વૉર્ડબૉય પેશન્ટનાં બદલાયેલાં કપડાં આપી ગયો, બહારના બાંકડે બેસી ગજવાં ફંફોસતાં આપઘાતની ચિઠ્ઠી ને હીરાનું પાઉચ મળી આવ્યાં...
ઇલસ્ટ્રેશન
‘બસ, આ છે મારું વીતક.’
રવિની સાંજે આશ્લેષે નિસાસાભેર પોતાની બદનસીબી કેસરને કહી સંભળાવી.
ADVERTISEMENT
કેસરથી જોકે એ છૂપી ક્યાં હતી?
આગલી રાતે થાણાના પરિસરમાંથી નીકળતી વેળા હોશ ગુમાવતાં આશ્લેષે કહેલા શબ્દોમાં આપઘાતનો ઉલ્લેખ હતો. કેસરે થાણામાંથી મદદ મેળવી આંખો મીંચી ગયેલા આશ્લેષને સરકારી હૉસ્પિટલમાં પહોંચાડ્યો: તેમને કદાચ ફૂડ-પૉઇઝનિંગ થઈ ગયું છે...
હોજરીમાં ગયેલા ઝેરનો ઇશારો આમ જ અપાય એમ હતો. ઇમર્જન્સીમાં ફટાફટ સારવાર શરૂ થઈ. ત્યાં વૉર્ડબૉય પેશન્ટનાં બદલાયેલાં કપડાં આપી ગયો, બહારના બાંકડે બેસી ગજવાં ફંફોસતાં આપઘાતની ચિઠ્ઠી ને હીરાનું પાઉચ મળી આવ્યાં...
‘મને ત્યારની તમારી પીડાની જાણ છે.’ કેસરે સહાનુભૂતિથી આશ્લેષનો પહોંચો પસવાર્યો.
આશ્લેષ તેને ભાવથી નિહાળી રહ્યો. થોડી વાર પહેલાં કેસર દવા લાવવા બહાર ગઈ ત્યારે નર્સ બોલી ગઈ હતી: તમારાં વાઇફ તમને બહુ પ્રેમ કરતાં લાગે છે. તમને અહીં લાવ્યાં ત્યારથી તમારા પડખેથી હટ્યાં નથી...
નર્સને કહેવાયું નહીં કે અમે એકબીજાને હજી એક રાતથી જ જાણીએ છીએ અને અમે બેઉ પોતપોતાનું હૈયું દઝાડી ચૂક્યાં છીએ. હવે થાય છે કે મને આપઘાતમાંથી વાળવા ઈશ્વરે કેસરને શિવાલયના મારગે મોકલી કે તેને ઉગારવા મને ત્યાં હાજર રાખ્યો?
‘વિધાતાની ગણતરી વિધાતા જાણે.’ કેસરે સ્મિત વેર્યું. બપોરે હોશમાં આવેલા આશ્લેષને ડૉક્ટરે જોખમમુક્ત જાહેર કર્યો ત્યારે તેનો જીવ હેઠો બેઠો હતો. આશ્લેષની ઉપાધિમાં તે પોતાનો ઘા વીસરી ચૂકી હતી. મારે તો હું ઊગરી એ મારા મહાદેવનો પાડ ને આશ્લેષ મારા તારણહાર! બાકી ગુનેગારને કાયદો જે કરે એ.
આશ્લેષ અભિભૂત થયો. કેસર અખિલને બેહોશ છોડી ઘરભેગી થઈ શકી હોત, ફરિયાદ કરી છાપે ચડવાની બદનામી કોણ પસંદ કરે? પણ કેસર જુદી માટીની નીકળી : અખિલ જેવા દરિંદાને ખુલ્લો છોડું તો બીજી તમામ કેસરની હું ગુનેગાર ઠરી જાઉં. સાવકી માના ત્રાસમાં ઊછરેલી યુવતી ખરેખર તો મૂલ્યનિષ્ઠ છે. આદર્શને વરેલી છે. તેને માટે જુદાં જ સ્પંદન મહોરે છે પણ તેની નજરમાં આપઘાતનો પ્રયાસ કરનારા હીરાચોરનું મૂલ્ય કેટલું!
એકાએક આશ્લેષ ઝંખવાયો.
‘હીરા ચોર્યા એ તો તમે ખોટું જ કર્યું, આશ્લેષ. ઝેર ખાધું એ સવાયું ગલત કર્યું.’ કહેતાં કેસરે તેનો હાથ હાથમાં લીધો, ‘વચન આપો, ગમે તેવી દુષ્કર સ્થિતિમાં પણ તમે કદી આપઘાતનું નહીં વિચારો.’
‘વચન.’
ક્યાંય સુધી હાથના અંકોડા ભીડાયેલા રહ્યા, નજરો એકમેકમાં પરોવાયેલી રહી.
lll
‘નિયતિનું શું કરીશું?’
સોમની સવારે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી આશ્લેષે ગેસ્ટહાઉસમાં રૂમ રાખી હતી. કેસર નજીકની વિમેન હૉસ્ટેલમાં રોકાઈ હતી. જમતી વેળા બેઉ ગેસ્ટહાઉસની રૂમમાં ભેળાં થયાં કે આશ્લેષે પૂછ્યું, ‘ફારગતી?’
બીજા સંજોગોમાં ન આશ્લેષે કોઈને આમ પૂછ્યું હોત ન કેસરે કોઈના અંગતમાં માથું માર્યું હોત, પણ જીવનના વસમા વળાંકે પોતાને ઉગારનાર પ્રત્યે અહોભાવ જાગવો સ્વાભાવિક છે ને બે દાઝ્યાં હૈયાં એકમેકની હૂંફમાં નવપલ્લિત થાય એ પણ સહજ છેને!
‘જેણે તમને આપઘાત માટે પ્રેરિત કર્યા, જે તમારી-માજીની હત્યાની મનસા સેવે છે તેને ફારગતીની મુક્તિ નહીં; હાથકડીનું બંધન જ આપવાનું હોય. અને એ માટે...’
કેસરે કહેતી રહી. આશ્લેષ મુગ્ધ ભાવે તેને નીરખી રહ્યો.
lll
હી...રા!
નિયતિ ઝળાહળાં થઈ રહી. બુધની આજની બપોરે એકાએક આશ્લેષ આવી ચડ્યો એ નવાઈ જેવું હતું.
‘મા, હવે આપણા દિવસ બદલાઈ જવાના.’ માને મલાવા કરતો આશ્લેષ જુદા જ મૂડમાં લાગ્યો. થોડી વાર મા સાથે બેસી તે મને મેડીએ એવી રીતે દોરી ગયો જાણે મને પલંગમાં પછાડી તૂટી પડવાનો હોય!
એને બદલે તેણે બારી-બારણાં બંધ કરી પડદા ઢાળી ગજવામાંથી હીરા કાઢ્યા: આ જો!
નિયતિથી મનાતું નહોતું. આશ્લેષ કહે છે એમ પાછલા થોડા સમયથી તે લૉટરી ખરીદતો હતો એમાં ત્રણ કરોડની લૉટરી લાગતાં તે હીરા ખરીદી અમને દેખાડવા આવી ગયો!
નિયતિની દાઢ સળકી: આશ્લેષને મારી આ હીરાની અમીરાત ખરેખર તો હું ને જોરાવર માણવાનાં.
‘સૉરી ડાર્લિંગ, પણ તને એ વાપરવા નહીં મળે.’ આશ્લેષે મુઠ્ઠી બંધ કરતાં નિયતિ ઝબકી: હાય-હાય. કેમ?
‘કેમ કે તને હું ફારગતી આપું છું.’ શર્ટની અંદરથી ટાઇપ કરેલું સ્ટૅમ્પ-પેપર કાઢી આશ્લેષે પલંગ પર પછાડ્યું, ચહેરાનો ભાવ બદલી નિયતિનું જડબું પકડ્યું : કુલટા! ચરિત્રહીન! જોરાવર સાથેની તારી કામલીલા મારાથી છૂપી નથી!
હેં! નિયતિ ધરતી પર પટકાઈ. શુક્રવારની રાતે વરંડાના રસ્તે આવેલો આશ્લેષ અમારો ભેદ પામી ગયો જાણી નિયતિ ફફડી ઊઠી.
‘પણ ઉફ્ફ તારું આ જોબન!’ આશ્લેષ ભુખાળવી નજરે નિયતિને તાકી રહ્યો કે તેને આશા બંધાઈ: હજી તક છે, આશ્લેષને તારા તનની માયામાં પલોટી ભુલાવામાં નાખી દે. તેણે તારી બેવફાઈ જોઈ છે, તેની હત્યાનું પણ પ્લાનિંગ કર્યું છે એ ક્યાં જાણ્યું છે? ખોલ તારો કંચુકીબંધ નિયતિ ને જમાવી દે ત્રણ કરોડ પર કબજો!
‘હું તને એક તક આપીશ. તને ફરી અપનાવીશ, પણ એક શરતે.’ આશ્લેષે વળ ચડાવ્યો : મારા રકીબ જેવા જોરાવરને હું નહીં બક્ષું અને એની સજા તારે તેને આપવાની.’
સજા? જોરાવરને?
‘હા, છૂરીના ઘાથી તેનું પુરુષાતન વાઢીને!’
હેં!
‘એમાં આટલી ડઘાય છે કેમ? મારા બિસ્તર પર જે પુરુષ તને માણતો હતો તેને તારા જ હાથે સજા મળે તો જ પતિ તરીકે, પુરુષ તરીકે મારો ઘવાયેલો અહમ થાળે પડે ને તને હું ફરી અપનાવી શકું. હવે પસંદગી તારી!’
lll
શું કરું?
બુધની એ રાતે પડખે જોરાવર હોવા છતાં નિયતિના દિમાગમાં જુદાં જ આંદોલનો વળ ખાઈ રહ્યાં છે.
અચાનક આવેલો આશ્લેષ ઑફર મૂકી બપોરે નીકળી ગયેલો: હું સવાર સુધી તારા જવાબની રાહ જોઈશ.
‘જોરાવરની મરદાનગી વાઢું, પણ પછી? તે પોલીસમાં ફરિયાદ નહીં કરે? ગામગજવણું નહીં થાય?’ નિયતિએ પૂછતાં આશ્લેષે ઉપાલંભ દાખવેલો : એની ચિંતા તું શું કામ કરે છે? જોરાવર પર બળાત્કારનો કેસ ઠોકી દઈશું, લોકનજરમાં તું વીરાંગના ઠરી જઈશ. આપણી પાસે બહુ રૂપિયા છે, જરા વેરીશું એટલે કાયદો આપણા કહ્યા મુજબ જ ચાલશે...
આવું કહેતા આશ્લેષની પહેલી વાર બીક લાગી હતી. નિયતિથી પછી પુછાયું જ નહોતું કે હું જોરાવરની મરદાનગી વાઢું પછી આશ્લેષ ફરી ગયો તો?
નહીં, નહીં. આશ્લેષમાં આવેલો બદલાવ દેખીતો હતો. ત્રણ કરોડના હીરા બનાવટી નહોતા. પથારીમાં સુખ વરસાવવામાં પણ આશ્લેષ પાછો પડે એમ નથી. વિચારે છે શું? પલંગ નીચે છુપાવેલી છૂરી કાઢ અને...
એકસાથે બે છૂરી નીકળી.
એવો જ દરવાજો ખૂલ્યો. ઉંબરે આશ્લેષ ઊભો હતો: સબૂર!
પોતપોતાના હાથમાં છૂરી સાથે જોરાવર-નિયતિ પૂતળાં જેવાં થયાં. બીજી પળે લાજ ઢાંકવાનું ભાન થતાં છૂરી ફેંકી ચાદર લપેટી. બેઉના ચિત્તમાં ઘમસાણ મચ્યું હતું. સામી વ્યક્તિ ‘પણ’ મને નુકસાન પહોંચાડવા માગતી હતી?
‘નિયતિ, તને ઑફર મૂકી હું અહીંથી નીકળી જોરાવરને મળેલો.’
ખરેખર તો સોમવાર-મંગળવારમાં આશ્લેષે જોરાવર વિશે પૂરતી તપાસ કરી રાખેલી. કેસરે કહેલું એમ પહેલાં તો દુશ્મનને બરાબર જાણવો ઘટે. મને અને માને મારી જોરાવર-નિયતિને ઘરનો જ ફાયદો થાય એમ હતો. જે કપલ માથે છત પામવા બબ્બે ખૂન કરવા સુધી જઈ શકતું હોય તે લાખોના ફાયદા માટે એકબીજાને નુકસાન પહોંચાડવામાંય નહીં ચૂકે એવી કેસરની ગણતરી યથાર્થ નીવડી!
પોતાના કાર્યસ્થળે આશ્લેષને ભાળી જોરાવર સહેજ ડઘાયેલો. આશ્લેષે તેને પણ હીરા દેખાડી વિકલ્પ મૂક્યો હતો: હું તને પચાસ લાખના હીરા આપીશ જો તું નિયતિને કોઈ પણ પુરુષને માણવા લાયક ન રહેવા દે તો! નિયતિને તનચાહ્યા પુરુષના હાથે સજા મળે તો જ મારો ઘવાયેલો અહમ શાંત થાય....
જોરાવર પણ પચાસ લાખની લાલચે લપેટાયો: આટલામાં તો નિયતિ જેવી દસ મારી આગળપાછળ ભમશે!
આશ્લેષે આવી જ ઑફર સામી પાર્ટીને પણ મૂકી હોવાની તો કલ્પના પણ કેમ થાય? અત્યારે બેઉનાં મોં કાળાં મે જેવાં થયાં.
ત્યાં તો આશ્લેષે છેવટનો ધડાકો કર્યો, ‘બાકી મને કોઈ લૉટરી લાગી નથી. તમને દેખાડ્યા એ કાચના ટુકડા હતા માત્ર!’
ન હોય! જોરાવર-નિયતિ છટપટાયાં: આપણે કેવા મૂરખ બન્યા!
આશ્લેષે બહાર જવા પીઠ ફેરવી, ‘તમે તમારી મોજ કન્ટિન્યુ કરી શકો છો. રૂમના ભાડા પેટે નિયતિ, ફારગતીના કાગળ પર સહી કરતી જજે.’
પહેલી કળ નિયતિને વળી:
‘જોરાવર, આને પકડ! આપણો હિસાબ પછી સમજીશું. પહેલાં આને ખતમ કર, પછી ડોશ..લી ને..’
નિયતિના આહવાને ડોક ધુણાવતો જોરાવર એક હાથે ચાકુ ઉઠાવી બીજા હાથે આશ્લેષનો કાંઠલો પકડવા જાય છે કે...
‘હોલ્ડ ઇટ!’ દરવાજે પોલીસ દેખાતાં જોરાવર-નિયતિને તમ્મર આવ્યાં: ટ્રૅ..પ!
ત્યારે નીચેની રૂમમાં દેવકીમા વ્યાકુળ હતાં : આ શું થઈ રહ્યું છે!
‘શીશ!’ પોલીસ અને આસુ ભેગી આવેલી નમણી યુવતીએ તેમનો પહોંચો પસવાર્યો: તમારે ચિંતા કરવી પડે એવું કશું જ નથી, મા.
મા! દેવકીમા સહેજ અચરજથી કેસરને નિહાળી રહ્યાં.
lll
ઓમ નમઃ શિવાય...
લતા મંગેશકરના કંઠે મઢી શિવ સ્તુતિથી શિવગઢના શિવાલયની પ્રાણપ્રતિષ્ઠાનો આરંભ થયો.
વીત્યા આ આઠ-દસ મહિનામાં કેટલું-કંઈ બની ગયું. પોલીસની થર્ડ ડિગ્રીએ અખિલે વટાણા વેરી દેતાં ગૅન્ગના અન્ય ટપોરીઓ ભેગો સૂત્રધાર ગોરખપુરથી ઝડપાયો, જેના માથે બીજા કેસમાં ઑલરેડી વીસ લાખનું ઇનામ હતું. પોલીસે એવી કલમો નાખી છે કે જીવનભર એ લોકો જેલમાં સડવાના! સુરક્ષાના કારણોસર કેસરની ઓળખ જાહેર થઈ નહોતી, પણ જર્નાલસિંહ માટેનું ઇનામ તેને જરૂર મળ્યું. વીસ લાખનો ચેક તેણે આશ્લેષને થમાવ્યો હતો: આમાંથી માનું ઑપરેશન કરાવો, બાકીની રકમમાંથી પોતાની દુકાન કરો... તમે આપણી વચ્ચે મારા-તારાનો ભેદ ન ગણતા હો આશ્લેષ, તો ના નહીં પાડતા.
સાંભળીને આશ્લેષ કેવો મહોરી ઊઠેલો!
દરમ્યાન ઝવેરચંદ શેઠની ફૅમિલી દુબઈથી આવતાં તેણે અસલી હીરા તિજોરીમાં પહોંચાડી દીધેલા એટલે એ અદલાબદલી કોઈને ગંધાઈ નહીં. આશ્લેષે નોકરી છોડી. ઓછા પગારનો મૅનેજર જતો રહે એ શેઠને ગમ્યું નહીં, પણ માણસને જાળવતાં તેમને જ આવડ્યું નહીં પછી શું થાય?
નિયતિ-જોરાવર હત્યાના ષડયંત્ર બદલ કારાવાસની સજા ભોગવે છે, સમાજમાં થૂથૂ થાય છે ને જોરાવરની બૈરી કોઈ જોડે ભાગી ગઈ છે. બદનામીના આઘાતમાંથી બેઉ ક્યારેય ઊભરવાનાં નહીં!
જોરાવર આશ્લેષને મારવા રઘુને હાયર કરવાનો હતો જાણી કેસર સહેજ ડઘાયેલી. કાદંબરીએ રઘુ દ્વારા કેસરને વિજયનગરમાં ખોળી કાઢેલી. આખરે દામોદર શેઠ સાથે સોદો પાર પાડવાનો હતો પણ કેસરના પડખે ચટ્ટાન જેવો આશ્લેષ ઊભો હતો. તેણે પોલીસની ધમકી આપતાં રઘુય પાછો પડ્યો. પરિણામે દામોદર શેઠ સાથેનો સોદો ભાંગી પડ્યો. ઍડ્વાન્સ પરત થયું નહીં એટલે ગિન્નાયેલા આદમીએ રઘુને પોલીસમાં સપડાવતાં ગુજરાન માટે કાદંબરીએ ધંધે બેસવાનો વખત આવ્યો છે.
આ બધા વચ્ચે દેવકીમાનું ઑપરેશન થયું. કેસરે દિનરાત તેમની સેવા કરી. મા ઘણું કંઈ, આશ્લેષના આપઘાતના પ્રયાસ વિશે કે અખિલ બાબત, હજી નથી જાણતાં. તેમને કે કોઈને પણ કહેવું શું કામ? આશ્લેષ-કેસરના અંતરના તાર સંધાઈ ગયેલા. માથી એ છૂપું થોડું હોય? લાકડીના ટેકે ચાલતાં થતાં જ તેમણે આશ્લેષ-કેસરનાં ઘડિયાં લગ્ન લીધાં.
કેસરની ઇનામની વધેલી રકમમાંથી આશ્લેષે ગામમાં પોતાની દુકાન કરી છે. સમાંતરે ફાળો ઉઘરાવી શિવાલયના જીર્ણોદ્ધારનું બીડું ઝડપ્યું હતું : જે જગ્યા મારા-કેસરના મેળમાં નિમિત્ત બની દેવનું એ સ્થાનક અપૂજ કેમ રહેવું જોઈએ!
આજે શ્રાવણના સોમવારે મહાદેવની પ્રાણપ્રતિષ્ઠામાં બેઠેલા નવયુગલ પર દેવાધિદેવની આશિષ સદા રહેવાની એ ઉમેરવાની જરૂર ખરી?
(સમાપ્ત)

