ, એટલું યાદ રાખજે કે તારા રાહુલને ખબર હતી કે તું આ... આ બાળકને સાચવી શકીશ એટલે તો તે ગયો... ચિંતા મૂકીને ગયો. બસ, હવે તેને ચિંતા કરાવતી નહીં.’
એ રાતે પહેલી વાર, પહેલી વાર ભગવાનરાવ પોતાના ફ્લૅટનો દરવાજો સાવ ખુલ્લો રાખીને સૂતા. કાશ, મૈત્રીને રાતે કંઈ જરૂર પડે તો...
lll
સોસાયટીના ગેટ પાસે બ્લૅક કલરની આઉડી આવીને ઊભી રહી અને કારમાંથી બે માણસો બહાર આવ્યા. એક હતો રાહુલનો મોટો ભાઈ કેતન અને બીજો હતો ઍડ્વોકેટ. કેતનને મેટ્રન પાસેથી મૈત્રીનું ઍડ્રેસ મળ્યું હતું.
ઠક... ઠક... ઠક...
કેતને મૈત્રીના ફ્લૅટનો દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું.
‘એય છોકરી, દરવાજો ખોલ! મને ખબર છે તું અંદર છે...’
કેતનનો અવાજ મૈત્રી પળવારમાં ઓળખી ગઈ. તેના શરીરમાં લખલખું પસાર થઈ ગયું. જેનાથી ભાગીને તે છેક અહીં, અજાણી દુનિયામાં આવીને રહેતી હતી તે જ માણસ અત્યારે ઘરની બહાર આવીને ઊભો હતો.
ઠક... ઠક... ઠક...
એકધારા ઠોકાતો દરવાજો ખોલ્યા વિના હવે મૈત્રી પાસે છૂટકો નહોતો એટલે તેણે દરવાજો ખોલ્યો કે તરત કેતને ધક્કો મારીને દરવાજો ખોલી નાખ્યો અને અંદર ઘૂસી ગયો.
‘કેમ ભાગતી ફરે છે? શું હતું તને, અમે તને છોડી દઈશું?’
‘તમારે... તમારે કામ શું છે?’
‘સાઇન કરવાની છે...’ કેતને કહ્યું, ‘રાહુલની બે કરોડની ઇન્શ્યૉરન્સની પૉલિસીમાં નૉમિની તું છે... પેપર્સ લાવ્યો છું, ચૂપચાપ આના પર સહી કરી દે.’
વકીલે પેપર્સ આગળ કર્યાં કે તરત મૈત્રીએ હાથ જોડ્યા.
‘હું સહી નહીં કરું... એ પૈસા અમારા બાળકના ફ્યુચર માટે છે...’
હાહાહા...
કેતને ક્રૂર અટ્ટહાસ્ય કર્યું.
‘કયું બાળક? આ... જેને લીધે રાહુલે મરવું પડ્યું?’ કેતન આગળ આવ્યો, ‘જો તારે નિરાંતે જીવવું હોય તો ચૂપચાપ સહી કર, નહીં તો હું કેસ રીઓપન કરીશ કે મરવા માટે તેં જ રાહુલને મજબૂર કર્યો. તું જેલમાં જઈશ... અને તારે આ છોકરું આર્થર રોડ જેલમાં મોટું કરવું પડશે...’
મૈત્રીના આખા શરીરે પરસેવો વળવા માંડ્યો. તેના પેટમાં હળવી ચૂંક ઊપડી, પણ તેણે એને દબાવી રાખી. તે લાચાર નજરે વકીલ અને કેતનની સામે જોઈ રહી.
‘પ્લીઝ...’
‘કર સહી અત્યારે જ...’
કેતને મૈત્રીના હાથમાં પેન મૂકી અને એ જ વખતે અવાજ આવ્યો...
‘કોની પરમિશનથી તું આવ્યો?’
કેતન અને વકીલે પાછળ જોયું. ફ્લૅટ-નંબર ૬૦૨ના દરવાજે ભગવાનરાવ ઊભા હતા. તેમના હાથમાં મજબૂત, જાડો દંડો હતો. તેમની આંખો લાલઘૂમ હતી.
‘વડીલ, આ અમારી ફૅમિલી મૅટર છે... તમે વચ્ચે નહીં પડો...’
સટિંગ...
ભગવાનરાવે દંડાનો સણસણતો ફટકો કેતનના ઘૂંટણ પર માર્યો.
‘આઆઆહહ!’
કેતનની ચીસ નીકળી ગઈ અને જમીન પર બેસી ગયો. વકીલ તો બીકનો માર્યો પાછળ ખસી ગયો.
દંડાની અણી ભગવાનરાવે કેતનની છાતી પર મૂકી.
‘બેટા, પશ્ચિમ રેલવેમાં ૩૦ વર્ષ મજદૂર યુનિયનનો પ્રેસિડન્ટ રહ્યો છું. મારા એક ફોને મુંબઈની લોકલ બંધ થઈ જતી. અત્યારે જો ચર્ચગેટ સ્ટેશન ફોન કરીશ તો કલાકમાં બે હજાર કૂલીઓ અહીં આવી જશે અને તને કાચેકાચો ખાઈ જશે.’
ભગવાનરાવે વકીલ તરફ નજર ફેરવી.
‘એય કાળા કોટ, ઇન્ડિયન પીનલ કોડની ૩૫૪ અને ૫૦૩ નંબરની કલમ વાંચી છેને? ગર્ભવતી અને એકલી સ્ત્રીને ડરાવવી, ધમકાવવી અને એક્સ્ટૉર્શન માગવું એ નૉન-બેલેબલ ઑફેન્સ છે. જો અત્યારે પોલીસને બોલાવીશ તો તારી સનદ જશે અને આખી જિંદગી આર્થર રોડ જેલમાં સડવું પડશે...’
ક્લાયન્ટને પડતો મૂકીને વકીલ સીધો નીચેની તરફ ભાગ્યો.
‘આ છોકરીને જિવાડવા માટે રાહુલ પોતે મરી ગયો... અને હવે તમે તેના પૈસા પર નજર નાખવા આવ્યા?’ ભગવાનરાવે કેતનને ઊભો કર્યો, ‘નીકળ... બીજી વાર આ બાજુ દેખાતો નહીં... ભાગ...’
ભગવાનરાવે કેતનને એવો ધક્કો માર્યો કે તે સીધો પૅસેજની દીવાલ સાથે અથડાયો.
‘નીકળ...’
ભગવાનરાવના અવાજે કેતનના ધબકારા વધારી દીધા અને તે પણ નીચે ભાગ્યો.
પૅસેજમાં ફરી શાંતિ છવાઈ ગઈ.
‘ડરતી નહીં, હું બેઠો છું...’
દંડો લઈને ભગવાનરાવ પોતાના ઘર તરફ આગળ વધ્યા, પણ પીઠ પર જવાબ આવ્યો નહીં એટલે મેઇન ડોર પાસે જઈને તે ઊભા રહીને પાછળ ફર્યા અને તેમની આંખો ફાટી ગઈ.
મૈત્રી દીવાલના ટેકે ઊભી હતી, તેના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ હતી અને તેણે બન્ને હાથ પેટ પર દબાવ્યા હતા...
‘મને...’
મૈત્રીએ ધીમેથી નજર જમીન તરફ કરી અને ભગવાનરાવની નજર પણ મૈત્રીના પગ પાસે ગઈ. પગ પાસેની જમીન જોઈને તેમના હોશ ઊડી ગયા. મૈત્રીના પગ પાસે જમીન પર રક્તમિિશ્રત પાણીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. કેતનના માનસિક ત્રાસ અને આઘાતને કારણે મૈત્રીની ઍમ્નિઑટિક સૅક ફાટી ગઈ હતી. મૈત્રીને ડિલિવરીનો અસહ્ય દુખાવો શરૂ થઈ ગયો હતો.
‘મારું બાળક... પ્લીઝ...’
મૈત્રીની આંખો મીંચાઈ ગઈ અને ભગવાનરાવે તરત તેને પકડી લીધી.
ભગવાનરાવના હાથ ધ્રૂજતા હતા.
એક તરફ આઠમા મહિનાની પ્રી-મૅચ્યોર ડિલિવરીનો ખતરો હતો તો બીજી તરફ લોહીલુહાણ હાલતમાં પડેલી મૈત્રી, જેણે મરવા માગતા માણસને જિંદગી સાથે દોસ્તી કરતાં શીખવવા માંડ્યું હતું અને એ પણ સાવ અજાણતાં.
(ક્રમશ:)
