Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ધ ઘોસ્ટ ઍડ્રેસ : દાદર ૪૦૦ ૦૨૮ (પ્રકરણ ૫)

ધ ઘોસ્ટ ઍડ્રેસ : દાદર ૪૦૦ ૦૨૮ (પ્રકરણ ૫)

Published : 21 August, 2026 03:42 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

દાદરના દેશમુખ વાડાના પાછળના ભાગની બરાબર મધ્યમાં લાલ અને કાળા રંગથી દોરેલા અઘોરી ચક્ર સામે નિશા અને અઝીઝ ઊભાં હતાં. નિશાના હાથમાં આઈની ડાયરી હતી અને અઝીઝના હાથમાં છરો. 

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


દાદરના દેશમુખ વાડાના પાછળના ભાગની બરાબર મધ્યમાં લાલ અને કાળા રંગથી દોરેલા અઘોરી ચક્ર સામે નિશા અને અઝીઝ ઊભાં હતાં. નિશાના હાથમાં આઈની ડાયરી હતી અને અઝીઝના હાથમાં છરો. 
‘નિશા, મોડું નથી કરવું... રાતના અઢી વાગ્યાનું મુરત સર્વોત્તમ છે. બાળકના બલિ સાથે જ આપણું ચક્ર પૂરું થશે.’
માનસીનો જીવ અધ્ધર થઈ ગયો. તે એક ડગલું પાછળ હટી. 
‘નહીં નિશા... પ્લીઝ, નહીં... તું આવું કેમ કરી શકે... તું... તું વૈભવની બહેન છે.’
‘બહેન?’ નિશા હસી, ‘અઘોર શાસ્ત્રમાં કોઈ કોઈનું સગું નથી માનસી.’
માનસી કંઈ કહે એ પહેલાં તેની બાજુમાં આવી ગયેલા અઝીઝે માનસી તરફ છરો ઉગામીને છલાંગ મારી અને માનસીની આંખો બંધ થઈ. તેણે પોતાના પેટને બન્ને હાથથી ઢાંકી લીધું હતું. જોકે અઝીઝ તેને સ્પર્શે એ પહેલાં જ ઝાટકો લાગે એવી ઘટના બની.
માનસીની પાછળથી ભયાનક ચીસ સંભળાઈ અને વૈભવે અઝીઝ પર છલાંગ લગાવીને તેનો હાથ પકડી લીધો. અઝીઝના હાથમાંથી છરો છટકી ગયો. વૈભવની આંખોમાં ખુન્નસ હતું, પણ એ ખુન્નસમાં પત્ની માટેનો ભારોભાર પ્રેમ હતો. 
 ‘નિશા, તું... મારી બહેન થઈને આવું કરે છે?’
વૈભવ અઝીઝને થપ્પડ મારવા જાય એ પહેલાં અઝીઝે ખિસ્સામાંથી ભસ્મ કાઢીને વૈભવના ચહેરા પર ફેંકી. ભસ્મનો સ્પર્શ થતાં વૈભવ ચિલ્લાયો અને જમીન પર પડ્યો. 
‘દાદા...’ નિશાએ ક્રૂરતાથી કહ્યું, ‘તમે હજી સાજા નથી. આઈની શક્તિઓ તમારા લોહીમાં છે. તમે અમારું કંઈ નહીં બગાડી શકો.’
નિશાએ જમીન પરથી છરો ઉપાડ્યો અને માનસી તરફ આગળ વધી. એ જ વખતે વાડામાં ગુરુજી અને ભાલચંદ્ર આવ્યા. શાસ્ત્રીજીના એક હાથમાં મંત્રેલી અગ્નિની નાની મશાલ અને બીજા હાથમાં ગંગાજળનો કળશ હતાં.
‘અધર્મનો અંત નજીક છે નિશા...’ 
શાસ્ત્રીજીએ હવનકુંડનો અગ્નિ આંગણાના તાંત્રિક ચક્રની મધ્યમાં સ્થાપિત કરીને મંત્રોચ્ચાર શરૂ કર્યા તો ભાલચંદ્ર દોડીને વૈભવને ખેંચીને માનસીની આગળ ઢાલ બનીને ઊભા રહી ગયા.
‘બાબા, આ છોકરી?’ નિશા રીતસર તાડૂકી, ‘આ છોકરી તમારી સગી નથી, હું તમારી દીકરી છું...’
‘તેં જ હમણાં માનસીને કહ્યુંને... અઘોર સંસારમાં કોઈ કોઈનું સગું નહીં તો પછી હું કેવી રીતે તારો બાબા હોઉં.’ ભાલચંદ્રએ ગુરુજી સામે જોયું, ‘ગુરુજી વિધિ કરો. ભલે આજે લોહીના તમામ સંબંધો ખતમ થઈ જાય...’
બાબાની વિધિ આગળ વધે એ પહેલાં અઝીઝે કાળી વિદ્યાના પાશ ફેંકવાનું શરૂ કર્યું અને વાડાના ઝાડ પરથી કાગડાઓ નીચે ઊતરીને શાસ્ત્રીજી પર હુમલો કરવા લાગ્યા તો આંગણાની માટીમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો. વાતાવરણ એટલું ભયાનક બની ગયું કે વાડાની દીવાલોમાં તિરાડો પડવી શરૂ થઈ ગઈ.
શાસ્ત્રીજીએ મંત્રોચ્ચાર ચાલુ રાખ્યા, પણ અઝીઝ અને નિશાની ભેગી થયેલી અઘોરી તાકાત શાસ્ત્રીજીના કવચને તોડતી રહી. શાસ્ત્રીજીના મુખમાંથી લોહીનું ટીપું નીકળ્યું.
‘માનસી...’ શાસ્ત્રીજીએ કષ્ટ સાથે બૂમ પાડી, ‘તારું મંગળસૂત્ર અને આઈની ડાયરી... એ બન્નેને હવનકુંડમાં હોમવાં પડશે. જલદી આપ.’
માનસીએ ગળામાં રહેલા મંગળસૂત્ર તરફ જોયું. મંગળસૂત્ર તેના સુહાગની નિશાની હતી, પણ સાથોસાથ એ આઈના કાળા શ્રાપનું માધ્યમ પણ હતું.
માનસી મંગળસૂત્ર કાઢે એ પહેલાં જ નિશાએ માનસીને કહ્યું...
‘ના, એ મંગળસૂત્ર અમારી શક્તિ છે. તું માગે એ તને આપીશ માનસી, મંગળસૂત્ર નહીં આપ.’
માનસીએ ક્ષણનો પણ વિચાર કર્યા વિના ગળામાંથી મંગળસૂત્ર તોડી નાખ્યું. નિશા હેબતાઈ ગઈ અને એ જ તકનો લાભ માનસીએ લીધો. તેણે ઝાટકા સાથે નિશાના હાથમાંથી ડાયરી ખેંચી લીધી અને પળનો પણ વિલંબ કર્યા વિના તાઈની તાંત્રિક ડાયરી અને મંગળસૂત્ર બન્ને હવનકુંડના પ્રજ્વલિત અગ્નિમાં ફેંકી દીધાં.
જેવું મંગળસૂત્ર અને ડાયરી હવનકુંડમાં સળગ્યાં કે તરત અઝીઝ અને નિશાના શરીર પર અગ્નિની અદૃશ્ય જ્વાળા આવવા માંડી. અઝીઝના ગળામાંથી તાવીજ નીચે પડ્યું કે બીજી જ સેકન્ડે અઝીઝનાં રૂપરંગ ચેન્જ થવા માંડ્યાં. અચાનક અઝીઝ આધેડ વયનો દેખાવો શરૂ થયો. હકીકતમાં અઝીઝ દમયંતી આઈનો દત્તક અઘોરી ચેલો હતો.
‘અઝીઝ... તું?’ 
નિશા પણ આ જોઈને હેબતાઈ ગઈ. તે જેને પોતાનો પ્રેમી માનતી હતી તે હકીકતમાં આધેડ વયનો શખ્સ નીકળ્યો.
હવનકુંડમાંથી સોનેરી અને કાળો ધુમાડો એકસાથે ઉપર ઊઠ્યો. 
આઈ, ટિમોથી અને અઝીઝની શક્તિઓ અગ્નિમાં તરફડવા લાગી. અઝીઝ દર્દથી ચીસો પાડતો જમીન પર ઢળી પડ્યો અને તેનું શરીર કાળું પડીને રાખ થવા માંડ્યું.
અલબત્ત, હજી સામે નિશા ઊભી હતી જે પોતાની હાર સ્વીકારવા તૈયાર નહોતી. 
નિશા હવે સંપૂર્ણપણે પાગલ થઈ ગઈ હતી. તેના મન પર કાળી વિદ્યા સવાર હતી. તેણે જમીન પર પડેલો છરો ઉપાડ્યો અને સીધી બેભાન પડેલા વૈભવ તરફ દોડી.
‘હું કોઈને જીવતા નહીં છોડું... કોઈને નહીં.’ 
નિશાએ છરો વૈભવની છાતી પર મારવા માટે હાથ ઊંચો કર્યો.
ભાલચંદ્ર તેને રોકવા ગયા, પણ નિશાએ તેમને ધક્કો મારીને પાડી દીધા. માનસીએ પણ પોતાની પરવા કર્યા વિના દોડીને નિશાના હાથમાંથી છરો છીનવવાનો પ્રયાસ કર્યો. બન્ને વચ્ચે ખેંચતાણ શરૂ થઈ.
હવનકુંડનો અગ્નિ વધુ પ્રચંડ બન્યો. 
વાડાના ફ્લોરિંગની અંદરથી જ્વાળાઓ બહાર નીકળવા લાગી.
ખેંચતાણ દરમ્યાન નિશાનો પગ જમીન પર ઢોળાયેલા કંકુ અને તેલ પર આવ્યો અને નિશા પાછળની તરફ ફેંકાઈ. તે સીધી હવનકુંડની જ્વાળાઓ અને વાડાના જૂના લાકડાના સળગતા થાંભલા સાથે અથડાઈ અને નિશાના પૉલિએસ્ટર કપડાએ તરત આગ પકડી લીધી. ભયાનક ચીસો પાડતી તે આંગણામાં તરફડવા માંડી. થોડી જ મિનિટોમાં નિશાનું શરીર અગ્નિએ આગોશમાં લઈ લીધું અને દેશમુખ વાડાના આંગણામાં જ તેનો અંત આવ્યો.
આગ હવે વાડાના બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. લાકડાનો વાડો સળગવા માંડ્યો હતો..
‘માનસી, બહાર નીકળો, વાડો સળગશે...’ 
ભાલચંદ્રએ બૂમ પાડી અને બેભાન વૈભવને મહામહેનતે ઊંચકીને તે મેઇન ડોર તરફ ભાગ્યા. પાછળ ગુરુજી અને માનસી પણ બહારની દિશામાં ભાગ્યાં. બધા બહાર આવ્યાની બીજી જ સેકન્ડે વાડાનો ઉપલો માળ કડાકા સાથે નીચે પછડાયો.
દેશમુખ વાડો આખો અગ્નિમાં હોમાઈને ભસ્મ થઈ ગયો.
lll
શુક્રવારની સવારે તિલક રોડ પર સૂર્યનાં સોનેરી કિરણો પથરાયાં. વરસાદ હવે બંધ થઈ ગયો હતો. વાડાના સ્થાને માત્ર કાળી રાખ અને સળગેલાં લાકડાંના અવશેષો બચ્યા હતા, પણ વાતાવરણમાં હવે પવિત્રતા હતી. 
ઍમ્બ્યુલન્સ અને પોલીસની વૅન આવી ગઈ હતી. ઍમ્બ્યુલન્સમાં વૈભવ માનસીનો હાથ પકડીને બેઠો હતો. વૈભવના ચહેરા પર હવે કોઈનો અંકુશ નહોતો રહ્યો.
‘માનસી...’ વૈભવે માનસીનો હાથ હાથમાં લીધો, ‘મારે લીધે તને કેટલી તકલીફો પડી. આઈ અને નિશાએ તારી સાથે કેટલો અત્યાચાર કર્યો... આઈ ઍમ સૉરી માનસી...’
માનસીએ વૈભવના હોઠ પર આંગળી મૂકી દીધી. 
‘વૈભવ... એ બધી વાત હવે ઓલવાઈ ગઈ. હવે આપણે નવા જીવનની શરૂઆત કરવાની છે અને એ પણ સાથે...’
ભાલચંદ્રએ માનસીના માથા પર હાથ મૂક્યો. 
‘માનસીવહુ... તમે માત્ર વૈભવને નહીં, આ આખા ઘરની આબરૂ અને ઘરના વંશને બચાવ્યો છે. તમે તો અમારાં કુળદેવી બનીને આવ્યાં છો...’
‘એકદમ સાચી વાત...’ શાસ્ત્રીજી માનસી અને વૈભવ પાસે આવ્યા, ‘માનસીબેટા, આ વાડાની કાળી કથા હવે પૂરી થઈ. દમયંતી, ટિમોથી, અઝીઝ અને નિશાના દુષ્કર્મનો અંત આવી ગયો. હવે સુખની સવાર સાથે નવી શરૂઆત કરવાની છે.’
lll
એક વીક પછી માનસી, વૈભવ અને ભાલચંદ્ર નાશિક જઈને ગોદાવરી નદીના રામકુંડ ઘાટ પહોંચ્યાં. સવારનો કુમળો તડકો પાણીને નવો નિખાર આપતો હતો. ગુરુજીની સલાહ મુજબ દેશમુખ વાડાની રાખના અમુક ભાગ સહિત અસ્થિઓનું વિસર્જન કરવાનું હતું. વૈભવે કળશ પકડ્યો હતો. માનસી તેની બાજુમાં હતી. બન્નેએ સાથે કળશમાંથી અસ્થિઓ, ભસ્મ અને દેશમુખ વાડાની રાખ ગોદાવરીના પ્રવાહમાં પધરાવી.
ભસ્મ જેવી પવિત્ર નદીના પાણીમાં ભળી કે અચાનક નદીના પાણીમાં એક માણસની આકૃતિ જન્મી અને ક્ષણવારમાં જ એ ગાયબ થઈ ગઈ.
‘આ સંકેત છે માનસી...’ ગુરુજીએ કહ્યું, ‘આઈ અને નિશાના આત્માને આખરે મુક્તિ મળી ગઈ, તેમનો હવે છુટકારો થઈ ગયો.’
માનસીએ ઊંડો શ્વાસ લીધો અને પર્સ ખોલ્યું.
‘વૈભવ, આ શું...’
માનસીના હાથમાં નાની કાગળની ચબરખી હતી જે તેને વાડાના ફ્લોરિંગ નીચેથી મળી હતી. ચીઠ્ઠીમાં કંઈક જુદી જ ભાષામાં લખાયેલું હોય એવું લાગતું હતું. 
‘દેખાડ...’
માનસીએ એ કાગળ વૈભવને આપ્યો અને વૈભવે ચબરખી ઉકેલવાનો પ્રયાસ કર્યો. શરૂઆતમાં તેને તકલીફ પડી પણ પછી અચાનક વૈભવની જીભ પરથી અસ્ખલિત મરાઠી-સંસ્કૃત શ્લોકો નીકળવા લાગ્યા.
‘વૈભવ...’ માનસીની આંખો પહોળી થઈ ગઈ હતી, ‘તને આ શ્લોકો કેવી રીતે આવડે, તને તો આ ભાષા આવડતી નથી...’
વૈભવે હસીને માનસીનો હાથ પકડ્યો. 
‘ડર નહીં માનસી... આઈના બ્લૅક મૅજિકની મારા પર કોઈ અસર નથી; પણ હા, આઈના ગયા પછી તેની જે વિષધર વિદ્યાનો પૉઝિટિવ પાર્ટ હતો એ જ્યોતિષ અને ભાષાનું નૉલેજ મારામાં સ્ટોર થઈ ગયું છે. જોકે એ બ્લૅક મૅજિક નથી, એ તો નૉલેજ છે...’
‘હાશ...’ માનસીને નિરાંત થઈ, ‘વૈભવ, આપણે તારું આ નૉલેજ લોકોના ભલા માટે વાપરીશું.’
‘ફૉર શ્યૉર...’ 
વૈભવે એ ચિઠ્ઠી પાણીમાં 
પધરાવી દીધી.
lll
નાશિકથી મુંબઈ પાછા આવ્યા પછી માનસી અને વૈભવે દાદરમાં નવો અને હવા-ઉજાસવાળો ફ્લૅટ લીધો. સમય પસાર થતો ગયો અને ૯ મહિના પૂરા થયા. માનસીએ લીલાવતી હૉસ્પિટલમાં એક દીકરીને જન્મ આપ્યો.
હૉસ્પિટલના રૂમમાં ખુશીનો માહોલ હતો. વૈભવ પોતાની નવજાત દીકરીને રમાડતો હતો. ભાલચંદ્રના ચહેરા પર દાદા બનવાનો આનંદ હતો તો માનસીની ફ્રેન્ડ મેઘા પણ અત્યંત ખુશ હતી.
વૈભવે દીકરીને માનસીના ખોળામાં મૂકી. 
‘માનસી... જો આ આપણી નવી શરૂઆત...’
માનસીએ ખોળામાં રહેલી દીકરી સામે જોયું. દીકરીએ ધીમેકથી પોતાની નાની આંખો ખોલી અને એ જ સમયે રૂમનો દરવાજો અચાનક પવન વગર બંધ થઈ ગયો અને બીજી જ ક્ષણે રૂમની લાઇટો ક્ષણ માટે ફ્લિકર થઈ.
માનસીની આંખો પોતાની દીકરીની આંખો પર પડી.
નવજાત બાળકીની કાળી કીકીઓમાં ક્ષણવાર માટે ઝબકારો થયો અને કીકીઓ અચાનક અલોપ થઈ ગઈ. માનસી ધ્રૂજી ગઈ, પણ તે કંઈ કહે કે કરે એ પહેલાં જ એ કીકીઓ પાછી આવી ગઈ. માનસીએ તરત દીકરીના જમણા કાનની પાછળ જોયું. કાનની પાછળ હતું, જે ત્રિશૂળ જેવું તિલક આકારનું હતું. ડિટ્ટો એવું જ, જેવું દમયંતી આઈના જમણા કાનની પાછળ હતું. 
૩ દિવસની બાળકીએ માનસી સામે જોઈને પુખ્ત વયની સ્ત્રી જેવું સ્મિત આપ્યું અને માનસીના કાનમાં સંભળાયું...
‘માનસીવહુ, હું આવી ગઈ...’
માનસીનો શ્વાસ રોકાઈ ગયો! તેના ગળામાંથી અવાજ ન નીકળ્યો!
આઈનો કાળો પાશ ક્યારેય પૂરો થયો જ નહોતો, એ એક નવા રૂપમાં જન્મ લઈ ચૂક્યો હતો.
આકાશમાં વીજળીના કડાકાઓ શરૂ થઈ ગયા હતા અને હૉસ્પિટલના કાચ પર બાઝેલાં વરસાદનાં ટીપાંઓએ બહારનું વાતાવરણ ધૂંધળું કરી નાખ્યું હતું.

(સમાપ્ત)


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 03:42 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK