ટિકિટચેકરો સાથે ક્યારેક હિંસક વ્યવહાર કરતા પ્રવાસીઓથી લઈને કઈ રીતે TC ખુદાબક્ષ મુસાફરોને ઓળખી કાઢે છે એની મજેદાર વાતો આજે જાણીએ, વગર ટિકિટે પ્રવાસ કરતા પ્રવાસીઓ પાસેથી વસૂલ કરવામાં આવતા દંડને રેલવેએ ડબલ કર્યો છે ત્યારે
જસવિંદર કૌર, કૌષલેન્દ્ર કુમાર
સ્થળ : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), પ્લૅટફૉર્મ-નંબર એક પર રહેલો ટિકિટચેકર્સનો રૂમ.
સમય : સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસનો.
નજારો : મમ્મી સાથે આવેલાં નાનાં બાળકોથી લઈને સ્ટુડન્ટ્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ જેવા દરેક સ્તરના અને ઉંમરના લોકોથી ભરાયેલો રૂમ.
વગર ટિકિટે પકડાયેલા આ તમામ લોકો પાસે એ સમયે ટિકિટ ન હોવાનાં પોતાનાં કારણો હતાં. જેમ કે એક બહેન પાસે મુલુંડથી ભાયખલાનો પાસ હતો. બસમાં તેઓ CSMT પર પહોંચ્યાં હતાં અને માત્ર વૉશરૂમ જવા તેઓ રેલવે-પ્રિમાઇસિસમાં પ્રવેશ્યાં હતાં. ટિકિટચેકરે જ્યારે ટિકિટ
માગી તો તેમની પાસે નહોતી. નિયમ મુજબ રેલવે-પ્રિમાઇસિસમાં તમે ટિકિટ વિના પ્રવેશી જ ન શકો. ધારો કે તમે ટ્રાવેલ નથી કરવાના તો પ્લૅટફૉર્મ ટિકિટ પણ લેવી જ પડે. પહેલાં ખૂબ દલીલો કરી અને ઝઘડાઓ કર્યા, પણ વાત પોતાના પક્ષમાં આવતી ન દેખાઈ એટલે બહેને માફી માગી અને ભૂલથી આમ થયું છે એવી નમ્રતા પણ દેખાડી. જોકે ફાઇન આપવામાં તો તેમનો નનૈયો અકબંધ રહ્યો. લગભગ એકાદ કલાકમાં એ TC રૂમમાં આવા કંઈકેટલાય કેસ જાણવા મળ્યા. કોઈ સ્ટુડન્ટ પાસે ટિકિટ નહોતી અને કૉલેજમાં લેટ થાય છે એવી દલીલ હતી. કોઈકે જુદા સ્ટેશનની ટિકિટ દેખાડીને એ વાત મૂકવા તૈયાર નહોતા કે તેમની પાસે વૅલિડ ટિકિટ નહોતી. કોઈકે વળી પ્લૅટફૉર્મ પર TC સાથે ગાળાગાળી કરી લીધી હતી અને જ્યારે રેલવે-પોલીસે હસ્તક્ષેપ કરીને તેમને કોર્ટની કાર્યવાહી દ્વારા જ આગળ વધવામાં આવશે એવું કહેવાયું એટલે ભાઈસાહેબ સીધા થઈને ભૂલ સ્વીકારવા માંડ્યા. કોઈકે કહ્યું કે ફાઇન લેવો હોય તો લો પણ હિસાબથી લો, ૫૦૦ રૂપિયા થોડો ફાઇન હોય. કોઈક વળી સપરિવાર વગર ટિકિટે પ્રવાસ કરી રહ્યું હતું, જેમાં સૌથી નાનો છોકરો નવેક વર્ષનો હશે અને ૪ જણના ૨૦૦૦ રૂપિયા જેવો સમથિંગ ફાઇન આપવાની તેમની કોઈ તૈયારી નહોતી. તેઓ TC સાથે બાર્ગેઇન કરી રહ્યા હતા. કોઈ વળી
શાંતિથી બાંકડા પર બેસીને ગિવ-અપ મોડમાં હતા કે જે કરવું હોય એ કરો, ફાઇન ભરવાના પૈસા તો નથી જ. ટૂંકમાં દલીલ, ઝઘડા, બહસ અને જુદાં-જુદાં કારણોના કોલાહલથી ગુંજી રહેલા એ નાનકડા રૂમમાં રહેલા પાંચથી ૭ ટિકિટચેકરો લોકો સાથે જે રીતે મૅનેજ કરી રહ્યા હતા એ પોતાનામાં એક અજાયબી જેવું હતું. માત્ર એક-દોઢ કલાકની એ સ્થાનની હાજરીએ જો અમને માથાનો દુખાવો કરાવી દીધો હોય તો સમજી શકો કે દરરોજ આવા સેંકડો લોકો પાસેથી પેનલ્ટીના પૈસા કઢાવવાનો કપરો ટાસ્ક પાર પાડતા રેલવેના ટિકિટચેકરોના શું હાલ થતા હશે? આંખેદેખ્યા હાલ જોયા પછી મુંબઈના ટિકિટચેકરો સાથે પ્રત્યક્ષ વાતો કરી ત્યારે એમાં મળેલી કેટલીક રોચક માહિતીઓ તો ઑર પણ દંગ કરનારી હતી. પ્રસ્તુત છે TCની વાતો તેમની જ જુબાની, જેમાં સામેલ છે વધેલા ફાઇન સાથે આવેલા ખુદાબક્ષ પ્રવાસીઓના વ્યવહારમાં બદલાવો, તેમને ભૂતકાળમાં થયેલા કડવા અનુભવો અને એમાંથી પણ જૉબ સૅટિસ્ફૅક્શન શોધવાની તેમની જર્નીની રોચક વાતો.
અઘરું છે પણ...
સવાર છથી બે અને બપોરે બેથી રાતે ૧૦ એમ મોટા ભાગે TC બે શિફ્ટમાં ચર્ચગેટથી વિરાર અને દહાણુ સુધી કામ કરતા હોય છે. પ્રવાસીઓ અને TC વચ્ચેના એક અનોખા નાતામાં TC સામેના પડકારો, કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતા ટિકિટચેકરો અને તેમની સંવેદનાઓ વિશે છેલ્લાં ૩૭ વર્ષથી રેલવેસેવામાં કાર્યરત વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનના ચીફ ટિકિટ-ઇન્સ્પેક્ટર પી. કે. સિંહ કહે છે, ‘મેં નોકરી શરૂ કરી ત્યારે વગર ટિકિટે પ્રવાસ કરતા પ્રવાસીઓ માટેનો ફાઇન માત્ર ૧૦ રૂપિયા હતો. ત્યાર બાદ દસમાંથી પચાસ થયા, પછી ૨૫૦ અને હવે ૫૦૦ રૂપિયા ફાઇન થયો છે. ફાઇન વધવાથી લોકોમાં ડિસિપ્લિન અને એક પ્રકારની તહઝીબ આવી છે ખરી, પણ ટિકિટ વિનાના લોકો આજે પણ એટલા જ છે. ફીલ્ડ પર ૮૦ ટકા પૅસેન્જરો એવા ભટકે છે જેઓ રોજેરોજ અમારું બ્લડ-પ્રેશર વધારી દે છે. જોકે ટિકિટચેકર્સ પણ એટલા સ્માર્ટ છે કે ગમે એવા તુક્કાબાજોને પકડી પાડે છે.’
જ્યારે હિંસક બને
આકરા દંડ વચ્ચે મુંબઈનાં રેલવે-સ્ટેશનો પર TC અને મુસાફરો વચ્ચે રોજિંદા ધોરણે વિવાદો થાય છે જે ઘણી વાર હિંસક વળાંક લે છે. સેન્ટ્રલ રેલવેના સબર્બન સેક્શનમાં ૨૦૨૫માં એપ્રિલથી ડિસેમ્બરના ગાળા દરમ્યાન જ ૬ TC પર જીવલેણ હુમલા થયા હતા, જે ૨૦૨૪માં માત્ર ૩ જ હતા. આ સંઘર્ષ કેટલો જોખમી હોઈ શકે છે એનું ઉદાહરણ ૨૦૧૭માં જોવા મળ્યું હતું, જ્યારે રબાળે સ્ટેશન પર ટિકિટ વિના મુસાફરી કરી રહેલી એક વ્યક્તિએ ધક્કો મારતાં TC આર. જી. કદમ દાદરા પરથી નીચે પટકાયા હતા અને તેમનું કરુણ મોત થયું હતું. તાજેતરમાં બાંદરા સ્ટેશન પર સિનિયર ટિકિટ-એક્ઝામિનર વિવેકકુમાર રાયે ટિકિટ વગરના એક મુસાફરને અટકાવ્યો ત્યારે મુસાફરે તેમને જોરદાર ધક્કો મારીને ટ્રૅક પર ફેંકી દીધા હતા. આ તો સામેથી આવી રહેલી ટ્રેનના મોટરમૅનની સમયસૂચકતાને આભાર કે તેણે ઇમર્જન્સી બ્રેક મારી દેતાં તેમનો જીવ બચ્યો હતો. આવી જ રીતે કિંગ્સ સર્કલ સ્ટેશન પર ફરજ બજાવતા હરિરામ શર્મા પર હુમલો થયો હતો. તેમના જમણા કાંડામાં ગંભીર ફ્રૅક્ચર થયું હતું અને રેલવે-હૉસ્પિટલમાં તેમની સર્જરી કરવી પડી હતી. એવી જ રીતે એક બનાવમાં અંબરનાથ સ્ટેશન પર એક મહિલા ટિકિટ-એક્ઝામિનર નમ્રતા શેંડગે સાથે અત્યંત શરમજનક વર્તન કરીને એક મુસાફરે ઝઘડો કરીને જાહેરમાં તેમના વાળ ખેંચ્યા હતા.
આ જ દિશામાં સેન્ટ્રલ રેલવેમાં છેલ્લાં પાંચ વર્ષથી કમર્શિયલ ક્લર્ક-પ્લસ-ટિકિટ ક્લર્ક તરીકે કામ કરતાં પ્રીતિ સિંહ કહે છે, ‘જ્યારથી ફાઇનની રકમ વધારવામાં આવી છે ત્યારથી વગર ટિકિટે પકડાતા પ્રવાસીઓના ઝઘડા પણ વધ્યા છે. તેમની પાસેથી ૫૦૦ રૂપિયા દંડ વસૂલ કરવાનું કામ અઘરું છે. તેમને હજી વિશ્વાસ જ નથી આવતો કે રેલવેએ વગર ટિકિટે પ્રવાસ કરતા પકડાઓ તો દંડની રકમ ડબલ કરી નાખી છે. તેમને એમાં પોતાના અધિકારોનું હનન દેખાય છે. છેલ્લા એક મહિનામાં લગભગ દરરોજના ઝઘડાઓ વહોરવા પડી રહ્યા છે. જોકે હવે ધીમે-ધીમે લોકોમાં જાગૃતિ આવી રહી છે. આજે પણ આપણે ત્યાં એવા લોકો છે જેમના માટે ૫૦૦ રૂપિયા બહુ મોટી રકમ હોય અને એમાં પણ એકસાથે ચાર-પાંચ લોકો એક જ પરિવારના પકડાયા હોય ત્યારે તેમના માટે આટલો ફાઇન ભરવો અઘરો થઈ પડતો હોય છે. તેમનો ગુસ્સો અમારા પર નીકળે, પણ અમે શક્ય હોય એટલી શાંતિ રાખીએ છીએ. કેટલાક લોકો કોઈક જુદા જ તુક્કા લગાવતા હોય છે. વચ્ચે અમારી સાથે કામ કરતાં શ્રદ્ધા સાળુંખે નામનાં TC સાથે એક છોકરો પોતે રેલવે પોલીસફોર્સમાં છે એવો ખોટો દાવો કરીને ઝઘડી રહ્યો હતો. તેની પાસે ફેક ID કાર્ડ હતું॥ એ પછીયે તે પકડાઈ ગયો અને પછી તેને કોર્ટમાં હાજર કર્યો. કેટલીક વાર ભણેલાગણેલા લોકો માથાનો વધુ દુખાવો ક્રીએટ કરતા હોય છે. એક વકીલ બહેન વગર ટિકિટે પકડાયાં. તે પોતાની ભૂલ માનવા જ તૈયાર નહીં. તેમણે અમારી સાથે ખૂબ દલીલો કરી અને ફાઇન ન જ ભર્યો. કોર્ટમાં જ્યારે તેમની પેશી થઈ તો ત્યાં પણ બહસ ચાલુ હતી. જજે જ્યારે તેમને ટકોર કરી કે નિયમ મુજબ નહીં ચાલે અને કોર્ટનો અનાદર કરશે તો તેનું વકીલાતનું લાઇસન્સ રદ કરી દેવામાં આવશે. અઢીસોને બદલે કોર્ટે તેમના પર ૨૦૦૦ રૂપિયાની પેનલ્ટી લાદી હતી. જોકે હવે અમે પણ લોકો આવીને લડશે એ વાતથી મેન્ટલી પ્રિપેર્ડ જ હોઈએ છીએ.’
વાતચીતનો આ દોર આગળ વધારતાં ચીફ ટિકિટ-ઇન્સ્પેક્ટર રમા નાયર કહે છે, ‘૩૪ વર્ષની લાંબી જર્નીમાં મુસાફરોની ૩ પેઢી ટ્રાવેલ કરતી જોઈ છે. પહેલાંના લોકો વધુ વિવેકી હતા, પણ આજની યંગ જનરેશન અને ખાસ કરીને કૉલેજના વિદ્યાર્થીઓમાં આક્રમકતા વધુ છે. ઘણા પ્રવાસીઓ ધમકી પણ આપે કે તારી નોકરી ખાઈ જઈશ. એક વાર એક મહિલા પૅસેન્જરે દંડથી બચવા ચક્કર ખાઈને નીચે પડી જવાનું નાટક કર્યું હતું. અમે રેલવે-પોલીસને ફોન કર્યો એટલે આ ડ્રામા તરત બંધ થઈ ગયો હતો. મહિલાઓ પકડાય ત્યારે રડવા માંડે છે કે પૈસા નથી, પણ અમે તેમના પરિવાર સાથે વાત કરીને પણ રિકવરી કરી લઈએ છીએ.’
મેલોડ્રામા અને લાંચ
અહીં ઉલ્લેખનીય છે કે મહિનાના છેલ્લા બે દિવસો અને શરૂઆતના પ્રથમ પાંચ દિવસોમાં સૌથી વધુ ખુદાબક્ષો પકડાતા હોય છે, કારણ કે આ સમયે લોકોના મન્થ્લી પાસ એક્સપાયર થઈ ગયા હોય છે અને નવો પાસ કઢાવ્યા વિના તેઓ પ્રવાસ કરવાનું જોખમ લે છે. આ કામમાં મહિલા TC સામેના પડકારો અને રોજિંદા પ્રેશર વિશે મુંબઈ સેન્ટ્રલનાં ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર (CTI) જસવિંદર કૌર ઉમેરે છે, ‘દર વર્ષે ટાર્ગેટ બદલાતો રહે છે. મારો આ વર્ષનો ટાર્ગેટ રોજના ૧૨,૦૦૦ રૂપિયા વસૂલ કરવાનો છે. ટિકિટ વિનાના લોકો પકડાય ત્યારે તેમની પાસેથી પૈસા કઢાવવા એ સૌથી મોટો ટાસ્ક અને મેલોડ્રામા સહન કરવાનો સમય હોય છે. મને યાદ છે કે હું પ્રેગ્નન્ટ હતી અને ડ્યુટી દરમ્યાન એક પૅસેન્જરને પકડી ત્યારે તેણે જોરદાર ઝઘડો કર્યો હતો અને ખેંચતાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં છેવટે મારે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની મદદ લેવી પડી હતી.’
ખુદાબક્ષ મુસાફરો પકડાય ત્યારે કાયદેસરનો દંડ ભરવાને બદલે TCને લાંચ આપવાની પણ અવારનવાર કોશિશ કરે છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને દાદર સ્ટેશન પર TCને લાંચ આપવાના અને ગાળાગાળી કરવાના કિસ્સાઓનો ઉલ્લેખ કરતાં ચીફ ટિકિટ-ઇન્સ્પેક્ટર અને સેન્ટ્રલ રેલવે મઝદૂર સંઘના લીડર વાય. પી. શર્મા કહે છે, ‘મોટા દંડથી બચવા માટે લોકો પહેલાં લાંચ આપવા જાય છે અને જ્યારે કાયદેસરના પૂરા દંડનો આગ્રહ રાખવામાં આવે ત્યારે તેઓ અપશબ્દો બોલવા લાગે છે અને હિંસક બની જાય છે. આવાં હિંસક તત્ત્વો સામે રેલવે પોલીસ ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરે છે.’
TCની સિક્સ્થ સેન્સ
શું ખરેખર TC પાસે સિક્સ્થ સેન્સ હોય છે અને તેઓ ચહેરો જોઈને જ વ્યક્તિ પાસે ટિકિટ નહીં હોય એવું પારખી જાય છે? જવાબમાં છેલ્લાં ૧૧ વર્ષથી સેવામાં કાર્યરત ડેપ્યુટી CTI કૌષલેન્દ્ર કુમાર કહે છે, ‘ઘણા લોકો એવું માને છે કે કપડાંના આધારે કે લુકના આધારે TC ટિકિટ ચેક કરતા હોય છે, પરંતુ એવું નથી. ઇન ફૅક્ટ, ઘણી વાર એવું પણ બને છે કે અપટુડેટ દેખાતા ટ્રેનમાં બેસલા લોકો પાસે ટિકિટ ન હોય અને લઘરવઘર દેખાય એવા લોકો ટિકિટ સાથે હોય. એટલે દેખાવ પરથી નહીં પણ લોકોની બૉડી-લૅન્ગ્વેજ પરથી ચોક્કસ અમે શંકા કરતા હોઈએ છીએ. ટિકિટ વગરનો પ્રવાસી ટ્રેનમાંથી ઊતરીને પ્લૅટફૉર્મ પર TCને શોધવા નજર દોડાવશે અને આઇ કૉન્ટૅક્ટ થતાં જ નજર ચોરાવશે અથવા મોબાઇલ કાન પર લગાવીને લાંબી વાતો કરવાનો ડોળ કરશે. કોઈ વ્યક્તિ અચાનક ચાલવાની દિશા બદલી નાખે, હાથમાં ટિકિટ છે એવો દેખાડો કરતી ચાલે, તેના ચહેરાના હાવભાવ બદલાય, તેની ઝડપ વધી જાય, તે રસ્તો બદલી નાખે, તે ઓવર-કૉન્ફિડન્સ દેખાવાનો પ્રયાસ કરે ત્યારે લગભગ અમને અંદાજ આવી જતો હોય કે ભાઈ અથવા બહેન ટિકિટ વિનાનાં છે. મહિલા પ્રવાસીઓને કોઈક વાર પકડીએ ત્યારે તેઓ તમને જોયા જ ન હોય એમ ભાગવાનો પ્રયાસ કરે અને જ્યારે મેલ TC તેમને પકડવાના પ્રયાસ કરે ત્યારે તેઓ જાણી જોઈને ભાગે, કારણ કે હાથેથી પકડીને તો તેમને હું રોકીશ નહીં. આવા સમયે અમે અંતર જાળવીને તેમને બોલાવીને રોકવાનો પ્રયાસ કરીએ અને રેલવે-પોલીસની મદદ પણ લઈએ. ઘણા લોકો ફેક ટિકિટ સાથે પણ પકડાતા હોય છે, પરંતુ QR કોડના આધારે તે ઓળખાઈ જાય છે.’
ADVERTISEMENT
પશ્ચિમ રેલવે દ્વારા ૨૦૨૫-’૨૬ના આખા નાણાકીય વર્ષ દરમ્યાન ૨૭ લાખથી વધુ કેસ પકડીને કુલ ૧૭૨.૫૫ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે જે આગલા વર્ષ કરતાં ૪૭ ટકાનો વધારો દર્શાવે છે.
કોઈક જેન્યુઇન પ્રવાસીને થોડાક પૈસા ખૂટતા હોય તો અમે આપી દઈએ
ફાઇનૅન્શિયલ યર ૨૦૨૫-’૨૬માં કુલ ૧૧,૪૭૧ પ્રવાસીઓ પાસેથી ૧,૦૦,૦૬,૯૮૫ રૂપિયાની પેનલ્ટી દ્વારા સેન્ટ્રલ રેલવેને ફાયદો કરાવનારા ચીફ ટિકિટ-ઇન્સ્પેક્ટર સંતોષ કિરકિંડેએ પોતાની ૩૧ વર્ષની કારકીર્દીમાં એક વાત સમજી છે કે જો તમે નમ્રતા સાથે મગજને ઠંડું રાખીને કામ કરો તો વગર ટિકિટે પ્રવાસ કરતા પ્રવાસીઓ પાસેથી પેનલ્ટીની રકમ કઢાવી શકાય છે. મોટા ભાગે આઉટસ્ટેશનની ટ્રેનોમાં ડ્યુટી બજાવતા અને પહેલાં પણ એક કરોડનો ટાર્ગેટ અચીવ કરી ચૂકેલા આ સિનિયર TC કહે છે, ‘જબાન મીઠી, ધીરજ અને મગજ ઠંડું આ ૩ જ બાબત મારી સક્સેસની ફૉર્મ્યુલા છે. ગોરખપુરવાળા રૂટ પર હું વધારે હોઉં છું, જ્યાં વગર ટિકિટે પ્રવાસ કરતા પ્રવાસીઓનું પ્રમાણ વધારે હોય છે. સ્લીપર ક્લાસમાં પેનલ્ટીની રકમ ઓછી હોવાથી ઘણા લોકો વગર ટિકિટે પ્રવાસ કરવાનું અફૉર્ડ કરી શકતા હતા, કારણ કે જો TC નહીં માને તો ટિકિટ જેટલા જ પૈસા આપી દઈશું એવું તેમને લાગતું. જોકે પેનલ્ટીની રકમ વધવાથી ફરક તો પડ્યો જ છે. જોકે હજી ઘણાને ખબર નથી અને લોકો ખોટો ઝઘડો કરે એને બદલે હું અખબારમાં છપાયેલા વધેલી પેનલ્ટીના સમાચાર અને ટીવી-ચૅનલમાં કવર થયેલા ન્યુઝ-વિડિયો તેમને દેખાડી દઉં એટલે લોકો સમજી જાય. હા, લોકો પાસેથી પૈસા કઢાવવા અઘરા છે, પરંતુ ઇજ્જત બધાને વહાલી હોય છે એટલે બને ત્યાં સુધી લૉન્ગ ડિસ્ટન્સમાં લોકો ઓછી બહસ કરતા હોય એવો મારો અનુભવ છે. ક્યારેક કોઈ ખૂબ જ જેન્યુઇન કેસ લાગે, તેમની પાસે પૈસા ખૂટતા હોય, ખાવાના પૈસા પણ ન હોય એવું તેમની વાતોમાં સાચું લાગે તો પચાસ, ૧૦૦ રૂપિયા મેં મારા તરફથી પણ તેમને આપ્યા હોય એવું બન્યું છે. TCની આ નોકરીમાં માણસાઈને જુદી રીતે જોતાં હું શીખ્યો છું.’
લૉન્ગ ડિસ્ટન્સ ટ્રેનોમાં પ્રમાણમાં રિસ્ક ઓછું હોય છે
૩૩ વર્ષથી રેલવેમાં કામ કરતા ચીફ
ટિકિટ-ઇન્સ્પેક્ટર પ્રવીણ મેંઠેએ ૨૦૨૩-’૨૪માં એક કરોડનો ટાર્ગેટ અચીવ કર્યો હતો. એ પછી ફરી એક વાર આ વર્ષે ૨૦૨૫-૨૬’માં એક કરોડ અને પાંચ લાખ રૂપિયા પેનલ્ટીરૂપે કલેક્ટ કરનારા પ્રવીણ મેંથે પ્રવાસીઓ સાથેના અનુભવો વિશે કહે છે, ‘દરરોજના ઍવરેજ ચાલીસ હજારથી ૪૫,૦૦૦ રૂપિયા પેનલ્ટીરૂપે જમા કરવાનું કામ એક રીતે અઘરું લાગે, પણ આમ સહેલું પણ છે. ખાસ કરીને જ્યારે લાંબા ડિસ્ટન્સની ટ્રેનમાં હોઈએ ત્યારે પ્રવાસીઓ તમારી સાથે રકઝકમાં ઓછા ઊતરે કારણ કે તેમણે પણ ક્યાંક પહોંચવાનું છે. બીજી બાજુ, પેનલ્ટી સાથે ટિકિટનો અમાઉન્ટ મોટો હોવાથી સબર્બન ટ્રેન કરતાં વધારે રકમ હોય છે. મોટા ભાગે લૉન્ગ ડિસ્ટન્સમાં ટ્રાવેલ કરતા પ્રવાસીઓ કન્ફર્મ ટિકિટ ન મળી હોવાથી રિઝર્વેશનમાં ચડી જતા હોય છે. બહુ ઓછા પ્રવાસીઓ હોય છે જેઓ જાણીજોઈને વગર ટિકિટે ચડ્યા હોય. કેટલાક કેસમાં ઑનલાઇન ટિકિટ કન્ફર્મ ન થઈ હોય છતાં વેઇટિંગ ટિકિટ છે એમ સમજીને પ્રવાસીઓ ચડી જાય. હું તો પ્રવાસીઓને મારા ભગવાન માનું છું અને નિયમ મુજબ કામ કરું છું. કોઈ પાસે ટિકિટ ન હોય તો મારી નમ્રતાને છોડ્યા વિના પૂરા આદર સાથે પેનલ્ટી માગું છું અને એટલી જ શાંતિ સાથે જો તેઓ ફાઇન નહીં ભરે તો એનાં શું કૉન્સિક્વન્સિસ થશે એ પણ સમજાવી દઉં છું. તેમને મદદની જરૂર હોય ત્યાં મદદ પણ કરું છું. ટ્રેનની પોતાની દુનિયા છે અને એમાં આપસી સમજાવટ અને શાંતિપૂર્ણ વ્યવહાર વધુ મદદરૂપ બનતો હોય છે એવો મારો વ્યક્તિગત અનુભવ છે.’
