Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નૅરેટિવના નારા : સત્ય શું, કોનું અને કેટલું એ નક્કી કોણ કરશે?

નૅરેટિવના નારા : સત્ય શું, કોનું અને કેટલું એ નક્કી કોણ કરશે?

Published : 22 October, 2026 07:56 AM | Modified : 22 October, 2026 08:00 AM | IST | Mumbai
Jayesh Chitalia

આ આખી રાજકીય ચાલ અને વ્યૂહરચના છે એ એમાં સામેલ થનારામાંથી બહુ જૂજ લોકો સમજી શક્યા છે, જેમાં યુવા વર્ગને હાથા બનાવાયા છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા એના ફેલાવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતું રહ્યું છે. તાત્પૂરતું ભૂલી જઈએ કે આ વિરોધ-આંદોલન કોની સામે છે.

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


તાજેતરના સમયમાં એક શબ્દ આપણા સૌના પર છવાઈ રહ્યો છે એટલું જ નહીં, આપણા પર એ રીતે સવાર થઈ જાય છે કે જો આપણે કાચા રહ્યા તો આપણા વિચારોને બદલી નાખે છે, આપણી માન્યતાઓને અને વિશ્વાસને પણ હલબલાવી દે છે, આપણી વિચારધારાને 
તોડી-મરોડી શકે છે. આ એક જ શબ્દ ઘણી ગંભીર અસરો ઊભી કરે છે. તમને થશે કે અરે, આ એક શબ્દમાં આટલી તાકાત? આટલું જોર? આટલી અસર? શું છે ભાઈ આ શબ્દ? બાય ધ વે, આ શબ્દ છે નૅરેટિવ, કથા, કથાનું સાચું-ખોટું વર્ણન, રજૂઆત વગેરે. આ માત્ર શબ્દ નથી, એક વિચારધારા છે જે બીજાઓની છે પણ લોકોના માનસપટ પર છવાઈ જવા, દેશ અને સમાજના વિશાળ વર્ગ પર અસર કરવા સમર્થ છે. સંભવતઃ આ વાતમાં ક્યાંક અતિશયોક્તિ લાગી શકે, પરંતુ વિષયને સમજવા માટે અતિશયોક્તિ સુધી જવું જરૂરી છે. જીવન અને સમાજ પર છવાઈ રહેલા આ નૅરેટિવ નામના ભૂતને ઓળખવો-સમજવો જરૂરી છે.

 વિચારોનું માઇન્ડમાં ઇન્સ્ટૉલેશન
આટલી લાંબી પૂર્વભૂમિકા બાદ એક સવાલથી વાત માંડીએ. શું આપણે જે વિચારીએ છીએ એ ખરેખર આપણા પોતાના જ વિચારો હોય છે? બરાબર વિચારીને નિખાલસતા સાથે અને પ્રામાણિકતાથી જવાબ આપવો. આપણા વિચારો લાગી શકે, પરંતુ અનેક વિચારો ખરા અર્થમાં આપણા હોતા નથી બલ્કે આપણા પર એક યા બીજા માર્ગે મુકાયેલા કે થોપાયેલા હોય છે. આજની ટેક ભાષામાં કહીએ તો આપણા મનમાં ઇન્સ્ટૉલ કરાતા જાય છે અથવા પોસ્ટ કરાતા જાય છે. એ એટલી અસરકારક રીતે થાય છે કે એ વિચારો જાણે આપણા થઈ જાય છે અથવા આપણા જ લાગે છે. આપણે પોતે પણ માનવા લાગીએ છીએ કે એ આપણા જ વિચારો છે. આ વાતને તાજેતરની ઘટનાઓને દાખલારૂપે બનાવીને સમજીએ તો છેલ્લા અમુક સમયથી દેશમાં જે પ્રકારે વિરોધ-પ્રદર્શન, આંદોલન, કાળો કકળાટ, અરાજકતા ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે એ ચોક્કસ લોકોએ સત્તા-શાસકો (ખરેખર તો રાષ્ટ્ર) વિરુદ્ધ નૅરેટિવ ફેલાવવાનો એજન્ડા તૈયાર કર્યો હોવાનું પ્રતીત થાય છે, જેણે અનેક યુવાઓનાં દિમાગને ગેરમાર્ગે દોરી દીધાં છે. તે યુવાનોને એવું લાગે છે કે તેમને સત્યનું જ્ઞાન થયું, તેમનામાં જાણે રાષ્ટ્રહિત જાગી ગયું, તેઓ વિરોધ કરીને બહાદુરીનું કાર્ય કરી રહ્યા છે, સત્તા સામે અવાજ ઉઠાવવાની બાબતને આપણે ત્યાં બહાદુરી ગણવામાં આવે છે. પછી એ વિરોધ કે અવાજ સાવ જ અર્થહીન, પાયાહીન અને ખોટો-અન્યાયી હોય તો પણ.



આંદોલન કોણ કરી રહ્યા છે એ તો જુઓ
આ આખી રાજકીય ચાલ અને વ્યૂહરચના છે એ એમાં સામેલ થનારામાંથી બહુ જૂજ લોકો સમજી શક્યા છે, જેમાં યુવા વર્ગને હાથા બનાવાયા છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા એના ફેલાવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતું રહ્યું છે. તાત્પૂરતું ભૂલી જઈએ કે આ વિરોધ-આંદોલન કોની સામે છે, પણ એક વાત તો ક્લિયર છે કે એ જેમના દ્વારા અને જે એજન્ડા સાથે ચલાવાઈ રહ્યું છે એ દેશહિતની વિરુદ્ધ છે. તમને થઈ શકે કે અમે કઈ રીતે કહીએ છીએ કે એ દેશ વિરુદ્ધ છે? જવાબ સિમ્પલ છે. તમે જ જોઈ લો, વિરોધ કોણ કરી રહ્યું છે? ક્યાંથી આવી રહ્યો છે? વિરોધ કરનારાનાં સ્થાપિત હિતો સૌની નજર સામે છે. આ વિરોધને દેશમાંથી કોણ-કોણ ટેકો આપી રહ્યું છે? આ આંદોલન માટે જે સપોર્ટ વિદેશોમાંથી મળી રહ્યો છે શું એ પણ એની પોકળતા કે સ્થાપિત હિતો દર્શાવતાં નથી?
બૉલીવુડના કલાકારોનાં પોતાનાં નૅરેટિવ છે. ચારે તરફથી દેશમાં વિવિધ નૅરેટિવ ફેલાવાતાં જાય છે ત્યારે હાલ પ્રજાની કસોટી આકરી બની છે. પ્રજાએ સત્ય અને દેશહિતને ખરા અર્થમાં સમજવું જોઈશે.


સતત જૂઠનું બની જતું સત્ય
બાય ધ વે, આપણે નૅરેટિવ બાબતે માત્ર પૉલિટિક્સની વાત નથી કરવી. અન્ય વિષયો પણ જોઈએ તો કોણ શું બોલે છે, શું સ્ટેટમેન્ટ કરે છે એમાંથી પણ નૅરેટિવ બનતા જાય છે. પ્રશંસા અને ટીકામાંથી પણ નૅરેટિવ જનૅરેટ થાય છે. ભાષા, ધર્મ, જાતિ, વ્યક્તિથી લઈને રાષ્ટ્ર સુધી નૅરેટિવ બનતાં જાય અને સોશ્યલ મીડિયા મારફત વાયુવેગે ફેલાતાં જાય. કોઈ વ્યક્તિ કે પક્ષ ખોટો કે ખરાબ છેનો દિવસ-રાત જાપ ચાલ્યા કરે ત્યારે હિટલરનું જોરદાર વિધાન સૌને યાદ આવવું જોઈએ. એ જ કે એકનું એક જૂઠ કોઈ સતત બોલ્યા જ કરે, ફેલાવ્યા જ કરે તો એ સત્ય લાગવા માંડે છે. આવામાં ચોક્કસ યુવા વર્ગને તેમ જ અશિક્ષિત વર્ગને હાથો બનાવવાનું આસાન બની જતું હોય છે. 

સત્ય આપણી વિવેકબુદ્ધિનું માનીએ
આખરે દેશના વર્તમાન માહોલને ધ્યાનમાં રાખીને એક સામાન્ય નાગરિક તરીકે એ જ કહેવું છે કે આપણે દરેકે સત્ય અને રાષ્ટ્રના પક્ષે રહેવું જોઈએ. જે કથિત સત્ય વિવિધ માધ્યમો મારફત કહેવામાં, ઊભું કરવામાં અને ફેલાવવામાં આવે છે એને માની લેવું નહીં, પણ આપણી પોતાની વિવેકબુદ્ધિ અને સમજણના આધારે આપણું સત્ય જાણવું અને સમજવું. સાચો ભારતીયજન જાણે છે કે દેશના બહાર અને અંદરથી કેટલા, કોણ અને શા માટે દુશ્મનો છે. આવા સમયમાં સાચા દેશપ્રેમીએ વધુ સજાગ, જાગૃત અને સક્રિય બનવું જોઈએ. કોઈ ખોટા નૅરેટિવમાં દોરવાઈને નિર્ણય લેવાઈ જશે તો આપણા હાથે જ રાષ્ટ્રનું ભારે નુકસાન થઈ જશે અને આગામી પેઢીઓ આપણને માફ કરે યા ન કરે, આપણે પોતે પણ આપણને માફ નહીં કરી શકીએ. દુર્જનો સતત સક્રિય છે, સજ્જનો દેશહિતમાં અને સ્વહિતમાં સક્રિય બને એ સમયનો તકાજો છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 08:00 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK