Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તારામાં મીઠું નથી એમ જેમને ક્યારેય ન કહેવાય એવી જાત અગરિયાની

તારામાં મીઠું નથી એમ જેમને ક્યારેય ન કહેવાય એવી જાત અગરિયાની

Published : 14 March, 2026 03:52 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

બરાબર યાદ છે આ લખનારને. આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાં બૉમ્બે સેન્ટ્રલથી ગુજરાત તરફ જતી ટ્રેનમાં બેસીએ ત્યારે બોરીવલી પછી ધીમે-ધીમે મકાનો ઓછાં થતાં જાય અને પાટાની ડાબી બાજુ જમીન પર ધોળી ફૂલ ચાદર પથરાતી જાય.

મીઠાના અગરમાં ખભેખભા મિલાવીને

મીઠાના અગરમાં ખભેખભા મિલાવીને


બરાબર યાદ છે આ લખનારને. આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાં બૉમ્બે સેન્ટ્રલથી ગુજરાત તરફ જતી ટ્રેનમાં બેસીએ ત્યારે બોરીવલી પછી ધીમે-ધીમે મકાનો ઓછાં થતાં જાય અને પાટાની ડાબી બાજુ જમીન પર ધોળી ફૂલ ચાદર પથરાતી જાય. દિવસની ટ્રેન હોય તો ક્યાંક દરિયાનું પાણી અને ક્યાંક કાચા મીઠાની બનેલી એ ચાદર ઝગારા મારતી હોય. આ ચાદર એ મીઠાનાં અગર. આપણે જેને મજૂર માનીએ એવા અગરિયાઓ મોટા પાવડા વડે મીઠું ઉસેટીને એના ઢગલા કરતા હોય. હા, આ મીઠું એ આજનું પ્લાસ્ટિકમાં પૅક થયેલું રિફાઇન્ડ આયોડાઇઝ્ડ સૉલ્ટ નહીં. દરિયાનાં પાણીની ખારાશની સાથોસાથ એમાંનો થોડોઘણો કચરો પણ સમાવતું ‘કાચું’ મીઠું. પછી એને સાફ કરીને સફેદ દાણાદાર મીઠું બનાવે અને પાલી-અડધી પાલીના માપે બે-ચાર આનામાં વેચાય. બેસતા વર્ષની સવારે ચારેક વાગ્યામાં છોકરાઓ નીકળી પડે અને બૂમો પાડતા જાય: ‘દિવાળીનાં શકન! સબરસ લ્યો સબરસ.’ ત્રીજે-ચોથે માળેથી કોઈ બૂમ પાડે એટલે સડસડાટ દાદર ચડી બારણું ખખડાવે. છાપાના કાગળમાં લાલ દોરા વડે બાંધેલું પડીકું હાથમાં આપે. એમાં હોય બે-પાંચ ચમચા જેટલું પેલું આખું મીઠું. બદલામાં પાવલી (આજના ૨૫ પૈસા) આપો એટલે હસતે મોઢે ધડધડાટ દાદર ઊતરી જાય. પછી બીજું મકાન, ત્રીજું...
આ ‘અગર’ એટલે શું? બીજા શબ્દકોશો બહુ મદદરૂપ નથી થતા પણ ભગવદ્ગોમંડળ કોશ મદદે આવે છે. એ કહે છે : ‘અગર : મીઠાની ખળી. દરિયાકિનારે મીઠું પકવવાના ખાડા. પ્રથમ દરિયાકિનારે જગ્યા પસંદ કરી બધે બંધ ચોરસ ક્યારા કરીને એમાં ભરતીનું પાણી ૪થી ૬ આંગળ લઈ એને સુકાવા દઈ મીઠું પકાવાય છે.’ અને આ કોશ ‘અગર’ શબ્દ સંસ્કૃતના ‘આકર’માંથી ઊતરી આવ્યો છે એમ કહે છે. આકર એટલે ‘ખાણ.’ અને ‘અગરિયો’ શબ્દનો અર્થ આપે છે ‘મીઠું પકવનાર, અગરવાળો.’
આ ‘અગર’ શબ્દ મરાઠીમાં પણ વપરાય છે. અને મીઠું પકવનાર ‘અગરી’ કે ‘આગરી’ તરીકે ઓળખાય છે. પણ વાત એટલેથી અટકતી નથી. મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારે મીઠું પકવતા લોકોની આખી જાત-જમાત ‘આગરી’ તરીકે ઓળખાય છે. અને કોળી અને ભંડારી પછી મુંબઈના જૂનામાં જૂના વતનીઓમાં આ ‘આગરી’ લોકોનો પણ સમાવેશ થાય છે. પણ કોળી અને ભંડારીનો સમાવેશ ‘ઉજળિયાત’ વર્ગમાં થાય છે, જ્યારે પરંપરાગત સમાજ વ્યવસ્થા પ્રમાણે આગરીઓ શૂદ્ર જાતિના મનાય છે. અને તેમનું કામ લગભગ ‘મજૂર’ જેવું છે. સાધારણ રીતે આ સમાજના લોકો મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારે જોવા મળે છે. એ વિશે આગરી સમાજમાં એક દંતકથા પ્રચલિત છે. એ કથા પ્રમાણે અસલમાં આગરી લોકો રાજા રાવણના દરબારમાં ઢોલ વગાડવાનું કામ કરતા હતા. એક દિવસ એ ઢોલીઓએ એવી સરસ રીતે ઢોલ વગાડ્યા કે રાજા રાવણ તેમના પર પ્રસન્ન થયા અને તેમને કાયમી વસવાટ માટે ભારતના પશ્ચિમ કિનારાની પટ્ટી ભેટ આપી. 
એટલે કે આ સમાજના લોકો લોક-વાજિંત્રો વગાડવામાં હોશિયાર હતા એમ માની શકાય. તો વળી કેટલાકના મતે આગરીઓ કુશળ કડિયા પણ હતા. ચિમાજી આપ્પાએ વસઈનો કિલ્લો જીતી લીધો ત્યારે પોતાના સૈન્ય સાથે ૨૦૦ જેટલા આગરીઓને પણ રાખ્યા હતા. વસઈના કિલ્લાની દીવાલ ભેદીને મરાઠા લશ્કરને અંદર દાખલ થવા માટે રસ્તો બનાવ્યો તે આ ૨૦૦ આગરીઓએ. આવા કડિયાકામમાં કુશળ આગરીઓ ‘પાથરવટ’ તરીકે ઓળખાતા. તો બીજી એક દંતકથા પ્રમાણે ભગવાન શ્રીરામનાં સીતા સાથેનાં લગ્ન વખતે ‘ધવલ’ (ગુજરાતીમાં ‘ધોળ’) ગાવાનું કામ આગરી ગાયકોએ કર્યું હતું. ત્યારથી ધવલ કે ધોળ ગાવાની પ્રથા શરૂ થઈ. આગરી સમાજમાં પહેલવહેલાં ‘ધવલ’ મહદમ્બા નામની સ્ત્રીએ રચ્યાં હતાં. આજે પણ ધવલ ગાનારી સ્ત્રીઓ ‘ધવલારીન’ તરીકે ઓળખાય છે એટલું જ નહીં, ઘણીખરી લગ્નવિધિ પણ આ સ્ત્રીઓ જ કરાવે છે. રામ-સીતાનાં લગ્નના એક ‘ધવલ’ની શરૂઆતની બે પંક્તિ:
મિથિલા નગરી જનક પુરામધી ગો,
ઉપવાર સીતા ઝાલી આતા લગનાચી ગો.
(આગરીઓના ધવલમાં લગભગ દરેક પંક્તિને અંતે ‘ગો’ આવે છે.)
આગરી જમાતનો ઇતિહાસ લગભગ ૬૦૦ વર્ષનો છે. એ વખતે અલીબાગ તાલુકામાં ત્રણ રાજ્યો : ચૌલ, આવાસ-સાસવણે અને સાગરગઢ. એમાં પહેલાં બે હિન્દુ રાજાઓના તાબામાં હતાં. જ્યારે સાગરગઢ પર દિલ્હીના બાદશાહના સૂબાની હકૂમત હતી. બન્ને હિન્દુ રાજ્યો સાગરગઢના સૂબાને ખંડણી આપતા, જેમાંનો મોટો ભાગ સૂબો દિલ્હી મોકલતો. વખત જતાં સૂબો માથાભારે થઈ ગયો અને ખંડણીની રકમ દિલ્હી મોકલવાનું બંધ કર્યું. બાદશાહે પોતાના એક ઉમરાવને લશ્કર લઈને સાગરગઢ મોકલ્યો પણ તે હારીને પાછો ફર્યો. એટલે બાદશાહે બીજા સરદારને તૈયાર કર્યો અને મૂંગીપૈઠણના બિંબ રાજાને હુકમ કર્યો કે એ સરદારને મદદ કરવી. બન્નેએ ભેગા મળીને સાગરગઢના સૂબાને હરાવ્યો અને કેદ કરી દિલ્હી મોકલ્યો. પણ પછી બિંબ રાજા પોતાને વતન જવાને બદલે સાગરગઢમાં જ રહેવા લાગ્યો એટલું જ નહીં, ચૌલ અને આવાસ-સાસણેનાં બન્ને હિન્દુ રાજ્યો પણ જીતી લીધાં. હવે તેને બહુ મોટી સેનાની જરૂર રહી નહોતી એટલે સૈનિકોમાંના મોટા ભાગનાને અલીબાગ, પેણ, પનવેલ, કર્જત, રોહે, જંજિરા વગેરે દરિયાકાંઠાના પ્રદેશોમાં મોકલી દીધા. આ બધા પ્રદેશમાં ખારાપાટ હોવાથી મીઠું પકવવાનું પ્રમાણમાં સહેલું હતું. એટલે આ લોકોએ એ ધંધો અપનાવી લીધો. 
આગરી લોકોનાં પરંપરાગત ઘર કેવળ કુદરતી સામગ્રી વડે બનેલાં રહેતાં. મોટા ભાગનાં ઘર ચોખૂણિયાં. આગળના ભાગમાં નાનો ઓટલો. એની પાછળ વચલો ઓરડો. એની એક બાજુએ રસોડું અને બીજી બાજુએ ‘કોઠીની ખોલી’ એટલે કે કોઠાર. ઘરની ભીંતો માટીની અને છાપરું સૂકા ઘાસનું. આગરી જમાતની સ્ત્રી સાત કે આઠ વારનું લૂગડું ગોઠણ ઢંકાય એ રીતે ચપોચપ પહેરે. અગાઉ આગરી સ્ત્રીઓ ચોળી પહેરતી નહોતી, પણ હવે પહેરતી થઈ છે. દિવસનો મોટો ભાગ તે ઘરકામમાં પરોવાયેલી રહે. પણ લણણી વખતે ખેતરમાં જઈ પોતાના મરદને મદદ કરે. સાધારણ રીતે ૧૪થી ૧૮ વર્ષની ઉંમરે આગરી છોકરીનાં ‘લગિન’ થઈ જાય છે. હવે ઘણી છોકરીઓ ‘ઇસકોલ’ જતી થઈ છે. જોકે ત્રણ-ચાર વર્ષ કરતાં વધુ તે ભાગ્યે જ ભણે છે. તો બીજી બાજુ, આ લોકોની ધાર્મિક વિધિઓમાં દેવ કરતાં દેવીઓનું જ વધારે મહત્ત્વ હોય છે. એકવીરા, મમ્બાઈ, ગોરાઈ (એના પરથી મુંબઈના એક વિસ્તારનું પણ નામ પડ્યું છે) વગેરે દેવીઓની તેઓ પૂજા કરે છે. આ જમાતમાં લગ્ન વખતે દહેજની પ્રથા બિલકુલ નથી. મંડપ દેવતાનું સ્થાપન અને વર-વધૂ એકબીજાને હાર પહેરાવે, એ બે જ વિધિ બ્રાહ્મણ પુરોહિત કરાવે છે. બીજી ચાલીસ જેટલી વિધિ આગરી સમાજની જ સ્ત્રી કરાવે છે જે ‘ધવલારીણ’ તરીકે ઓળખાય છે. 
એક જમાનામાં આગરી લોકોની વસ્તી મુંબઈના ચાર ભાગોમાં વહેચાયેલી હતી. મોટી અને નાની શિવડી, ભોઈવાડા, વડાળા, માટુંગા, માહિમ અને પરળ વગેરે ૧૪ જગ્યાના આગરી પોતાને ‘ચૌદા પાટીલ’ તરીકે ઓળખાવતા. આજના ગોવંડી, માનખુર્દ, તુર્ભે, ગવાણ, માહુલ, ચેમ્બુર વગેરે ભાગમાં તેમનાં બાર ગામ હતાં તેથી ત્યાંના આગરીઓ ‘બારા પાટીલ’ કહેવાતા. પણ પછી જેમ-જેમ મુંબઈ શહેરનો ‘વિકાસ’ થતો ગયો તેમ-તેમ આગરીઓનાં ગામ નકશા પરથી ભૂંસાતાં ગયાં. ૨૦૨૫માં શરૂ થયેલા નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને ડી. બી. પાટીલનું નામ આપવાની માગણી ઘણા વખત સુધી થતી રહી. આ પાટીલ આગરી સમાજના એક અગ્રણી નેતા હતા એટલું જ નહીં, આ ઍરપોર્ટ જે જમીન પર ઊભું થયું છે એમાંની ઘણી જમીન મૂળ આગરી લોકોની માલિકીની હતી. 
આજે હવે ગુજરાત જતી ટ્રેનમાં બેઠા હો તો રસ્તામાં મીઠાનાં અગર ભાગ્યે જ જોવા મળે. પણ હજી પૂર્વનાં કેટલાંક પરાંમાં છૂટાંછવાયાં મીઠાનાં અગર સચવાયાં છે. એમાંનાં મુખ્ય છે વડાળા, ભાઈંદર, ભાંડુપ અને માણેક મહાલ (નાયગાંવ ઈસ્ટ).
આજે મુંબઈમાં જો કોઈ વસ્તુ અત્યંત દુર્લભ હોય તો એ છે જમીન. કેટલી બધી ઝૂંપડપટ્ટીઓ ભૂંસાઈ ગઈ અને એની જગ્યાએ ઊભાં થઈ ગયાં બહુમાળી મકાનો. મુંબઈની ત્રણ-ચાર મોટામાં મોટી ઝુંપડપટ્ટીઓમાંની એક તે ધારાવીની ઝૂંપડપટ્ટી. દેશના એક ટોચના ઉદ્યોગપતિને એનું ‘રીડેવલપમેન્ટ’ કરવાનું કામ મળ્યું. હવે ધારાવીમાં રહેનારાઓના બે મુખ્ય ભાગ. એક, ત્યાંના રહેવાસી તરીકે સરકારી ચોપડે નોંધાયેલા લોકો અને બીજા, નોંધાયા ન હોય પણ લાંબા સમયથી ત્યાં રહેતા હોય એવા રહેવાસીઓ. 
બિલ્ડર કહે કે સરકારી ચોપડે નોંધાયેલા રહેવાસીઓને તો બદલામાં નવી જગ્યા આપું, વધુ જગ્યા આપું; પણ નોંધાયા જ ન હોય તેને કઈ રીતે આપું? એ માટેની જગ્યા ક્યાં? સરકાર કહે કે જગ્યા અમે આપીએ પણ તમે ઘર બાંધીને ન નોંધાયેલા રહેવાસીઓને પણ ઘર આપો. હવે સવાલ ઊભો થયો કે જગ્યા આપવી તો ક્યાં આપવી? એટલી ખુલ્લી જગ્યા મુંબઈમાં બચી છે જ ક્યાં? અને કોઈક સરકારી નોકર કે મંત્રી મહોદયના મગજમાં ઝબકારો થયો : ‘આ મીઠું પકવવાને નામે અગરિયાઓ પાસે કેટલીબધી જમીન છે! એમાંથી આપી દઈએ થોડી. ત્યારે કોઈ અધિકારીએ ધ્યાન ખેંચ્યું કે પણ એ જમીન કાંઈ મહારાષ્ટ્ર સરકારની માલિકીની નથી, કેન્દ્ર સરકારની છે અને એનો વહીવટ ‘સૉલ્ટ કમિશનર’ કરે છે. એમ? તો દિલ્હીમાં પણ સરકાર તો આપણી છેને? દિલ્હીવાળાને કહીએ કે એ જમીન આપણને આપી દે. મફતમાં? ના. આપણે સૉલ્ટ કમિશનરને કિંમત ચૂકવી દઈશું. પણ સાહેબ, કાયદો મનાઈ કરે છે એ રીતે એ જમીનની માલિકી બદલવાની. કાયદો બનાવે છે કોણ? સરકાર. તો એ જ સરકાર કાયદો બદલી પણ શકેને? અને દિલ્હીવાળાઓએ કાયદો બદલ્યો. ‘જાહેર કામોમાં ઉપયોગ કરવા માટે’ સૉલ્ટ કમિશનરની માલિકીની જગ્યા વેચી શકાય. પછી વાત આવી રાજ્યની મંજૂરીની. અરે! એમાં તે શી મોટી વાત છે. ચાલો, મંજૂર. હવે ભાવતાલ? ૨૫૬ એકર જમીન માટે સૉલ્ટ કમિશનરને આપો ૩૨૦ કરોડ રૂપિયા. અને હા. જેમને અહીં પાકાં બાંધેલાં ઘર મળશે એ લોકો ધારાવીના રહેવાસી તરીકે નોંધાયેલા નથી. એટલે તેમણે નવા ઘરનું ભાડું દર મહિને ચૂકવવું પડશે. ત્યારે બિલ્ડર કહે કે તેમને આપતાં જેટલાં ઘર વધશે એ હું બજાર ભાવે વેચીશ. ચાલો! સરકાર, ડેવલપર, ધારાવીના વણનોંધાયેલા રહેવાસીઓ – બધાં ખુશ-ખુશ. પણ પેલા અગરિયાનું શું થશે? તે ક્યાં જશે? પોતાની જમીન પર બિલ્ડરે બાંધેલા ઘર માટે તે આખી જિંદગી ભાડું ભરશે. અને અગર જ નહીં હોય તો પછી અગરિયા કરશે શું? પણ એવી બધી નાની-નાની ચિંતા કરવા બેસે સરકાર તો ‘વિકાસ’ ક્યાંથી થાય? એટલે વિકાસના યજ્ઞમાં હોમી દો અગરિયાઓને નારિયેળ માનીને.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 03:52 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK