ચેન્નઈની સવીથા મેડિકલ કૉલેજમાં ડૉ. ગ્રૅડલિન રાઉન્ડ મારી રહ્યા હતા એ જ વખતે તેઓ બેશુદ્ધ થઈને પડી ગયા હતા
ડૉ. ગ્રૅડલિન રૉય
ચેન્નઈની એક હૉસ્પિટલમાં ડૉ. ગ્રૅડલિન રૉય નામના ૩૯ વર્ષના કાર્ડિઍક સર્જ્યન હૉસ્પિટલમાં દરદીઓને તપાસી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ-અટૅક આવતાં અચાનક જ ફસડાઈ પડ્યા હતા. બુધવારે ચેન્નઈની સવીથા મેડિકલ કૉલેજમાં ડૉ. ગ્રૅડલિન રાઉન્ડ મારી રહ્યા હતા એ જ વખતે તેઓ બેશુદ્ધ થઈને પડી ગયા હતા. હૉસ્પિટલમાં એ વખતે નિષ્ણાતોની ફોજ હાજર હતી અને તમામ સાધનો પણ ઉપલબ્ધ હોવાથી તરત જ ડૉક્ટરોએ તેમને CPR આપ્યું હતું. થોડીક ચેતના આવી એટલે તાત્કાલિક ડૉક્ટરોએ ઍન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયા પણ કરી, પરંતુ હૃદયની ડાબી મુખ્ય ધમનીમાં ૧૦૦ ટકા બ્લૉકેજ હોવાથી કશું જ કારગર નીવડ્યું નહીં. જસ્ટ ૪૦થીયે ઓછી ઉંમરે હાર્ટ-હેલ્થ માટે પૂરતી સાવધાની રાખ્યા પછી ડૉક્ટરોની પણ આ હાલત થાય છે એ ચિંતાજનક છે. નિષ્ણાતોનું કહેવું છે કે રોજ ૧૨થી ૧૪ કલાક કામ કરવાને કારણે હૃદય પર વધુ સ્ટ્રેસ આવે છે.

