અહીં ઘંટડીની નહીં પણ સ્ટરિલાઇઝેશનની વાત થઈ રહી છે. મુંબઈમાં રખડતી બિલાડીઓની સંખ્યા ૧૦ લાખને પાર થઈ ગઈ છે અને જો સ્ટરિલાઇઝેશન-ડ્રાઇવ હાથ ન ધરાય તો આ વસ્તી કૂદકે ને ભૂસકે વધી શકે છે. BMCએ પણ કૅટ સ્ટરિલાઇઝેશનનો પ્રોજેક્ટ ૨૦૧૯માં શરૂ કર્યો હતો, પણ સફળ ન
આ બિલાડીઓના ગળે ઘંટ કોણ બાંધશે?
અહીં ઘંટડીની નહીં પણ સ્ટરિલાઇઝેશનની વાત થઈ રહી છે. મુંબઈમાં રખડતી બિલાડીઓની સંખ્યા ૧૦ લાખને પાર થઈ ગઈ છે અને જો સ્ટરિલાઇઝેશન-ડ્રાઇવ હાથ ન ધરાય તો આ વસ્તી કૂદકે ને ભૂસકે વધી શકે છે. BMCએ પણ કૅટ સ્ટરિલાઇઝેશનનો પ્રોજેક્ટ ૨૦૧૯માં શરૂ કર્યો હતો, પણ સફળ ન થયો. કારણ એ છે કે બિલાડીઓને પકડવાનું અઘરું છે. BMCવાળા જ્યારે આવે ત્યારે આ ચંચળ અને ટચૂકડું પ્રાણી હાથમાં જ નથી આવતું. આજે વર્લ્ડ કૅટ ડે છે ત્યારે બિલાડીઓના ફીડર્સ, એનાથી ત્રસ્ત સોસાયટીઓ અને સામાજિક સંસ્થા પાસેથી સમજવાની કોશિશ કરીએ કે મુંબઈગરા અને મ્યાઉંને ક્યાં મુશ્કેલી નડે છે
મુંબઈમાં બિલાડીઓ માટે જ કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા ધ ફીલાઇન ફાઉન્ડેશનના અંદાજ મુજબ માત્ર મુંબઈમાં જ એક મિલ્યન એટલે કે લગભગ ૧૦ લાખ બિલાડીઓ છે. આ બિલાડીઓની સંખ્યા રાતે ન વધે એટલી દિવસે વધી રહી છે. એનું કારણ પણ દેખીતું છે. એક બિલાડીનો પ્રેગ્નન્સીનો ગાળો લગભગ બે-સવાબે મહિનાનો હોય છે એટલે એક બિલાડી વર્ષમાં ઓછામાં ઓછું બેથી ત્રણ વાર બચ્ચાંને જન્મ આપે છે. એક પ્રસૂતિમાં ઍટ લીસ્ટ ત્રણથી ૪ બચ્ચાં જન્મે છે. ધારી લો કે એમાંથી અડધી માદા છે અને અડધા નર છે. માદા બચ્ચાં પણ છથી ૮ મહિનાની ઉંમરે મા બનવા સક્ષમ થઈ જાય છે. આ મુજબ સાઇકલ જો મલ્ટિપ્લાય થતી રહે તો એકથી દોઢ વર્ષમાં એક બિલાડીનો પરિવાર ૩૨થી ૩૬ બિલાડીઓનો થઈ જાય. જો આ પ્રાણીઓને સમયસર સ્ટરિલાઇઝ ન કરવામાં આવે તો એમની વસ્તી બેફામ વધતી રહેવાની. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૨૦૧૯માં રખડતી બિલાડીઓનું સ્ટરિલાઇઝેશન કરવાનો પ્રોગ્રામ લૉન્ચ કર્યો હતો, પરંતુ એ સફળ થઈ શક્યો નહીં. ૨૦૨૫ સુધીમાં BMCએ માત્ર ૨૫,૫૦૪ બિલાડીઓનું જ સ્ટરિલાઇઝેશન કર્યું હતું એવું નોંધાયું હતું. એનું પરિણામ આજે સામે છે. ૧૦ લાખથી વધુ રખડુ બિલાડીઓ મુંબઈની શેરીઓમાં ઘૂમે છે.
સમસ્યા ક્યાં છે?
આમ જોઈએ તો બિલાડીઓ કૂતરા જેવી ઉપદ્રવી નથી. એનાથી કોઈને જાનનું જોખમ નથી, પરંતુ રખડુ પ્રાણીઓને કારણે થતી ગંદકી, નુકસાન તો ખરાં જ. શહેરમાં એવા અનેક જીવદયાપ્રેમીઓ છે જેઓ દરરોજ સ્ટ્રે કૅટને ખવડાવે છે, પરંતુ બીજી તરફ અનેક હાઉસિંગ સોસાયટીઓમાં રહેવાસીઓ ગંદકી, મિલકતને નુકસાન, વધતી બિલાડીઓની સંખ્યા અને સલામતી સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પ્રશ્ન બિલાડીઓને ખવડાવવાનો નથી પરંતુ જવાબદારીપૂર્વક ફીડિંગ, નસબંધી અને યોગ્ય વ્યવસ્થાના અભાવનો છે. વર્લ્ડ કૅટ ડે નિમિત્તે જાણીએ કે સ્ટ્રે કૅટને લઈને રહેવાસીઓ, કૅટ-ફીડર્સ અને નિષ્ણાતો શું કહે છે અને આ સમસ્યાનો વ્યવહારુ ઉકેલ શું હોઈ શકે.
સોસાયટીમાં સ્ટ્રે કૅટને કારણે થતી સમસ્યા વિશે વાત કરતાં કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં આવેલી ગોકુલ ગૅલૅક્સી ૧, ૨, ૩, ૪ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના સેક્રેટરી ડોલર મથુરિયા કહે છે, ‘અમારી સોસાયટીમાં લગભગ ૧૫-૨૦ બિલાડીઓ છે. કૅટ-ફીડર્સ પહેલાં ઇલેક્ટ્રિક બૉક્સની અંદર ખાવાનું આપતા એટલે બિલાડીનાં નાનાં બચ્ચાં એની અંદર ઘૂસી જતાં. એવામાં એમને શૉક લાગી શકે એટલે એ બંધ કરાવડાવ્યું તો હવે તેમણે પાણીની ટાંકી પાસે બિલાડીઓને ખવડાવવાનું ચાલુ કર્યું છે. એને કારણે ગંદકી ફેલાય છે. અમે બિલાડીઓને ખવડાવવા માટે અલગથી જગ્યા કરી આપી છે છતાં તેઓ એ જગ્યાનો ઉપયોગ કરતા નથી. તેમની એવી દલીલ હોય છે કે બિલાડીઓ ત્યાં ખાવા માટે આવતી નથી. જોકે તમે ત્યાં રેગ્યુલર ખાવાનું આપવાનું શરૂ કરો તો આવેને? આખી સોસાયટીમાં બિલાડીઓ જ્યાં-ત્યાં ફરે છે. એમાં ઘણી વાર નાનાં બાળકો કે મોટાઓ રમતાં હોય તો તેમના પગમાં આવી શકે. મારી જ વાત કરું તો અમે સવારે બૅડમિન્ટન રમીએ છીએ. આપણું ધ્યાન ન હોય અને બિલાડીનું બચ્ચું પગમાં આવી જાય તો એને પણ ઈજા થાય અને તમારું પણ બૅલૅન્સ જાય તો તમે પડી શકો. ઘણી વાર બિલાડીઓ સોસાયટીના ઉપરના ફ્લોર પર જાય છે. બહાર લોકોનો કચરાનો ડબ્બો પડ્યો હોય તો એમાંથી કચરો કાઢી નાખે કે કોઈ સામાન પડ્યો હોય તો એ ખરાબ કરે છે. બહાર પાર્કિંગમાં વ્હીકલ પડ્યાં હોય તો એનાં સીટ-કવર ફાડી નાખે છે. અમે બહુ સમય પહેલાં બિલાડીઓના સ્ટરિલાઇઝેશન માટે NGOનો સંપર્ક કરેલો, પણ એ લોકો અન્ડરટેકિંગ માગતા હતા કે બિલાડીને સર્જરી દરમ્યાન કંઈ થાય તો એની જવાબદારી સાઇન કરનારની રહેશે. એટલે પછી બૅકઆઉટ કરી લીધું. કોઈ શા માટે પોતાના પર નવી ઉપાધિ લે?’
બિલાડીઓ પકડાતી નથી
રખડતી બિલાડીનો ત્રાસ સહન કરી રહેલા ઘાટકોપર-વેસ્ટમાં નવરોજી ક્રૉસ લેન પર આવેલા ઉપાશ્રયના કમિટી મેમ્બર ભાવેશ દોશી કહે છે, ‘અમારા ઉપાશ્રયમાં સ્ટ્રે કૅટે ઉપાડો લીધો છે. અમે BMCના માણસોને પણ ફરિયાદ કરેલી. તેઓ બે વાર આવેલા, પરંતુ તેઓ પણ બિલાડીને પકડી શકવામાં અસમર્થ છે. તે લોકો આવે એટલે બિલાડી એવી જગ્યાએ ભાગીને ચડી જાય જ્યાંથી એને પકડવી શક્ય બનતી નથી. એ બિલાડીને ૩ બચ્ચાં છે એટલે દિવસમાં એ ત્રણ-ચાર ઉંદરડાનો શિકાર કરીને પરિસરમાં લાવે. આ સમસ્યાને કારણે સાહેબજીઓ જોગમાં બેસી નથી શકતા. જૈન સાધુ-સાધ્વીઓ માટે અહિંસા અને જીવદયાના સિદ્ધાંત ખૂબ મહત્ત્વના હોય છે. એથી પરિસરમાં જો કોઈ એવી સ્થિતિ બને જેમાં હિંસા થતી હોય, મૃત જીવ કે શિકારના અવશેષો જોવા મળે તો તેઓ સાધનામાં બેસી શકતાં નથી. સ્ટ્રીટ કૅટની સમસ્યા ફક્ત ઉપાશ્રય પૂરતી નથી. એ લેનમાં આવેલી રેસિડેન્શિયલ સોસાયટીઓમાં પણ રખડતી બિલાડીઓનો એટલો જ ઉપાડો છે. અમે નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)નો સંપર્ક કરીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.’
કૅટ તો ચોખ્ખી હોય
દરમ્યાન સ્ટ્રે બિલાડીઓને સમસ્યાને બદલે જવાબદારી તરીકે જોતાં કલ્યાણમાં રહેતાં પૂજા પન્ના કહે છે, ‘થોડા મહિના પહેલાં અમારી સોસાયટીમાં બિલાડીનું એક બચ્ચું આવ્યું હતું. શરૂઆતમાં એ જ્યાં-ત્યાં મળત્યાગ કરતું, દિવસભર કૂદાકૂદ કરતું અને ક્યારેક વાહનોનાં સીટ-કવર પણ ફાડી નાખતું. કેટલાક રહેવાસીઓને એને કારણે વાંધો હતો. જોકે મેં તેમને સમજાવ્યું કે બિલાડીનાં બચ્ચાં પણ નાના બાળકની જેમ ચંચળ હોય છે. જેમ-જેમ એમની ઉંમર વધે છે એમ-એમ એમનું વર્તન વધુ શાંત થતું જાય છે. બિલાડીઓ સ્વભાવે સ્વચ્છતા પસંદ કરતી હોવાથી યોગ્ય જગ્યા મળે તો સામાન્ય રીતે એક જ જગ્યાએ મળત્યાગ કરવાની અને એને માટી કે અન્ય સામગ્રીથી ઢાંકવાની આદત ધરાવે છે. ધીમે-ધીમે સોસાયટીના લોકો પણ એને સ્વીકારવા લાગ્યા. આજે બાળકો એની સાથે રમે છે અને એને ખવડાવે છે. હું દરરોજ ઓછામાં ઓછી ૧૦ સ્ટ્રે બિલાડીઓને ખવડાવું છું. મેં એ માટે એક નિશ્ચિત જગ્યા નક્કી કરી છે જ્યાં હું ખોરાક અને પાણી રાખું છું જેથી બિલાડીઓ પણ ત્યાં જ આવવાની આદત પાડી શકે. આ ઉપરાંત કોઈ સ્ટ્રે બિલાડી જખમી હોય કે એને સારવારની જરૂર હોય તો હું સંબંધિત NGO સુધી કેસ પહોંચાડવામાં મદદ કરું છું. ઘણી વાર NGOને પહોંચવામાં સમય લાગે અને ત્યાં સુધી બિલાડીની સંભાળ રાખનાર કોઈ ન હોય તો હું એને મારા ઘરે રાખું છું. ત્યાર બાદ NGO એની સારવાર કરે છે, એ સ્વસ્થ થાય ત્યાં સુધી એની સંભાળ રાખે છે અને પછી એને જ્યાંથી લાવવામાં આવી હોય ત્યાં જ પાછી મૂકી આવે છે. સારવાર માટે જે ખર્ચ થાય છે એમાંથી થોડો ભાગ સોશ્યલ મીડિયા મારફત મળતા સહયોગથી અને થોડો હું જાતે ઉઠાવું છું. હું ઘરે કૅટ બોર્ડિંગ હોમ પણ ચલાવું છું. જેમની પાસે પાળેલી બિલાડી હોય અને તેઓ થોડા દિવસ માટે બહારગામ જતા હોય તેઓ બિલાડીને મારી પાસે રાખી જાય છે. મેં કોઈ કેજ રાખ્યાં નથી. મારા ઘરે બિલાડીઓ સોફા, બેડ અને અન્ય જગ્યાએ મુક્તપણે રહી શકે છે.’
લૉન્ગ ટર્મ સૉલ્યુશન શું?
સ્ટ્રે કૅટ માટે કામ કરતી સંસ્થા ધ ફીલાઇન ફાઉન્ડેશનનાં ટ્રુડી ડિસોઝા કહે છે, ‘સ્ટરિલાઇઝેશન (નસબંધી) માત્ર બિલાડીઓની વસ્તી નિયંત્રિત કરવા માટે જ નહીં; એમના સ્વાસ્થ્ય, સમાજ અને પ્રાણીકલ્યાણ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. બિલાડીઓ ખૂબ ઝડપથી પ્રજનન કરે છે. એક માદા બિલાડી વર્ષમાં એકથી વધુ વખત બચ્ચાંને જન્મ આપી શકે છે. જો સ્ટરિલાઇઝેશન ન થાય તો થોડાં વર્ષોમાં જ એક વિસ્તારની સ્ટ્રે બિલાડીઓની સંખ્યા અનેકગણી વધી શકે છે. વસ્તી વધતાં સોસાયટીઓમાં વાહનો નીચે બચ્ચાં આવવાં, ખોરાક માટે ઝઘડા અને રહેવાસીઓ સાથે વિવાદ જેવી સમસ્યાઓ વધી શકે છે. સ્ટરિલાઇઝેશનથી લાંબા ગાળે આ સમસ્યાઓમાં ઘટાડો થાય છે. પ્રજનન ઋતુ દરમ્યાન નર બિલાડીઓ એકબીજા સાથે લડતી હોય છે જેને કારણે ઈજા થવાનો અને ચેપ ફેલાવાનો ખતરો રહે છે. સ્ટરિલાઇઝેશન પછી આવા ઝઘડાઓમાં ઘટાડો થઈ શકે છે. સ્ટ્રે કૅટનાં ઘણાં બચ્ચાં ભૂખ, અકસ્માત, ચેપ અથવા અન્ય કારણોસર જીવતાં રહી શકતાં નથી. સ્ટરિલાઇઝેશનથી આવા અનિચ્છનીય જન્મ ઓછા થાય છે. બિલાડીઓને સ્થળ પરથી હટાવવી કે નુકસાન પહોંચાડવું કાયદેસર અને માનવીય ઉકેલ નથી. વિશ્વભરમાં ટ્રૅપ-ન્યુટર-રિટર્ન (TNR) મૉડલને સૌથી અસરકારક અને માનવીય રીત માનવામાં આવે છે. એમાં બિલાડીને પકડી, સ્ટરિલાઇઝ કરીને જરૂરિયાત મુજબ રસીકરણ કર્યા બાદ એના જ વિસ્તારમાં પાછી છોડવામાં આવે છે. આને લઈને લોકોમાં હજી એટલી જાગૃતિ નથી. એમને ખબર જ નથી હોતી કે એવાં NGO છે જે સબસિડી દરે સ્ટ્રે કૅટનું સ્ટરિલાઇઝેશન કરી આપે છે. અમારા ધ ફેલાઇન ફાઉન્ડેશનની જ વાત કરું તો અમે ઍન્ટિ-રેબીઝ વૅક્સિન આપવાની સાથે સ્ટરિલાઇઝેશન કરવાના ફીમેલ કૅટના ૨૫૦૦ રૂપિયા અને મેલ કૅટના ૧૫૦૦ રૂપિયા ચાર્જ કરીએ છીએ. અમારું સેન્ટર અંધેરી-વેસ્ટમાં વર્સોવામાં છે. અમારી પ્રોસીજર એ પ્રમાણે હોય છે જેમાં પહેલાં અમારી વેબસાઇટ પર જઈને તમારી વિગતો સાથે ફૉર્મ ભરીને સબમિટ કરો. અમારી ટીમ તમારો સંપર્ક કરીને અપૉઇન્ટમેન્ટ (મુલાકાતનો સમય) નક્કી કરશે. સર્જરીના એક દિવસ પહેલાં બિલાડીને લાવો. અમારા ડૉક્ટરો એની તપાસ કરશે અને એને ઍડ્મિટ કરશે. બીજા દિવસે અમારા સર્જ્યન દ્વારા સર્જરી કરવામાં આવશે. બિલાડી પૂરી રીતે સાજી ન થાય ત્યાં સુધી ૪ દિવસ માટે અમારા પોસ્ટ-ઑપરેટિવ વૉર્ડમાં રિકવર થશે. બિલાડીને દુખાવાની દવાઓ, ઍન્ટિ-બાયોટિક્સ, રેબીઝ વૅક્સિન આપવામાં આવશે. ડૉક્ટરો દ્વારા રજા આપવાની મંજૂરી મળ્યા પછી તમે તમારી બિલાડીને ઘરે લઈ જઈ શકો છો.’
ADVERTISEMENT
સ્ટ્રે કૅટ્સની ખરી સમસ્યા શું છે?
મુંબઈ શહેરમાં રખડતી બિલાડીઓ (સ્ટ્રે કૅટ્સ)ની સંખ્યા અને એનાથી ઊભી થતી સમસ્યાઓ દિન-પ્રતિદિન કેમ વધી રહી છે? એ જાણવું પણ જરૂરી છે.
ઝડપી પ્રજનનક્ષમતા : બિલાડીઓ ખૂબ જ ઝડપથી બચ્ચાંને જન્મ આપે છે. એક અંદાજ મુજબ યોગ્ય નિયંત્રણ ન હોય તો બિલાડીઓની વસ્તી ખૂબ ઓછા સમયમાં અનેકગણી વધી જાય છે.
વ્યાપક નસબંધી અભિયાનનો અભાવ : મુંબઈમાં રખડતા કૂતરાઓ માટે BMC અને અન્ય સંસ્થાઓ દ્વારા મોટા પાયે નસબંધી અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ બિલાડીઓ માટે સરકારી સ્તરે આવાં મોટાં અને વ્યવસ્થિત અભિયાનોનો અભાવ જોવા મળે છે.
બિલાડીઓને પકડવાની મુશ્કેલી : કૂતરાઓની સરખામણીમાં બિલાડીઓ ખૂબ જ ચપળ, નાની અને જલદી પકડાઈ ન જાય એવી હોય છે. એને કારણે મ્યુનિસિપલ તંત્ર કે NGO માટે એમને પકડીને નસબંધી માટે લઈ જવાનું ખૂબ મુશ્કેલ બને છે.
ખોરાકની સરળ ઉપલબ્ધતા : સોસાયટીઓ કે જાહેરમાં દયાભાવના રાખીને બિલાડીઓને નિયમિત ખાવાનું ખવડાવતા લોકોને કારણે બિલાડીઓને પૂરતો ખોરાક મળી રહે છે, જેનાથી એમનું અસ્તિત્વ ટકી રહે છે અને વસ્તીમાં સતત વધારો થતો જાય છે.
જાગૃતિ અને સંસાધનોની કમી : ઘણી સોસાયટીઓમાં બિલાડીઓના વસ્તીનિયંત્રણ માટે કાયમી ઉકેલ લાવવા માટેનાં પૂરતાં સંસાધનો કે વિશેષ જાગૃતિનો અભાવ હોય છે અને ખાનગી સ્તરે નસબંધીનો ખર્ચ મોંઘો પડે છે.
ફીડર્સ માટેની ગાઇડલાઇન્સ
જીવદયાપ્રેમીઓ અથવા કૅટ-ફીડર્સની દાનત સારી હોય છે. તેઓ મૂગાં પ્રાણીઓ ભૂખે ન મરે એ માટે એમને રોટલી, દૂધ કે કૅટ-ફૂડ આપે છે. ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મમાં પણ જીવદયાનું મોટું સ્થાન છે. સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે ફીડિંગ ચોક્કસ જગ્યાએ કે પદ્ધતિસર ન થાય. જો સોસાયટીના ઇલેક્ટ્રિક બૉક્સ પાસે, પાણીની ટાંકી પાસે કે લોકોની અવરજવરની જગ્યાએ ખાવાનું નાખવામાં આવે તો ત્યાં બિલાડીઓની ભીડ ભેગી થાય છે અને ગંદકી ફેલાય છે જે પાડોશીઓ માટે પરેશાનીરૂપ બને છે. એટલે રખડતાં પ્રાણીઓને ખાવાનું ખવડાવવા માટે ચોક્કસ રિસ્પૉન્સિબલ ફીડિંગ ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ જો કોઈ વ્યક્તિ પ્રાણીઓને ખોરાક આપતી હોય તો તેણે નીચેના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે જેથી પાડોશીઓ કે સોસાયટીના લોકોને કોઈ ત્રાસ ન પડે.
૧. ચોક્કસ જગ્યા નક્કી કરવી : સોસાયટી કે વિસ્તારમાં જ્યાં-ત્યાં કે કોઈના ઘરના દરવાજા આગળ, લિફ્ટ પાસે કે બાળકોના રમવાના મેદાનમાં ખાવાનું નાખવું નહીં. સોસાયટીના મૅનેજમેન્ટ સાથે ચર્ચા કરીને કોઈ એક એવો ખૂણો કે નિર્ધારિત જગ્યા નક્કી કરવી જોઈએ જ્યાંથી કોઈને અડચણ ન પડે.
૨. સ્વચ્છતા અને જાગૃતિ : ખાવાનું આપ્યા બાદ ત્યાં પડેલો એંઠવાડ, કચરો કે ડિસ્પોઝેબલ પ્લેટ્સ સાફ કરી લેવાં જરૂરી છે. લાંબા સમય સુધી એંઠવાડ પડ્યો રહેવાથી ઉંદર કે જીવજંતુઓનો ઉપદ્રવ વધી શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
૩. સમયનું પાલન : પ્રાણીઓને ખાવાનું આપવાનો સમય નિશ્ચિત હોવો જોઈએ. સામાન્ય રીતે લોકોની અવરજવર ઓછી હોય ત્યારે એટલે કે વહેલી સવારે અથવા મોડી સાંજે ખોરાક આપવાનું હિતકારક છે જેથી સોસાયટીનાં રમતિયાળ બાળકો કે વડીલોને અડચણ ન થાય.
૪. નસબંધી અને રસીકરણ : બિલાડીઓનું માત્ર પેટ ભરવું પૂરતું નથી. જે ફીડર્સ બિલાડીઓને નિયમિત જમાડે છે તેમની નૈતિક જવાબદારી બને છે કે તેઓ NGO કે BMCની મદદથી એ બિલાડીઓની નસબંધી અને રેબીઝ કે અન્ય રસીકરણ કરાવે, જેથી એમની વસ્તી અનિયંત્રિત રીતે ન વધે.
૫. સાતત્ય જાળવવું : જો તમે કોઈ પ્રાણીઓને નિયમિત ખવડાવવાનું શરૂ કરો છો તો એમાં અચાનક અનિયમિતતા ન લાવવી, કારણ કે અચાનક ખોરાક મળવાનું બંધ થવાથી પ્રાણીઓ આક્રમક બની શકે છે અથવા અન્ય જગ્યાએ ગંદકી કરી શકે છે.
કાયદા મુજબ મૂંગાં પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવો એ દરેક નાગરિકની ફરજ છે અને કાયદાકીય રીતે પ્રાણીઓને ખવડાવવાનો અધિકાર છે, પરંતુ સાથે જ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમારો આ અધિકાર અન્ય નાગરિકોના શાંતિથી જીવવાના હક કે સ્વચ્છતાના અધિકારમાં હસ્તક્ષેપ કરતો હોવો જોઈએ નહીં.
આ સંસ્થાઓ પણ મદદરૂપ થશે
ધ ફીલાઇન ફાઉન્ડેશનની જેમ મિશન કમ્પેશન ફાઉન્ડેશન (સાંતાક્રુઝ), સેવ અવર સ્ટ્રેસ (ખાર), ઑલ અબાઉટ ધેમ ફાઉન્ડેશન (વરલી), ધ બાઈ સાકરબાઈ દિનશા પેટિટ હૉસ્પિટલ ફૉર ઍનિમલ્સ (પરેલ) વગેરેનો સંપર્ક કરી શકો છો. એમની વેબસાઇટ્સ પર કૉન્ટૅક્ટ ડીટેલ્સ અવેલેબલ છે. તમે એના પર કૉલ કરીને વધુ માહિતી મેળવી શકો છો અથવા અપૉઇન્ટમેન્ટ બુક કરી શકો છો.
