Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ધ્રુમિલ પટેલનો જીવ લેનારા બેફામ સગીર કાર-ડ્રાઇવરના પિતાને ૧૦ વર્ષની જેલ થશે?

ધ્રુમિલ પટેલનો જીવ લેનારા બેફામ સગીર કાર-ડ્રાઇવરના પિતાને ૧૦ વર્ષની જેલ થશે?

Published : 21 February, 2026 03:19 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ધ્રુમિલ પટેલનો જીવ લેનારા બેફામ સગીર કાર-ડ્રાઇવરના પિતાને ૧૦ વર્ષની જેલ થશે? ૧૭ વર્ષના કાતિલ ટીનેજરને ૩ વર્ષ માટે રિમાન્ડ હોમની સજા થશે? તેને ૨૫ વર્ષની ઉંમર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ ન મળી શકે એ નિયમનું પાલન થશે?

ધ્રુમિલ પટેલનો જીવ લેનારા બેફામ સગીર કાર-ડ્રાઇવરના પિતાને ૧૦ વર્ષની જેલ થશે?

ધ્રુમિલ પટેલનો જીવ લેનારા બેફામ સગીર કાર-ડ્રાઇવરના પિતાને ૧૦ વર્ષની જેલ થશે?


તાજેતરમાં જ મુંબઈમાં થયેલા એક જીવલેણ હિટ-ઍન્ડ-રન કેસને પગલે મોટર વ્હીકલ ઍક્ટ ચર્ચામાં છે. બાળકને હોંશે-હોંશે સ્કૂટરની કે ગાડીની ચાવી આપતી વખતે માતા-પિતા વિચારતાં નથી કે ૧૮ વર્ષથી પહેલાં લાઇસન્સ વગર ડ્રાઇવ કરવું એક અપરાધ છે. આ નાનકડી દેખાતી ભૂલ તેમને ત્રણથી ૧૦ વર્ષ સુધીની જેલ કરાવી શકે છે, કારણ કે ભારતીય કાનૂન આ પરિસ્થિતિમાં માઇનરને નહીં પણ તેનાં માતા-પિતાને જવાબદાર માને છે. આજે સમજીએ માઇનર દ્વારા થતા રોડ-અકસ્માત વિશે કાયદો શું કહે છે

મુંબઈમાં હાલમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ ઍક્ટ અંતર્ગત બે કેસ નોંધ્યા છે. બીજી ફેબ્રુઆરીએ સાઉથ મુંબઈમાં કોસ્ટલ રોડ પર એક ઍક્સિડન્ટ નોંધાયો હતો જેમાં ૭૫ વર્ષના બિઝનેસમૅન દાદાની કારની ચાવી લઈને ૧૮ વર્ષની છોકરી ઘરેથી નીકળી ગઈ, પણ તેણે તેના ૧૭ વર્ષના મિત્રને એ ગાડી ચલાવવા આપી અને એનો ઍક્સિડન્ટ થઈ ગયો હતો. તેમની મર્સિડીઝ કાર રાત્રે બે વાગ્યે બીજી એક કાર સાથે ભટકાઈ જેમાં ૩ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. એને કારણે ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધી હતી. 



પાંચમી ફેબ્રુઆરીએ ૧૭ વર્ષના એક છોકરાએ સોમૈયા કૉલેજ પાસે પોતાની કાર દ્વારા સ્કૂટર પર જઈ રહેલા એક દંપતીને આંટી દીધું જેને કારણે સ્કૂટર ચલાવી રહેલા બિઝનેસમૅન ધ્રુમિલ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ૧૦ દિવસ ઝઝૂમ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. તેમનાં પત્ની મીનળ ઈજાગ્રસ્ત અવસ્થામાં છે. આ કેસમાં તિલકનગર પોલીસ-સ્ટેશને ૧૭ વર્ષના છોકરા અને તેના પિતા વાલજી રાજા ભૂષણ વિરુદ્ધ લાઇસન્સ વગરના આ માઇનર છોકરાને ગાડી ચલાવવાની પરવાનગી આપવા બદલ કેસ રજિસ્ટર કર્યો છે. 


આ બન્ને કેસમાં એક કૉમન કડી છે માઇનર એટલે કે ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિનું ડ્રાઇવિંગ કરવું અને એ દરમ્યાન ઍક્સિડન્ટ થવો. મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝના ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો મુજબ ૧૬ વર્ષે ગિયર વગરનાં ટૂ-વ્હીલર (૫૦ CC સુધીના) ચલાવવાનું લાઇસન્સ મળતું હોય છે. ૧૮ વર્ષે લાઇટ મોટર વ્હીકલ એટલે કે ગિયરવાળાં બાઇક અને કાર ચલાવવાનું લાઇસન્સ મળે છે અને હેવી ટ્રાન્સપોર્ટ કે કમર્શિયલ વ્હીકલ ચલાવવા માટેની વયમર્યાદા ૨૦ વર્ષની છે. આ એક એવા સામાન્ય નિયમો છે જે બધાને જ ખબર છે, પરંતુ પાલન કેટલા લોકો કરે છે? આજે પણ રોડ પર ૧૩-૧૪ વર્ષના છોકરાઓ સ્કૂટર ફેરવતા દેખાય છે. એ તો જોઈને જ ખબર પડી જાય કે તેઓ નાના છે. ૧૬-૧૮ વર્ષમાં ઉંમરભેદ ખાસ સમજાય એવો દેખીતો હોતો નથી, પરંતુ જે ઘરમાં ફોર-વ્હીલર છે એ ઘરનો ૧૬ વર્ષનો છોકરો એ ગાડી ન ચલાવતો હોય એવું ભાગ્યે જ જોવા મળે. માતા-પિતા પણ આ વાત પર પ્રાઉડ કરતાં જોવા મળતાં હોય છે કે તે તો સારી ગાડી ચલાવી જાણે છે, તેને તો ક્યારનું આવડી ગયું ગાડી ચલાવતાં. એવા પપ્પાઓ તમે જોયા જ હશે જેઓ નાના બાળકને ડ્રાઇવિંગ-સીટ પર બેસાડીને ડ્રાઇવ કરતા હોય. તેમની ઇચ્છા એવી હોય કે હું મારા બાળકને પહેલેથી શીખવી દઉં. આ તેમની નાનપણથી બાળકની અંદર રોપેલી ઇચ્છાઓ, બાળકોની અંદરોઅંદરની દેખાદેખી, બીજાને ઇમ્પ્રેસ કરવાની આકાંક્ષાઓને કારણે રોડ પર અઢળક માઇનરો લાઇસન્સ વગર વ્હીકલ ચલાવી રહ્યા છે. અમુક ઉંમર પછી જ લાઇસન્સ આપવાનું કારણ એ નથી કે અમુક ઉંમર પછી બાળકને વ્હીકલ ચલાવતાં આવડે. અમુક ઉંમર પછી તેને જવાબદારીનું ભાન થાય અને તે જવાબદારીના ભાન સાથે ગાડી ચલાવે તો અકસ્માત થવાનું રિસ્ક ઘણું ઓછું રહે એટલા માટે અમુક ઉંમર પછી બાળકને ગાડી હાથમાં આપવી જોઈએ. આ ભાન જે માતા-પિતાને છે નહીં તેમના માઇનર્સ ગાડીઓ ચલાવી પણ રહ્યા છે અને અકસ્માત કરી પણ રહ્યા છે તથા આટલી નાની ઉંમરમાં કોઈનો જીવ પણ લઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં કાયદો શું કહે છે અને એને રોકવા શું કરી શકાય એ સમજવાની કોશિશ કરીએ. 

કાયદો શું કહે છે? 


મોટર વ્હીકલ ઍક્ટ ૨૦૧૯ અનુસાર જો એક મા​ઇનર એટલે કે ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને વાહન ચલાવતાં પકડવામાં આવે તો એ કેસમાં ગંભીર પેનલ્ટી થાય છે. એ વિશે વાત કરતાં ક્રિમિનલ લૉયર વિવેકાનંદ ગુપ્તા કહે છે, ‘કાનૂન પ્રમાણે માઇનરની જવાબદારી માતા-પિતાની ગણાય છે. જો તે ગાડી ચલાવે છે તો તેને રોકવાની જવાબદારી પણ માતા-પિતાની છે. એટલે જ ૨૦૧૯માં આ પ્રકારના ફેરફાર કાનૂનમાં કરવામાં આવ્યા. જો કોઈ માઇનર ડ્રાઇવિંગ કરતાં પકડાય તો એ વ્હીકલના માલિક અથવા તે બાળકના ગાર્ડિયન જે તેનાં માતા-પિતા હોય કે તેની સંભાળ રાખનાર હોય તેમની વિરુદ્ધ કેસ નોંધાય છે. એમાં ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો ફાઇન અને ૩ વર્ષની જેલ થઈ શકે છે. તેમના વાહનનું રજિસ્ટ્રેશન ૧૨ મહિના માટે કૅન્સલ કરી શકાય છે. કરે સંતાન અને ભરે માતા-પિતા એવો ન્યાય એટલા માટે છે કે કાનૂન માતા-પિતા પાસેથી એ અપેક્ષા રાખે છે કે તેઓ તેમનાં બાળકોને જ્યાં સુધી લીગલ લાઇસન્સ નથી મળતું ત્યાં સુધી ગાડી ચલાવતાં રોકે.’ 

માઇનરનું શું? 

૧૮ વર્ષથી નાની વ્યક્તિ વાહન ચલાવે છે તેનો કોઈ વાંક નથી? તેને કોઈ સજા મળે કે નહીં? એ પ્રશ્નોનો જવાબ આપતાં ઍડ્વોકેટ આભા સિંહ કહે છે, ‘ચોક્કસ તેનો વાંક છે, પણ તે માઇનર છે. ભારતીય કાનૂન માઇનરને સજા નથી આપતો, તેને સુધરવાનો મોકો આપે છે. કાયદા પ્રમાણે આવી વ્યક્તિને ૨૫ વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ ન મળે એવી જોગવાઈ છે. બાકી જો કોર્ટને લાગે કે તેનો ગુનો ગંભીર છે તો તેને રિમાન્ડ હોમમાં ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે જ્યાં તેને સુધરવાનો મોકો મળતો હોય છે. આ પ્રકારની ચર્ચાઓ નિર્ભયા હત્યાકાંડ સમયે પણ થઈ હતી. જે લોકો પકડાયા હતા એમાં સૌથી વધુ ગંભીર ગુનો એક માઇનરનો જ હતો. બધાને સજા થઈ, પણ આ ગંભીર અપરાધી માઇનર હોવાને કારણે રિમાન્ડ હોમમાં ગયો અને પછી છૂટી ગયો હતો.’

મૃત્યુના કેસમાં ૧૦ વર્ષની જેલ 

માઇનર જ્યારે ડ્રાઇવિંગ કરતાં પકડાય એ ગુનો જુદો, પરંતુ જો તેનાથી અકસ્માત થાય અને એમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એ તો ગંભીર ગુનો ગણાય છે. એ પરિસ્થિતિમાં શું થઈ શકે એ સમજાવતાં વિવેકાનંદ ગુપ્તા કહે છે, ‘હાલમાં વિદ્યાવિહાર પાસે જે કેસ થયો છે એમાં ધ્રુમિલ પટેલનું મૃત્યુ થયું છે. એમાં પોલીસે કલ્પેબલ હોમિસાઇડ નૉટ અમાઉન્ટિંગ ટુ મર્ડરનો ચાર્જ પણ લગાવ્યો છે એટલે કે ગુનાહિત માનવહત્યા જેમાં ખબર હોય કે આવું કરવાથી મૃત્યુ થઈ શકે છે અને છતાં એ કર્યું હોય, પણ એ કરવા પાછળ હત્યાનો હેતુ ન હોય કે એને સંબંધિત ક્રૂરતા એમાં ન આચરવામાં આવી હોય. આ ચાર્જ અંતર્ગત માઇનરનાં માતા-પિતાને ૧૦ વર્ષની જેલ થઈ શકે છે. ન્યાય કહે છે કે બાળકની સંપૂર્ણ નૈતિક જવાબદારી માતા-પિતાની જ છે. તે વગર લાઇસન્સે ડ્રાઇવ કરીને કોઈ વ્યક્તિનો જીવ લઈ લે તો એની જવાબદારી માતા કે પિતાની જ છે એટલે સજા તેમને થશે. આવા કેસમાં હિસ્ટરી પણ જોવામાં આવે છે. જો બાળકને મજા માટે વાહન ચલાવવા દીધું હોય, એની સોશ્યલ મીડિયા પોસ્ટ હોય કે તે સ્ટન્ટ કરી રહ્યું છે કે લક્ઝરી કારનું શોખીન છે તો એ બધું માતા-પિતાની વિરુદ્ધ કામ કરે છે. કોર્ટ એને ગંભીરતાથી લે છે.’

પેરન્ટ્સને સજા કેમ? 

કાયદો કહે છે કે માતા-પિતાની અવગણનાને લીધે, તેમના દ્વારા તરછોડાયું હોય ત્યારે, બાળકનું કોઈ પ્રકારનું શોષણ થયું હોય ત્યારે, તેનું વર્તન યોગ્ય ન હોય ત્યારે કરાયેલા ક્રાઇમ બાબતે માતા-પિતાએ એની ભરપાઈ કરવી પડી શકે છે. જોકે માઇનર્સ ફક્ત લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરવાનો જ ક્રાઇમ નથી કરતા, બીજા પણ ક્રાઇમ કરે છે. એ સંજોગોમાં પણ શું માતા-પિતાને જવાબદાર માનવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં વિવેકાનંદ ગુપ્તા કહે છે, ‘ના, બિલકુલ નહીં. બીજા ક્રાઇમ્સ બાબતે માતા-પિતા જવાબદાર ગણાય એવું નથી હોતું. એ બાબત કેસ પ્રમાણે પણ જોવી પડે. એવું નથી કે તમારું માઇનર બાળક ડ્રગ્સ લેતાં પકડાયું એટલે તમને જેલ થશે. તમારા બાળકે કોઈ પ્રૉપર્ટી ડૅમેજ કરી તો તમને જેલ થશે એવું નથી હોતું. ડ્રાઇવિંગના કેસમાં માતા-પિતા એટલે જવાબદાર હોય છે કારણ કે એક તો પહેલું એ જોવાનું કે વાહન કોનું છે? વાહન જેનું હોય તે વ્યક્તિ જવાબદાર ગણાય. જેમ કે કોસ્ટલ રોડ પરના અકસ્માતમાં એ ગાડી છોકરીના દાદાની હતી એટલે દાદા પર કાર્યવાહી થાય, ભલે એ વાહન તે છોકરીનો મિત્ર ચલાવતો હતો. આમ વાહન ચલાવનારનાં માતા-પિતાએ તેને વાહન કેમ આપ્યું એ માતા-પિતાની બેજવાબદારી છે એટલે તેમના પર કાર્યવાહી થઈ રહી છે.’ 

ફક્ત કાયદાથી બદલાવ નથી આવતો 

કાયદો કડક બન્યો છે, પરંતુ એના દ્વારા બદલાવ આવી નથી રહ્યો એ વાત પર ભાર આપતાં આભા સિંહ કહે છે, ‘આવા કેસ આખા દેશમાં થઈ રહ્યા છે. મોટા ભાગે આ ધનવાન અને પાવરફુલ પરિવારનાં બાળકો હોય છે જેઓ પોતાના ઘરની ગાડી લઈને નીકળી જતાં હોય છે. અકસ્માત થાય ત્યારે પોલીસ એ ગાડી જોઈને સમજી જતી હોય છે કે આ કોઈ મોટા પરિવારમાંથી છે. એટલે ત્યાં જ પુરાવાઓ ગાયબ થઈ જાય છે. જો દારૂ પીને બાળક ગાડી ચલાવતું હોય તો તેની ટેસ્ટ મોડી કરીને એનો રિપોર્ટ બ્લૅન્ક કરી નાખવામાં આવે છે. કેટલાક પરિવારોમાં તેમનો ડ્રાઇવર પોતાના પર આરોપ લઈ લે છે એટલે ડ્રાઇવરને સજા થાય છે અને માઇનર તથા તેનાં માતા-પિતા સાવ છૂટી જાય છે. ભારતમાં ગરીબી એટલી છે કે ડ્રાઇવર પોતાના ઘરના લોકોનું ભવિષ્ય સિક્યૉર કરવા માટે ગુનેગારના ઘરના તરફથી એક મોટી રકમ લઈ લે છે અને સજા પોતે ભોગવી લે છે, કારણ કે તેને ખબર છે કે કામ કરીને પણ તે એટલું નહીં કમાઈ શકે જેટલું તે ગુનો પોતાના માથે લઈને કમાય છે. કાયદામાં બદલાવ એટલે જ આવ્યો હતો કે માતા-પિતાને સજા થાય, કારણ કે એની અસરકારકતા વધે. આ બાબતે ફક્ત કોર્ટ કે કાનૂન જવાબદારી લેશે તો બદલાવ નહીં આવે. કેસ થાય, ગુનેગારને સજા થાય તો ક્રાઇમ બંધ થાય એવું નથી. નિર્ભયા પછી તો રેપ બંધ થઈ જવા જોઈતા હતા, પણ એવું નથી થયું કારણ કે કાનૂન તો છે. એના કડક અમલીકરણ માટે પોલીસની જરૂર છે અને સમાજે ખુદ સમજવાની અને બદલાવાની જરૂર છે.’

આંકડાઓ : ભારતમાં ૨૦૨૩-’૨૪માં ૧૧,૮૯૦ 

રોડ-ઍક્સિડન્ટ નોંધાયા હતા જે માઇનર્સ એટલે કે ૧૮ વર્ષથી નીચેનાં બાળકો દ્વારા થયા છે. એમાં તામિલનાડુ ૨૦૬૩ કેસ સાથે પ્રથમ સ્થાને છે અને મહારાષ્ટ્ર ૧૦૬૭ કેસ સાથે ત્રીજા સ્થાન પર છે. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના રિપોર્ટ મુજબ ૧૬ વર્ષની વયે ગંભીર રીતે અકસ્માત થવાનું રિસ્ક ઘણું વધુ રહે છે. આંકડાઓ મુજબ ભારતમાં દરરોજ ૪૦ જેટલાં ૧૮ વર્ષની નીચેનાં બાળકો રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામે છે. ૨૦૧૮થી ૨૦૨૨ વચ્ચે ૭૭,૩૮૬ મૃત્યુ નોંધાયાં હતાં જેમાં વાહનચાલક તરીકે અને રાહદારી તરીકે બન્ને રીતે મરનારા લોકોનો સમાવેશ થાય છે. મુંબઈનો આંકડો તો પ્રાપ્ત નથી, પરંતુ બૅન્ગલોર જેવા શહેરમાં અન્ડર-એજ એટલે કે ૧૮ વર્ષથી નીચેનાં ૪૧૪ બાળકો ગયા વર્ષે પકડાયાં હતાં જેઓ ડ્રાઇવિંગ કરી રહ્યાં હતાં. ટીનેજ બાળકો મોટા ભાગે અતિ ઝડપી અને ધ્યાન રાખ્યા વગરનું ડ્રાઇવિંગ કરતાં જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ પાંચથી ૨૯ વર્ષના લોકો માટે રોડ પરના ઍક્સિડન્ટ મૃત્યુનાં કારણોમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 03:19 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK