મારી દીકરી પણ કંઈ મન મારી ખમી લે એવી નથી, જરૂર તેના મનમાં કંઈક રંધાઈ રહ્યું છે
ઇલસ્ટ્રેશન
હોલી કે દિન દિલ ખિલ જાતે હૈં...
અમૂલખભાઈના ઘરે રંગનો ઉત્સવ જામ્યો છે. બહાર સ્પીકરમાં લતા મંગેશકરના કંઠમાં હોળી ગીતો ગુંજી
રહ્યાં છે. અંશ-અનુજથી માંડી અમૂલખભાઈ-ઉષાબહેન સુધીના સહુ કોઈ ઉમંગે ખેલી રહ્યાં છે.
ADVERTISEMENT
એમાંય શાલિનીનાં સફેદ ચણિયાચોળી પિચકારીના વારથી,
રંગોના મારથી રંગબેરંગી બની ગયાં છે. એને જોઈ ઉત્સવની પડખે ઊભા અનુરાગની ઉઘાડબંધ થતી પાંપણમાં વાસના સળવળે છે.
તેને ઇશારો આપતી હોય એમ શાલિની પૂછે છે – જીજુ, હું પાછળ વાડામાં રસોઈ જોવા જાઉં છું. તમે આવો છો?
અનુરાગને ભાવતું મળ્યું હોય એમ સાથે દોરાય છે. બેઉ આગલા દ્વારેથી પ્રવેશી રસોઈઘર સુધી પહોંચે છે ત્યાં સુધીમાં શાલિનીની ઓઢણી ખભેથી સરકી જાય છે અને...
અને બીજી મિનિટે શાલિનીની ચીસો સ્પીકરની ઉપરવટ જઈને વાતાવરણ ગજવી દે છે. ઘડીમાં ઉત્સવ-મૌનવી બહારથી દોડી આવે છે ને શાલિનીને વળગી બચકાં ભરવા મથતા અનુરાગને જોઈ હેબતાઈ જાય છે. ઉત્સવ દોડીને અનુરાગને અળગો કરે છે, તેનો કાંઠલો પકડી દમદાટી આપે છે - હાઉ ડેર યુ ટચ માય વાઇફ!
ત્યાં સુધીમાં તો ટોળું જામી જાય છે. ‘જીજાએ સાળાવેલી પર નજર બગાડી’, ‘અમેરિકામાં આવું જ બધું ચાલતું હશે’નો ગણગણાટ પ્રસરી ગયો.
‘ઉત્સવ પ્લીઝ,’ મૌનવી કરગરે છે, પતિનો ઢાંકપિછોડો કરે છે એથી તો ગિન્નાઈને ઉત્સવ ‘ગેટ આઉટ’ કહી અનુરાગને ઘર બહાર ધકેલે છે. અમૂલખભાઈ-ઉષાબહેન કોઈની સમજાવટ કામ નથી આવતી ને મૌનવી વિલા મોંએ અનુરાગને ટેકો આપી ઘર બહાર જતી રહે છે...
‘શાલુ...’
કાનમાં ચીસ જેવો અવાજ ગુંજ્યો, કમરે જોરથી ચીમટી વાગી એવી જ ‘ઉઈ’ કરતી શાલિની ઝબકી ને કેટલું સુંદર દૃશ્ય વિખરાઈ ગયું.
ઓ...હ, ધુળેટી તો હજી પરમ દિવસે છે ત્યારે જે બનવાનું એ મને કેવું સ્પષ્ટ દેખાતું હતું!
‘ક્યાં ખોવાણી હતી?’
સાવિત્રીમાની ટકોરે શાલિની પૂરેપૂરી વર્તમાનમાં આવી ગઈ.
ખરેખર તો મૌનવીદીદી-અનુરાગજીજુ આવ્યા પછી તેમને મળવા આવતા મહેમાનોની અવરજવર ચાલુ જ છે. આમાં નિરાંતે તેમનો ફ્યુચર પ્લાન ચર્ચવાનો અવકાશ નથી મળતો. આમાં વળી આજે બપોરે મા-વિરાજ સુરતથી આવ્યાં છે. મા કેટલા ભાવથી દીદીને મળેલી.
ખરેખર તો દીકરીની મનસા બાબત સાવિત્રીબહેનને ઉચાટ ઓસર્યો નહોતો. અહીં આવ્યા પછી એટલું તો સમજાયું કે ભાગની વાત હજી મૌનવી-અનુરાગ સમક્ષ મુકાઈ જ નથી. જોકે મારી દીકરી પણ કંઈ મન મારી ખમી લે એવી નથી. જરૂર તેના મનમાં કંઈક રંધાઈ રહ્યું છે.
અત્યારે દીકરીનું મન ટટોલવા જ એ રસોડામાં આવ્યા હતા. એમાં શાલુના બેધ્યાનપણાએ ખાતરી થઈ ગઈ, તે જરૂર તેના પ્લાનમાં જ ખોવાઈ હોવી જોઈએ!
‘બોલ તો ખરી, શું વિચારતી હતી?’
માનો સ્વભાવ જાણતી દીકરીએ પેટ આપવું નહોતું એમ ભીતર ખુશીનો ઊભરો એવો હતો કે જરાતરા છલકાયા વિના પણ ન રહ્યો. ‘ધુળેટીના ધમાકાનો વિચાર કરતી હતી, મા... તું જોતી રહે!’
દીકરીના પોરસ સામે નિ:સાસો જ નાખી શક્યાં સાવિત્રીમા!
lll
બીજી રાત્રે હોળીની પૂજા કરી સૌ ઘરે પાછાં ફરતાં હતાં ત્યારે સાવિત્રીબહેનથી ન રહેવાયું. દીકરી આવતી કાલે કંઈક ગજબ કરવાની.
તેને વારવી શક્ય નહોતી. બહેન આવવાની ધમાલ ને તહેવારના આયોજનમાં ઉત્સવકુમાર બિચારા અઠવાડિયાથી જંપ્યા નથી. તેમને કયા મોંએ કહું? વેવાઈ-વેવાણ બિચારાં
મૂંઝાઈ જશે.
એટલે પછી પૂજાથી પરત થતાં મૌનવીની સાથે થઈ તેમણે કાનમાં કહી દીધું, રાત્રે સૌ જંપી જાય પછી મને મળજો, અગત્યનું કામ છે; શાલુને કહેશો નહીં.
ખૂફિયા સંદેશો દેવા જેવી તેમની ચેષ્ટાએ મૌનવીને સહેજ ચોંકાવી દીધી. આન્ટી સૂઝવાળાં છે. તેમના ભાવમાં ક્યારેય બનાવટ નથી લાગી. તેમને શું કામ પડ્યું હશે? એ પણ શાલુથી છાનું!
‘તેના મનમાં શું હશે મને
ખબર નથી...’
મધરાતના સુમારે રૂમમાં સરકી આવેલી મૌનવીને સુમિત્રાબહેને પોતે જાણતાં હતાં એ સઘળું કંહી દીધું.
શાલુ બાબતની અવઢવ સાચી ઠરતાં મૌનવી સ્તબ્ધ હતી. પપ્પા-ભાઈ મારા નામે અડધો ભાગ લખી આપવાના જાણી ગદ્ગદ થવાયું. એમ શાલિનીની મનસા ઘરનાં સુખશાંતિ માટે ખતરારૂપ લાગી. હું ભાગ લઉં કે ન લઉં એ વાત જુદી છે, પણ શાલિની ઘરના બધાને તેના ઇશારે નચાવવા માગે એવું તો હું થવા પણ નહીં દઉં!
‘આપણે શું કરવાના?’
આપણે. મૌનવીએ સુમિત્રાઆન્ટીનો પહોંચો પસવાર્યો, ‘એક માએ દીકરીનું ઘર ભંગાવ્યાના ઘણાય કિસ્સા મળશે પણ ઘર ભાંગતું અટકાવવા મા દીકરી વિરુદ્ધ ઊભી રહે એવું તો ભાગ્યે જ બને. શાલુમાં આખરે તમારું લોહી છે, બસ, તેના સંસ્કાર જાગ્રત થવા જેવું કંઈક ગોઠવવું રહ્યું. અને એ માટે સમય જોઈશે આન્ટી. હાલ તો આપણે તેના પર નજર રાખી કાલનો મનસૂબો પાર ન પડવા દઈએ...’
***
ધુળેટીની સવારે જ ન ધારેલું
બની ગયું.
તૈયાર થઈ પગથિયાં ઊતરવા જતાં ઉત્સવને તમ્મર આવ્યાં ને ધડાધડ તે સીડી પરથી ગબડ્યો...
‘ઉ...ત્સ...વ...’
ઉત્સવ પડ્યો છે જાણી રસોડામાંથી દોડી આવતી શાલિનીનો સાદ ફાટ્યો, ઉત્સવના કપાળેથી લોહી દદડતું હતું. તે બેહોશ હતો. તેનું માથું ખોળામાં લઈ શાલિની એના ગાલ થપથપાવતી હતી- હોશમાં આવો ઉત્સવ... અરે કોઈ ડૉક્ટરને તેડાવો... મારા ઉત્સવને શું થઈ ગયું!
lll
‘લિવરનું કૅન્સર’
હેં!
ડૉક્ટર સુરતીના ધડાકાએ સુરતની હૉસ્પિટલના સ્પેશ્યલ ખંડમાં સ્તબ્ધતા પ્રસરી ગઈ.
સવારે ઉત્સવ પડ્યો ત્યારે અનુરાગ મંડપના કામે બહાર ગયેલો. ઉત્સવને કારમાં મુકાવી મૌનવી જ ફૅમિલી ડૉક્ટર મહેતાને ત્યાં લઈ ગયેલી. રડતી-ધ્રૂજતી શાલિનીનો હવાલો સાવિત્રીમાને સોંપ્યો હતો, તમે શાલુને સંભાળો. હું ડૉક્ટરને મળી લઉં...
ત્રીજી મિનિટે બહાર ધસી આવી તેણે પડેલા અવાજે કહેલું, ભઈલુંને આપણે સુરત મોટી હૉસ્પિટલ લઈ જવો પડશે. મહેતાઅંકલ બધી ગોઠવણ કરી આપે છે.
ત્યાં સુધીમાં અનુરાગ પણ આવી ગયેલો. તહેવાર તેના ઠેકાણે રહ્યો ને નવસારીથી મગાવેલી ઍમ્બ્યુલન્સમાં સૌ સુરત પહોંચ્યા. ઉત્સવ હજી હોશમાં નહોતો આવ્યો. ડૉ. મહેતાએ જેમને કેસ રિફર કરેલો એ ડૉ. સુરતીએ જાતજાતની ટેસ્ટ કરાવી, ફૅમિલી મેમ્બર્સની પણ ટેસ્ટ થઈ અને હવે જે નિદાન થયું એ ફાંસીની સજા જેવું વસમું લાગ્યું.
‘લિસન, તમે એટલા મોડા પણ નથી. હી ઇઝ ઇન સેકન્ડ સ્ટેજ.’
‘નો!’ મૌનવીએ દીવાલ પર મુઠ્ઠી પછાડી. અધમૂઈ થયેલી શાલિનીને બાથમાં લેતાં સાવિત્રીમાની આંખો વરસી રહી. અમૂલખભાઈ-ઉષાબહેન ભાંગી પડ્યાં.
‘મૌનવી? તું ભાંગી નહીં શકે. આપણે તો શાલુને જાળવવાની.’
મન મક્કમ કરતો અનુરાગ ઉત્સવના પડખે બેઠેલી શાલિની તરફ વળ્યો, ‘ચિંતા ન કરીશ, હોં બહેન. તારા-મારા ઉત્સવને હું કંઈ નહીં થવા દઉં.’ તેણે ઉત્સવના કપાળે ચૂમી ભરી, ‘એમ તો તું અમને છોડીને જાય તો ખરો!’
આ પુરુષ!
શાલિની વિસ્ફારિત નેત્રે અનુરાગને તાકી રહી. જેને ‘લપસાવી’ હું ઘર બહાર કાઢવાની હતી એ આજે પહાડ જેવી મુસીબમાં મોભની જેમ ઊભો છે! મને બહેન કહી સંબોધે છે, ઉત્સવ માટે જીવ આપવાની વાત કરે છે, એ કેવળ શબ્દો નથી, નરી ઔપચારિકતા નથી. એમાં સંબંધ ધબકે છે, લાગણી શ્વસે છે, નિર્ધાર બોલે છે. આ બધું મને પહેલાં કેમ સ્પર્શ્યું નહીં?
‘અનુરાગ...’ ડૉ. સુરતી કહેતા સંભળાયા, ‘મહેતાસાહેબે મને બ્રીફ કરેલો એટલે તકેદારી રૂપે મેં તમારા બધાની ટેસ્ટ કરાવી દીધલી. એમાં ફૉર્ચ્યુનેટલી તમે પેશન્ટને તમારું લિવર આપી શકો છો.’
‘ઓ...હ!’ અનુરાગ એકાએક હળવો થઈ ગયો, ‘તો કહેતા કેમ નથી, ડૉક્ટર! અત્યારે ને અત્યારે લઈ લો. ઉત્સવડા માટે તો જાન હાજર છે. ‘
ન પત્નીને પૂછવાની જરૂર કે
ન આમાં કેટલું જોખમ છે એ
જાણવાની તમા.
શાલિની વધુ ઝેલી શકે એમ નહોતી. તે હસી. ખડખડાટ હસી.
બધા ડઘાઈને તેને નિહાળી રહ્યા. એમાં મૌનવીના ઇશારે ડૉ. સુરતી બહાર સરકી ગયા એ કોઈના ધ્યાનમાં ન આવ્યું.
‘આજે ઉત્સવે પડીને મને પડવામાંથી ઉગારી!’ હવે તે રડવા લાગી, ઊઠીને અનુરાગના પગમાં પડી, ‘તમે મારું સૌભાગ્ય બચાવવા તત્પર છો ને હું પાપણ બની...’
તે કહેતી રહી.
lll
શાલિનીની કેફિયતે અનુરાગને ડઘાવ્યો. અમૂલખભાઈ-ઉષાબહેનને થયું સારું છે આ બધું સાંભળવા ઉત્સવ
જાગ્રત નથી!
‘મારી મા મને હંમેશાં કહેતી રહી એ આજે મને પરખાયું – મારા સંસારમાં તમે સૌ જમા પક્ષે હતાં ને હું જ અલગ ચોકો જમાવવાની લહાયમાં ક્યારે ઉધાર બાજુ જતી રહી એની મને જ ગતાગમ ન રહી.’ તે દોડીને મૌનવી તરફ ગઈ, ‘દીદી, હું ઉત્સવને છોડી દઈશ, કબૂલું છું હું તમારા ઘરને, તમારા ભાઈને લાયક નથી. બસ, અનુરાગભાઈને લિવર આપવા દેજો, મારા ઉત્સવના પ્રા....ણ....’
એવી જ મૌનવી તેને વળગી પડી.
‘શીશ. કશું થયું નથી. શાલુ, ઉત્સવને કૅન્સર હોય તો અનુરાગે લિવર આપવાની જરૂર પડેને.’
હેં! સૌ ચોંક્યા.
‘અરે, આમ આંખ ફાડી મને શું જુઓ છો. ખુશ થાઓ કે ઉત્સવને કંઈ નથી. થોડા દિવસની દોડધામનું એક્ઝોર્શન હતું માત્ર. મહેતાઅંકલે કહેતા મેં બસ, પરિસ્થિતિનો લાભ લીધો. તેમને અષ્ટમપષ્ટમ સમજાવી નાટક માટે મનાવ્યા. ઉત્સવ તો ત્યાં જ સળવળવા લાગેલો એટલે પછી તેને બેહોશીનું ઇન્જેક્શન આપવું પડ્યું.’
મૌનવીએ શાલિનીના ગાલે હાથ ફેરવ્યો.
‘તારી સમજશક્તિ પર ગૂમડું થયું હતું. એના કોહવાટને બહાર કાઢવા આ નસ્તર જરૂરી હતું.’
ત્યારે શાલિનીને સમજાયું કે મા પાસેથી ધુળેટી બાબતની હિન્ટ મળેલી ને પછી તક મળતાં તેમણે કેવો ખેલ રચી દીધો!
‘તમે જબરાં તો ખરાં જ.’ શાલિની બોલી, પણ આ વખતે એમાં નર્યુંનિતર્યું વહાલ હતું.
સાવિત્રીબહેને ભીની આંખો લૂછી. અનુરાગ પત્નીને પ્રશંસાભરી નજરે નિહાળી રહ્યો. અમૂલખભાઈ-ઉષાબહેને પાર ઊતરવાની રાહત અનુભવી.
lll
‘વહાલી સખી,
તમે સુખરૂપ પહોંચી ગયાનો આનંદ. જતી વખતે તું યાદોના ખજાના ઉપરાંત એક ચીજ છોડી ગયેલી એ તો પછી ધ્યાનમાં આવ્યું.
સ્ટીલનો એક ડબ્બો જેમાં પૂરા પચાસ હજાર ડૉલર્સ હતા, તમારી અહીંની બચતમૂડી.
બીજું કોઈ હોત મૌનવી, તો મને ભલામણ કરી હોત કે કોઈ રીતે આને ઇન્ડિયા પહોંચાડજે. પણ તું તો મૌનવી- અનુરાગની પત્ની! તારી જીવનમૂડી મને લગ્નની ગુપ્ત ભેટ તરીકે આપતી ગઈ, જોડેની ચિઠ્ઠીમાં લખતી ગઈ : તું મારી બહેન જેવી છે ને અમારામાં તો બહેનને સર્વસ્વ સમર્પિત કર્યાના દાખલા છે. ધામધૂમથી વેડિંગ કરજે અને હનીમૂન માટે ઇન્ડિયા જ આવવાનું છે એની ભલામણ કરવાની ન હોય...
તારી ભેટ આંખ-માથા પર.
અરે હા, એક રિવાજ અમારામાં પણ છે. મૅરેજ સમયે બ્રાઇડ કોઈને કંઈ આપવા માગે તો લેનારાથી ઇનકાર થઈ શકે નહીં. સો, ક્રિસીમાસી તરફથી વહાલા અનુજને હું એકાવન હજાર ડૉલર્સ ગિફ્ટ કરું છું...’
મૌનવી વધુ વાંચી ન શકી: લુચ્ચી. પોતાના તરફથી હજાર હૉલર્સ ઉમેરીને આપે છે! એમ હું લેતી હોઈશ?
આવવા તો દે તેને, બરાબરની લડીશ.
ઘરના સહુ અવાક હતા. શાલિની સ્તબ્ધ હતી. દીદી તેમનો ભાગ તો લેવા જ નથી માગતાં, જીજુએ બરોડામાં જૉબ મેળવી લીધી છે, ભાડાનું ઘર લીધું જેમાં દીદી પોતાનું પાર્લર ચલાવશે. કેવી ખુમારી, પરસ્પર કેટલો સ્નેહ. પોતાની મૂડી સખીને ગિફ્ટ કરી આવ્યાં, ને એ સખી પણ કેવી! આ રૂપિયાની લેવડદેવડ નહોતી, હિસાબખાતામાં સંબંધ જમા પક્ષે રહ્યો.
‘ઉત્સવ, આનું તો બસ અનુકરણ જ હોયને...’
ઉત્સવે ડોક ધુણાવી. દીદીએ
કરેલી ‘સર્જરી’ વિશે શાલિનીએ જ કહેલું, પત્નીના નવા રૂપમાં ઉત્સવ વધુ બંધાયો છે.
કથાના ઉપસંહારમાં એટલું છે કે વેડછા-વડોદરાના ઘરે સુખ છલોછલ છે અને એ જમા બાજુ જ રહેવાનું છે!
(સમાપ્ત)

