આવું વલણ આજે પણ આપણે ત્યાં અકબંધ છે. દેશની માનસિકતામાં બદલાવ આવ્યો છે પણ વ્યક્તિગત રીતે આપણી માનસિકતામાં કોઈ ફરક નથી આવ્યો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અહિંસા ઉપર આપણે એટલોબધો ભાર મૂક્યો કે જાણે અહિંસા જ પૂરેપૂરો અને સાચો ધર્મ હોય એમ એનો પ્રચાર કરવા લાગી ગયા. અહિંસાની પ્રથમ હિંસા શસ્ત્રો પર થઈ. લાખો લોકોને શસ્ત્રવિમુખ કરવામાં આવ્યા. પેઢી-દર પેઢીથી શસ્ત્રવિમુખ થયેલા લોકો ગુલામ થયા. વિદેશીઓના ગુલામ થયા અને સ્વદેશીઓના પણ ગુલામ થયા. અફસોસની વાત તો એ છે કે આપણે ગુલામ પણ થયા અને શસ્ત્રવિમુખ પણ થયા. આપણે જરાસરખું મંથન પણ ન કર્યું કે ગુલામી આવવાનું કારણ શું અને મંથન ન થયું એટલે ગુલામીમાંથી કશો બોધપાઠ પણ ન મળ્યો કારણ કે આપણા મગજમાં ભરી દેવામાં આવ્યું કે આના કરતાં પણ વધુ ભયંકર ગુલામી ભલે આવે પણ એકમાત્ર સાચો ધર્મ શસ્ત્રત્યાગનો પાળવો જ પડશે.
આવું વલણ આજે પણ આપણે ત્યાં અકબંધ છે. દેશની માનસિકતામાં બદલાવ આવ્યો છે પણ વ્યક્તિગત રીતે આપણી માનસિકતામાં કોઈ ફરક નથી આવ્યો. જે આદર્શો પ્રજાને દુર્બળ બનાવે અને દુર્બળતાથી આપોઆપ નમાલાપણું આવે એ આદર્શો શત્રુઓને રાજી કરનારા જ નીવડે. ખરેખર તો પ્રજાને શસ્ત્રત્યાગનો આદર્શ નહીં પણ શસ્ત્રોના દ્વારા થનારાં દૂષણોનો ત્યાગ શિખવાડવાનો હોય. પૂર્વે વારંવાર કહેવામાં આવ્યું છે કે શક્તિ કદી પણ દૂષણ વિનાની હોતી નથી એટલે એનાં દૂષણનો ત્યાગ કરવાનો હોય, સમૂળગી શક્તિનો જ ત્યાગ કરવાનો ન હોય.
ADVERTISEMENT
શસ્ત્રોની સાથે કેટલાંક દૂષણો જોડાયેલાં છે જેની વિગતવાર ચર્ચા કરવા જેવી છે.
તમારી પાસે કુહાડી કે ધારિયું છે. તમે કારણ વિના જે-તે વૃક્ષના થડમાં ટચકા માર્યા કરો તો એ એનો દુરુપયોગ કહેવાય. પણ આવા વગર કારણના ટચકા ન મારો અને જ્યારે ખરી જરૂર પડે ત્યારે જ એનો ઉપયોગ કરો તો એ સદુપયોગ કહેવાય. ખરી જરૂર વખતે તમારી પાસે કશું શસ્ત્ર હોય જ નહીં તો તમે કૂતરાના મોતે મરો યા ગુલામ થાઓ. તમે જરા વિચારો કે એ જરૂરિયાતને સમજવાનો પ્રયાસ પણ થયો નહીં અને એ જ કારણે આપણે સતત બહારના આક્રમણના ભોગ બનતા રહ્યા અને ગુલામ જીવન જીવતા રહ્યા.
અહિંસા જરૂરી છે. જીવદયા હોવી જ જોઈએ અને સંભવ હોય ત્યાં સુધી એનું પાલન કરવું જ રહ્યું, પણ અહિંસાના નામે જો માણસ જાત પર હિંસા કરતો થઈ જાય કે પછી માઈકાંગલો બનીને ગરીબડી ગાય જેવું વર્તતો થઈ જાય તો એ ખોટું છે અને આપણે ત્યાં આ ખોટી વાતને સાચી માનવાની ભૂલ સમાજથી માંડીને રાજકારણ એમ તમામ ક્ષેત્રમાં થઈ રહી છે.

