‘જાણું છું. મને આ પહેલો અનુભવ નથી. મંદિરે આવનારામાંથી કોઈ-કોઈની નજર ટેકરી પર જાય ને એકલી બાઈને જોઈને દાન-પુણ્ય કરવા આવી જાય - મને એનું ખોટું લાગતું નથી. મારે તો એ બહાને લોકો સાથે વાતો કરવાની થાય.’
ઇલસ્ટ્રેશન
રિમઝિમ ગિરે સાવન...
દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતે તેમની નજર આભમાં પથરાઈ. નહીં, વરસાદનો દૂર-દૂર સુધી કોઈ વર્તારો નથી... અને વરસાદને તો સૌરાષ્ટ્રની ધરા સાથે લઢવઢ જ રહી છેને!
ADVERTISEMENT
બપોરની ગરમી દઝાડતી હોય
એમ તેઓ ધીમી ચાલે વડના ચોતરે ગોઠવાયાં. થોડે દૂર સતીમાતાનું મંદિર હતું. વાર-તહેવારે અહીં દૂર-દૂરથી લોકો આવતા એટલે પોતાને પણ વસ્તી લાગતી. બાકી તો ટેકરીએ આવેલો આ વડ, સામે મારા એભલની ખાંભી ને પડખે મારું કાચું-પાકું ઝૂંપડું!
‘પણ એભલસિંહ!’ ગોઠણે છૂંદણાંવાળો હાથ ટેકવીને તેમણે ખાંભી તરફ નજર માંડી : ‘આપણાં નેણ એક થયાં ત્યાર પછીનાં આ પચાસ-પંચાવન વર્ષમાં એવું બન્યું નથી હોં કે અષાઢી બીજે અમીછાંટણાં ન વરસ્યાં હોય! યાદ છેને, આપણો પહેલો મેળ?’
ગુલાબબાના પાકટ ચહેરા પર ષોડશી કન્યાની સુરખી ફરી વળી.
‘આમ ક્યાં જાય છે?’
પુરુષસ્વર સંભળાતાં ગુલાબબાની સમાધિ તૂટી. આંખે હાથની છાજલી કરીને જોયું તો મંદિર આગળ કાર ઊભી હતી. ચૂડીદાર પહેરેલી બાવીસ-ત્રેવીસ વર્ષની યુવતી ટેકરી તરફ આવી રહી હતી. પાછળ પચીસ-સત્તાવીસનો લાગતો જુવાન સાદ પાડીને પૂછી-કહી રહ્યો હતો, ‘મંદિર આ તરફ છે.’
‘જાણું છું.’ ઢાળ ચડતી યુવતી જરા છણકાભેર બોલી, ‘મોબાઇલમાં ટાવર શોધું છું. થોડી ધીરજ ધર.’ પછી પાછળ ઘૂમીને અચરજ ઉછાળ્યું : ‘એમાં મારી પાછળ-પાછળ કેમ આવે છે? ઘરે ફોન કરીને હમણાં આવી...’
જુવાન નીચે જ અટકી ગયો. ઉપર આવેલી યુવતી જુવાન નીચે જ ઊભો છે એની ખાતરી કરતી વારે-વારે પાછળ જોતી આગળ વધતી હતી ત્યાં વડ આગળ નજર જતાં એકદમ ખચકાઈને ઊભી રહી : ઓહ, અહીં એક માજી બેઠાં છે!
‘શું થયું!’ ગુલાબબાએ લાલ સાડલાના છેડાથી પવન વીંઝ્યો, ‘મળ્યું તને ટાવર?’
યુવતીની નજર ફોન પર ગઈ. પછી માજીને જોતાં હોઠ કરડ્યો : ડોશીનાં આંખ-કાન બહુ નરવાં લાગે છે.
‘અં... હા - એટલે કે ના.’ તે ઝડપથી ઊલટી ફરી, નીચે ઊભેલા જુવાનને સાદ નાખ્યો, ‘અરેન, આવોને, અહીં એક માજી છે... કારમાંથી પેલું સીધું...’
‘કશું લાવતા નહીં.’ ગુલાબબાએ ઊંચા અવાજે કહ્યું, ‘ગામના દરબારની દીકરી છું. રોટલો-છાશ ઘરેથી આવતાં હશે. તમારે કંઈ જોઈતું હોય તો બોલો.’
યુવતી સહેજ ઝંખવાઈ. ઉપર આવેલા અરેને ક્ષમાયાચના દાખવી, ‘માફ કરજો મા, આપનું માન હણવાનો ઇરાદો નહોતો.’
ગુલાબબા બેઉને જોઈ રહ્યાં. પહેલી નજરમાં મોહી પડાય એવો સોહામણો જુવાન અને તેની સાથે શોભે એવી રૂપવતી કન્યા.
‘જાણું છું. મને આ પહેલો અનુભવ નથી. મંદિરે આવનારામાંથી કોઈ-કોઈની નજર ટેકરી પર જાય ને એકલી બાઈને જોઈને દાન-પુણ્ય કરવા આવી જાય - મને એનું ખોટું લાગતું નથી. મારે તો એ બહાને લોકો સાથે વાતો કરવાની થાય.’
પછી ઊભા થતાં પૂછી લીધું, ‘આજકાલમાં તો કોઈ તિથિ-તહેવાર નથી... કયે ગામથી આવ્યાં?’
‘અત્યારે તો ભાવનગરથી આવ્યાં, પણ મૂળ મુંબઈથી દેશ આવ્યાં છીએ.’ અરેને મુખ મલકાવ્યું, ‘ગયા અઠવાડિયે અમારી સગાઈ થઈ એટલે સાસરાના રિવાજ મુજબ સજોડે માતાનાં દર્શને આવવું હતું.’
‘હં!’ ગુલાબબા ધીમાં ડગલે ઝૂંપડીમાં ગયાં. પાછાં આવ્યાં ત્યારે હાથમાં સ્ટીલના બે ગ્લાસ હતા, ‘લો, તમને શહેરી જીવોને ગરમી બહુ લાગતી હશે, પાણી પીઓ.’
‘તમે શું કામ તકલીફ લીધી માજી, કારમાં બૉટલ છે જ...’ કહેતી યુવતીએ ગ્લાસ લીધો ખરો, પણ પાણી પીધું નહીં. જ્યારે અરેને ગ્લાસ લઈને મોઢે માંડી દીધો, એક ઘૂંટમાં ગ્લાસ ખાલી કરીને બોલ્યો પણ ખરો : ‘જુહી, ટેસ્ટ તો કર, કેવું મીઠું ને ઠંડું પાણી છે!’
‘હા, પણ મને તો ROનું ફિલ્ટર વૉટર જ ફાવે છે.’ જુહીએ પોતાનો ગ્લાસ તેને ધર્યો, ‘તને બહુ ભાવ્યું હોય તો બીજો ગ્લાસ પી જા.’
જુહીના સ્વરમાં નરમાશ હતી, પણ વ્યવહારમાં અક્કડપણું લાગ્યું. અરેને હસીને ગ્લાસ લઈને વાગ્દત્તાના વ્યવહારની અસર ખંખેરી નાખી, ‘માજીના ઘરમાં ફ્રિજની સગવડ તો નહીં જ હોય, તોય પાણી આવું ઠંડું! એની જિજ્ઞાસા જાગી છે મને તો.’
‘આ તો જૂના લોકોની કોઠાસૂઝનું પરિણામ છે જે ઝડપથી વિસારે પડાતું જાય છે...’ માટલાના પાત્રની કરામત સમજાવીને ગુલાબબાએ ઉમેર્યું, ‘મારા જેવીને તો તમારો આ મોબાઇલનો જમાનો સદતો જ નથી. એણે માણસને કેવો પોતાનામાં જ કેન્દ્રિત કરી દીધો છે!’
જાણે માજી પોતાને સંભળાવતાં હોય એમ જુહીએ મોબાઇલ દુપટ્ટાના છેડામાં વીંટાળ્યો, વિષયફેર કરવા પૂછ્યું, ‘સામે શું છે મા?’
‘મારો એભલ!’ કહેતાં તેમની કીકીમાં ચમકારો ઊપસ્યો, ચહેરાનું તેજ ઝળહળી ઊઠ્યું.
ગુલાબબા ફરી નવયૌવના બની ગયાં.
lll
‘ગુલાબબેટી, જલદી કર! ગાડા મારગે ઘરે પહોંચવાનું છે ને આપણને ઉતારી વળાવિયાઓએ પાછા ફરવાનું છે...’
દેવયાનીબા કહી કહીને થાક્યાં, પણ મોસાળની માયાથી એમ જલદી છુટાય ખરું! ઓઢણીના છેડામાં પાંચીકા સમેટીને આવતી ગુલાબે મા વરસે એ પહેલાં બચાવ રજૂ કરી દીધો, ‘મારો વાંક નથી બા, મોતી મને છોડતો નહોતો.’
મામાનો પાણીદાર ઘોડો મોતી મામા સિવાય ભાણીબાને જ સવારી કરવા દેતો. વેજલગઢના મોસાળમાં એકનાં એક ભાણીબાનાં માનપાન અનેરાં હતાં.
‘સાચવીને જજો બેનબા...’ ભાભીએ કાનમાં કહેવાની ઢબે દેવયાનીબાને કહ્યું, ‘ગુલાબના ૧૭ વર્ષે તમારો પગ ફરી ભારે થયો છે એનો ઢોલ હમણાં ભલે ન પીટીએ, પણ તમે આરામ કરજો અને સુવાવડ માટે અહીં જ આવવાનું છે.’
‘તમે શું ગુસપુસ કરી?’ મામીને પગે લાગતી ગુલાબે પૂછી લીધું.
‘કંઈ નહીં...’ દેવયાનીબા ફડકભેર, શરમભેર બોલી પડ્યાં. પોતાને બીજો મહિનો જાય છે એ દેવગઢના સાસરે પતિને અને પિયરમાં ભાભી સિવાય કોઈને કહ્યું નથી. જોકે આવી વાત ક્યાં સુધી છૂપી રહેવાની! લોકો જાણશે એટલે એમ જ કહેશે કે ઘરે દીકરી પરણવા જેવડી થઈ એ ઉંમરમાંય માને સંસારસુખના અભરખા છૂટ્યા નથી.
‘ભારે ચતરી.’ મામીએ લાડથી ગુલાબની કાનની બૂટ આમળી, ‘તમારી જ વાતો થતી હતી ભાણીબા. તલવારબાજી, ઘોડેસવારી બહુ થઈ. હવે જરા ઘરકામનો બોજ ઉપાડીને માને આરામ આપવાનો છે, સમજ્યાં!’
કહેતાં મામી ગંભીર બન્યાં, ‘અને પરણીને સાસરે પણ જવાનુંને!’
સાંભળીને ૧૭ વર્ષના જોબન પર રતાશ ફરી વળી, ‘જાઓ, હું કંઈ પરણવાની નથી!’
તે ઝડપથી વેલડામાં ગોઠવાઈ. તેના શબ્દોથી વિપરીત તેના ભાવ ને હરકત કહેતાં હતાં કે ઝટ મારા સપનાનો માણીગર ગોતીને મને પરણાવી દોને!
‘બહુ જલદી અમે તો તમારા માટે વર ગોતવાનાં!’ મામા-મામી હસ્યાં. વેલડામાં ગોઠવાતાં દેવયાનીબાને થયું, સત્તરની ઉંમરે તો મામા ભાણીનાં મોસાળાં કરી નાખે, પણ એક તો કુંવરી પિતાને એવી વહાલી કે તેની કન્યાવિદાયનું વિચારીને ભડવીર દરબાર કુમળા પડી જાય અને હવે મારી સુવાવડ પતે ત્યાં સુધી તો લગનનું લંબાઈ જ ગયું સમજો! પણ હા, યોગ્ય મુરતિયો જોઈને સગપણ કરી શકાય ખરું...
ગાડામાં ગોઠવાઈને દેવયાનીબાએ પડદો ઢાળ્યો કે ગાડીવાળાએ વેલડું હંકાર્યું. વેલડાની આગળ-પાછળ તલવારધારી એક–એક વળાવિયો ઘોડેસવાર હતો.
૧૯૭૦નો એ જમાનો. દેશની આઝાદી હજી યુવાનીમાં પ્રવેશી હતી. માળખાગત સુવિધાઓ અંતરિયાળ ગામો સુધી પહોંચી નહોતી. કાચો મારગ અને અંધારા પહોરમાં ચોર-લૂંટારાનો ભય પણ ખરો.
વેજલગઢથી દેવગઢ વચ્ચેનું દસેક કિલોમીટરનું અંતર આમ ગાડામાં કાપવું પડતું. ખમતીધર હોય તે ભેગા વળાવિયા પણ મોકલતા.
પિયરથી નીકળતાં મોડું થયું હતું. થોડું અંતર કાપતાં તો આભમાં અંધારાં ઊતરવા માંડ્યાં.
‘આ રાતનું અંધારું નથી રામુકાકા, અષાઢી બીજનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે.’
પાછળવાળા વળાવિયાના અવાજે ગુલાબ ચમકી : ‘મા, રામુકાકા સાથે આ વખતે કોઈ નવો આદમી લાગે છે...’ તેણે પડદાની હવાજાળીમાંથી આંખ માંડી. જોકે સાફાની બુકાનીને કારણે તેની ઓળખ ન પડી.
‘હા, રામુભાઈ સાથે દીનુભાઈ નથી, તેમનો ભત્રીજો છે... તે અનાથ થતાં દીનુભાઈએ તેને મામાને ત્યાં ગોઠવી દીધો છે...’
દેવયાનીબા આટલું કહે છે ત્યાં...
‘સબૂર!’ આગળથી રામુભાઈનો સાદ ગુંજ્યો. ગાડાવાળાએ બળદને રોક્યા. અણધાર્યા આંચકાએ અંદર મા-દીકરી એકમેકને અથડાઈ પડ્યાં. દેવયાનીબાનું કાળજું ફફડી ગયું : ખલાસ, લૂંટારા આવી પહોંચ્યા કે શું!
‘કાળિયાની ટોળીવાળા લાગે છે. આજકાલ તેની રંજાડ આ વિસ્તારમાં વધી ગઈ છે... ઠીક લાગમાં આવ્યો.’ પાછળના જુવાનની બોલીમાં ધીંગાણું ખેલી નાખવાનો રોમાંચ તરવર્યો : ‘તમે બહાર નીકળશો નહીં...’
દેવયાનીબા હેબતાયાં. ગુલાબ હવાજાળીમાંથી જોવા મથી : ‘ઓ મા, ૬ જેટલા બુકાનીધારીઓ મારગ રોકીને ઊભા છે... રામુકાકા સાથે પેલો જુવાન કેવો બહાદુરીથી ધસી જાય છે... આ તલવારો ખેંચાણી... જો મા, પેલા જુવાને એક ઘામાં બે બુકાનીધારીઓને ભોંયભેગા કર્યા!’
એવી જ દેવયાનીબાએ તેને પાછી ખેંચી : ‘મૂંગી મર, આ કટાર સંભાળ. કોઈ બદમાશ આવે તો કામ લાગશે.’
એની જરૂર ન પડી. વચમાં એક બદમાશ ગાડા સુધી પહોંચ્યો, ચાલક મકના પર ઘા કરીને વેલડાનો પડદો ચીરવા જાય છે કે જુવાને ઉગામેલી તલવારે તેનો પંજો જ કાપી નાખ્યો! હા...શ. દેવયાનીબાએ રાહતનો શ્વાસ લીધો.
અડધોએક કલાકમાં તલવારનો રણકાર બંધ થયો. ગાડાવાળો મકનો બેહોશ હતો, પણ રામુકાકા અને પેલો જુવાન ક્યાં? ધીંગાણામાં તે લોકો ખપી ગયા કે... કાળિયાનો કોઈ આદમી છુપાઈ રહ્યો હોય તો નીચે ઊતરવું પણ કમ જોખમી નહોતું. છતાં કટાર સંભાળીને ગુલાબ ઊતરી. લોહિયાળ લડાઈનો અણસાર હવે બરાબર આવ્યો. અંધારામાં આંખ ખેંચીને જોયું તો કાળિયાની ટોળીવાળા મરવાના વાંકે જીવતા હોય એમ લાશની જેમ પડ્યા હતા. ભગવા/સફેદ સાફા પરથી રામુકાકાની ઓળખ મળી. તેમનો હાથ કપાઈને છૂટો પડ્યો હતો. લોહી વહી જવાને કારણે તે બેહોશ હતા.
અને કોઈના કણસાટે ગુલાબનું ધ્યાન ગયું. સામે પગની આંટી અને બાવડાના પાશમાં બબ્બે ગુંડાને કસીને પકડનાર પેલો જુવાન બેહોશ થવાની અણી પર લાગ્યો. ગુલાબ દોડી ગઈ : ‘આ લોકો મરી ગયા છે કે પછી બેહોશ છે... છોડી દો તેમને. તમે તો રંગ રાખ્યો!’
તેણે પકડ છોડી. તે પોતેય ટેકો ઝંખતો હોય એમ ડોલ્યો કે ગુલાબે ઘૂંટણિયે થઈ તેની પીઠને ટેકણ આપી દીધું. તેના ઘૂંટણ પર જુવાનનું માથું હતું.
એ જ ક્ષણે આભમાં વાદળથી આરપાર ચંદ્ર ચમક્યો ને ઘડીકના અજવાશમાં તેનું ગોરું મુખ ગુલાબ સામે તરવર્યું : જાણે સાક્ષાત્ કામદેવ!
તે પણ અધખૂલી આંખે ગુલાબને જોઈ રહ્યો. વળતી પળે અંધકાર છવાયો ને વરસાદના હળવા છાંટા વરસવા લાગ્યા.
lll
‘તે જુવાન મારો એભલ અને અષાઢી બીજની એ અમારી પહેલી મુલાકાતની પહેલી વર્ષા!’
ગુલાબબા બોલી ઊઠ્યાં.
અરેન-જુહીની નજરો મળી.
સિત્તેર-પંચોતેરનાં લાગતાં માજી પોતાની પ્રેમગાથા વાગોળવા બેસી જશે એવું ક્યાં ધાર્યું હતું?
‘પછી શું થયું?’
અરેને જતાવેલી ઉત્સુકતા જુહીને ખટકી. એક તો અહીં ટાવર નથી મળતું. એમાં બાવા આદમના જમાનાની લવસ્ટોરીમાં અરેનને શું રસ પડ્યો!
‘પહેલી નજરના પ્રેમમાં પછી જે કંઈ થાય એ માણસના મરતાં સુધી મરતો નથી એટલું નક્કી જાણજો.’
દાદીમાની અનુભવવાણીએ અરેનને મલકાવી દીધો. જુહીનો પહોંચો દબાવીને તેણે પ્યાર જતાવ્યો, જુહીએ સ્મિત વેર્યું - પરાણે ઉપજાવવું પડ્યું હોય એવું.
‘એ રાતે એભલે અમને સુખરૂપ દેવગઢ પહોંચાડ્યાં એની કદરદાનીમાં મારા પિતાશ્રી ચૂકે! તેમણે મામાશ્રીને વાત કરીને એભલને દેવગઢ રોકી રાખ્યો... અમે મળતાં રહ્યાં, પ્રેમના તણખા ઝરતા રહ્યા...’
‘પછી?’
‘પછી શું... મારા મંગેતર તરીકે એક પરપુરુષનો પ્રવેશ...’
જુહી ટટાર થઈ. અરેનને નિહાળીને હોઠ કરડ્યો. ગુલાબબાની કથામાં એકાએક પોતાની કહાની દેખાવા લાગી!
(ક્રમશઃ)
