Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વેણીનાં ફૂલ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

વેણીનાં ફૂલ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

20 October, 2021 08:02 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

હવે આંચલની કીકીમાં ધીર ઊપસી, ‘ક્ષમા કરજો, પણ પતિથી કંઈ પણ છુપાવવાનું મારી માએ મને શીખવ્યું નથી.’

વેણીનાં ફૂલ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)

વેણીનાં ફૂલ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 3)


ડૅ..ડી!
પોતાની જ ચીસના ભણકારાએ પથારીમાં બેઠી થઈ ગઈ આંચલ.
ના, હું મારી રૂમમાં છું, રૂમ અંદરથી બંધ છે અને હું સુરક્ષિત છું!
હા...શ.
આ કેવો હાશકારો આંચલ? 
સામેના મિરરમાં પ્રતિબિંબે પૂછ્યું, ‘થોડી મિનિટ પહેલાં જે થયું, અથવા કહો કે થતા રહી ગયું એ આ જન્મારામાં તો કેમ ભુલાશે?’
હાંફી જવાયું. આવું કંઈ બનશે એનો સપનેય અણસાર નહોતો. ડૅડીનું માથું દુખતું હતું, પોતે તેમના બેડ પર બાજુમાં બેસી તેમના માથે બામ ઘસતી હતી અને...
અચાનક જ તેમણે એવી ખેંચી, પલંગમાં પછાડી કે ક્ષણભર તો શું થઈ રહ્યું છે એની ગતાગમ ન પડી. ત્યાં તો ડૅડી મારા શરીર પર ચડી બેઠા. અકરાંતિયાની જેમ મારા પર તૂટી પડવા ઇચ્છતા પુરુષની વૃત્તિ ત્યારે સમજાણી ને ચીસ સરી ગઈ, ‘ડૅ...ડી! લીવ મી! આ...શ્રિ...ત.
પોતાના પ્રતિકારથી વધુ આ એક નામે ચમત્કાર કર્યો.
ડૅડીના દિમાગને એ સ્પર્શ્યું હોય એમ તેમનું જોમ નિચોવાઈ ગયું. તે પૂતળા જેવા બન્યા અને તેમને હડસેલીને હું મારી રૂમમાં આવી ગઈ. અંદરથી ડબલ લૉક ચડાવીને રડતાં-રડતાં ક્યારે સૂઈ ગઈ એની ગત ન રહી.
જોકે અજાગ્રત મનમાં પણ એ જ ઘટમાળ વલખાતી રહી અને પોતે ઝબકીને જાગી...
‘આ શું થઈ ગયું? ડૅડી...’
આંચલના હોઠ ભિડાયા : ‘ના, દીકરી જેવી પુત્રવધૂ પર નજર બગાડનારો પુરુષ બીજું ગમે તે હોય, પિતાના સંબોધનને લાયક તો ન જ ગણાય! તમે મારા મન પરથી ઊતરી ગયા અમરનાથ! તમારી વકરેલી વૃત્તિ અણીના સમયે કાબૂમાં આવી ન હોત તો હું અભડાઈ ચૂકી હોત! અને મારો વિનયભંગ કરનાર બીજું કોઈ નહીં, જેને મારા બીજા પિતા માન્યા એ ડૅડી, તમે?’
‘બળાત્કાર કરતાં વસમી પીડા તો આની છે. જાણે ક્યારથી આ પળ તમે ઝંખતા હશો એ વિચારે હું પાણી પાણી થાઉં છું. તમારો વિકાર મને કે આશ્રિતને પરખાયો નહીં એટલા તો તમે હોશિયાર.’
‘આશ્રિત...’
આંચલના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. તેમને જ્યારે શ્વશૂર-વહુ વચ્ચેની અજુગતી ક્ષણોની જાણ થશે ત્યારે...
હથેળીમાં મોં છુપાવી રડી પડી આંચલ.
lll
‘હટ રે ભૂંડા, આ તેં શું કર્યું!’
ઘરના બીજા ઓરડે અમરનાથના જીવને પણ જંપ નથી.
‘ક્યાં ગયો તારો સંયમ, અમરનાથ? વસુધાનો હક કોઈને ન આપવાની ટેક ધરાવનારો અમરનાથ કોઈ નહીં ને પુત્રવધૂ પર કુદૃષ્ટિ કરી બેઠો? શિવ શિવ! ભલું થજો કે વહુએ આશ્રિતના નામની ચીસ પાડીને પોતાને ભાન આવ્યું, નહીંતર તો દીકરાના હકને પોતે વળોટી ખાધો હોત...’
‘ભયાનક પાપમાંથી ઈશ્વરે મને અવશ્ય ઉગાર્યો, પણ વાસનાના માર્યા વહુને મેં પટકી, દબોચી એ અક્ષમ્ય ક્ષણોનું શું?  હૈયે નસ્તર બની એ જીવને પીંજતી રહેવાની. હવે પછી આંચલ કદી મને ડૅડી માની શકશે, અરે, સંબોધી પણ શકશે? અને એ આશ્રિતને જાણ કરશે ત્યારે...’
ધ્રૂજી જવાયું.
‘આ તમે શું કર્યું અમર?’
 પત્નીનો સ્વર પડઘાતાં અમરનાથ બઘવાયા. ટેબલ પર મૂકેલી ફોટોફ્રેમમાંથી વસુધા ઠપકારતી લાગી,
‘આજે તમારું મન ચલિત હતું તો શી જરૂર હતી વહુને તમારી રૂમમાં આવવા દેવાની? તમે આજે મારો ગર્વ ભાંગી નાખ્યો. ન તમને મારો હક યાદ રહ્યો, ન બિચારી આંચલ સાથેનું સગપણ! આજે તમારા મંગળસૂત્રનો મને બોજ લાગે છે, અમર...’
ભલે ભ્રમણામાં, પણ આવું કહેતાં વસુધાએ મોં ફેરવી લીધું હોય એમ તસવીર પવનથી ઊંધી પડી ને દીવાલમાં માથું અફાળીને અમરનાથ રડી પડ્યા.
lll
...અને સવારે આઠના સુમારે ડોરબેલના રણકારે ઘરમાં દબાયેલી સ્તબ્ધતા વિખેરી નાખી. પોતપોતાના કમરામાંથી અમરનાથ-આંચલ બહાર આવ્યાં, અમરનાથ પર નજર પડતાં જ આંચલે ઘૃણાભેર મોં ફેરવી લીધું.
અમરનાથ બીજી રીતે પણ ચોંક્યા.
રૂમમાંથી નીકળેલી આંચલે નવો ડ્રેસ પહેર્યો હતો અને હાથમાં બૅગ પણ હતી!
‘ક્યાં જાય છે, આંચલ?’ તેમની પૃચ્છામાં થડકો હતો.
‘મમ્મીને ત્યાં’ આંચલે સામું જોયા વિના જવાબ વાળ્યો. સવારનો સમય હતો. મેઇડ-સરલામાસી ડોરબેલ રણકાવતાં હતાં એટલે પુરુષની ભીતિ નહોતી.
‘શા માટે....’ અમરનાથ આટલું બોલ્યા ત્યાં આંચલનો ધરબાઈ રહેલો ગુસ્સો ઊછળ્યો, ‘આ ઘરમાં તમારી સાથે એકલાં રહેવાય એવું તમે હજી પણ માનો છો? કેવી આશા છે તમને મારી પાસેથી?’
તેના આકરા શબ્દબાણથી અમરનાથ ઘવાયા.
‘જાણું છું, મારો ગુનો ક્ષમાયોગ્ય નથી, બેટા...’
‘ખબરદાર જો મને બેટા, વહુ કે દીકરી કહ્યું... યા મારું નામ પણ લીધું તો.’
બીજા શબ્દોમાં વહુએ કહી દીધું કે મારી સાથે વાત કરવી નહીં! અમરનાથ કડવો ઘૂંટ ગળી ગયા.
‘ઠીક છે, બટ પ્લીઝ, તારા પિયરમાં કોઈને કંઈ કહીશ નહીં-’
હવે આંચલે ગરદન ઘુમાવી, ‘સાસરીની વાત પિયરમાં કરવાનું મને મારી માએ શીખવ્યું નથી.’
‘અને, પ્લીઝ આશ્રિતને પણ ન કહીશ.’
હવે આંચલની કીકીમાં ધીર ઊપસી, ‘ક્ષમા કરજો, પતિથી કંઈ પણ છુપાવવાનું મારી માએ મને શીખવ્યું નથી.’
અમરનાથ સોફા પર બેસી પડ્યા. આંચલે દરવાજો ખોલ્યો.
‘દરવાજો ખોલવામાં આટલી વાર થઈ...’ ચિંતા જતાવતાં સરલામાસી આંચલનું પરિધાન જોઈ ચમક્યાં, ‘ક્યાંક બહાર જાઓ છો?’
‘બે દિવસ મમ્મીને ત્યાં જઈ આવું... તે બિચારી કાયમ બોલાવતી હોય છે. આજે જઈ તેને સરપ્રાઇઝ આપું છું... તમે છો એટલે મને ચિંતા નથી.’
આદર્શ વહુની જેમ આંચલે અહીં તો કોઈને ગંધ આવવા ન દીધી, પિયરમાં પણ નહીં કહે, પરંતુ કાલે આશ્રિત આવશે તેને કહ્યા વિના પણ નહીં રહે! ત્યારે?
આનો જવાબ અમરનાથ પાસે નહોતો!
lll
‘ઓકે ડૅડ, ટેલ મી, વૉટ ઇઝ રૉન્ગ?’
છેવટે, શનિની સાંજે ડ્રિન્ક-બેઠકમાં આશ્રિતે પૂછી લીધું.
આ વખતની ઘરવાપસી પછી ડગલે ને પગલે એવું ફીલ થતું રહ્યું કે ઘરમાં બધું બરાબર છે અને છતાં કશુંક બરાબર નથી!
‘પહેલી સરપ્રાઇઝ તો મંગળવારે મુંબઈ ઊતરતાં જ મળી. આમ તો ડૅડી-આંચલ મને જોડે લેવા આવ્યાં હોય, આ વખતે આવેલાં બન્ને, પણ અલગ-અલગ! આંચલ પિયર રહેવા ગયેલી ને ત્યાંથી સીધી આવી એ પણ ત્યારે જાણ્યું. આંચલ પિયર જાય એનો વાંધો હોય જ નહીં, પણ મારી ગેરહાજરીમાં ડૅડીને એકલા મૂકીને જાય, ધેટ ઇઝ નૉટ લાઇક હર.’
‘માની બહુ ઇચ્છા હતી, ડૅડીએ પણ સંમતિ આપી...’ આંચલે હસતાં કહી દીધું. ડૅડીએ ત્વરિત એમાં હામી પુરાવી એટલે આની વધુ ચર્ચા ન હોય.
પણ વાત માત્ર આટલી નહોતી... બીજો એક સૂક્ષ્મ બદલાવ પણ પોતે આ દિવસોમાં નોંધ્યો. અગાઉ લંચ કે ડિનર માટે બેઠાં હોઈએ ને ડૅડીને કંઈ જોઈતું હોય તો તરત આંચલ કિચનમાં ભાગતી. હવે તે બેઠાં-બેઠાં જ સરલાબહેનને કહે, ‘માસી, ડૅડી માટે અથાણું લાવજોને!’
બેડરૂમના એકાંતમાં મને વળગી આંચલ એક યા બીજા શબ્દોમાં એવું જ કહેતી હોય - ‘આશ્રિત, તમે ટૂર પર મને સાથે ન લઈ જઈ શકો? અથવા તો એવું કામ શોધોને જ્યાં ટૂરિંગ હોય જ નહીં! હું બહુ લોન્લી ફીલ કરું છું...’
‘લોન્લી? અગાઉ તો આંચલ ખુદ કહેતી - ‘તમતમારે ટૂર પર જાઓ. અહીં હું ને ડૅડી પણ જલસા કરીશું!’
‘ધેન વ્હાય... આંચલમાં આ પલટો શું કામ? ઍન્ડ નૉટ ઓન્લી આંચલ... બદલાવ તો ડૅડીમાં પણ છે! એ પહેલાંની જેમ મશ્કરી નથી માંડતા,  ફરવાના પ્રોગ્રામમાં અમારી સાથે ન આવે... ધિઝ ઇઝ નૉટ લાઇક હિમ આઇધર...’
- ‘આનો એક જ અર્થ થાય, મારી ગેરહાજરીમાં જરૂર કંઈક બન્યું છે! શનિની આજની ડ્રિન્ક-બેઠકમાં અમે ત્રણેય બેઠાં છીએ ત્યારે મારે સત્ય જાણવું છે...’
આશ્રિતના પ્રશ્નમાં પડઘાતી મક્કમતાએ શ્વશૂર-વહુને એકસરખાં કંપાવ્યાં.
આંચલે હોઠ કરડ્યો. ‘આશ્રિતને અમારી કોલ્ડ વૉર ગંધાવીની હતી જ... આશ્રિત શું, પોતે પિયર ગઈ તો મા-બાપથી મનાયું નહોતું, તેમને તો બહાનું ઊપજાવી પટાવ્યાં, પણ આશ્રિત એમ નહીં માને...’
‘વીત્યા દિવસોમાં કેટલી વાર ઇચ્છ્યું કે આશ્રિતને બધું કહી દઉં... મારી ઘૂટન તેમને ન કહું તો કોને કહું?’
‘...પણ પછી એ સત્ય આશ્રિત પર શું વિતાવશે એ વિચારે સહેમી જવાતું, થંભી જવાતું. અમરનાથ આશ્રિતનું અભિમાન છે. તેમની છબિમાં તિરાડ દેખાડવી મતલબ આશ્રિતને વેરવિખેર થતા જોવા! ના, ના, એ તો કેમ થાય?’
આ વિચારે પોતે કશું કહી નથી શકતી, અને અમરનાથ તો ઇચ્છતા જ નથી કે દીકરાને જાણ થાય!
પણ આશ્રિતની મક્કમતા જોતાં લાગે છે કે આજે ભેદ ખૂલી જવાનો!
‘મારી ગેરહાજરીમા કંઈક તો બન્યું છે ડૅડી, જેણે તમને બન્નેને થોડાં-થોડાં બદલી નાખ્યાં.’
આશ્રિતના વાક્યએ અમરનાથ-આંચલની નજરો મળી, છૂટી પડી.
‘બિલકુલ સાચું.’ છેવટે અમરનાથના ભિડાયેલા હોઠ ખૂલ્યા. આંચલ કંપી ઊઠી. એક તો તેમની રૂમમાં બેસવું અસહ્ય હતું, એમાં એ જ રાતની વાત ઊખળવાની હવે...
- પણ ના. અમરનાથે જુદું જ કહ્યું - કર્યું.
બેડ નજીકના ટેબલના ડ્રૉઅરમાંથી તેમણે એક કવર કાઢી આશ્રિતને ધર્યું, ‘બસ, આમાં છે આંચલના રિસાવાનું કારણ!’
આશ્રિતના કપાળે કરચલી ઊપસી. આંચલની આંખો ઝીણી થઈ.
‘આમા આપણા ગામના સરપંચનો પત્ર છે, સ્કૂલ સહિતનાં વિકાસકાર્યોની નિગરાની માટે તેમણે મને ગામ રહેવાનું નિમંત્રણ પાઠવ્યું છે અને આ પત્ર જ આંચલની રીસનું કારણ બન્યો છે.’ અમરનાથે કડી ગોઠવી આપી, ‘મારે ગામ જવું છે અને તેણે મને જવા નથી દેવો એટલે રિસાઈને અતડી રહે છે!’
‘ઓ...હ!’ આશ્રિત ઝળહળી ઊઠ્યો, ‘ડૅડી જવાની વાત કરે તો આંચલ રિસાય જ!’
‘યા...’ આંચલને પણ હવે ગડ બેઠી. એટલું સમજાયું કે અમરનાથ સરપંચના લેટરના બહાને અમારા સંસારમાંથી દૂર જવા માગે છે! હાશ, 
એ થવું જ જોઈએ, એ પણ આશ્રિતનો ભ્રમ જાળવીને.
‘એટલે તો હું તમને જૉબ બદલવાનું કે પછી મને સાથે લઈ જવાનું કહેતી’તી... તમારા ડૅડી માને એમ નથી, પછી હું અહીં એકલી રહી શું કરું?’
‘હંઅઅઅ’ આશ્રિતને હવે સંદેહ નહોતો. તેણે અમરનાથનો હાથ પકડ્યો, ‘ડૅડી, ધિસ ઇઝ સડન. હું આને માટે તૈયાર નહોતો.’ એની પાંપણ ભીની થઈ, ‘પણ અમારા માટે તમારી ખુશી સર્વોપરી. કહો, યુ રિયલી વૉન્ટ ટુ ગો?’
અમરનાથની આંખના ખૂણા ભીંજાયા. દીકરાના હાથ પર બીજો હાથ મૂક્યો, ‘હવે જવું જ છે દીકરા, ઇટ્સ ટાઇમ.’
‘ધેન ફાઇન’ આશ્રિતે આંચલને નિહાળી, ‘યાદ છે, મેં તને કહેલું? અમારે ત્યાં સામાને જોઈતી સ્પેસ આપીને પોતે પોતાની સ્પેસ માણવાની પ્રથા છે? આઇ નો, તને ડૅડી વિના નહીં ગમે, મને પણ નહીં જ ગમે, તો વલસાડ કેટલું દૂર છે? તેમની સાથે ડ્રિન્ક શૅર કરવાનું મન થયું એટલે આપણે સીધાં વલસાડ!’
‘યા, ચલ, હવે મોં ધોઈને આવ... આજે આપણી બેઠક લાંબી ચાલવાની!’
આંખ લૂછતો આશ્રિત રૂમમાંથી નીકળ્યો ને આવા એકાંતની જ રાહ જોતા અમરનાથે વહુને સમજાવ્યું,
‘ખરેખર તો સરપંચશ્રીનો ફોન આવ્યો, એમાં મને જોઈતી તક મળી ગઈ.. આપણું શીતયુદ્ધ આશ્રિતથી છાનું રહે જ નહીં. ને તારો બંધ તૂટે એ પહેલાં સંસારમાંથી ખસી જવા માટેની ગોઠવણી કરી રાખી. સરપંચને મારે કહેવું પડ્યું કે મારી તો ગામ આવવાની ખૂબ ઇચ્છા છે, પણ દીકરો-વહુ નીકળવા દે એમ નથી. તમારો નિમંત્રણપત્ર હોય તો કદાચ તેઓ માને... તેમણે તરત પત્ર વૉટ્સઍપ કર્યો અને મેં કવર તૈયાર રાખ્યું!’
અમરનાથે આંચલ તરફ હાથ જોડ્યા, ‘તારી ક્ષમા પ્રાર્થી એટલું માગું છું કે મારા-તારા આશ્રિતને એ રાતની જાણ ક્યારેય ન થાય... અહીં રહી મારે તને વધુ દૂભવવી નથી. હું હંમેશ માટે જઈ રહ્યો છું.’
તેમની કીકીમાંથી ઝરતું વાત્સલ્ય પણ ખમાતું ન હોય એમ આંચલે નજર વાળી લીધી. હવે મારે વેણીનું ગીત નથી ગાવાનું, હું તો ગાઈશ ‘સાયબો મારો ગુલાબનો છોડ!

આવતી કાલે સમાપ્ત


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2021 08:02 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK