Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સંગીતના માધ્યમથી લોકોની પીડા હરવા માગે છે આ વિખ્યાત ગાયિકા

સંગીતના માધ્યમથી લોકોની પીડા હરવા માગે છે આ વિખ્યાત ગાયિકા

Published : 26 June, 2025 02:21 PM | Modified : 26 June, 2025 02:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સર્ટિફાઇડ સંગીત-ચિકિત્સક શ્રદ્ધા શ્રીધરાણી માને છે કે મ્યુઝિક-થેરપીની મન અને શરીર બન્ને પર ડેફિનેટ્લી સકારાત્મક અસર થાય છે

સર્ટિફાઇડ સંગીત-ચિકિત્સક શ્રદ્ધા શ્રીધરાણી

સર્ટિફાઇડ સંગીત-ચિકિત્સક શ્રદ્ધા શ્રીધરાણી


કહેવાય છે કે નાદથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. સંગીતના સાત સૂર સાથે મનુષ્યનો સંબંધ આદિકાળથી જોડાયેલો છે. વેદોની ઋચાઓ, મંત્રો, પૌરાણિક ગ્રંથો લયબદ્ધ રીતે સર્જાયેલાં છે. આજે પણ આપણા ભારતમાં સારા-નરસા લગભગ બધાં જ પ્રસંગો, પર્વો અને ઋતુઓનાં ગીતો મળી આવે છે. સતત કામની વ્યસ્તતા અને દોડતી જિંદગીમાં સંગીત તાણ અને ચિંતામુક્ત કરતું અસરકારક સાધન-માધ્યમ છે. આજે આધુનિક યુગમાં સંગીત ફક્ત મનોરંજન ન રહેતાં એના વિશેષ ગુણધર્મો અને માનવમન પરની ઊંડી અસરને કારણે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા એક ચિકિત્સા-પદ્ધતિ તરીકે પણ સ્વીકારાયું છે.


જાણીતાં ગાયક અને સ્વરકાર શ્રદ્ધા શ્રીધરાણી આ ચિકિત્સા-પદ્ધતિનાં અભ્યાસી છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ચાર વેદમાં સામવેદ સંગીતનો વેદ છે. મંત્ર-ચિકિત્સા, રાગ-ચિકિત્સા આદિકાળથી થતી આવી છે. આજે ફરી મુખ્ય ચિકિત્સા-પદ્ધતિ સાથે વૈકલ્પિક ચિકિત્સા (ઑલ્ટરનેટિવ થેરપી) તરીકે સંગીત-ચિકિત્સાને ઉપયોગમાં લેવાય છે અને આ ચિકિત્સાનાં પરિણામોના વૈજ્ઞાનિક પુરાવા પણ મળ્યા છે. સંગીત-ચિકિત્સા ભલે પૂર્ણ ઉપચાર નથી, પરંતુ એ વૈજ્ઞાનિક ઉપચારપદ્ધતિનાં વધુ સારાં પરિણામો લાવવા માટે ખૂબ જ સહાયરૂપ છે.’



સુમધુર કંઠ ધરાવતાં શ્રદ્ધા શ્રીધરાણી ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે જાણીતું નામ છે. શાસ્ત્રીય સંગીત સાથે તેમનો સ્વર લોકસંગીત, ફિલ્મી સંગીત અને પાશ્ચાત્ય સંગીતમાં પણ કેળવાયેલો છે. તેમણે આદ્યગુરુ હેમચંદ્રાચાર્યનાં આધ્યાત્મિક સ્તવનો અને ગીતો સ્વરબદ્ધ કર્યાં છે તેમ જ કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી (જે તેમના કાકાદાદા છે) અને ચંદ્રકાંત શેઠનાં ગીતોને પણ સ્વરબદ્ધ અને સંગીતબદ્ધ કર્યાં છે. હાલ મુંબઈવાસી શ્રદ્ધાબહેનનો જન્મ ભાવનગરમાં થયો, તેમનું શિક્ષણ ભાવનગરની ગિજુભાઈ બધેકા સ્થાપિત દક્ષિણામૂર્તિ બાળમંદિરથી શરૂ થયું અને પોરબંદરની ઘેડિયા શાળા અને બલુબા કન્યા વિદ્યાલયની યાત્રા કરી બિરલા કૉલેજમાંથી કૉમર્સમાં માસ્ટર્સની ડિગ્રી સાથે પૂરું થયું. શ્રદ્ધાબહેને સંગીતમાં અખિલ ભારતીય ગંધર્વ મહાવિશ્વવિદ્યાલયમાંથી ગુરુમુખી પરંપરા પ્રમાણે (આગરા ઘરાનાના કિશોર શાહના માર્ગદર્શનમાં) સંગીત વિશારદની પદવી પણ પ્રાપ્ત કરી છે. માતા સરોજ શ્રીધરાણી અને પિતા પંકજ શ્રીધરાણી બન્ને સંગીત સાથે જોડાયેલાં એટલે શ્રદ્ધાબહેનને સંગીતના સંસ્કાર તો ગળથૂથીમાંથી મળ્યા છે.


રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી સંગીતક્ષેત્રે નામના મેળવનારાં, દેશવિદેશમાં અનેક ભાષાઓમાં સફળ કાર્યક્રમો કરનારાં અને અનેક રિયલિટી શોમાં પણ કાઠું કાઢનારાં શ્રદ્ધાબહેનને ઑલ ઇન્ડિયા આર્ટ ઍન્ડ મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ તરફથી ‘સંસ્કાર ભારતી’ તથા ‘સંસ્કાર વિભૂષણ’ના ખિતાબ ઉપરાંત મોરારીબાપુના હસ્તે ‘કવિશ્રી રાવજી પટેલ યુવા સંગીત પ્રતિભા અવૉર્ડ’ સહિત અનેક પુરસ્કાર-સન્માનો મળ્યાં છે.


આપણે સૌસાઉન્ડ મૉડલછીએ

સંગીત ફક્ત મનોરંજન નહીં, આત્મરંજન છે; આધ્યાત્મિકતા તરફનો માર્ગ છે એમ જણાવીને શ્રદ્ધા શ્રીધરાણી કહે છે, ‘સંગીત જાણે-અજાણે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા બધાના જીવનમાં વણાયેલું છે. સવારનાં ભજનોથી લઈને લોકગીતો કે ફિલ્મી ગીતો દરેકના જીવનનો એક ભાગ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇનથી લઈને આજના વૈજ્ઞાનિક જે. જે. રાવલ પણ નાદમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિની વાત માને છે. મનુષ્ય આ બ્રહ્માંડનો જ એક અંશ હોવાથી મનુષ્યશરીર પણ આ નાદ કે રવ સાથે સંકળાયેલું છે. એટલે આમ જોતાં આપણે સૌ ‘સાઉન્ડ મૉડલ’ છીએ. સંગીતની આપણા મન અને શરીર પર ઊંડી અસર થાય છે. આપણું શરીર અને મન બન્ને સંગીતના સૂર, તાલ અને લયને પ્રતિસાદ આપે છે.’ 

શું છે સંગીત-ચિકિત્સા?

શ્રદ્ધાબહેન માને છે કે કલાકારને સમાજ પ્રસ્થાપિત કરે છે એટલે કલાકાર સમાજનો ઋણી છે, એટલે જ સંગીતના માધ્યમથી જ સમાજને ઉપયોગી થાઉં એ વિચાર તેમના માટે સંગીત-ચિકિત્સાની દિશામાં પહેલું પગલું બન્યો. વિદેશમાં તો મ્યુઝિક થેરપી બહુ પ્રચલિત છે; ભારતમાં પણ સંગીત-ચિકિત્સા ઉપલબ્ધ છે, પણ લોકોમાં હજી એ વિશે પૂરતી જાણકારી નથી એમ જણાવતાં ૨૦૧૫થી સંગીત-ચિકિત્સા એટલે કે મ્યુઝિક-થેરપી સાથે સંકળાયેલાં શ્રદ્ધાબહેન કહે છે, ‘સંગીત-ચિકિત્સા એટલે સંગીતને શારીરિક-માનસિક કોઈ પણ રોગના ઉપચાર માટે વાપરવાનો પ્રયાસ છે. આપણું શરીર બ્રહ્માંડની ઊર્જાનો એક અંશ છે. સંગીત પ્રસ્તુત થાય છે ત્યારે આપણી આસપાસ એક નવી ઊર્જા ઉદ્ભવે છે. આ ઊર્જાને યોગ્ય દિશામાં વાપરીને માનસિક-શારીરિક સમસ્યાઓ ઉકેલી શકાય છે. સંગીત-ચિકિત્સામાં પણ મંત્ર-ચિકિત્સા, રાગ-ચિકિત્સા, વાદ્ય સંગીત-ચિકિત્સા જેવા પ્રકાર છે. સંગીતના સાત સૂર અને શરીરનાં સાત ચક્ર. આ ચક્રો પર પણ રાગની અસર નીપજે છે. આ ચિકિત્સાની કોઈ આડઅસર નથી અને ન તો એ બીજી ઉપચારપદ્ધતિઓને અવરોધે છે એટલે કોઈ પણ ઉપચારપદ્ધતિ સાથે સંગીત-ચિકિત્સાનો સમન્વય વધુ સારાં પરિણામો આપવામાં સહાયરૂપ થાય છે.’

પોતાના અંગત અનુભવ વિશે શ્રદ્ધાબહેન કહે છે, ‘મારા પિતા ૨૦૧૯-’૨૦માં ડિમેન્શિયા અને પાર્કિન્સન્સ જેવા અસાધ્ય રોગથી ગ્રસ્ત હતા. ડૉક્ટરની દવા સાથે મેં તેમના માટે સંગીત-ચિકિત્સા વૈકલ્પિક ચિકિત્સા તરીકે શરૂ કરી અને ચમત્કારિક પરિણામો મળ્યાં. તેમની ૯૯ ટકા સ્મરણશક્તિ પાછી ફરી. નિષ્ક્રિય અંગોમાં પણ ધીમે-ધીમે પ્રાણ આવ્યા. તેઓ પોતે ગાયક અને સંગીતકાર હોવાથી સંગીત સાથેના ઘનિષ્ઠ સંબંધને કારણે પણ કદાચ તેમના મન અને મસ્તિષ્કે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો.’

ધૈર્ય માગી લેતી પ્રક્રિયા

સંગીત-ચિકિત્સા આપનાર અને લેનાર બન્ને પક્ષે ધૈર્ય માગી લેતી પ્રક્રિયા છે, પણ એનાં પરિણામો ૧૦૦ ટકા મળે છે એમ જણાવીને શ્રદ્ધાબહેન ઉમેરે છે, ‘દરદીને ગમતાં ગીતોથી શરૂ કરીને મંત્ર દ્વારા પણ હીલિંગની પ્રક્રિયા કરી શકાય છે. તિબેટિયન સંગીત, પાશ્ચાત્ય સંગીત, જૅપનીઝ સંગીત પણ આ પદ્ધતિના એક ભાગરૂપે કામ કરે છે. બાળક, યુવા, મહિલા, વૃદ્ધ દરેકને જુદા-જુદા સંગીત દ્વારા અને ઘણી વખત નૃત્યના સમન્વય સાથે મ્યુઝિક-થેરપી અપાય છે. જુદા-જુદા પ્રકારના સંગીતનું જ્ઞાન મારી ચિકિત્સા-પ્રક્રિયામાં વધુ અસરકારક પરિણામો લાવવામાં મદદરૂપ થાય છે. ડિમ્નેશિયા, ડિપ્રેશન જેવી બીમારીઓમાં આ ચિકિત્સાના મારા પ્રયોગો મોટા ભાગે સફળ રહ્યા છે.’

ઊંડાણપૂર્વક સંશોધન

શ્રદ્ધાબહેન સર્ટિફાઇડ સંગીત-ચિકિત્સક છે. તેમણે સરકારી અને બિનસરકારી ભારતીય સંસ્થાઓમાંથી સંગીત ચિકિત્સા-પદ્ધતિના કોર્સ કર્યા છે. આ ઉપરાંત મેલબર્ન મહાવિદ્યાલયમાંથી પણ આ ચિકિત્સા-પદ્ધતિનો ઑનલાઇન સર્ટિફિકેટ કોર્સ કર્યો છે. સ્વયં એક કલાકાર હોવાને કારણે આ વિષયમાં તેઓ વધુ ઊંડાણપૂર્વક સંશોધન કરી રહ્યાં છે. તેમણે રાગ, મંત્ર, ચક્ર, આયુર્વેદિક, જ્યોતિષ, ક્લિનિકલ આ જુદાં-જુદાં પરિબળોને સાંકળીને એક થેરપી-મૉડલ પણ તૈયાર કર્યું છે. દરેક દરદીના રોગ, માનસિક સ્થિતિ, ગમા-અણગમાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાબહેન એક આખી નિર્ધારિત સંગીત ચિકિત્સા-પ્રક્રિયા તૈયાર કરે છે.

સંગીતે મને ઘણું આપ્યું છે, હવે સંગીત દ્વારા સમાજને ઉપયોગી થઈ શકું એ હેતુથી આ દિશામાં વધારે ને વધારે કામ કરીને લોકોની પીડા સંગીતના માધ્યમથી દૂર કરવાના પ્રયાસ કરવા છે એમ જણાવીને શ્રદ્ધાબહેન કહે છે, ‘આમ તો આ ચિકિત્સા-પદ્ધતિ આપણા ભારતીય મૂળમાં રહેલી છે અને છતાં આજે ભારત કરતાં વિદેશી લોકોમાં આ ચિકિત્સા-પદ્ધતિ તરફ વધુ આકર્ષણ છે. બીજું કારણ એ પણ છે કે ભારતમાં બહુ ઓછી સંસ્થાઓમાં આ ચિકિત્સા-પદ્ધતિને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે.’

નોંધનીય છે કે ગયા વર્ષથી શ્રદ્ધા શ્રીધરાણીએ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંગીત મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે સંગીત-ચિકિત્સાનો એક રસપ્રદ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. તેઓ અહીં વિદ્યાર્થીઓને સંગીત ચિકિત્સા-પદ્ધતિ શીખવાડે છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓ તરફથી અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો હોવાથી જો થોડી મહેનત અને સકારાત્મક વલણ ધરાવીએ તો આ ક્ષેત્રનું ભવિષ્ય ઊજળું છે.

સંતોના આશીર્વાદ સાથે કારકિર્દીની શરૂઆત

પોતાની સંગીતસફરની વાત કરતાં શ્રદ્ધાબહેન કહે છે, ‘બાળપણમાં મારાં દાદી મને ભજન ગવડાવતાં. એ પછી એક વખત શાળાકીય સ્પર્ધામાં મમ્મીએ શીખવાડેલું ‘મન મોહન મુરલીવાળા’ ગીત ગાયું હતું. હું દસમા ધોરણ હતી ત્યારે અમારી શાળાના પ્રિન્સિપાલે ‘ગુજરાત રાજ્ય યુવાપ્રતિભા શોધસ્પર્ધા’ માટે મારું નામ સૂચવ્યું અને એ સ્પર્ધા હું જીતી પણ. એ પછી મારા ગુરુ કિશોર શાહના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાત રાજ્ય શાસ્ત્રીય સંગીત સ્પર્ધા’માં પણ વિજેતા રહી.’

સંગીત-સફરની સૌથી સુંદર સ્મૃતિ આનંદભેર યાદ કરતાં શ્રદ્ધાબહેન કહે છે, ‘હજી હું શાળામાં હતી. એ વખતે પોરબંદરમાં કવિ કાગની સ્મૃતિમાં એક કાર્યક્રમનું આયોજન થયું હતું. એમાં મોરારીબાપુ, ભાઈશ્રી રમેશ ઓઝા પણ હાજર હતા. આ કાર્યક્રમમાં મેં પંડિત અહમદ હુસૈન-મહમદ હુસૈનની પ્રસિદ્ધ શારદા સ્તુતિ રાગ માલકૌંસમાં પ્રસ્તુત કરી હતી. આ રાગ બાપુનો પણ પ્રિય રાગ છે. એ વખતે આખા સભામંડપમાં એ રાગનું જાણે આભામંડળ રચાયું. બાપુ અને ભાઈશ્રીએ ખૂબ-ખૂબ આશીર્વાદ આપ્યા હતા. એટલું જ નહીં, બાપુએ એ પછી તલગાજરડામાં હનુમાન જયંતીના કાર્યક્રમમાં ગાવા માટેનું ખાસ આમંત્રણ આપ્યું. એ કાર્યક્રમમાં પંડિત શિવકુમાર શર્મા, પંડિત ગુલામ અલી જેવા ખમતીધર કલાકારો પ્રસ્તુતિ કરવાના હતા. ત્યાં મારી ગવાયેલી પ્રાર્થના સાથે કાર્યક્રમ શરૂ થયો એ મારા માટે બહુ મોટી વાત હતી. આ ઉપરાંત પોરબંદરમાં ભાઈશ્રીએ હરિમંદિરની સ્થાપના કરી એના કાર્યક્રમમાં પણ રોજ હું ભજન ગાતી. એ કાર્યક્રમમાં પણ પંડિત જસરાજ, પંડિત વિશ્વમોહન ભટ્ટ જેવા ગુણીજનો સાથે મને પ્રસ્તુતિ કરવાની તક મળી એ મારા માટે બહુ મોટી ઉપલબ્ધિ હતી.

-અનીતા ભાનુશાલી

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2025 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK