સવારે આના રોમાંચમાં થોડી ઉદાસી ભળી : ઍલનનો એક દિવસનો સંગાથ હતો... તેના વિશે હું વધુ કંઈ જાણું પણ ક્યાં છું? ફરી અમે મળીશું પણ કે નહીં એ કોને ખબર!
ઇલસ્ટ્રેશન
આ હુસ્ન!
આયનામાં ઝિલાતા પોતાના પ્રતિબિંબને તે નિહાળી રહી : રૂપનો આવો ખજાનો હરકોઈના નસીબ નથી હોતો... ગોરો વાન, લિસ્સી ત્વચા, સપ્રમાણ કાયાનાં ઘાટીલાં અંગોમાં સતયુગના ઋષિઓને ચળવી દેવાનું સામર્થ્ય છે તો બિચારા કળિયુગના જુવાનિયાઓનું તો શું ગજું!
ADVERTISEMENT
‘એનો ફાયદો શું! હીરામાણેકનો ખજાનો તિજોરીમાં છુપાવીને રાખો તો કોણ એને જોવાનું ને કોણ વખાણવાનું!’
મહિમાના શબ્દો પડઘાતાં ખુલ્લા બદન પર ગાઉન ચડાવીને ઊર્જાએ બેડ પર લંબાવ્યું.
સખીની ટકોર સામે પોતાનો જવાબ પણ સાંભરી ગયો ઊર્જાને : રૂપિયાની જેમ રૂપનો પણ શોઑફ ન શોભે. મારા માટે મારું સૌંદર્ય મારા મનના માણીગરની અમાનત છે.
મનનો માણીગર.
ઊર્જાએ છાતીના ઊંડાણમાં મીઠું કંપન અનુભવ્યું.
સોલા બરસ કી બાલી ઉમરથી કોઈ મારા હૈયે અડિંગો જમાવીને બેઠું છે એની કોને ખબર છે!
દાંત વચ્ચે હોઠ દબાવી ઊર્જાએ હાથ લંબાવીને મોબાઇલ લીધો, એના હિડન ફોલ્ડરમાં સ્ટોર કરેલા ફોટો ખોલ્યા અને તેના મુખ પર લાલી પ્રસરતી ગઈ.
‘લવ યુ ઊર્જા...’ તે જાણે ફોટોમાંથી બહાર આવ્યો અને ઊર્જાનું રોમેરોમ થથરી ઊઠ્યું.
lll
‘મારી ઊર્જા માટે કોઈ સારો છોકરો હોય તો કહેજો.’
બીજી સવારે મોડી ઊઠેલી ઊર્જા નાહી-ધોઈને બહાર આવી તો મા ફોન પર કોઈને કહેતી સંભળાઈ, ‘આ મહાશિવરાત્રિએ તેને ત્રેવીસમું બેસશે એટલે લગ્નની યોગ્ય ઉંમર થઈ ગયેલી જ ગણાયને! અમારે તો તે એકની એક છે. વરલીનો આ ફ્લૅટ, વતન નવસારીનું ઘર... અમારા પછી બધું તેનું જને. તેના પપ્પા બૅન્કમાં મૅનેજર છે એટલે લગ્ન ધામધૂમથી કરીશું એ પાકું.’
મા કેવી સિફતથી વાત મૂકે છે! કૉફીનો મગ લઈને હીંચકે ગોઠવાતી ઊર્જા મનમાં જ મલકી : મા મારા માટે મુરતિયો શોધે છે એવું મારા મનના માણીગરને કહ્યું હોય તો!
‘તમે તો જોઈ છેને મારી ઊર્જાને. ન્યાતમાં તેના જેવી કોઈ રૂપાળી કન્યા હોય તો બોલો! અને રૂપ જ નહીં, મારી ઊર્જા હોશિયાર પણ એવી. દેશી ભાષાઓ ઉપરાંત જર્મન, ફ્રેન્ચ જેવી વિદેશી ભાષા પણ કડકડાટ બોલી જાણે. સ્વિસ ઍરવેઝમાં ઍૅર-હૉસ્ટેસ તરીકે ઊંચો પગાર રળે છે. મારી ઊર્જા ચુંધીવાળી નથી; પણ આ તો અમને એવું કે સામું પાત્ર તેનાથી થોડું ચડિયાતું તો જોઈએ, ખરુંને બેન! જોતા રહેજો.’
નયનાબહેને ફોન મૂક્યો.
‘મા, આ લગ્નનું શું છે! મારે નથી પરણવું.’ ઊર્જાએ લાડ જતાવ્યાં.
‘બોલ્યા નથી પરણવું!’ માએ માથે ટપલી મારી, ‘તારી ઉંમરે તો હું મા બની ગયેલી...’ નયનાબહેન થોડાં ગંભીર બન્યાં, ‘તારા પપ્પાએ તને બધી છૂટ આપી... ભણવામાં, તારા સ્પોર્ટ્સના શોખમાં. અરે, તેં ઍર-હૉસ્ટેસ થવાની ઇચ્છા જતાવી એમાં પણ તેમણે મારી નામરજી છતાં તને સપોર્ટ કર્યો... તારાં લગ્ન એ તેમનું તારા જન્મ સાથે જન્મેલું એકમાત્ર સપનું છે. એ રંગેચંગે પૂરું થાય એટલું તો તારે પણ જોવાનું.’
ઊર્જાની નજર દીવાનખંડમાં મૂકેલી તસવીર પર ગઈ. પચાસમી બર્થ-ડે કેક કાપતા પપ્પા. બે વરસ અગાઉ તેણે એ સરપ્રાઇઝ પાર્ટી અરેન્જ કરેલી એથી કેવા ખુશ હતા! ઑલ્વેઝ અ ડૉટર્સ ફાધર! એક દીકરી જેવાં ઝંખે એવાં માબાપ મને મળ્યાં છે એટલે તો મારામાં આત્મવિશ્વાસ પાંગર્યો છે, હું જે કંઈ છું એ મારા પેરન્ટ્સના બિનશરતી વહાલને કારણે છું.
અને છતાં...
ઊર્જાએ હોઠ કરડ્યો. આમ તો તેમનાથી કશું છુપાવવું પડ્યું હોય એવું બીજું કંઈ યાદ નથી... અને છતાં જીવનનું એક સત્ય તેમને કહી નથી શકાયું... મનોમન કોઈને વરી ચૂક્યાનું સત્ય.
એક એવા પુરુષને જે પરણેલો છે. એક એવો પુરુષ જે ન્યાતનો તો શું, ભારતીય પણ નથી!
ઊર્જા આંખો મીંચી ગઈ ને કાનોમાં તાળીઓનો ગડગડાટ ગુંજી રહ્યો.
lll
‘રાબેતા મુજબ આ વરસે પણ
ઇન્ટર-ક્લબ કૉમ્પિટિશનની લૉન ટેનિસની ટ્રોફી મિસ ઊર્જાના ફાળે જાય છે...’
ઇનામ વિતરણ સમારોહમાં જાહેરાત સાથે જ ૧૪ વરસની ઊર્જાને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવાઈ.
શ્રીધરભાઈ ઘર નજીકની ક્લબમાં મેમ્બર હતા અને એનો ઉપયોગ બહુ-બહુ તો સ્વિમિંગ પૂરતો થતો.
જોકે ૧૦ વરસની ઉંમરે ઊર્જાએ ટીવી પર વિમ્બલ્ડનની મૅચ જોઈ, કોર્ટમાં પોતાના રાઇવલ્સને કચડી નાખતી સેરેના વિલિયમ્સ તેની ફેવરિટ બની ગઈ અને પછી તો તે પોતે લૉન ટેનિસ રમતી ને જીતતી થઈ.
ઊર્જા આટલાથી ખુશ હતી. નૅશનલ કે ઇન્ટરનૅશનલ રમવાનાં તેને અરમાન નહોતાં. હા, ગ્રૅન્ડ સ્લૅમની કોઈ મૅચ જોવાનું ચૂકતી નહીં.
‘બોલ, આ વખતે તારા પપ્પાએ તારા માટે શું ગિફ્ટ પ્લાન કરી હશે?’
ઊર્જાના બર્થ-ડે હંમેશાં યાદગાર રહેતા. શ્રીધરભાઈ-નયનાબહેન ઑલ્વેઝ કશુંક હટકે પ્લાન કરતાં.
- પણ સોળમા બર્થ-ડેની ગિફ્ટ તો કલ્પના બહારની હતી. મમ્મી-પપ્પાએ આપેલું કવર ફોડતાં ઊર્જાનાં આંગળાં કાંપતાં હતાં અને અંદરથી નીકળેલી ચીજ જોઈને તે પળવાર તો પૂતળી જેવી થઈ, પછી ચિચિયારી મારીને ઊછળી.
એ વિમ્બલ્ડન ટુર્નામેન્ટની
ટિકિટ હતી!
યસ, શ્રીધરભાઈએ દીકરીની પહેલી સોલો ટ્રિપ પ્લાન કરી હતી. ૩ વીકની ટૂર. પહેલું વીક લંડનમાં ફરવાનું અને પછી બે વીકની વિમ્બલ્ડન ટુર્નામેન્ટ માણીને ફિનાલેના બીજા દિવસે રિટર્ન! જાણીતી ટૂર કંપનીનું વિશ્વસનીય પૅકેજ હતું એટલે દીકરીને અજાણ્યા દેશમાં મોકલવાની તાણ નહોતી, બલ્કે તે તેને ગમતી ગેમ લાઇવ એન્જૉય કરે એની ખુશી જ હતી માવતરને.
‘આઇ વિશ, વિમ્બલ્ડનમાં તને તારો ફેવરિટ પ્લેયર મળી જાય ને આમ જ તને ચૂમી લે!’
છેવટે ઍરપોર્ટ પર
શ્રીધરભાઈ-નયનાબહેન સાથે સખીને ડ્રૉપ કરવા આવેલી મહિમાએ તેનો ગાલ ચૂમીને આંખ મીંચકારેલી : ગાલે નહીં, હોઠે, હં!
સોળના ઉંબરે અંગે યૌવનની વસંત જામી હતી અને બંધ પાંપણ તળે કોઈને સમણાંમાં તેડવાનો રોમાંચ એ જ અવસ્થામાં પુરબહાર હોય છેને!
પ્રથમ ચુંબનના ખ્યાલે ઊર્જાના ગાલે પરોઢની લાલિમા પથરાઈ ગયેલી.... જે ઍલનને જોતાં કેવી ગહેરી બની હતી!
ઍલન ઍન્ડરસન. મારા મનનો માણીગર. મારાં સમણાંનો સ્વામી!
પહેલી વાર તેને લંડનની ટૂરમાં મળવાનું બન્યું. ઊર્જાની ટૂરવાળાનો લંડનની લોકલ એજન્સી સાથે એક દિવસનાં લંડન દર્શનનો કૉન્ટ્રૅક્ટ હતો. એમાં બીજા પ્રવાસીઓ પણ જોડાઈ શકતા.
પિક-અપ પૉઇન્ટ પર તે ઊર્જાની પાછળ જ બસમાં ચડીને તેના પડખે ગોઠવાઈ ગયો : હોપ યુ આર કમ્ફર્ટેબલ!
વીસેક વરસનો ગોરોચિટ્ટો તરવરાટભર્યો જુવાન. પાતળિયો, પણ ઍથ્લીટ જેવો કસરતી. હૉલીવુડના પડદેથી ઊતરી આવ્યો હોય એવો હૉટ ઍન્ડ હૅન્ડસમ. તેની અંગ્રેજી બોલી પરથી લાગ્યું કે તે અંગ્રેજ કે અમેરિકન તો નથી જ...
‘ઇટ્સ ઓકે વિથ મી.’
‘થૅન્ક્સ. માયસેલ્ફ ઍલન. ફ્રૉમ જિનીવા. ફર્સ્ટ ટાઇમ લંડન.’
‘ઊર્જા. ફ્રૉમ ઇન્ડિયા. ફર્સ્ટ ટાઇમ.’
આમ તો અજાણ્યા દેશમાં અજાણ્યા જોડે વાત ન કરવાની સૂચના નયનાબહેને ઊર્જાને ગોખાવી દીધી હતી, પણ અડધા દિવસના પ્રવાસ પછી ઍલન અજાણ્યો ક્યાં રહ્યો હતો?
ટૂરિસ્ટ-સ્પૉટ પર તે ફોટો પાડવાની રિક્વેસ્ટ કરે, ગાઇડનું ઇંગ્લિશ ન સમજાય તો ઊર્જા એને સરળ બનાવીને સમજાવે. માએ આપેલાં થેપલાં ચખાડતાં તે ઊહ-ઊહ કરતો થઈ ગયેલો : ઇટ્સ ટૂ સ્પાઇસી!
તેની આંખમાં પાણી ધસી આવેલું જોઈને ઊર્જાને હસવું પણ આવતું હતું અને ચિંતા પણ થઈ : લો, આ ચાખો.
ગોળપાપડી ખાઈને તેને રાહત થઈ : ધિસ ઇઝ સ્વીટ. લાઇક યુ!
તેની કીકીમાં તિખારો ચમકેલો. સ્મિતમાં આકર્ષણ ભળ્યું. ઊર્જા એવી તો રાતીચોળ થયેલી.
‘તું શરમાય છે ત્યારે મોર બ્યુટિફુલ લાગે છે.’
યૌવનના પહેલા પડાવે પોતાને ખૂબસૂરત કહેનારો છોકરો છોકરીને જીવનભર યાદ રહી જતો હોય છે.
જોકે થોડા કલાકના સહેવાસમાં ઇન્ટિમેટ થવાનું સ્વિસ જુવાન માટે સ્વાભાવિક હશે, આપણું ઇન્ડિયન કલ્ચર આવું નથી - જાતને સમજાવીને ઊર્જાએ હૃદયની ધડકનોને કાબૂમાં રાખી. ઍલન સાથે વાત ટાળવી હોય એમ કાનમાં ઇઅર-ફોન નાખીને લતાજીનાં ગીતો સાંભળવા લાગી. રેસ્ટ લેવો હોય એમ સીટ પર માથું ઢાળીને આંખો મીંચી રાખી.
પણ થોડી વારે ઍલન તેનો હાથ થપથપાવતો : લુક, અહીંથી થેમ્સ નદીનો કાંઠો કેવો રળિયામણો લાગે છે!
પાછો વિન્ડોમાંથી નજર નાખવા તે લગોલગ થઈ જતો ને ઊર્જાના બદનમાંથી ન સમજાય એવો કંપ પ્રસરી જતો.
જાત પર ચીડ થતી : ફરવા આવી છું ત્યારે મનને બાંધી રાખવાનો શું અર્થ છે? આમેય અમારો સહેવાસ થોડા કલાક પૂરતો છે...
- અને છૂટા પડતી વેળા ઍલને આભાર માનીને ઊર્જાને પૂછી લીધું : વૉટ્સ યૉર નેક્સ્ટ પ્રોગ્રામ?
ઊર્જા હસી : હમણાં તો લંડન ફરું છું, બટ માય મેઇન ટાર્ગેટ ઇઝ વિમ્બલ્ડન!
‘રિયલી! હું પણ અહીં વિમ્બલ્ડન માટે આવ્યો છું...’
‘ઓહ, તો-તો સ્ટેડિયમમાં મળીશું... જૉન મૅથ્યુ કપ લઈ જાય એ મોમેન્ટ સાથે ચિયર કરીશું!’
ઘડીભર તે ઊર્જાને જોતો રહ્યો. પછી ખભા ઉલાળ્યા : લેટ્સ સી!
એ રાતે પહેલી વાર કોઈ જુવાન ઊર્જાનાં સમણાંમાં આવ્યો. કેવું
સતાવી ગયો!
સવારે આના રોમાંચમાં થોડી ઉદાસી ભળી : ઍલનનો એક દિવસનો સંગાથ હતો... તેના વિશે હું વધુ કંઈ જાણું પણ ક્યાં છું? ફરી અમે મળીશું પણ કે નહીં એ કોને ખબર!
તોય વિમ્બલડનની પહેલી મૅચમાં તેની આંખો પ્રેક્ષાગારમાં ઍલનની જ સોહામણી સૂરત ખોજતી રહી.
ત્યાં તાળીઓના ગડગડાટે તેને
ભાન થયું કે ગેમનો પહેલો સેટ તો પતી પણ ગયો!
‘ઇટ ઇઝ ઇન્ક્રેડિબલ... વૉટ અ પર્ફોર્મન્સ બાય ઍલન ઍન્ડરસન!’
હેં!
કૉમેન્ટરીમાં ઍલનનું નામ સંભળાતાં પહેલાં તો ઊર્જાએ માન્યું કે મારા કાન બોલે છે... પણ સ્કોરબોર્ડ જોતાં આંખો પહોળી થઈ, કોર્ટ પર નજર જતાં હૈયું ધડકી ગયું : ન હોય! જેને હું ઑડિયન્સમાં શોધું છું તે તો મેદાનમાં રમત રમે છે!
અને શું અફલાતૂન રમે છે!
બીજા સેટથી ઊર્જાની નજર ઍલન પરથી હટતી નથી. તેની સર્વિસ, ફોરહૅન્ડ્સ, બૅકહૅન્ડ્સ - અદ્ભુત! ચિત્તા જેવો ચપળ, વાઘ જેવો આક્રમક અને સિંહ જેવો આત્મવિશ્વાસુ...
વર્લ્ડ રૅન્કમાં પાંત્રીસ-ચાલીસમો ક્રમ ધરાવનારને કોણ ઓળખતું હોય! પણ તેણે દસમા નંબરના ખેલાડીનો અપસેટ સર્જતાં કૉમેન્ટેટરે કહી દીધું : ધિસ ઇઝ મિરૅકલ, બટ નૉટ ઍક્સિડેન્ટલ... ઍલન ઇઝ જિનીયસ વન. તેની નૈસર્ગિક રમત સામે જૉન મૅથ્યુએ સાવધ થઈ જવાની જરૂર છે...
‘હે...ય!’ પ્રેક્ષકોનું અભિવાદન ઝીલીને રૂમ્સ તરફ જતા ઍલન સામે ઊર્જાએ હાથ હલાવ્યો. આટલે દૂરથી, આટલી ભીડમાં ઍલનને તેનો ખ્યાલ આવવો અશક્યવત્ ગણાય. છતાં તેણે સામો હાથ હલાવ્યો, હસ્યો પણ ખરો ને ઊર્જાને તો એવું જ લાગ્યું કે એ સ્મિત મારા માટે જ હતું!
lll
- અત્યારે પણ હૈયે એની ગુદગુદી અનુભવતી ઊર્જાએ ચિત્તમાં કેફ ભર્યો : ટેનિસના લેજન્ડરી પ્લેયરના અરાઇવલની એ ઘડીએ તે મારાં સમણાંનો સ્વામી, હૈયાનો હાર બની ગયો... પછી ભલે તે વિમ્બલ્ડન જીત્યાના ત્રીજા જ મહિને પોતાની મૅનેજરને જ પરણી ગયો હોય!
‘ઊર્જા...’
માના સાદે ઝબકતી ઊર્જાએ વિચારમેળો સમેટી લેવો પડ્યો.
lll
‘આ...હ!’
તે ચીખી ઊઠી. પોતાનામાં ખૂંપતા જતા પુરુષની ઉઘાડી પીઠે મુઠ્ઠી વીંઝી : બસ કર જાલિમ! તારી બૈરી સાથે પણ આટલો જ બેરહેમ થાય છે?
તે પળ પૂરતો અટક્યો. હાંફતી માનુની સાથે નજરો મેળવીને હસ્યો : તે તો બરફ જેવી છે, વરસવાનું મન થાય એવી તો મારે તું જ છે!
સાંભળીને માનુની જરા પોરસાઈ, પછી પુરુષને કસીને લાડ જતાવ્યાં : તો પછી મને જ તારી પત્ની કેમ નથી બનાવતો!
‘એનો પ્લાન પણ તૈયાર છે...’
આટલું સાંભળતાં જ માનુનીએ ઊલટભેર પુરુષને પોતાનામાં
સમાવી લીધો!
(ક્રમશ:)


