આજની સુપર સ્માર્ટ જનરેશન સામે ટીચર બનીને રહેવું કેટલું પડકારજનક બની ગયું છે? આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે આજના જમાનાના કેટલાક શિક્ષકોને જ આ વિશે પૂછી જોઈએ
ટીચર્સ
એક સમય હતો જ્યારે નાના બાળકને પૂછો કે મોટા થઈને શું બનવું છે તો દસમાંથી સાત બાળકો શિક્ષક બનવા પર પસંદગીનો કળશ ઢોળતાં. એ સમયે શિક્ષકોને વિદ્યાર્થીઓ તરફથી જુદા દરજ્જાનું માનપાન મળતું. આજની સુપર સ્માર્ટ જનરેશન સામે ટીચર બનીને રહેવું કેટલું પડકારજનક બની ગયું છે? આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે આજના જમાનાના કેટલાક શિક્ષકોને જ આ વિશે પૂછી જોઈએ
હવે જ્યારે નૉલેજ માટે સ્ટુડન્ટ્સ ટીચર પર નિર્ભર નથી રહ્યાં ત્યારે ટીચરની જવાબદારી હજીયે વધી જાય છે - રાજવી વોરા
ADVERTISEMENT
તમારી ઉંમર પણ નાની હોય ત્યારે સ્ટુડન્ટ્સ ભૂલી ન જાય કે તમે ટીચર છો એ માટેની લક્ષ્મણરેખા બાંધવી એ આજના સમયનું પડકારજનક કામ છે. સ્કૂલમાં ભણાવી ચૂકેલી અને હવે ગર્લ્સ કૉલેજમાં પ્રોફેસર તરીકે સક્રિય રાજવી વોરા ખાસ ટીચિંગ પ્રોફેશનમાં કરીઅર બનાવવા માટે કલકત્તાથી મુંબઈ શિફ્ટ થઈ ગઈ. ચોવીસ વર્ષની આ ટીચર અઢારથી વીસ વર્ષના સ્ટુડન્ટ્સને ભણાવે છે અને બહુ જ સહજતા સાથે સ્વીકારે છે કે યસ, આજે ટીચિંગ ચૅલેન્જિંગ છે અને એટલે જ હું ટીચર બની છું કારણ કે મને પડકારો ગમે છે. હ્યુમન ડેવલપમેન્ટમાં માસ્ટર્સની ડિગ્રી લઈ લીધા પછી હવે BEdનો અભ્યાસ કરી રહેલી રાજવી કહે છે, ‘મને જ્યારથી અક્કલ આવી કે હું સમજણી થઈ ત્યારથી મને માત્ર અને માત્ર ટીચર જ બનવું હતું. એમાં ઑપ્શન ટૂનો મને ક્યારેય વિચાર જ નથી આવ્યો અને હા, હું મારા એ ડિસિઝનથી ખુશ છું. યસ, આજના સ્ટુડન્ટ્સને હૅન્ડલ કરવા એ કંઈ ખાવાના ખેલ નથી. હું જ્યારે ભણતી ત્યારે ટીચરનો ડર રહેતો અને ટીચર જો પેરન્ટ્સને બોલાવશે તો તેઓ હજી વઢશે એવો ડર ડબલ હતો. આજે એવો કોઈ ડર નથી. બીજું, પહેલાં ઇન્ફર્મેશન કે નૉલેજ માત્ર ટીચર પાસેથી જ મળતાં. આજે તો દરેક પાસે ફોન છે અને અડધી સેકન્ડમાં જે જાણવું હોય એ તેઓ જાણી લે છે એટલે ટીચર તરીકે જ્યારે તમે તેમની પાસે રજૂ થાઓ છો ત્યારે તમારી અંદર કંઈક એક્સ્ટ્રા-ઑર્ડિનરી હોય એ ખૂબ જ જરૂરી છે. યસ, આજે ટીચર માટે રિસ્પેક્ટ લેવલમાં ફરક પડ્યો છે. પણ જો ટીચર ઇમોશનલી સ્ટુડન્ટ્સ સાથે એક રિલેશન બિલ્ડ કરે તો તેઓ તમારી સાથે હાર્ટ-ટુ-હાર્ટ કનેક્શન બનાવી જાણે છે. મને ખબર છે કે ટીચિંગમાં પ્રમાણમાં પે-સ્કેલ કૉર્પોરેટ કરતાં ઓછા હોય એ પછી પણ ટીચિંગમાં જે જૉબ-સૅટિસ્ફૅક્શન મને મળશે એવું બીજે ક્યાંય નહીં મળે.’
આજની પેઢીની લિન્ગોને સમજવા માટે અમારે પણ ઘણીબધી વાર ગૂગલ સર્ચનો સહારો લેતા રહેવું પડે છે - દિશા મહેતા
બોરીવલીમાં રહેતી દિશા ધવલ મહેતા કેમ્બ્રિજ બોર્ડ ધરાવતી સ્કૂલમાં ટીચર છે. ચોથા-પાંચમા ધોરણમાં ભણતાં બાળકોને ભણાવવાં પણ આજના સમયમાં બહુ જ મોટો ટાસ્ક છે. દિશા કહે છે, ‘આ ક્વેશ્ચનિંગ પેઢી છે. તેમની પાસે ખૂબ સવાલો છે અને અધકચરા જવાબો મળી શકે એવાં સાધનો પણ તેમની પાસે છે. તમે તેમની સામે તો ટકશો જો તમે AIથી બહેતર જવાબ આપવાની ક્ષમતા ધરાવતા હો. તેઓ ખૂબ સારા ઑબ્ઝર્વર છે. ઇન ફૅક્ટ, ફિઝિકલ અપિઅરન્સમાં પણ આજે સ્કૂલમાં ટીચર લઘરવઘર જઈ જ ન શકે. તરત જ સ્ટુડન્ટ્સ નોટિસ કરશે અને બોલી પણ લેશે. બીજું, આજની પેઢીની જેન-ઝી સ્લૅન્ગ તમને તમારા વાળ ખેંચવા પર મજબૂર કરે, પણ તમે એનાથી ભાગી નથી શકવાના. તેમની એ સ્લૅન્ગને તમારે સમજતા રહેવું પડશે. ઇન ફૅક્ટ એવું થાય છે કે તેઓ જ્યારે ક્વેશ્ચન પેપરમાં જવાબ લખતા હોય ત્યારે પણ તેઓ sms લૅન્ગ્વેજમાં ન સમજાય એ રીતે લખતા હોય છે. આપણે તેમને ઍડ્વાન્સમાં કહેવું પડે કે આન્સરશીટમાં વૉટ્સઍપ સ્ટાઇલના સ્પેલિંગ નહીં ચાલે. આજની પેઢીને ભણાવવામાં સૌથી મોટો પડકાર છે તેમની એકાગ્રતાને મેળવવાનો. ખરેખર તેમનું કૉન્સન્ટ્રેશન ખૂબ જ ઘટતું જાય છે. તેમને ઍન્ગેજ્ડ રાખવા માટે તમારે સતત અલર્ટ રહેવું પડે. બીજું, તેમને ડર નથી લાગતો. ઊલટાનું હવે સ્ટુડન્ટ્સથી ટીચરો ડરે છે. તમે તેમને પનિશ કરવાનું તો ભૂલી જાઓ, ભૂલ હોય તો સમજાવીને કામ લેવાનું. તેણે કોઈને લાફો મારીને લોહી કાઢ્યું હોય તો પણ ટીચર તરીકે તમારે તમારું કૂલ અકબંધ રાખીને આવું ન કરાય એમ જ કહેવાનું અને ધારો કે ટ્રબલ્ડ ચાઇલ્ડ જ હોય તો સતત તેના માટે એક શૅડો ટીચર રાખવામાં આવે જેનું કામ સતત તેના પર નજર રાખવાનું, પણ તેને સસ્પેન્ડ કરાય એવું ક્યારેય ન બને. ઘણી વાર પેરન્ટ્સ પણ બાળકોને બગાડવાનું કામ કરતા હોય. ધારો કે ક્યારેક ટીચરે તેને કોઈ રિમાર્ક લખી આપી હોય અને બાળક જો ટીચરની જ ફરિયાદ પેરન્ટ્સ પાસે કરે તો તેઓ તરત ઍક્ટિવ થઈને સ્કૂલમાં પહોંચી જતા હોય છે.’ આજની પેઢીની કેટલીક ખાસિયતો વિશે પણ દિશા વાત કરે છે. તે કહે છે, ‘આજની પેઢી પાસેથી તમે ખૂબ શીખો છો. હું પણ ટીચર તરીકે સતત કંઈક નવું શીખી રહી છું. તેઓ ખરેખર ખૂબ શાર્પ છે અને તેમનો આત્મવિશ્વાસ પારાવાર છે. તમે ૪૦૦ લોકોની સામે સ્પીચ આપવાની હોય તો ગભરાઈ જાઓ પણ આ પેઢી નથી ગભરાતી. તેમના કન્સેપ્ટ ક્લિયર છે અને જ્યાં નથી ત્યાં તેઓ ક્લિયર થવા માગે છે.’
એક કલાકના ક્લાસ માટે ત્રણ કલાકની તૈયારી કરીને જાઓ તો ક્લાસ-રૂમમાં ટકી શકો - ચૈતાલી ચંદારાણા
પોતાની ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપની અને કૉર્પોરેટ જૉબ પછી બાર વર્ષ બાદ ટીચિંગમાં આવેલા અને MBAના વિદ્યાર્થીઓને ભણાવતાં ચૈતાલી ચંદારાણા કહે છે, ‘આજની સુપરસ્માર્ટ જનરેશનની સામે ક્લાસરૂમમાં ઊભા રહેવા માટે તમારે સારીએવી તૈયારીઓ સાથે આગળ વધવું પડે છે. આ પેઢીને ડરાવી-ધમકાવીને કન્ટ્રોલ નથી કરી શકતા. સમજણ, ઑનેસ્ટી અને સાથે તેમની પાસે રહેલા રિસોર્સિસ કરતાં એક ડગલું આગળ રહેવાની આવડત જ ટીચર તરીકે તમને સર્વાઇવ કરાવી શકે. વર્ષોનો ટીચિંગનો અનુભવ ધરાવતા ટીચરોને સ્ટુડન્ટ્સને લેક્ચર્સ બંક કરતા કેમ રોકવા એની મથામણ કરતા મેં જોયા છે. તેઓ તમને સવાલ પૂછતાં પહેલાં ચૅટ જીપીટીને પૂછીને પછી તમારી પાસે આવે અને તમારી પરીક્ષા લેતા હોય એમ બિહેવ કરે. તમારો જવાબ જુદો હોય તો દલીલ પણ કરે અને તમારા નૉલેજની સાચી ચકાસણી ત્યારે થાય. મેં મારા ટીચિંગમાં આજની પેઢીના ઍટિટ્યુડને જોઈને ઘણા બદલાવો લાવ્યા. તેમની પાસે ધીરજનું નામોનિશાન નથી એ સમજાયા પછી તેમને ગમે એવી સ્ટાઇલમાં ભણાવવું, ક્લાસરૂમની બહાર ફીલ્ડમાં ભણાવવું. ક્યારેક તમારા સબ્જેક્ટ સાથે સંકળાયેલા સ્પીકર્સના વિડિયો કે એવી ફિલ્મો દેખાડવી. સતત આઉટ ઑફ ધ બૉક્સ વિચારી શકવાની અને એને સ્ટુડન્ટ્સને ગમે એવી શૈલીમાં ઢાળવાની આવડત હોય એ જ આજના જમાનામાં સફળ શિક્ષક બની શકે.’
પેરન્ટ્સને હૅન્ડલ કરવાનું વધારે ચૅલેન્જિંગ છે - સાક્ષી ગોહિલ
કાંદિવલીમાં રહેતી સાક્ષી ગોહિલ અર્લી ચાઇલ્ડહુડમાં ટીચર્સ ટ્રેઇનિંગનો કોર્સ પણ કરી રહી છે અને અત્યારે એક સ્કૂલમાં જુનિયર કેજીનાં બાળકોની ક્લાસ-ટીચર પણ છે. નાનપણથી જ ટીચર બનવાનું ઠાનીને બેસેલી સાક્ષીને નાનાં બાળકોને જ ભણાવવામાં રસ છે અને એમાં તેને મજા પણ આવે છે. જોકે આજની નવી પેઢીમાં બાળકો કરતાં પેરન્ટ્સને ટૅકલ કરવાનું અઘરું છે એમ જણાવીને તે કહે છે, ‘સ્કૂલમાં ભલે સાવ નાનાં બાળકો હોય પણ ટ્યુશનમાં ફિફ્થ સ્ટાન્ડર્ડનાં બચ્ચાંઓ પણ આવે છે અને ખરેખર કહીશ કે આજે પેરન્ટ્સ બાળકોના ભણવામાં અને તેમના ગ્રોથમાં વધુપડતો રસ લેતા થયા છે એ બાબત ટીચરો માટે ઘણી વાર માથાનો દુખાવો બની જતી હોય છે. અફકોર્સ, આજનાં બાળકો સ્માર્ટનેસમાં ભલભલાને પાછળ મૂકી દે એવાં છે અને તેમણે જોયેલું બધું જ તેમને કરવું હોય છે. તેમને તમે ડરાવી-ધમકાવીને રોકી જ ન શકો અને સમજાવવાની પેશન્સ તમારામાં ડબલ હોવી જોઈએ કારણ કે એ પેઢીમાં ધીરજ નામનો ગુણ છે જ નહીં. પણ માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, તેમના પેરન્ટ્સમાં પણ એ ધીરજ નથી. બાળકને ઑલરાઉન્ડર બનાવવાની પેરન્ટ્સની જીદ ઘણી વાર આજના ટીચર્સની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત કરી દેતી હોય છે.’

