કુસુમે રાજગોપાલની ઊંડી આંખોમાં આંખો પરોવીને કહ્યું : રાજગોપાલ, હું હજી તમને પ્રેમ કરું છું
સુખી તો છોને? અસ્તિત્વના અંગાર વચ્ચે પ્રેમના બે છાંટા (પ્રકરણ-૪)
‘હલો, મેં તમને કંઈક કહ્યું,’
‘મેં સાંભળ્યું.’ રાજગોપાલ બોલ્યો, ‘પણ હું તમારા પ્રેમને લાયક નથી.’
ADVERTISEMENT
‘કેમ? હું પૂછી શકું, કેમ?’ કુસુમના અવાજમાં થોડી અકળામણ સાથેની અધીરાઈ હતી.
‘કારણ કે..’ રાજગોપાલ નજર ઊંચી કર્યા વિના ધીમા અવાજે બોલ્યો ‘કારણ કે, હું સારો માણસ નથી.’
કુસુમ કંઈ સમજી નહીં. સારો માણસ નથી એટલે શું? આ કાળા ચહેરાવાળો માણસ પોતાની જાતને શું કોઈ મોટો મીર સમજતો હશે? હું દેખાવે સાવ નાખી દેવા જેવી છું એટલે મને ‘માફ’ કરી રહ્યો છે? કે મારા જેવી કંઈક બીજી છોકરીઓ તેની જિંદગીમાં આવી ગઈ હોય એવા ‘પ્લેબૉય’ હોવાનો દેખાવ કરી રહ્યો છે?
કુસુમે જરા ઊંચો અવાજ કરીને પૂછ્યું ‘સારા માણસ નથી તો કેવા માણસ છો?’
‘ખરાબ છું.’ રાજગોપાલે તેની ઊંડી આંખો વડે કુસુમને જોતાં કહ્યું. ‘સાચું કહું છું, હું ખરાબ માણસ છું.’
‘એમ?’ કુસુમથી હવે ન રહેવાયું. ‘ખરાબ માણસ કોને કહેવાય? જે ગરીબ ઘરની છોકરીને સામે ચાલીને મદદ કરીને નોકરી અપાવે તેને ખરાબ માણસ કહેવાય? જે એક જ નજરમાં સામેની વ્યક્તિની તકલીફ સમજી જાય તેને ખરાબ માણસ કહેવાય? જે માણસ કોઈને હલકટ રિક્ષાવાળાની ગંદી જબાનથી થતા અપમાનમાંથી બચાવે તેને ખરાબ માણસ કહેવાય?’
રાજગોપાલ ઊંડી આંખો વડે કુસુમ સામે જોઈ રહ્યો. કુસુમ પહેલી વાર તેની સામે આટલાબધા શબ્દો એકસાથે બોલી હતી. પહેલી વાર રાજગોપાલે પણ તેની વાત વચમાંથી કાપી નાખી નહોતી.
‘ખરાબ માણસ કોને કહેવાય એ કહેવા રહીશ તો રાત પડી જશે.’
‘ભલે પડતી.’
રાજગોપાલની આંખોમાં કંઈક તિખારા જેવું ઝબક્યું. પછી તે તરત પોતાની લાગણીઓ ઉપર કાબૂ રાખતો હોય એમ નીચું જોઈ ગયો. હોઠ બીડીને લગભગ ગણગણતો હોય તેમ બોલ્યો :
‘જુઓ, અત્યારે આખી ઑફિસમાં આપણાં બે સિવાય કોઈ નથી. તમને મોડું નહીં થતું હોય, પણ મારે ઘરે જવું છે.’
‘ઠીક છે, જાઓ.’
કુસુમે ઝડપથી પોતાનો ઝોલો ઉપાડ્યો અને ઑફિસની બહાર નીકળી ગઈ...
lll
એ રાત્રે કુસુમને જરાય ઊંઘ ન આવી. રાજગોપાલને ‘આઇ લવ યુ’ કહી દીધું એમાં કોઈ મોટો ગુનો થઈ ગયો? જે દિલમાં છે એ જ કહ્યું છેને? અને કીધું તો કીધું, એમાં રાજગોપાલે આટલા આકરા થવાની શી જરૂર હતી?
- અને ખરાબ માણસ એટલે શું ?
lll
સળંગ ત્રણ દિવસ સુધી કુસુમે રાજગોપાલ સાથે એક શબ્દની પણ વાત કરી નહીં. રાજગોપાલને તો આની કશી અસર જ નહોતી.
શનિવારે હાફ-ડે હતો. ઑફિસના લોકો વારાફરતી જઈ રહ્યા હતા. કુસુમ પોતાનું ટિફિન ઝોલામાં મૂકીને જવાની તૈયારી કરતી હતી ત્યાં રાજગોપાલ તેની પાસે આવ્યો.
‘તમારે જાણવું હતુંને કે ખરાબ માણસ કોને કહેવાય? તો ચાલો મારી સાથે.’
કશીયે હા-ના કર્યા વિના કુસુમ તેની સાથે ચાલી નીકળી. રોડ પર ચાલતી વખતે રાજગોપાલ એક પણ શબ્દ ન બોલ્યો.
આ માણસ મને ક્યાં લઈ જશે? કોઈ ગુંડાના અડ્ડા પર? કોઈ રેડ લાઇટ એરિયામાં? કોઈ બદનામ ગલીમાં?
પણ રાજગોપાલ તેને એક જૂની ખખડી ગયેલી ઈરાની રેસ્ટોરાંમાં લઈ ગયો. લગભગ આખી રેસ્ટોરાં ખાલી હતી. રાજગોપાલે બે ચા સાથે બન મગાવ્યાં.
કુસુમ કંઈ જ ન બોલી. તે રાહ જોઈ રહી હતી કે રાજગોપાલ હવે શું કહેશે.
અડધો કપ ચા પીધા પછી રાજગોપાલ બોલ્યો, ‘જુઓ કુસુમ, પ્રેમ નામની આ ચીજ બહુ ઠગારી હોય છે.’
‘કેમ? ખરાબ માણસો પ્રેમ નથી કરતા?’
કુસુમના સવાલથી રાજગોપાલ જરા થંભી ગયો. પછી એક જ ઘૂંટડે ચાનો કપ પૂરો કર્યા પછી તે અટક્યા વિના બોલતો ગયો :
‘કુસુમ, મારી મા એક સેક્સ-વર્કર હતી. સેક્સ-વર્કર સમજે છેને? જે સ્ત્રી પૈસા માટે પોતાના દેહનો સોદો કરે છે તે. તે તેના કોઈ ઘરાક દ્વારા અથવા આશિક દ્વારા કે ખબર નહીં કોના દ્વારા પ્રેગ્નન્ટ થઈ હશે. એટલે એક દિવસે, જ્યારે હું ત્રણેક વર્ષનો હોઈશ ત્યારે મને આ શહેરની કોઈ ગંદી, અંધારી ગલીની ફુટપાથ પર ઊંઘતો મૂકીને જતી રહી. એ પછી તે મને શોધવા માટે ક્યારેય પાછી નથી આવી. હું બાળપણમાં શી રીતે મોટો થયો એ મારું મન જાણે છે. મેં એંઠવાડ ખાધો છે, ફુગાઈ ગયેલી બ્રેડ ખાધી છે. કૂતરાંઓ અને ડુક્કરો જે ચીજો ખાવા માટે ઝઘડતાં હોય એવી ચીજો માટે મેં એ કૂતરા અને ડુક્કરો સાથે મારામારી કરી છે... થોડો મોટો થયો પછી હું ચોરી કરતાં શીખી ગયો. પણ મને પાકીટ મારતાં નહોતું આવડતું. હું માત્ર ખાવાની ચીજો ચોરતો હતો. એક વાર એક હવાલદારે મને પકડીને ડંડે-ડંડે બહુ માર્યો. પણ મને એવી દાઝ ચડી હતી કે મેં તેનો જ ડંડો છીનવીને તેની આંખ ફોડી નાખી. હું ભાગ્યો, પણ બહુ દિવસો સુધી ભાગી શક્યો નહીં, પોલીસે મને પકડીને રિમાન્ડ હોમમાં મોકલી આપ્યો. રિમાન્ડ હોમમાં હું બધું જ શીખ્યો. પાકીટ મારતાં, ચાકુ ચલાવતાં, સૂતળી બૉમ્બ બનાવતાં. પંદર જણનું ટોળું મારી-મારીને છૂંદો બનાવી દે એવો માર સહન કરતાંય શીખ્યો. કુસુમ... તું મને પ્રેમ કરે છેને, પણ આ પ્રેમ નામની ચીજ શું હોય છે એ મેં જોઈ જ નથી...’
કુસુમ એકકાન થઈને સાંભળી રહી હતી.
‘રિમાન્ડ હોમમાંથી છૂટ્યો ત્યારે હું બારેક વર્ષનો હોઈશ. બહાર નીકળતાં જ હું ગુનાખોરીની દુનિયામાં ખેંચાઈ ગયો. મુંબઈના આ અન્ડરવર્લ્ડમાં મજબૂત શરીરના અને હિંમતવાળા છોકરાઓ પાસે જે કામ કરાવવામાં આવે છે એ બધાં જ કામ મેં કર્યાં. હું બીજા બધા કરતાં જબરો હતો પણ મારો સ્વભાવ મને નડ્યો. મારી જબાન કરતાં મારા હાથ વધારે ચાલતા હતા. એક વાર એક ટપોરી જોડે ઝઘડો થઈ ગયો... મેં તેને એટલોબધો માર્યો કે તે ઢળી પડ્યો. તેના ડોળા ફાટી ગયા હતા પણ હું તેનો સીન જોઈને ડરી ગયો. મારે મર્ડર કેસમાં જેલ નહોતું જવું. હું રાતોરાત ચેન્નઈ બાજુ જતી ટ્રેનમાં બેસીને ભાગી ગયો. ચેન્નઈમાં હું સીધી લાઇનનું કામ કરવા માગતો હતો. ત્યાં જ મને મારું આ નામ મળ્યું, રાજગોપાલ.
ત્યાં મેં મજૂરીનાં કામ કર્યાં, ગૅરેજમાં નોકરીઓ કરી. પણ ત્યાંની ભાષા મને પલ્લે નહોતી પડતી એટલે ચારેક વર્ષ પછી હું મુંબઈમાં પાછો આવી ગયો. અહીં આવ્યો ત્યારે મારી હાઇટ-બૉડી વધી ગઈ હતી. ચહેરા પર દાઢી-મૂછ ઊગી ગયાં હતાં એટલે જૂના અન્ડરવર્લ્ડના માણસો મને ઓળખી શક્યા નહીં. મારે એ દુનિયામાં પાછા નહોતું જવું એટલે મેં ઈમાનદારીથી થાય એવી નોકરી શોધવા માંડી. અત્યારે આપણે જ્યાં નોકરી કરીએ છીએ ત્યાં હું સોળ વર્ષની ઉંમરે પટાવાળા તરીકે જોડાયો હતો. મારે ભણવું હતું. હું નાઇટ-સ્કૂલમાં ભણ્યો, લખતાં-વાંચતાં શીખ્યો. પછી ટાઇપિંગ શીખ્યો. પછી કમ્પ્યુટર શીખ્યો. આજે હું દસમું પણ પાસ નથી છતાં માલિકોએ મને નોકરીમાં જવાબદારીઓ આપી છે...’
આટલું બોલ્યા પછી રાજગોપાલે કુસુમની આંખોમાં આંખો મિલાવી. શું હતું એ આંખોમાં? ભીનાશ પણ નહીં, આક્રોશ પણ નહીં; માત્ર ને માત્ર રણની સૂકી રેતી જેવી ખારાશ હતી.
‘કુસુમ, મેં ગરીબી જોઈ છે, ગરીબીની હાડમારીઓ જોઈ છે એટલે જ કદાચ મેં તને તારા ઇન્ટરવ્યુના દિવસે તને નોકરી અપાવી દીધી. તને મેં જે કંઈ મદદ કરી એ મારા સંતોષ ખાતર કરી છે, મને સારું લાગે એટલે કરી છે. જો આને તું પ્રેમ સમજતી હોય તો એ તારો ભ્રમ છે. દિલથી નહીં, દિમાગથી વિચાર. ગરીબોને પ્રેમ કરવો પોસાય નહીં.’
‘બોલી લીધું?’ કુસુમે પૂછ્યું.
જવાબમાં રાજગોપાલ કંઈ બોલ્યો નહીં. ખાલી થઈ ગયેલાં કપ-રકાબી તેણે ટેબલની સાઇડમાં ખસેડ્યાં. બનની ખાલી પ્લેટો બાજુમાં મૂકી, વરિયાળી સાથે મૂકેલી બિલની ચબરખી હાથમાં લઈ તે ઊભો થયો અને કાઉન્ટર પર બિલ ચૂકવીને જતો રહ્યો...
બહાર નીકળતી વખતે તેણે અંદર ટેબલ પર સ્તબ્ધ બનીને બેસી રહેલી કુસુમ તરફ જોયું સુધ્ધાં નહીં.
કેવો માણસ હતો આ? ખરાબ માણસો આવા હોય? કુસુમને કંઈ સમજાતું નહોતું.
lll
એ પછી દિવસો સુધી ઑફિસમાં રાજગોપાલ એવી રીતે વર્તતો રહ્યો કે જાણે કંઈ બન્યું જ નથી. કુસુમ પણ ધીમે-ધીમે ‘આઇ લવ યુ’વાળી ઘટનાને ભૂલવાની કોશિશ કરતી રહી. કુસુમ એમ વિચારતી હતી કે હશે, મારા મનનો બે ઘડીનો એ આવેગ હશે.
પરંતુ અચાનક એક દિવસ કુસુમના મનમાં એક ઝબકારો થયો... હોય ન હોય, કુસુમ, આ જ તો પ્રેમ છે!
ભલેને રાજગોપાલને ન હોય, મને તો છેને? અને હું ક્યાં કહું છું કે તે મને પ્રેમ કરે? ક્યાં માગું છું કે તે મારો હાથ પકડે? ભલેને ન પકડે, પણ ફક્ત એટલા ખાતર મારી લાગણીઓને મારે શા માટે રોકી રાખવી?
બસ, એ પછી કુસુમનું મન હળવું થઈ ગયું.
lll
હવે તે રાજગોપાલ સાથે જુદી રીતે વર્તવા લાગી. ક્યારેક તે પટાવાળા ગોવિંદરામ દ્વારા પેલી ૧૦ રૂપિયાવાળી છાશ રાજગોપાલના ટેબલ પર મોકલાવતી. તો ક્યારેક ટિફિનમાં મમ્મીએ હાંડવો મૂકી આપ્યો હોય તો એક પેપર ડિશમાં હાંડવો મોકલીને ડિશ પર જ પેનથી લખતી : ‘આને હાંડવો કહેવાય, ચાખો. કેવો છે?’
એક વાર તે રાજગોપાલના ટેબલ પર પેપર ડિશમાં ઢોકળાં આપવા ગઈ ત્યારે તેણે જોયું કે રાજગોપાલના ચહેરા પર દાઢી કરતાં છોલાઈ ગયાનું નિશાન હતું. તેણે એ જ વખતે નાની ચબરખી લખીને ઢોકળાની પેપર ડિશમાં મૂકી : ‘ટ્વિન બ્લેડો ઘસાઈ ગઈ લાગે છે. નવી લાવી આપું?’
રાજગોપાલ એ વાંચીને સહેજ હસ્યો હતો...
lll
એક દિવસ કુસુમે રાજગોપાલના ટેબલ પ૨ અર્જન્ટ ફાઇલમાં મોટા અક્ષરે લખેલી ચિઠ્ઠી મૂકી : ‘રવિવારે સવારે સાડાનવ વાગ્યે ઘાટકોપર બસ ડેપો આગળ મને મળવા આવવું પડશે. અર્જન્ટ છે.’
રાજગોપાલે પ્રશ્નાર્થભરી નજરે કુસુમ સામે જોયું. કુસુમનો ચહેરો સિરિયસ હતો.
lll
રવિવારે સવારે બરાબર સાડાનવના ટકોરે રાજગોપાલ ઘાટકોપરના બસ ડેપોના ઝાંપે પહોંચ્યો ત્યારે કુસુમ વિહ્વળ ચહેરે તેની રાહ જોતી ઊભી હતી.
‘શું વાત છે?’
‘અંદર ચાલો.’ કુસુમ બસ ડેપોના કમ્પાઉન્ડમાં ગઈ. રાજગોપાલ તેની પાછળ-પાછળ ચાલ્યો. ચારે બાજુ
લાલ રંગની ખાલી પડેલી બસો ખડકાયેલી હતી. રવિવારની સવાર હોવાને કારણે આખા બસ ડેપોમાં કોઈ હલચલ પણ નહોતી.
એક શેડ નીચે પતરાની બેન્ચ પર જઈને કુસુમ બેઠી. થોડું અંતર રાખીને રાજગોપાલ તેની પાસે બેઠો.
‘આમ રવિવારે સવારે મને અહીં શા માટે બોલાવ્યો છે?’
કુસુમે આડીઅવળી ભૂમિકા બાંધ્યા વિના સીધી જ વાત કરી, ‘રાજગોપાલ, મારી સગાઈ થવાની છે.’
‘તો?’
‘તો...’ કુસુમે રાજગોપાલની ઊંડી આંખોમાં આંખો પરોવીને કહ્યું ‘રાજગોપાલ, હું હજી તમને પ્રેમ કરું છું.’
રાજગોપાલ તેની ઊંડી આંખો વડે કુસુમ તરફ જોઈ રહ્યો. કુસુમે જોયું કે પહેલી વાર, હા, પહેલી વાર રાજગોપાલની આંખોના ખૂણા ભીના થઈ રહ્યા હતા.
એ શું હતું? પ્રેમ?
(ક્રમશઃ)

