સમગ્ર દેશમાં થયો રેકૉર્ડબ્રેક ૬.૦૫ લાખ કરોડનો દિવાળી બિઝનેસ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આ વર્ષે દિવાળીના દિવસોમાં અત્યાર સુધીમાં મુંબઈગરાઓએ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની શૉપિંગ કરી લીધી હોવાના અહેવાલો આવ્યા છે. કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે સમગ્ર દેશમાં આ વર્ષે દિવાળીના અત્યાર સુધીના વેપારનો આંકડો ૬.૦૫ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે જે દિવાળીના વેપારના ઇતિહાસમાં નોંધાયેલો સૌથી મોટો આંકડો છે. દેશભરમાં થયેલા વેપારમાં ૫.૪૦ લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ ખરીદાઈ હતી, જ્યારે ૬૫,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર સર્વિસ-ઇન્ડસ્ટ્રીમાં નોંધાયો હતો. ગયા વર્ષે નોંધાયેલા ૪.૨૫ લાખ કરોડ રૂપિયાના વેપાર સામે આ વર્ષે ૨૫ ટકાનો વધારો નોંધાયો હતો.
સૌથી વધુ ગ્રોસરી અને દાગીના વેચાયાં
ADVERTISEMENT
CAITએ આપેલી માહિતી પ્રમાણે આ વેપારમાં ૮૫ ટકા યોગદાન પરંપરાગત અને નૉન-કૉર્પોરેટ માર્કેટનું રહ્યું હતું. આ ઉપરાંત મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સની ડિમાન્ડમાં ભારે વૃદ્ધિ જોવા મળી હતી. આ વર્ષના વેપારમાં ૧૨ ટકા ગ્રોસરી અને રોજિંદા વપરાશની વસ્તુઓ, ૧૦ ટકા દાગીના, ૮ ટકા ઇલેક્ટ્રૉનિક્સ, ૭ ટકા રેડીમેડ ગાર્મેન્ટ્સ, ૭ ટકા ગિફ્ટ-આઇટમ્સ, પાંચ-પાંચ ટકા હોમ ડેકોર, ફર્નિચર અને સ્વીટ્સ વગેરેનો હિસ્સો રહ્યો હતો.

