મમ્મીએ કહેલી વાતમાં કોઈ શંકા હતી જ નહીં. એકના એક દીકરાને બચાવવાની વાત હોય ત્યારે દુનિયાનાં કોઈ પણ માબાપ આ જ સ્ટેપ વિચારે અને લે પણ ખરાં.
ઇલસ્ટ્રેશન
‘ફોનમાં શું વાત થઈ એ મને કહેશો?’
‘તેણે સીધી જ વાત કરી અને કહ્યું કે ઋષભ અમારા કબજામાં છે, જો તમે ઇચ્છતા હો કે સલામત રહે તો અમને પૈસા આપવા પડશે.’
ADVERTISEMENT
‘શું ડિમાન્ડ કરી છે?’
‘ડિમાન્ડ એ લોકો પછી કહેવાના છે.’ જવાબ વિરલ મહેતાએ આપ્યો, ‘એ લોકોએ કહ્યું છે કે જો અમે પોલીસને ઇન્ફૉર્મ કરીશું તો એ લોકો ઋષભને...’
‘અમારે પોલીસ કમ્પ્લેઇન્ટ પાછી ખેંચવી હોય તો...’
શબ્દો દાદાના હતા પણ એ જ વાત પરિવારના ત્રણેત્રણ સભ્યોની આંખમાં હતી.
‘જુઓ, તમે કમ્પ્લેઇન્ટ પાછી લેશો તો નૅચરલી અમારે તમારો જવાબ લખાવવો પડશે અને એમાં તમે ખોટું બોલશો કે ઋષભ અમને મળી ગયો છે.’ ઇન્સ્પેક્ટર પાટીલે પ્રોસીજર સમજાવી, ‘તમે ખોટું બોલો અને હું સત્ય જાણતો હોઉં તો પણ પર્સનલી મને ફરક નથી પડતો પણ તમારો જવાબ મારે કોર્ટમાં પણ મૂકવાનો આવી શકે છે અને એ સમયે તમારે ઋષભને કોર્ટમાં રજૂ કરવો પડશે. ઋષભને સવાલ-જવાબ થશે અને નવા નિયમ મુજબ કોર્ટ દસ કે દસ વર્ષથી મોટી ઉંમરના બાળક સાથે સવાલ-જવાબ કરી શકે છે.’
એક નાનકડો પોઝ લઈ પાટીલે પાણીથી ગળું ભીનું કર્યું અને વાત આગળ વધારી.
‘ઋષભને તમારે ખોટું બોલતાં શીખવવું હોય તો તમે આ સ્ટેપ લઈ શકો છો.’
‘સર, અમને એ ચાલશે પણ અમારા દીકરા પર જોખમ આવે એ અમે કેવી રીતે સ્વીકારી શકીએ?’
મમ્મીએ કહેલી વાતમાં કોઈ શંકા હતી જ નહીં. એકના એક દીકરાને બચાવવાની વાત હોય ત્યારે દુનિયાનાં કોઈ પણ માબાપ આ જ સ્ટેપ વિચારે અને લે પણ ખરાં.
‘તમે નાહકના ગભરાઓ છો. મારી એક વાતની બાંહેધરી છે કે તમારા દીકરાને કંઈ નહીં થાય. જો તમે ઇચ્છતાં હશો કે તમારો દીકરો તમારી પાસે આવી જાય પછી પોલીસ ઍક્શન લે તો હું તમને પ્રૉમિસ કરું છું કે એવું જ થશે.’ પાટીલની આંખોમાં સચ્ચાઈ છલકાતી હતી, ‘તમારા સનને હું કશું નહીં થવા દઉં પણ તમે સમજો. આ રીતે પાછાં ફરશો તો આરોપી ક્યારેય તમારી સામે નહીં આવે અને તમે જિંદગીભર કાં તો બધા પર શક કરતાં રહેશો અને કાં તો તમે બીજાનાં બાળકોને પણ જોખમમાં મૂકશો.’
‘સર, અમારી વાત ક્લિયર છે. અમને અમારો ઋષભ પાછો જોઈએ છે. જો તમે અમને સહકાર આપવા તૈયાર હો તો અમે તમને સપોર્ટ કરવા રેડી છીએ.’
‘પ્રૉમિસ...’ ઇન્સ્પેક્ટર પાટીલે હાથ લંબાવ્યો, ‘જેન્ટલમૅન્સ વર્ડ. ઋષભ પાછો ન આવે ત્યાં સુધી હવે અમે કોઈ અહીં નહીં આવીએ. ટ્રસ્ટ રાખજો અને એટલો જ ટ્રસ્ટ તમે પણ જાળવજો કે તમને જે કોઈ અપડેટ મળે એ તમે મને પાસ કરશો.’
પપ્પાએ પણ પાટીલ સામે હાથ લંબાવ્યો અને પાટીલ ઘરેથી રવાના થયો.
એ રાતે પપ્પા અને પાટીલ બન્ને એવું ધારતા રહ્યા કે ઋષભ હવે ઘરે જલદી પાછો આવશે પણ એ તેમનો ઓવર-કૉન્ફિડન્સ છે એવી તેમને ક્યાં ખબર હતી?
lll
અમને પચીસ લાખ જોઈએ છે, દુબઈની કરન્સીમાં.
lll
‘વહેલી સવારે પોણા પાંચ વાગ્યે આ મેસેજ આવ્યો. અમે તરત જ સામે રિપ્લાય કર્યો પણ હવે મેસેજ ડિલિવર નથી થતા. સિંગલ માર્ક જ રહે છે.’
ઇન્સ્પેક્ટર પાટીલને મળવા માટે મમ્મી-પપ્પા કૅફેમાં આવ્યાં હતાં.
‘તમે શું લખ્યું?’
‘એ જ કે એ પૉસિબલ નથી...’ પપ્પાએ ચોખવટ કરી, ‘એટલે એમ કે દુબઈની કરન્સી જે દિરહામ છે એ પચીસ લાખની મળે એ પૉસિબલ નથી. તમે ઇન્ડિયન કરન્સીમાં જેટલી રકમ માગો એ અમે કરી આપવા તૈયાર છીએ.’
‘સર, એ લોકો દુબઈમાં છે તો આપણે દુબઈ ગવર્નમેન્ટની હેલ્પ લઈ શકીએ?’
સવાલ મમ્મીનો હતો પણ ઇન્સ્પેક્ટર પાટીલે જવાબ પપ્પાને આપ્યો.
‘મિસ્ટર મહેતા, કિડનૅપિંગ સાથે જોડાયેલાઓની એક ખાસિયત હોય છે. એ લોકો જ્યાં ન હોય એ જગ્યાની હિન્ટ આપવાની કોશિશ કરે. સેકન્ડ્લી, આટલા સમયમાં એ લોકો દુબઈ પહોંચી જાય એ વાતમાં માલ નથી અને ત્રીજી વાત, એ લોકો સાથે તમારો દીકરો છે અને તમારે ભૂલવું ન જોઈએ, દીકરાને દુબઈ લઈ જવા માટે પાસપોર્ટ જોઈએ જે હું માનું છું કે દીકરો ઘરમાંથી નહીં લઈ ગયો હોય.’
‘પૉસિબલ જ નથી કારણ કે પાસપોર્ટ મારા વોલ્ટમાં છે અને એનો પાસવર્ડ મારા અને મીરા બે જ પાસે છે.’
‘સિમ્પલ છે, એ લોકો પચીસ લાખ રૂપિયાના દિરહામ એટલા માટે ડિમાન્ડ કરે છે કે પૈસા લાવવા-લઈ જવામાં સરળતા રહે. એ લોકોને પૈસાથી મતલબ છે, હવે બને કે તે તમારી પાસે ડૉલર માગે. તમે તેમને ના નહીં પાડો. જરૂર હોય તો હું એ અરેન્જમેન્ટ કરાવી દઉં પણ તમે તેમને ના નહીં પાડો.’ ઇન્સ્પેક્ટર પાટીલે સૂચના આપી, ‘તમારે માત્ર એક જ કામ કરવાનું છે, તમે તેમને દરેક વાતમાં હા પાડો અને એની તૈયારી પણ કરો જેથી આપણે કોઈ રિસ્ક લેવાનું આવે નહીં.’
‘ઠીક છે સર.’
lll
‘આજે રાતે દસ વાગ્યે ગુંદવલી મેટ્રો સ્ટેશન પર પૈસા લઈને તારા દીકરાને મોકલી દેજે...’ આ વખતે દાદાને વૉટ્સઍપ કૉલ આવ્યો હતો, ‘ફક્ત તારો દીકરો આવવો જોઈએ, તેની સાથે બીજું કોઈ નહીં.’
‘બીજું કોઈ નહીં આવે પણ... પણ એક વાર અમને ઋષભ સાથે વાત કરાવોને. પ્લીઝ...’ દાદાના હાથમાંથી ફોન લઈને મમ્મી કરગરી, ‘મારે તેનો અવાજ સાંભળવો છે.’
‘અત્યારે તે સૂતો છે... રાતે રૂબરૂ વાત કરી લેજો.’
lll
‘ઓકે, તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. ગુંદવલી સ્ટેશન પર અમારો સ્ટાફ હશે, સિવિલ ડ્રેસમાં. તમારો દીકરો હાથમાં નહીં આવે ત્યાં સુધી કોઈ એક પણ ઍક્શન નહીં લે તો તમે એ બાબતમાં નિષ્ફિકર રહેજો.’
ઇન્સ્પેક્ટર પાટીલે વિરલ મહેતાને સાંત્વના આપી અને પછી તરત જ તેમણે તૈયારીઓ શરૂ કરી દીધી. ગુંદવલી મેટ્રો સ્ટેશન પર ઑલરેડી CCTV કૅમેરા હતા પણ એ કૅમેરામાં વધારો કરવામાં આવ્યો તો સાથોસાથ પૅસેન્જર તરીકે ઑલરેડી ચાલીસ કૉન્સ્ટેબલને સિવિલ ડ્રેસમાં તહેનાત કરી દીધા. એ કૉન્સ્ટેબલનું એક જ કામ હતું કે તેમણે મેટ્રોના ખૂલતા દરવાજા સામે બેન્ચ પર બેસી રહેવાનું હતું અને પેપર વાંચતાં ત્યાંથી આવ-જા કરતી મેટ્રો પર નજર રાખવાની હતી.
‘એક વાત યાદ રાખજો, એકધારા બેસી રહેવાથી પણ કિડનૅપર્સને આઇડિયા આવી શકે છે એટલે તમારે ત્રણ મેટ્રો સુધી બેસી રહેવાનું છે અને એ પછીની ચોથી મેટ્રોમાં ચડી જવાનું. મેટ્રો જે રૂટ પર જતી હોય એ રૂટ પર બે સ્ટેશન આગળ જઈને ઊતરી જવાનું અને પછી ફરી પાછા ગુંદવલી આવી જવાનું.’ ઇન્સ્પેક્ટર પાટીલનો અવાજ મોટો થયો, ‘ઇઝ ધૅટ ક્લિયર?’
જમીન પર તોતિંગ શૂઝનો થડકાર અને એકસાથે આવેલા વીસ અવાજથી ચેમ્બર ગુંજી ઊઠી.
‘યસ સર...’
lll
દસ, સવાદસ, સાડાદસ, અગિયાર...
મેટ્રો સ્ટેશન પર કોઈ હલચલ થઈ નહીં.
વિરલ મહેતા બૅગમાં પચીસ લાખ રૂપિયાના સવાલાખ દિરહામ લઈને બેસી રહ્યા પણ કોઈ લેવા આવ્યું નહીં. પપ્પાને મનમાં શંકા જાગી કે કિડનૅપર્સને પોલીસની હિન્ટ મળી ગઈ હશે એટલે તે આવ્યા નથી પણ એવો આરોપ લગાડવાનો અત્યારે કોઈ અર્થ નહોતો.
દાદાના મોબાઇલ પર છેલ્લે ફોન આવ્યો હતો એટલે પપ્પાએ ફોન આવ્યો હતો એ નંબર પર મેસેજ કર્યો, પણ વ્યર્થ. મેસેજ ડિલિવર થયો નહીં.
પપ્પાનું ચાલ્યું હોત તો આખી રાત તે ત્યાં જ બેસી રહ્યા હોત પણ મેટ્રો સ્ટેશન બંધ કરવાના સમયે પપ્પાએ ત્યાંથી નીકળી જવું પડ્યું.
lll
‘પૈસા સાથે છે?’
ઘરે પહોંચ્યાને હજી તો પાંચ જ મિનિટ થઈ હતી ત્યાં ફરી ફોન આવ્યો. આ વખતે પપ્પાના મોબાઇલ પર ફોન આવ્યો હતો.
‘હા, લઈને તમારી જ રાહ જોતો હતો.’
‘વાંધો નહીં, અમે બીજા કામમાં હતા.’ સામેથી કહેવામાં આવ્યું, ‘અત્યારે જમીને નીકળી જા અને ઇનૉર્બિટ મૉલની બહાર જે ડસ્ટબિન છે એમાં પૈસા મૂકી ત્યાંથી નીકળી જા...’
‘ઋષભ...’
‘અમારી પાસે પૈસા આવ્યા પછી અમે ઋષભને ઘરે પહોંચાડી દેશું...’ સામેથી ફરી એ જ સૂચના આવી, ‘જો ભૂલથી પણ ચાલાકી કરી છે તો ખબર છેને ઋષભનું શું થશે?’
‘ના, એવું કંઈ નહીં થાય. વિશ્વાસ રાખજો.’
‘વિશ્વાસ રાખીએ છીએ એટલે તો સેકન્ડ ચાન્સ આપ્યો...’ સામેની વ્યક્તિઐ ફોન પૂરો કરતાં કહ્યું, ‘જમીને જવાનું છે અને રાતે એક વાગ્યા પહેલાં પૈસા ડસ્ટબિનમાં મૂકી દેવાના છે. જમી લે.’
‘હા...’ પપ્પાએ તરત પૂછ્યું, ‘તમે, તમે મને કયા ફોન પર કૉન્ટૅક્ટ કરશો? શું છે, હું એ ફોન સાથે રાખું...’
‘ત્રણેત્રણ ફોન તારી પાસે રાખ. અમને મન પડે એ નંબર પર કૉન્ટૅક્ટ કરશું.’
lll
રાતના એક વાગી ગયો હતો અને પપ્પાએ પૈસા ડસ્ટબિનમાં મૂકી દીધા હતા. હવે તે રસ્તો ક્રૉસ કરીને સામેની બાજુએ પાર્ક કરેલી કારમાં બેઠા હતા પણ તેમની નજર ડસ્ટબિન પર હતી. રસ્તા પરનો ટ્રાફિક હળવો થઈ ગયો હતો પણ વાહનોની અવરજવર અકબંધ હતી.
‘પૈસા મૂકી દીધા?’
મેસેજ મમ્મીના વૉટ્સઍપ પર આવ્યો અને પપ્પાએ તરત રિપ્લાય કરી દીધોઃ ‘હા, તમારા કહેવા મુજબ પ્લાસ્ટિકની બૅગમાં બરાબર પૅક કરીને પૈસા ઇનૉર્બિટ મૉલની બહાર આવેલી ડસ્ટબિનમાં મૂકી દીધા છે.’
થોડી વારમાં મેસેજમાં ડબલ ટિક આવી ગયું પણ કોઈ જવાબ આવ્યો નહીં.
પપ્પા માટે હવે રાહ જોવા સિવાય કોઈ ઑપ્શન નહોતો. ઍક્ચ્યુઅલી, પપ્પાએ ત્યાં બેસવાનું નહોતું, તેમણે નીકળી જવાનું હતું પણ પૈસા લઈ જાય તો દીકરો કિડનૅપરના કબજામાંથી બહાર આવે એવા ભાવથી તે માત્ર એ જોવા માટે બેઠા હતા કે પૈસા લેવા કોઈ આવ્યું કે નહીં?
સવારે સાડાપાંચ વાગ્યે ડસ્ટબિન ખાલી કરવા માટે ગાડી આવી કે તરત પપ્પા ભાગતા ડસ્ટબિન પાસે ગયા અને તેમણે ડસ્ટબિનમાંથી ફરી પૈસા પોતાના કબજામાં લઈ લીધા. કચરાગાડીવાળાને કચરો ફીંદતો માણસ જોઈને નવાઈ પણ લાગી પણ તેણે કોઈ જાતનો વિરોધ નોંધાવ્યો નહીં અને સવાછ વાગ્યે પપ્પા ઘરે પાછા આવ્યા.
lll
‘તમે જાણ તો કરો યાર...’ ઇન્સ્પેક્ટર પાટીલના અવાજમાં લાચારી હતી, ‘હું માનું છું કે તમને તમારા દીકરાની ફિકર છે ના નહીં, પણ રાતે તમારા પર અટૅક થયો હોત અને પૈસા કોઈ લઈ ગયું હોત તો... ઍટ લીસ્ટ તમારે મને કહી દેવું જોઈએ.’
‘હા પણ હવે કહી દીધુંને!’ ઇરિટેટ થઈને પપ્પાએ કહ્યું, ‘કોઈ પૈસા લેવા પણ નથી આવ્યું ને ઋષભનો પણ કોઈ પત્તો નથી. હવે અમારે કરવું શું?’
‘જુઓ, અમારી ઇન્ક્વાયરી ચાલુ છે. તમારે થોડી ધીરજ રાખવી પડશે અને ત્યાં સુધી તમને કિડનૅપર જે કંઈ કહે એ કરતા રહો.’ ઇન્સ્પેક્ટર પાટીલે જવાબ આપ્યો, ‘આપણી પાસે એ કરવા સિવાય અત્યારે કોઈ છૂટકો નથી. બસ, પેશન્સ છોડો નહીં. શાંતિ રાખો. મને ખાતરી છે ઋષભ પાછો આવી જશે.’
‘પણ સર, હજી કેટલા દિવસ?’
ઇન્સ્પેક્ટર પાટીલ પાસે જવાબ નહોતો. તેમના અત્યાર સુધીના અનુભવના આધારે તેમને અંદેશો હતો કે ઋષભ કદાચ ક્યારેય પાછો નહીં આવે. તેમના આ અંદેશા માટે કારણો પણ હતાં.
(ક્રમશઃ)

