તાજેતરમાં આૅન્ટ્રપ્રનર અને શાર્ક ટૅન્કનાં ઇન્વેસ્ટર નમિતા થાપરે એક વાત શૅર કરતાં કહ્યું હતું કે સોયા સૉસને કારણે તેમને વૉટર રિટેન્શનની સમસ્યા થાય છે અને સોજા આવી જાય છે
પ્રતીકાત્મક તસવીર
માત્ર ચાઇનીઝ ફૂડ જ નહીં, જેમાં સોડિયમ વધુ હોય એવી કોઈ પણ ચીજ ખાવાથી શરીરમાં વધારાનું પાણી જમા થવાની સમસ્યા થાય છે. શરીરમાં સોજા ન ભરાય એ માટે ભોજન અને જીવનશૈલીમાં કેવા ફેરફાર કરવા જોઈએ એ નિષ્ણાત પાસેથી જાણીએ.
ઇન્ડિયન-ચાઇનીઝ ક્વિઝિનનું મહત્ત્વનું ઇન્ગ્રીડિઅન્ટ ગણાતું અને જેનો ઉપયોગ છૂટથી થાય છે એ સોયા સૉસ શું શરીરમાં વૉટર રિટેન્શન વધારી શકે? થોડા દિવસ પહેલાં જ ઑન્ટ્રપ્રનર અને શાર્ક ટૅન્કનાં ઇન્વેસ્ટર નમિતા થાપરે સોશ્યલ મીડિયા પર એક વાત શૅર કરતાં કહ્યું હતું કે ‘મેં ચાઇનીઝ ખાવાનું બંધ કરી દીધું છે. સોયા સૉસને કારણે મને ખૂબ જ વૉટર રિટેન્શન થાય છે. પેરિમેનોપૉઝ પહેલાં મને આવી કોઈ સમસ્યા નહોતી.’
ADVERTISEMENT
આજે આપણે ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર પાસેથી જાણી લઈએ કે વૉટર રિટેન્શન એટલે શું અને કઈ વસ્તુ ખાવાથી આ સમસ્યા વધી શકે?
વૉટર રિટેન્શન એટલે શું?
જેમ સ્પન્જમાં પાણી ભરાઈ રહે અને એ ફૂલી જાય એમ જ શરીરના કોષો કે પેશીઓની અંદર જ્યારે વધારાનું પાણી જમા થાય અને એ કુદરતી રીતે બહાર નીકળી ન શકે અને અંદર જ ભરાઈ રહે એ સ્થિતિને વૉટર રિટેન્શન કહેવાય છે.
સોડિયમ છે મુખ્ય સમસ્યા
સોયા સૉસમાં સોડિયમ ખૂબ વધારે હોય છે. સોડિયમ એટલે બેઝિકલી મીઠું, જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. ચાઇનીઝ વાનગીઓમાં સામાન્ય રીતે સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. શરીરમાં સોડિયમની કામ કરવાની એક ખાસ રીત હોય છે. સોડિયમ એક એવા ચુંબક જેવું કામ કરે છે જે શરીરમાં જ્યાં પણ હોય ત્યાં પાણીને પોતાના તરફ ખેંચી લે છે. આ કારણસર હાઈ બ્લડ-પ્રેશર, કૉલસ્ટરોલની સમસ્યા અથવા કિડનીના રોગોથી પીડાતા લોકોને સોડિયમનું પ્રમાણ નિયંત્રિત રાખવાની સલાહ આપવામાં આવે છે. વધુ સોડિયમ શરીરનું સંતુલન બગાડી શકે છે, જેના કારણે બ્લડ-પ્રેશર વધી શકે છે અને કોષોમાં પાણીનું પ્રમાણ પણ વધી શકે છે. તમે ઘણી વાર જોયું હશે કે જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી ત્યારે પગમાં, આંખોની નીચે અથવા શરીરના અન્ય ભાગોમાં સોજો આવી જાય છે. આ સ્થિતિને વૉટર રિટેન્શન અથવા ઇડિમા કહેવામાં આવે છે. શરીરમાં સોડિયમ અને પાણીનું સંતુલન ખોરવાય છે ત્યારે કિડનીને એને જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડે છે. કિડનીનું મુખ્ય કામ શરીરમાંથી નકામા પદાર્થોને બહાર કાઢવાનું છે, પરંતુ જ્યારે ખોરાકમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય ત્યારે કિડની શરીરમાં વધુ પાણી જાળવી રાખવાનું શરૂ કરે છે. એના પરિણામે વૉટર રિટેન્શનની સમસ્યા ઊભી થાય છે. દરમ્યાન સ્ત્રીઓના શરીરમાં હૉર્મોનલ ફેરફારોને કારણે તેઓ, ખાસ કરીને હૉર્મોનલ બદલાવ દરમ્યાન પુરુષો કરતાં વધુ સંવેદનશીલ હોય છે જે વૉટર રિટેન્શન જેવી સમસ્યાઓ પર પણ અસર કરે છે. સ્ત્રીઓના શરીરમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન નામનાં બે મુખ્ય હૉર્મોન્સ હોય છે જે શરીરનું સંતુલન જાળવી રાખે છે. પેરિમેનોપૉઝ અને મેનોપૉઝ જેવા તબક્કાઓ દરમ્યાન આ હૉર્મોન્સના સ્તરમાં થતા ફેરફારોને કારણે સ્ત્રીઓ મીઠાવાળા ખોરાક પ્રત્યે વધુ સંવેદનશીલ બને છે.
લક્ષણો ઓળખવાં જરૂરી
વૉટર રિટેન્શન શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. સૌથી પહેલાં જરૂરી છે કે તમે તમારા શરીરમાં થતા નાના-મોટા ફેરફારો પર ધ્યાન આપવાનું શરૂ કરો. ઘણી વાર આપણે દેખાવમાં કે અનુભવમાં થતા ફેરફારોને સામાન્ય સમજીને અવગણી દઈએ છીએ, પરંતુ શરીરના આવા સંકેતોને ગંભીરતાથી લેવા જોઈએ. વૉટર રિટેન્શનનું એક સામાન્ય લક્ષણ છે આંખોની આસપાસ, ખાસ કરીને આંખોની નીચે પફીનેસ દેખાવું. ઘણા લોકોને સવારે ઊઠ્યા પછી આંખોની નીચે સોજાનો અનુભવ થતો હોય છે. એને હંમેશાં સામાન્ય ગણીને અવગણવો યોગ્ય નથી, કારણ કે એ શરીરમાં વધારાનું પાણી જમા થવાનો સંકેત હોઈ શકે છે. આંગળીઓ કે કાંડામાં સોજો આવવો પણ એક સામાન્ય લક્ષણ છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમની રિંગ અથવા બંગડીઓ અચાનક ટાઇટ થઈ જાય છે અને થોડા કલાકો પછી ફરી સામાન્ય લાગે છે. આવું થવું પણ વૉટર રિટેન્શન સાથે જોડાયેલું હોઈ શકે છે. એ જ રીતે પગની પાની, ઘૂંટી, પિંડીમાં સોજો દેખાવો પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. બ્લોટિંગ અથવા અસ્વસ્થતા અનુભવવી પણ વૉટર રિટેન્શનના સંકેતો હોઈ શકે છે. શરીરમાં સતત ભારેપણું લાગવું, ઊર્જાનો અભાવ અનુભવવો અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી જેવી સમસ્યાઓ પણ કેટલાક લોકોને થઈ શકે છે. ઘણી વાર બ્રેઇન ફૉગ એટલે કે વિચારવામાં સ્પષ્ટતા ન રહેવી અથવા કંઈ કરવાની ઇચ્છા ન થવી પણ અનુભવાઈ શકે છે. અચાનક વજન વધી જવું, એક-બે દિવસમાં વજનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળવો અથવા કપડાં અચાનક ટાઇટ લાગવા માંડવાં આ બધા વૉટર રિટેન્શનના સંકેતો હોઈ શકે છે. સામાન્ય રીતે આવા ફેરફારો ટેમ્પરરી હોય છે અને થોડા સમય પછી નૉર્મલ થઈ જાય છે; પરંતુ જો સોજો લાંબા સમય સુધી રહે, વારંવાર જોવા મળે અથવા એની સાથે અન્ય તકલીફો પણ હોય તો એને અવગણવો યોગ્ય નથી. સતત રહેતું વોટર રિટેન્શન કિડની, હૃદય અથવા લિવર સંબંધિત કેટલીક ગંભીર સમસ્યાઓ તરફ પણ સંકેત આપી શકે છે. તેથી આવાં લક્ષણો કન્સિસ્ટન્ટ્લી જણાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ફિઝિકલ ઍક્ટિવિટી ઇગ્નૉર ન કરતા
ડાયટની સાથે ફિઝિકલ ઍક્ટિવિટીનું પણ ધ્યાન રાખવું જોઈએ. એ વૉકિંગ, સાઇક્લિંગ, સ્ટ્રેચિંગ અથવા નિયમિત કસરત કંઈ પણ હોઈ શકે છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાને કારણે શરીરના અમુક ભાગોમાં પ્રવાહી જમા થવાની શક્યતા વધી શકે છે, જ્યારે નિયમિત હલનચલન રક્તપ્રવાહ સુધારવામાં અને શરીરને વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ કરે છે. એટલું જ નહીં, પૂરતી ઊંઘ અને સ્ટ્રેસ મૅનેજમેન્ટ પણ જરૂરી છે. જ્યારે તમે સતત તનાવમાં હો ત્યારે શરીરમાં કૉર્ટિસોલ નામનું હૉર્મોન વધે છે જે શરીરને સોડિયમ જાળવી રાખવા માટે પ્રેરિત કરી શકે છે. ઊંઘ દરમ્યાન શરીર પોતાની રિપેર અને રિકવરીની પ્રક્રિયા કરે છે એટલે ઊંઘની અછત પણ વૉટર રિટેન્શનની સમસ્યાને વધારી શકે છે.
સોડિયમ કઈ રીતે ઘૂસી જાય છે તમારી ડાયટમાં એ જાણી લો
ઘણી વાર આપણે જે ખાઈ રહ્યા હોઈએ એને માત્ર ફૂડના નામથી જ જજ કરીએ છીએ. જો થાળીમાં સૅલડ હોય તો તરત જ મનમાં આવી જાય કે આ તો હેલ્ધી વિકલ્પ છે, પરંતુ હકીકતમાં કોઈ પણ વાનગી કેટલી હેલ્ધી છે એ માત્ર એના નામથી નહીં પરંતુ એની અંદર શું-શું છે એના પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે સૅલડ. સૅલડમાં રહેલાં શાકભાજી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે; પરંતુ જ્યારે એમાં હની મસ્ટર્ડ, મેયોનીઝ, ચિલી, બાર્બિક્યુ કે સોયા સૉસ જેવા ડ્રેસિંગ્સ જેવા ઉમેરવામાં આવે છે ત્યારે એમાં સોડિયમ, સાકર અને અન્ય ઘટકોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી શકે છે. આપણા મનમાં હજી પણ એ સૅલડ જ હોય છે. પણ એમાં ખૂબ સોડિયમ હોય એવું બની શકે છે. એટલે જ ખોરાકને માત્ર એક રેસિપી તરીકે જોવાને બદલે એમાં વપરાતી સામગ્રી પર પણ નજર કરવી જરૂરી છે.
કોઈ પણ વાનગીમાં કઈ સામગ્રી છે, એ કેટલી માત્રામાં છે અને એ શરીર પર કેવી અસર કરી શકે છે એ સમજવાથી વધુ સારા નિર્ણયો લઈ શકાય છે. ઘણી વખત સમસ્યા ખોરાકમાં નહીં, એમાં છુપાયેલા એવા ઘટકોમાં હોય છે જે આપણને દેખાતા નથી પરંતુ શરીર પર અસર જરૂર કરે છે.
પૅકેટમાં મળતી મોટા ભાગની પ્રોસેસ્ડ વસ્તુઓમાં સોડિયમનું પ્રમાણ પ્રમાણમાં વધુ હોય છે. બિસ્કિટ્સ, ફરસાણ, ચિપ્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, રેડી-ટુ-ઇટ અને ડીહાઇડ્રેટેડ ફૂડ જેવી ઘણી વસ્તુઓમાં સ્વાદ વધારવા, શેલ્ફ-લાઇફ લંબાવવા અને ટેક્સ્ચર જાળવી રાખવા માટે વધારાનું મીઠું અથવા સોડિયમયુક્ત ઘટકો ઉમેરવામાં આવે છે.
આખા દિવસ દરમ્યાન અલગ-અલગ પૅકેજ્ડ ફૂડ ખાવાથી સોડિયમની માત્રા ધીમે-ધીમે વધતી જાય છે અને આપણને એનો ખ્યાલ પણ આવતો નથી. એટલે માત્ર આપણે ખોરાકમાં ઉપરથી કેટલું મીઠું ઉમેરીએ છીએ એ જ મહત્ત્વનું નથી, પરંતુ પૅકેજ્ડ ફૂડ દ્વારા કેટલું છુપાયેલું સોડિયમ શરીરમાં જઈ રહ્યું છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે. ખાસ કરીને જો વારંવાર વૉટર રિટેન્શન, બ્લોટિંગ અથવા અચાનક વજન વધવાની સમસ્યા રહેતી હોય તો આ બાબત પર ધ્યાન આપવું જોઈએ.
જમવાનો સ્વાદ વધારવા માટે માત્ર મીઠા પર આધાર રાખવાની જરૂર નથી. તમે વિવિધ મસાલા અને હર્બ્સનો ઉપયોગ કરીને પણ ખોરાકમાં ભરપૂર સ્વાદ અને સુગંધ ઉમેરી શકો છે. ઘણી વખત આવી વસ્તુઓનો ઉપયોગ વધારવાથી ખોરાકનો સ્વાદ જળવાઈ રહે છે અને વધારાના મીઠાની જરૂરિયાત પણ ઓછી થઈ જાય છે.
શરીરને હાઇડ્રેટેડ રાખો. વધારેમાં વધારે પાણી પીઓ. તમે જેટલું પાણી પીશો એનાથી કિડનીને એક્સ્ટ્રા સોડિયમ કાઢવામાં મદદ કરશે. ઉપરાંત પોટૅશિયમથી ભરપૂર વસ્તુઓ કેળાં, નારિયેળપાણી, લીલાં પાંદડાંવાળી શાકભાજી, શક્કરિયાં, દાળ અને કઠોળ વગેરેનું સેવન કરો. પોટૅશિયમ સોડિયમની અસરને ઓછી કરવામાં મદદ કરે છે. જો તમને હાર્ટ કે કિડની સંબંધિત ઇશ્યુ હોય તો પહેલાં ડૉક્ટરની સલાહ લઈને પછી જ પોટૅશિયમનું પ્રમાણ વધારવું જોઈએ.
